કૌશામ્બી : પ્રાચીન વત્સ દેશની રાજધાની. ભારતપ્રસિદ્ધ આ ઐતિહાસિક નગરી પ્રયાગથી નૈર્ઋત્ય દિશામાં લગભગ 60 કિમી. દૂર યમુના નદીના ઉત્તર કાંઠે વસેલી હતી જ્યાં હાલ કોસમ નામનું ગામ આવેલું છે. પ્રાચીન કાળમાં આ નગર કૌશામ્બીનગર કે કૌશામ્બીપુરી અને રાજ્ય કૌશામ્બી મંડલ કહેવાતું. ચંદ્રવંશી રાજા કુશામ્બુએ આ નગરી વસાવેલી હોવાથી તે કૌશામ્બી તરીકે ઓળખાઈ. રાજા નેમિચક્રના વંશે અહીં 22 પેઢી સુધી શાસન કરેલું. ગંગા નદીના પૂરથી નષ્ટ થયેલ હસ્તિનાપુરને છોડી પાંડવોના વંશજ ચક્રે કૌશામ્બીને પોતાની રાજધાની બનાવી હતી એવો ઉલ્લેખ સાંપડે છે. વૈદિક સાહિત્ય તેમજ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યમાં આ નગરીનો ઉલ્લેખ ઘણી જગાએ મળે છે.
ભગવાન બુદ્ધના સમયમાં ત્યાં ઉદયન રાજા રાજ્ય કરતો હતો. તે જમાનામાં આ નગર સમૃદ્ધ હતું. ભગવાન બુદ્ધ પોતે આ નગરીમાં અનેક વાર પધારેલા. તેમના માટે ત્યાં બે વિહારો પણ બાંધવામાં આવેલા. તેમાંથી એક ઘોષિતારામ નામક વિહારના અવશેષો ઉત્ખનનમાંથી પ્રાપ્ત થયા છે.
મૌર્ય સમ્રાટ અશોકે કૌશામ્બીને રાજકીય કેન્દ્ર બનાવેલું. ત્યાંના કિલ્લામાં અશોકના શાંતિસંદેશવાળો શિલાસ્તંભ હતો, જે હાલ અલ્લાહાબાદના કિલ્લામાં મૂકેલો છે.
શુંગ વંશની સત્તા દરમિયાન માટીની સુંદર મૂર્તિઓ બનાવવાના કેન્દ્ર તરીકે આ નગરનો વિકાસ થયેલો. તેના અભ્યાસ પરથી તત્કાલીન વેશભૂષા તથા રહેણીકરણી વિશે ઘણું જાણવા મળે છે. ગુપ્ત શાસકોના સમયમાં આ નગરનો પ્રભાવ ચાલુ રહ્યો.
પ્રાચીન કૌશામ્બીના સ્થળે હાલ વસતા કોસમ ગામની વસાહતના ઉત્ખનનમાંથી હજારો કલાપૂર્ણ મૂર્તિઓ તથા મણકા, મઘ વંશના રાજાઓના લેખો અને સિક્કા, ગુપ્તકાલીન કલાવસ્તુઓ, રમકડાં, લોખંડનાં સાધનો, વિવિધ બાંધકામોના કિલ્લેબંધી અવશેષો તેમજ યજ્ઞવેદી મળી આવ્યાં છે. ભારતીય યજ્ઞપરંપરાની શ્યેનચિતિના આ અવશેષો તેમજ બુદ્ધના સમકાલીન અવશેષોને લીધે કૌશામ્બી જાણીતું છે. તેમાંના ઘણા અવશેષો પ્રયાગ વિશ્વવિદ્યાલયના કૌશામ્બી કક્ષમાં હાલ સુરક્ષિત છે.
કૌશામ્બીના વાર્તાસાહિત્ય પરથી અવંતી, વત્સ, કાશી, મગધ આદિ રાજ્યોના સંબંધો અને પ્રવૃત્તિઓની કલ્પના થઈ શકે છે.
જી. પ્ર. અમીન
ર. ના. મહેતા
રામજીભાઈ સાવલિયા