કોલાર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે. 13° 08′ ઉ.અ. અને 78° 08′ પૂ.રે. 8,223 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાની પશ્ચિમ તરફ બેંગલોર અને તુમ્કુર જિલ્લા આવેલા છે, જ્યારે બાકીની બધી સીમા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોથી ઘેરાયેલી છે; ઉત્તર અને પૂર્વ તરફ અનુક્રમે આંધ્ર પ્રદેશના અનંતપુર અને ચિત્તુર જિલ્લા જ્યારે દક્ષિણ તરફ તામિલનાડુના ઉત્તર આર્કટ અને ધરમપુરી જિલ્લા આવેલા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ લગભગ 135 કિમી. જેટલી છે. આ જિલ્લામાં સુવર્ણધારક ખનિજોનું ખાણકાર્ય થતું હોવાથી તેને ભારતની સુવર્ણભૂમિ કહે છે. જૂના વખતમાં કોલારનો પ્રદેશ ‘કોલાહલા’, ‘કુવાલલા’ અને ‘કોલાલા’ જેવાં જુદાં જુદાં નામોથી ઓળખાતો હતો.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ મૈસૂરની પઠારભૂમિથી બનેલું છે. તેની સીમા પર પૂર્વઘાટની ટેકરીઓ આવેલી છે. અહીં નંદીદુર્ગની હારમાળા નંદીથી શરૂ કરીને ઉત્તર તરફ આંધ્રપ્રદેશના પેનુકોન્ડા અને ધર્માવરમ્ તરફ ચાલી જાય છે. નંદીદુર્ગ હારમાળાને સમાંતર ટેકરીઓની હાર આવેલી છે, જે ચિત્રાવતી અને પાપાઘની ખીણોને અલગ પાડે છે મુરુગમાલ, અંબાજીદુર્ગ અને રહેમાનદુર્ગ જેવાં છૂટાં છૂટાં શિખરો આ ટેકરીઓમાં જોવા મળે છે. ત્રીજી હાર નાના નાના ટેકરાઓથી રચાયેલી છે.

જળપરિવાહ : જિલ્લાની નદીઓ નાની અને મોસમી છે. પલર, ઉત્તર પિનાકિની અને દક્ષિણ પિનાકિની અહીંની મુખ્ય નદીઓ છે. તેમની સહાયક નદીઓમાં અર્કાવતી, ચિત્રાવતી, નાંગીહોલ, કુંદર, કુશાવતી, માર્કેંડેય, પાપાઘની, વૃષભવતી અને વર્દમાનહોલનો સમાવેશ થાય છે.

કોલાર

ખેતી : જિલ્લાનું અર્થતંત્ર કૃષિઆધારિત છે. આશરે 40% જેટલા ભાગમાં વાવેતર થાય છે. સિંચાઈ હેઠળના ભાગમાં કૂવાઓના પાણીથી અને બાકીના ભાગમાં તળાવોના પાણીથી સિંચાઈ થાય છે. ખેડાણ ભૂમિને પિયતવાળી અને બાગાયતી પ્રકારોમાં વહેંચેલી છે. આ ઉપરાંત જિલ્લાના લગભગ બધા જ તાલુકાઓમાં ખાદ્ય પાકો, શેરડી, શેતૂર, તમાકુ, કેરી, ખાટાં ફળો અને દ્રાક્ષનું ઉત્પાદન પણ છે.

પશુપાલન : ખેતીના વ્યવસાયની સાથે પશુપાલન પણ થાય છે. સિંચાઈવાળી જમીનોમાં કુદરતી ખાતર તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. દૂધ અને કુદરતી ખાતર પશુઓ દ્વારા મળતી આડપેદાશો છે. આ ઉપરાંત જિલ્લામાં ઘેટાં-બકરાં, ડુક્કર તથા મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. સિંચાઈ માટેનાં તળાવોમાં મત્સ્યપાલન પણ કરવામાં આવે છે.

