કોહિનૂર

January, 2008

કોહિનૂર : ભારતનો અતિમૂલ્યવાન જગપ્રસિદ્ધ હીરો. ઈ. સ. 1526માં ગ્વાલિયરના સદગત રાજા વિક્રમજિતના કુટુંબ પાસેથી હુમાયૂંને તે કૃતજ્ઞતાપૂર્વક ભેટ મળ્યો હતો. હુમાયૂંએ તે હીરો બાબરને આગ્રામાં આપ્યો એવો ઉલ્લેખ ભારતીય વિદ્યાભવનના ‘ધ મુઘલ એમ્પાયર’ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. બાબરે તેના પ્રસિદ્ધ સંસ્મરણ ‘બાબરનામા’માં આગ્રાના વિજયમાં એક ખૂબ કીમતી હીરો મળ્યાનો ઉલ્લેખ કર્યો છે. તે સંભવત: કોહિનૂર હોઈ શકે. કોહિનૂર ઔરંગઝેબની પાસે હતો એમ નિશ્ચિત રૂપે જાણવા મળે છે. ઈ. સ. 1739માં નાદિરશાહે દિલ્હીમાં લૂંટ કરી ત્યારે મુઘલ બાદશાહોની અતિમૂલ્યવાન વસ્તુઓ સાથે કોહિનૂરને તે ઈરાન લઈ ગયો. ઈ. સ. 1747માં નાદિરશાહની કતલ થઈ. તે પછી નવા શાસક અહમદશાહ અબ્દાલી પાસે તે હીરો આવ્યો. તેના પૌત્ર શાહ શૂજાને કાબૂલ છોડીને પંજાબના શીખ મહારાજા રણજિતસિંહના આશ્રયે જવું પડ્યું ત્યારે તેણે 1813માં તે હીરો રણજિતસિંહને આપ્યો. રણજિતસિંહના મૃત્યુ બાદ, અંગ્રેજોએ શીખોને હરાવીને 1849માં પંજાબ ખાલસા કર્યું ત્યારે અંગ્રેજો કોહિનૂર હીરો લાહોરથી ઇંગ્લૅન્ડ લઈ ગયા અને રાણી વિક્ટોરિયાને ભેટ આપ્યો. તે રાણીના તાજમાં લગાવવામાં આવ્યો. હાલમાં તે ઇંગ્લૅન્ડના તાજમાં છે. એમ માનવામાં આવે છે કે કોહિનૂર અશુભ હીરો છે અને તેના માલિકને તેનાથી નુકસાન થાય છે.

જયકુમાર ર. શુક્લ