કોહલ (ઈ. પૂ. પહેલી સદી ?) : પ્રાચીન નાટ્યાચાર્ય. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતના શિષ્ય કે પુત્ર મનાતા. તેમના ઉલ્લેખો નાટ્યશાસ્ત્ર, ‘અભિનવભારતી’માં તથા અન્યત્ર પણ સાંપડે છે.

કોહલકૃત નાટ્યશાસ્ત્રીય ગ્રંથ જોકે સમગ્રપણે પ્રાપ્ત નથી, પરંતુ તાલાધ્યાય પ્રાપ્ત થાય છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તારતંત્રની રચના કોહલે કરી હશે તેમ જણાય છે. તે ઉપરાંત, તે ‘તાલલક્ષણ’ નામે સંગીતવિષયક ગ્રંથના રચયિતા પણ મનાય છે. ‘કોહલીય અભિનયશાસ્ત્ર’ નામે ગ્રંથ પણ પ્રાપ્ત છે, જેમાં કોહલના સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું મનાય છે. તે કદાચ કોહલની કૃતિના ભાગરૂપ હોઈ શકે કે તેનું સંક્ષિપ્ત રૂપ હોઈ શકે. તેર અધ્યાયવાળો ‘રાગવિષયક કોહલરહસ્ય’ નામે ગ્રંથ પણ તેમનો મનાય છે.

તપસ્વી નાન્દી