ઉદ્યોગો : દેશમાં ઉત્પન્ન થતા સોના પૈકી 99%થી પણ વધુ સોનું કોલારનાં સુવર્ણ-ક્ષેત્રોમાંથી મેળવાય છે. 1885ના અરસામાં અહીં સોનાનું ઉત્પાદન લેવાનું શરૂ કરવામાં આવેલું. બાંગરાપેટ તાલુકામાંથી ગ્રૅફાઇટયુક્ત મૃદ મળે છે, તે પેન્સિલ બનાવવામાં તેમજ ભઠ્ઠીઓની દીવાલોમાં ઉષ્માવરોધક તરીકે ઉપયોગમાં લેવાય છે. ગૌરીબિદનૌર તાલુકામાંથી અપઘર્ષકો બનાવવા માટે કોરંડમ મળે છે.

ઔદ્યોગિક દૃષ્ટિએ કોલાર જિલ્લો વિકસેલો છે. કોલાર સુવર્ણ-ક્ષેત્રોવાળા શહેરી વિસ્તારમાં ભારત ગોલ્ડ માઇન્સ લિ. અને ભારત અર્થ મુવર્સ લિ. (ટ્રૅક્ટરો માટે) જેવા બે મુખ્ય ઉદ્યોગો આવેલા છે. કોલાર, ચિકાબેલાપુર, ચિંતામણિ અને કોલાર સુવર્ણ-ક્ષેત્રો ખાતે ઔદ્યોગિક વસાહતો આવેલી છે.

નાના પાયા પરના ઉદ્યોગોમાં ઇજનેરી ઑટોમોબાઇલ, લોખંડ અને લાકડાનું રાચરચીલું, કૃષિ-ઓજારો, ઘરવપરાશનાં વાસણો, ઈંટો અને નળિયાં, સ્લેટની પેનો, લાટીઓ, રેશમી દોરા વીંટવાનાં રીલ અને અગરબત્તી બનાવવાનાં કામ; હાથસાળનું વણાટકામ વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લામાં રેશમનો ઉદ્યોગ વિકસ્યો છે.

વેપાર : જિલ્લામાં ખાદ્યાન્ન, કાપડ, ખાદ્ય તેલ, સિમેન્ટ, બાંધકામ માટેની લોહ-પોલાદની સામગ્રી, ચૉક-પાઉડર, પૅરેફિન વૅક્સ અને રેશમના દોરાની આયાત કરવામાં આવે છે. નિકાસી ચીજવસ્તુઓમાં સોનું, અગરબત્તી, સિંગતેલ, રેશમના કોશેટા, વણેલું રેશમ, દીવાસળી, બીડી, ખાંડ, ગોળ, ટ્રૅક્ટરો, સિમેન્ટની પાઇપો, શાકભાજી અને ફૂલોનો સમાવેશ થાય છે. ચિંતામણિ, ચિકાબેલાપુર અને બંગારાપેટ અહીંનાં મહત્વનાં વેપારકેન્દ્રો છે. જિલ્લાનાં બધાં જ શહેરોમાં વાણિજ્ય અને સહકારી તેમજ ભૂમિવિકાસ બૅંકોની શહેરોમાં સુવિધા છે. ખેતીની પેદાશોના ખરીદ-વેચાણ માટે ખરીદ-વેચાણ સંઘની વ્યવસ્થા છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની ગૂંથણી સારી છે. ચેન્નાઈ-બૅંગલોરને જોડતો જૂનો ટ્રંક-માર્ગ હવે રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ફેરવાયો છે. તે કોલાર શહેરમાંથી પસાર થાય છે. બીજો રાષ્ટ્રીય ધોરી માર્ગ બૅંગલોર-બેલારીને સાંકળે છે. આ ઉપરાંત બૅંગલોર-કડાપ્પા, ચિંતામણિ-બાગેપલ્લી અને બૅંગલોર-હિંદુપુર જેવા રાજ્ય ધોરી માર્ગો પણ છે. જિલ્લામાં આશરે 3,600 કિમી.ની લંબાઈના માર્ગોની સુવિધા છે.

