કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ)

January, 2008

કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ) (જ. 1494; અ. 1574) : સંસ્કૃત વ્યાકરણ-ટીકાકાર. તે સારસ્વત કુળના કાશીનિવાસી બ્રાહ્મણ હતા. તેમના પિતા રંગોજી ભટ્ટ હતા. ‘સિદ્ધાંતકૌમુદી’ના વિશ્વવિખ્યાત રચયિતા વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિત તેમના કાકા થતા હતા. તેમણે શેષકૃષ્ણના પુત્ર શેષવીરેશ્વર (સર્વેશ્વર) પાસે વ્યાકરણનું સઘન અધ્યયન કર્યું હતું. ભટ્ટોજી દીક્ષિતના ‘વૈયાકરણસિદ્ધાંતકારિકા’ (72 કારિકા) નામના લઘુગ્રંથ પર (બૃહદ) ‘વૈયાકરણભૂષણ’ અને તેના સારરૂપે ‘વૈયાકરણભૂષણસાર’ એમ બે ટીકાઓ તેમની છે. આ બંને ટીકાગ્રંથોમાં પાણિનીય વ્યાકરણના દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. તેમની શૈલી ક્લિષ્ટ છે. પૂર્વપક્ષની દલીલો આગળ તે મહાભાષ્ય કે ભર્તૃહરિનાં વચનોની ઢાલ ધરી દે છે. તેના 14 અધ્યાયો (નિર્ણયો) પૈકી ધાત્વર્થનિર્ણય (1) અને સ્ફોટનિર્ણય (14) મહત્વના અધ્યાયો ગણાય છે. વ્યાકરણના અર્થવિચારવિષયક (દાર્શનિક) સિદ્ધાંતોનો અભ્યાસ કૌંડ ભટ્ટના ગ્રંથોથી પુનર્જીવિત થયો છે.

જયદેવ જાની