ક્રિપ્ટૉન (Kr) : આવર્ત કોષ્ટકમાં 0 સમૂહ(ઉમદા વાયુઓ)ના નિષ્ક્રિય વાયુરૂપ (અધાતુ) રાસાયણિક તત્વ. ગ્રીક શબ્દ ક્રિપ્ટૉસ (hidden) પરથી તેને નામ મળેલું છે. 1898માં સર વિલિયમ રામ્સે અને મૉરિસ ડબ્લ્યૂ. ટ્રાવર્સે પ્રવાહી હવાના નિસ્યંદન દરમિયાન નિયૉન અને ઝિનૉનની સાથે તેને શોધી કાઢ્યો. તે હવા કરતાં આશરે ત્રણગણો ભારે છે અને રંગવિહીન, વાસવિહીન અને સ્વાદરહિત વાયુ છે. કુદરતી વાયુઓમાં તેમજ જ્વાળામુખીમાંથી નીકળતા વાયુઓમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે, પણ પૃથ્વીના વાતાવરણના આશરે દશ લાખ ભાગમાં એક ભાગ જેટલો ક્રિપ્ટૉન મળી આવે છે. કુદરતમાંથી મળી આવતો ક્રિપ્ટૉન છ સ્થિર સમસ્થાનિકો [84Kr 56.9 %, 86Kr 17.37 %, 82Kr 11.56 %, 83Kr 11.55 %, 80Kr 2.27 %, 78Kr 0.35 %]નો બનેલો હોય છે. તેના 20 વિકિરણધર્મી સમસ્થાનિકો જાણીતા છે જે યુરેનિયમના વિખંડન (fission) દરમિયાન મળી આવે છે. તેમાં 85Kr 10.76 વર્ષનું અર્ધઆયુષ્ય (half-life) ધરાવે છે. તેનું ગ.બિંદુ -156.6° સે. અને ઉ.બિંદુ 152.30° સે. છે. 0° સે. તાપમાને તેની વાયુઘનતા 3.733 ગ્રામ / લિટર છે. તેનું ઇલેક્ટ્રૉનીય બંધારણ [Ar]d104s24p6 છે. તેને નિષ્ક્રિય વાયુ ગણવામાં આવતો હોવા છતાં તેનાં KrF2, હાઇડ્રેટ અને ક્લૅથ્રેટ સંયોજનો જેવાં સંયોજનો બનાવી શકાયાં છે. વર્ણપટમાં તે તેજસ્વી, લીલા અને નારંગી રંગથી પારખી શકાય છે. 1960થી પૅરિસમાં રાખેલા Pt-Irના 1 મીટરની લંબાઈવાળા સળિયાને એકમ તરીકે ગણવાને બદલે સ્થાયી 86Krની દ્વારા ઉત્સર્જિત પ્રકારના નારંગી-લાલ ઘટકની તરંગલંબાઈને મીટર માટે પ્રમાણભૂત ગણવામાં આવે છે (1 મીટર = 1,650,763.73 આ તરંગલંબાઈ). પ્રવાહી હવામાંથી ક્રિપ્ટૉનને ઔદ્યોગિક રીતે મેળવવાની મુશ્કેલી અને તેની ઊંચી કિંમત તેના ઉપયોગ માટે અવરોધરૂપ સાબિત થયેલ છે. તે પ્રતિદીપ્ત (fluorescent) અને ઉદ્દીપ્ત (incandescent) દીવામાં તેમજ ફોટોગ્રાફીમાં અને સ્ફુર-દીપ(flash lamp)માં વપરાય છે. વિકિરણધર્મી 85Kr ધાતુની સપાટી પરની ખામી શોધવામાં વપરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી