ક્લેમેન્તી, મુત્ઝિયો

January, 2010

ક્લેમેન્તી, મુત્ઝિયો (જ. 24 જાન્યુઆરી 1752, રોમ, ઇટાલી; અ. 10 માર્ચ 1832, એવેશેમ, વૉર્સેસ્ટરશાયર, બ્રિટન) : પિયાનોવાદનના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઇટાલિયન પિયાનિસ્ટ તથા સંગીત-નિયોજક. ક્લેમેન્તી નવ વરસની ઉંમરે ઇટાલીમાં ઑર્ગનવાદક તરીકે નિમણૂક પામ્યા. બાર વરસની વયે તેમણે પોતાની પ્રથમ સંગીતરચના એક ઑરેટોરિયો લખી. સોળેક વરસની ઉંમરે લંડન જઈ પિયાનિસ્ટ તરીકે અને સંગીતનિયોજક તરીકેની કારકિર્દી શરૂ કરી; જેમાં તેમને અનાયાસે પહેલેથી સફળતા અને ખ્યાતિની પ્રાપ્તિ થઈ. પિયાનોવાદનની તેમની પદ્ધતિ એટલી વખણાઈ કે તે ‘ફાધર ઑવ્ પિયાનો’ નામે ઓળખાયા. 1777થી 1780 સુધી તેમણે લંડન ખાતેના ‘ઇટાલિયન ઑપેરા’માં સંચાલક (‘કન્ડક્ટર’) તરીકે કામ કર્યું. 1780માં તેમણે પૅરિસ, સ્ટ્રાસ્બર્ગ, મ્યૂનિક અને વિયેનાની મુલાકાત લીધી. વિયેનામાં મહાન અને પ્રસિદ્ધ પિયાનિસ્ટ તથા સંગીતનિયોજક વુલ્ફગેન્ગ એમેડિયસ મૉત્સાર્ટ સાથે તે પિયાનોવાદનની હરીફાઈમાં ઊતર્યા તથા તેમાં વિજયી થયા. મૉત્સાર્ટ સાથે તેમને દોસ્તી થઈ. લંડન પાછા ફરીને તેમણે પિયાનોવાદન, પિયાનોવાદનના શિક્ષણ અને સંગીતનિયોજનની કારકિર્દીમાં વીસ વરસ વિતાવ્યાં.

મુત્ઝિયો ક્લેમેન્તી

ક્લેમેન્તીએ લખેલી સિમ્ફનીઓ ખોવાઈ ગઈ છે; પરંતુ તેમના પિયાનો સૉનાટાને કારણે આજે પણ તેઓ પ્રસિદ્ધ છે. આજે પણ તે વગાડવામાં આવે છે. પિયાનો માટેની કૃતિ ‘ગ્રેડુસ એડ પેર્નાસમ’ તેમની શ્રેષ્ઠ રચના ગણાય છે.

અમિતાભ મડિયા