કોલ્હટકર ભાઉરાવ

January, 2008

કોલ્હટકર, ભાઉરાવ : (જ. 9 માર્ચ 1863, વડોદરા; અ. 13 ફેબ્રુઆરી 1901, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક અને નટ. પિતા બાપુજી અને માતા ભાગીરથીબાઈ. શિક્ષણ વડોદરા ખાતે. ત્યાં જ પોલીસ કમિશનરની કચેરીમાં કારકુન. સુંદર રૂપ, મધુર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયક હોવાથી. વિખ્યાત મરાઠી નાટ્યકાર બળવંત પાંડુરંગ કિર્લોસ્કર(1843-1885)ના આમંત્રણથી મરાઠી સંગીતનાટકોમાં સ્ત્રીભૂમિકા કરવા માટે 1882માં ‘કિર્લોસ્કર નાટક મંડળી’માં તે દાખલ થયા. કિર્લોસ્કરના ‘શાકુન્તલ’ નાટકમાં શકુન્તલા (1882), ‘સૌભદ્ર’ નાટકમાં સુભદ્રા (1883) તથા ‘રામરાજ્યવિયોગ’ નાટકમાં મંથરા(1884)ની સ્ત્રીભૂમિકાઓએ ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી. સુભદ્રાની ભૂમિકા તેમણે સતત ચૌદ વર્ષ (1883-97) ભજવી હતી. વિખ્યાત મરાઠી નાટકકાર ગોવિંદ બલ્લાળ દેવલ(1855-1916)ના ‘વિક્રમોર્વશીય’ નાટકમાં તેમણે ઉર્વશી(1889)ની ભૂમિકા ભજવ્યા પછી દેવલના જ ‘શાપસંભ્રમ’ નાટકમાં પુંડરીક (1893), ‘મૃચ્છકટિક’ નાટકમાં ચારુદત્ત (1895), ‘શારદા’ નાટકમાં કોદંડ (1899) અને ‘વીરતનય’ નાટકમાં શૂરસેન (1896) એમ તેમણે ભજવેલાં પુરુષપાત્રો લોકપ્રિય બન્યાં હતાં. અભિનય અને ગાયન આ બંનેનો ઉત્કૃષ્ટ સુમેળ તેમની ભૂમિકાઓમાં જોવા મળતો.

ભાઉરાવ કોલ્હટકર

1885 પછી તે ‘કિર્લોસ્કર નાટક મંડળી’ના ભાગીદાર બન્યા અને મરાઠી સંગીત રંગભૂમિની પરંપરા જાળવી રાખવામાં તથા તેને સમૃદ્ધ બનાવવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે