ક્રિપ્સ યોજના (1942) : ભારતના સ્વાતંત્ર્ય અંગે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર તરફથી સૂચવાયેલી યોજના. 22 માર્ચ, 1942ના રોજ બ્રિટનની આમની સભાના નેતા સર સ્ટૅફર્ડ ક્રિપ્સ હિંદની રાજકીય મડાગાંઠ ઉકેલવા નવી દરખાસ્તો લઈને દિલ્હી આવ્યા. જુદા જુદા રાજકીય પક્ષો સાથે મંત્રણા કર્યા બાદ ક્રિપ્સે પોતાની દરખાસ્તો જાહેર કરી. તેમણે જણાવ્યું કે હિંદને એક સંસ્થાન તરીકે રાષ્ટ્રસમૂહના અન્ય દેશોના દરજ્જે સ્થાન આપવામાં આવશે. યુદ્ધ પૂરું થતાં જ હિંદનું નવું બંધારણ ઘડવા માટે બંધારણસભાની રચના કરવામાં આવશે. તેમાં દેશી રાજ્યો પણ પોતાના પ્રતિનિધિઓ મોકલી શકશે. આ પ્રમાણે ઘડેલા બંધારણનો બ્રિટિશ સરકાર નીચેની શરતોએ અમલ કરશે : (1) કોઈ પ્રાંત આ બંધારણ ન સ્વીકારે તો તેની વર્તમાન બંધારણીય સ્થિતિ ચાલુ રાખી શકશે અને કેન્દ્રમાં પાછળથી જોડાઈ શકશે. તે પ્રાંત માટે સરકાર અલગ બંધારણ ઘડીને તેને અલગ સંસ્થાનનો દરજ્જો આપી શકશે. (2) બ્રિટિશ સરકાર અને બંધારણસભા વચ્ચે તમામ સત્તા હિંદીઓના હાથમાં સોંપવા અંગે સંધિ કરવામાં આવશે. તેમાં ધાર્મિક લઘુમતીઓના રક્ષણની જોગવાઈ પણ થશે. બ્રિટિશ રાષ્ટ્રસમૂહના દેશો સાથેના હિંદના સંબંધો વિશે કોઈ અંકુશો મુકાશે નહિ.

આ યોજનાનો સ્પષ્ટ ઇનકાર કરતાં મહાત્મા ગાંધીજીએ તેને નાદાર બનતી બૅંક ઉપરના ભાવિની કોઈ તારીખના ચેક તરીકે ગણાવી હતી. હિંદના સર્વ રાજકીય પક્ષોએ તેનો અસ્વીકાર કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