ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી – રશિયા

ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ક્રિમિયાના દ્વીપકલ્પમાં, સમુદ્રની સપાટીથી 560 મીટરની ઊંચાઈએ ક્રિમિયન પર્વત પર આવેલી રશિયાની વેધશાળા. ભૌગોલિક સ્થાન : 44° 43′ 42″ ઉ. અ. અને 34° 01′ પૂ. રે. મૉસ્કોના સ્ટર્નબર્ગ ઍસ્ટ્રૉનૉમિકલ ઇન્સ્ટિટ્યૂટનું દક્ષિણાભિમુખ નિરીક્ષણ-મથક પણ લગભગ આ જ સ્થળે આવેલું છે. વળી અમુક અંશે ક્રિમિયન વેધશાળાની સાથે સંકળાયેલી હોવાથી, આ વેધશાળા ક્યારેક ‘સ્ટર્નબર્ગ ઍસ્ટ્રૉનૉમિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑબ્ઝર્વેટરી’ના નામે પણ ઓળખાય છે.

વેધશાળાનું સ્થળ અગાઉ ક્રિમિયામાં જ હતું પણ આજે છે ત્યાં નહિ, તે એના છેક દક્ષિણ કંઠારે આવેલા સિમિઝ પાસે હતું અને એ કાળે એટલે કે વીસમી સદીના આરંભે તે લેનિનગ્રાડ પાસે આવેલી પુલ્કોવો ખાતેની ‘મેઇન ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી’ સાથે સંકળાયેલી હતી. 1839માં સ્થપાયેલી પુલ્કોવો વેધશાળા ખાતે ઘણાં નોંધપાત્ર સંશોધનો થયાં, પરંતુ લેનિનગ્રાડનું હવામાન ખગોળીય નિરીક્ષણો માટે બહુ અનુકૂળ ન હતું. આથી રશિયાના દક્ષિણ પ્રદેશમાં કોઈ વેધશાળા સ્થાપવાના આશયથી 1906માં સિમિઝની પાસે આવેલા કોશ્કા નામના નાનકડા ગામની પસંદગી કરવામાં આવી. પુલ્કોવોના દક્ષિણ નિરીક્ષણ-મથકની સ્થાપના આમ 1912માં થઈ. અહીં એક મીટરનું ટેલિસ્કોપ મૂકવાનો નિર્ણય લેવાયો, પણ એ મૂકવામાં ખાસ્સાં ચૌદેક વર્ષ નીકળી ગયાં અને 28 મે 1926ના રોજ અહીં મૂકવામાં આવેલા એક મીટરના ટેલિસ્કોપ વડે સૌપ્રથમ ફોટો લેવામાં આવ્યો. ‘સિમિઝ ઑબ્ઝર્વેટરી’ ખાતેથી અનેક નિરીક્ષણો-સંશોધનો થયાં; પરંતુ આ સ્થળ પણ ખગોળીય નિરીક્ષણો માટે જોઈએ તેવું અનુકૂળ ન હતું. તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વેધશાળાનાં ઉપકરણોને સારી પેઠે નુકસાન પણ થયું હતું. એટલે નવેસરથી કોઈક નવા જ સ્થળે અને નવા જ નામે આ વેધશાળા બાંધવાનો નિર્ણય લેવાયો (1946). આમ ક્રિમિયામાં હાલના સ્થળે વેધશાળાને ખસેડવામાં આવી અને 1948માં તે કામ કરતી થઈ. આ સાથે જ ‘સિમિઝ ઑબ્ઝર્વેટરી’નું સમારકામ પણ કરવામાં આવ્યું અને ત્યાં કેટલાક પ્રકાશીય તેમજ રેડિયો પ્રકારના ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા. આ બંને વેધશાળાઓને જોડી દઈને ‘ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી’ એવું એક નવું જ નામ આપવામાં આવ્યું અને તેનું સંચાલન તે વખતના યુનિયન ઑવ્ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ(USSR)ની વિજ્ઞાન-અકાદમીને હસ્તક રાખ્યું.

BTS-1 સોલર-ટેલિસ્કોપ, ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી

સૌર તેમજ તારક વર્ણપટવિદ્યા(spectroscopy)માં અગ્રેસર ગણાતી આ વેધશાળા નીચે મુજબના ચારેક વિભાગમાં વહેંચાયેલી છે : સૌર અને ગ્રહીય ભૌતિકી (solar and planetary physics), તારક અને નિહારિકીય ભૌતિકી (stellar and nebular physics), રેડિયો-ખગોળવિજ્ઞાન અને પ્રાયોગિક ખગોળ-ભૌતિકી (experimental astrophysics).

સૂર્યનો અભ્યાસ કરતી રશિયાની આ એક અતિ મહત્વની વેધશાળા છે. અહીં 40 સેમી.નું સોલર-ટાવર-ટેલિસ્કોપ છે તથા ખગ્રાસ સૂર્યગ્રહણ વગર પણ સૂર્યના વાયુમંડળ કે વાતાવરણ અર્થાત્ કિરીટ યા કિરીટાવરણ(corona)નો અભ્યાસ કરી શકાય તે માટેનું લિયોટ પ્રકારનું ‘કિરીટચિત્રક’ (coronagraph) છે. [આ શોધ 1930માં ફ્રાન્સના બર્નાર્ડ લ્યોટ (1897-1952) નામના ખગોળશાસ્ત્રીએ કરેલી.]

નિહારિકાઓ જેવા દૂરના ઝાંખા આકાશી પદાર્થોના નિરીક્ષણ માટે 264 સેમી.નું પરાવર્તક છે, જે 1960થી કાર્યરત છે. બીજા વિશ્વયુદ્ધથી તે 1952 સુધી આ વેધશાળાના નિયામક તરીકે રહેલા એક ખગોળશાસ્ત્રીના નામ પરથી આ પરાવર્તકને ‘Grigori Abramovich Shajn’ કહે છે. સ્થાપનાસમયે યુરોપભરનું તે મોટામાં મોટું પરાવર્તક દૂરબીન ગણાતું હતું. તેવી જ રીતે, 125 સેમી.નું એક બીજું પરાવર્તક દૂરબીન પણ આવેલું છે, જે તારાઓના અભ્યાસમાં પ્રયોજાય છે. આ ઉપરાંત શ્મિટ ટેલિસ્કોપનું સુધારેલું રૂપ કહેવાય એવું દર્પણ અને લેન્સ એમ બંનેનો ઉપયોગ કરતું વિશિષ્ટ અને 1944માં રશિયન અને ડચ સંશોધકે એકમેકથી સ્વતંત્રપણે જેની રચના કરી હતી તે માક્સુતોવ ટેલિસ્કોપ પણ અહીં ગોઠવેલું છે. 1958થી કાર્ય કરતું 65 સેમી.નું આ માક્સુતૉવ, દુનિયાનાં આ પ્રકારનાં મોટાંમાં મોટાં દૂરબીનો પૈકીનું એક છે. વળી 40 સેમી. તથા 13 સેમી.ના લેન્સયુક્ત અપવર્તક (refractor) પ્રકારનાં દૂરબીનો તથા અન્ય અનેક નાનાંમોટાં પ્રકાશીય દૂરબીનો અહીં મૂકેલાં છે. 40 સેમી.નું આ અપવર્તક દૂરબીન ઍસ્ટ્રોગ્રાફ એટલે કે આકાશી છબીઓ લેવા માટેનું એક વિશિષ્ટ દૂરબીન છે.

આંતરતારકીય વાયુ અને ગ્રહોના અભ્યાસ માટે 22 મીટરની ‘ડિશ’ ધરાવતું રેડિયો-ટેલિસ્કોપ છે, જે 1967થી કાર્યરત છે, તો સૂર્યના જ અભ્યાસ માટે 7 મીટર અને 4 મીટરની ‘ડિશ’ ધરાવતાં બે રેડિયો-ટેલિસ્કોપ પણ અહીં છે. 22 મીટરનું આ રેડિયો-ટેલિસ્કોપ સિમિઝ ખાતે છે.

આ વેધશાળાનો પ્રાયોગિક ખગોળ-ભૌતિકી વિભાગ ખગોળવિજ્ઞાન ઉપરાંત, અંતરિક્ષ ઉડ્ડયનો સાથે પણ સંકળાયેલો છે. રશિયાનાં અંતરિક્ષ યાનોમાં મૂકવાનાં ઉપકરણોની રચના તથા યાનોની કક્ષા વગેરેની ગતિવિધિઓ પર ધ્યાન રાખવાની કામગીરી આ વિભાગ સંભાળે છે; જેમ કે ‘લ્યુનોખોદ-2’ યાનની અંદર મૂકેલું ‘ફોટોમિટર’ અહીં બનાવવામાં આવ્યું હતું. આ ફોટોમીટર ચંદ્ર ઉપરના આકાશમાંના પ્રકાશની તીવ્રતા માપતું હતું. ઉપરાંત કેટલીક મહત્વની અન્ય કામગીરી પણ આ વિભાગ સંભાળે છે.

ક્રિમિયામાં આવેલું યેવપેતોરિયા અહીંથી બહુ દૂર નથી, જ્યાં રશિયાનાં અંતરિક્ષ યાનોનું ટ્રૅકિંગ અને નિયમન કરતું મથક આવેલું છે.

સુશ્રુત પટેલ