કોહિમા : નાગાલૅન્ડના સરહદી રાજ્યની રાજધાની તથા જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° . 40´ ઉ. અ. અને 94°.07´ પૂ. રે.. કોહિમા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 3144 ચોકિમી. છે અને તેની વસ્તી 2,70,063 (2011) હતી. કોહિમા જિલ્લામાં અંગામી, ઝેલિયાન્ગ, રેંગના અને કિકુની નામની જાતિના આદિવાસીઓ રહે છે. પૂર્વ સરહદે નાગાલૅન્ડ, મણિપુર અને પછી મિઝોરમ રાજ્ય મ્યાનમારની સાથે ભૂમિ સરહદ ધરાવે છે. વિશિષ્ટ નાગ જાતિના લોકો અહીં વસે છે. પર્વતની પીઠ ઉપર વસેલું આ શહેર સમુદ્રની સપાટીથી 1523.15 મી.ની ઊંચાઈએ આવેલું છે. ‘કોહિમા’ અપભ્રંશ શબ્દ છે. ખરો શબ્દ કિયુ-હી-મિયા છે, જેનો અર્થ છે ‘કિયુહી’ના લોકો. કિયુહી અહીંના જંગલવિસ્તારમાં થતા વિશિષ્ટ પ્રકારના છોડ છે.

કોહિમા – પહાડી શહેર

આ પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું પહાડી શહેર છે. આ શહેરની દક્ષિણે 3046.30 મી. ઊંચી માઓ સોંગસાંગ પર્વતમાળા અને પશ્ચિમમાં પુલબદ્જ અને જાખો પર્વત આવેલા છે. તેની ઉત્તરે છદેમા અને જસ્સામી પર્વત અને ગાઢ જંગલવિસ્તાર છે. નાગા પર્વતમાળા મ્યાનમાર અને ભારત વચ્ચે નાગાલૅન્ડની સરહદ પણ બનાવે છે.

નાગલોકો તેમની વિશિષ્ટ વેશભૂષા, રીતરિવાજો અને લોકપ્રણાલી માટે જાણીતા છે. નાગાલૅન્ડ પર્વતીય રાજ્ય હોવાથી મોટે ભાગે ત્યાં ભૂમિરસ્તે વાહનવ્યવહાર ચાલે છે. માત્ર એક દિમાપુરનગર આસામ સાથે રેલમાર્ગે જોડાયેલ છે.

મહેશ મ. ત્રિવેદી