કૉલ્વિટ્ઝ કૅથે

January, 2008

કૉલ્વિટ્ઝ, કૅથે (જ. 1867, કૉનિગ્સ્બર્ગ, જર્મની; અ. 1945, બર્લિન જર્મની) : આધુનિક જર્મન મહિલા-ચિત્રકાર અને શિલ્પી. તેમની કલાકૃતિઓમાં માનવજાતિની યાતનાઓ અને પીડા પ્રત્યે તીવ્ર સહાનુભૂતિ જોવા મળે છે. તેમના પતિ કાર્લ દલિતો, પીડિતો અને ગરીબોની સારવાર કરતા દાક્તર હતા. જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારો ઑટો ડીક્સ અને જ્યૉર્જ ગ્રોઝ સાથે મળીને કૉલ્વિટ્ઝે ‘જર્મન સોશિયલ રિયાલિસ્ટ્સ’ નામ હેઠળ કલાજૂથ રચ્યું;

પણ કૉલ્વિટ્ઝ ટૂંક સમયમાં જ તેમનાથી જુદાં થઈ ગયાં. કટાક્ષ અને વ્યંગ્યના ભાવોની અભિવ્યક્તિ અન્ય બે ચિત્રકારોને પસંદ હતી, પણ કૉલ્વિટ્ઝને નહિ. પોતાના એક પુત્રનો પ્રથમ વિશ્વયુદ્ધે ભોગ લેતાં પીડિતો પ્રત્યેની કૉલ્વિટ્ઝની સહાનુભૂતિ વધી ગઈ હતી.

કૅથે કૉલ્વિટ્ઝ

પ્રથમ  વિશ્વયુદ્ધ પછી 1928માં પ્રશિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં. નાઝી હકૂમતે સત્તા કબ્જે કરતાં 1933માં તેમને આ પદેથી દૂર કરવામાં આવ્યાં. નાત્ઝી હકૂમતે તેમનો સ્ટુડિયો અંદર રહેલાં ઘણાં ચિત્રો સહિત બાળી મૂકેલો. 1943માં મિત્ર રાજ્યો (બ્રિટન, ફ્રાંસ, અમેરિકા, રશિયા) દ્વારા કરવામાં આવેલી બૉમ્બવર્ષામાં તેમનું ઘર નષ્ટ થઈ ગયું. ચિત્રો ઉપરાંત તેમણે પથ્થરો અને કાંસામાંથી શિલ્પો પણ કંડાર્યાં છે, જેમાં ભૂખમરાથી બેહાલ માનવી પ્રત્યેની અનુકંપા જોવા મળે છે.

અમિતાભ મડિયા