કોલ્હટકર ચિંતામણરાવ ગણેશ

January, 2008

કોલ્હટકર, ચિંતામણરાવ ગણેશ (જ. 1891, સાતારા; અ. 1959) : મરાઠી લેખક અને ચરિત્રનટ. તેમણે બળવંત સંગીત નાટક મંડળીની સ્થાપના કરી હતી. અભિનયકળા માટે એમને ભારત સરકારે 1957માં રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક તથા રંગમંચની સેવાઓ બદલ સંગીતનાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. કોલ્હટકર, ગડકરી, બેડેકર, વરેરકર ઇત્યાદિ સમકાલીન નાટકકારો સાથે તે ગાઢ સંપર્કમાં આવ્યા હતા. એમણે લખેલ આત્મકથા ‘બહુરૂપી’(1957)માં પોતાની કારકિર્દીને મહત્વ આપવાને બદલે નાટકના ક્ષેત્રના માંધાતાઓ સાથેનો તીવ્ર સંઘર્ષ એમણે ચિત્તાકર્ષક રીતે વર્ણવ્યો છે. એ પુસ્તકને 1958માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

લલિતા મિરજકર