કૌંડિન્ય (રાજા) : હિંદી ચીનમાં પ્રથમ શતાબ્દી દરમિયાન હિંદુ રાજ્ય કંબુજ(કંબોડિયા)ના સ્થાપક. એક અનુશ્રુતિ પ્રમાણે કૌંડિન્યને કોઈ દેવતાએ સ્વપ્નમાં દર્શન આપીને ધનુષ સાથે સમુદ્રયાત્રા કરવા પ્રેર્યા, તે જહાજ દ્વારા ફુનાન પહોંચ્યા અને નાગરાણી સોમા સાથે લગ્ન કર્યાં. ત્યાંના લોકોને વસ્ત્રપરિધાન કરતાં શીખવ્યું. કહેવાય છે કે દ્રોણના પુત્ર અશ્વત્થામાએ આપેલ ભાલું જમીનમાં ખૂંતાડી ત્યાં શહેર વસાવી કંબુજના નવા રાજ્યની તેમણે સ્થાપના કરી. બીજા મંતવ્ય પ્રમાણે ઇન્દ્રપ્રસ્થના રાજા આદિત્યસેનના તે પુત્ર હતા. તેમના વંશજોના શાસન દરમિયાન કંબોડિયાના રાજ્યનો ખૂબ વિકાસ થયો હતો. તેમના રાજ્યમાં કોચીન-ચીન અને દક્ષિણ કંબોડિયાનો સમાવેશ થયો હતો. તેમના વંશજોએ સો વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.

શિવપ્રસાદ રાજગોર