કૌંડિન્ય (વૃત્તિકાર)

કૌંડિન્ય (વૃત્તિકાર) : પ્રાચીન સંસ્કૃત વૃત્તિકાર. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય સંહિતા કે તત્સંબદ્ધ કોઈ ગ્રન્થના વૃત્તિકાર તરીકે કૌંડિન્યના નામના ઉલ્લેખો પરવર્તી શ્રૌત અને ગૃહ્યસૂત્રોમાં મળે છે, પણ તે સિવાય તેની વૃત્તિ કે તે અંગેનું સાહિત્ય ઉપલબ્ધ નથી. વળી બૌધાયન ગૃહ્યસૂત્ર(3.9.5)માં કૌંડિન્યને વૃત્તિકાર કહ્યો છે જ્યારે તૈત્તિરીય કાંડાનુક્રમણીમાં કુંડિનને વૃત્તિકાર કહ્યો છે. તેથી વૃત્તિકાર કુંડિન હશે કે કૌંડિન્ય એ વિશે સંદેહ ઊભો થયો છે. કુંડિન વસિષ્ઠ ગોત્રનો મંત્રકાર અને પ્રવર છે જ્યારે કૌંડિન્ય માત્ર વૃત્તિકાર છે. એ બંને ભિન્ન છે. પણ કૌંડિન્ય એ કુંડિનના ગોત્રાપત્ય સંબંધે कौण्डिन्य एव कुण्डिन: – એમ અભેદ સંબંધે કુંડિન કહેવાયો હશે એવું અનુમાન કરી શકાય. હિરણ્યકેશીશ્રૌતસૂત્ર અને બૌધાયન ગૃહ્યસૂત્રના ઉલ્લેખો અનુક્રમણી કરતાં વધારે પ્રાચીન હોઈ કૌંડિન્યને વૃત્તિકાર માનવો ઉચિત લાગે છે.

ગૌતમ પટેલ