કોલારમ્મા મંદિર

પ્રવાસન : જિલ્લામાંનાં જોવાલાયક સ્થળોમાં કેલાવરા (Kalavara)  ટેકરી-હારમાળા પરના કિલ્લાનાં ખંડિયેર તથા કેટલાંક જાણીતાં મંદિરોમાં લક્ષ્મી-નરસિંહ, સુબ્રહ્મણ્ય અને શિવલિંગ ધરાવતું સુબ્રહ્મણ્યેશ્વરનું મંદિર, પ્રાચીન ચેન્નાકેશવનું મંદિર, વીરભદ્ર અથવા ચીનાપ્પા(સ્થપતિ)ના મંદિરનો સમાવેશ થાય છે. જિલ્લામાં ગૌરી બિદનુર, મુલબાગલ, સિદલાઘાટા અને શ્રીનિવાસપુર જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

વારતહેવારે અહીં વિવિધ ઉત્સવો તેમજ મેળાઓનું આયોજન થાય છે. કેટલાક લોકો કઠપૂતળીઓના ખેલ પણ કરે છે. દિવાળી અને નવરાત્રિના ઉત્સવો ખૂબ ધામધૂમથી થાય છે. ઉનાળામાં ખુલ્લાં મેદાનોમાં રામાયણ અને મહાભારતનાં નાટકો ગ્રામીણ વિસ્તારોમાં થતાં રહે છે.

વસ્તી : 2011 મુજબ કોલાર જિલ્લાની વસ્તી 15,40,231 જેટલી હતી. અહીં મુખ્યત્વે કન્નડ, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. હિંદુઓ, મુસ્લિમ વસ્તી મુખ્ય છે. જિલ્લામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કૉલેજો છે. ચિંતામણિ શહેરમાં પૉલિટૅકનિક તથા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓ નજીકમાં બેંગલોર ખાતે છે. તબીબી સેવાની સગવડો જિલ્લાનાં શહેરો અને ગામોમાં છે.

ઇતિહાસ : 15મી અને 16મી સદી દરમિયાન વિજયનગર સામ્રાજ્યનો વહીવટ સરદારો કરતા હતા. 1565માં વિજયનગર સામ્રાજ્યનું પતન થતાં મોટાભાગના સરદારો સ્વતંત્ર બન્યા.

1350થી 1760 સુધી ગુમાનાયકનાપલ્યના સરદારોએ બેગાપલ્લીના પ્રદેશ પર, 1418થી 1760 સુધી ગૌડા વંશના સરદારોએ, કોલારના પ્રદેશ પર તથા 1478થી 1762 સુધી અવાતી વંશના સરદારોએ શાસન કરેલાં. 16મી સદીમાં ડાકુ સરદારો આ પ્રદેશોમાં રંજાડ કર્યા કરતા હોવાથી 1639માં શાહજીના પ્રભુત્વ હેઠળ બીજાપુરના લશ્કરે આ પ્રદેશને પોતાને હસ્તક કરી લીધેલો. તેના વંશજોના શાસન દરમિયાન મુઘલ સરદાર ખાસિમખાને આ પ્રદેશને જીતી લીધેલો અને આશરે 70 વર્ષ તેમનું શાસન રહેલું. તે પછી થોડો વખત મરાઠાઓનું વર્ચસ્ રહ્યું. 1760, 1761 અને 1762માં હૈદરઅલીએ આ પ્રદેશો જીતીને પોતાને હસ્તક કરેલા. 1768માં બ્રિટિશરોએ મુલબાગલ અને કોલારનો કબજો મેળવેલો. 1770માં મરાઠાઓએ તેને ઘેરી લીધેલો, પરંતુ 1791માં બ્રિટિશરોએ (લૉર્ડ કૉર્નવાલિસે) આ પ્રદેશ પર જીત મેળવી, તેમ છતાં 1792માં તે પાછો સુપ્રત કર્યો. 1799માં ટીપુ સુલતાનનું પતન થતાં અંગ્રેજોએ આ પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું, પરંતુ વર્ચસ્ જળવાઈ રહે એ રીતે તેમણે આ પ્રદેશ મૈસૂરના વાડિયારોને સોંપેલો. ત્યારથી કોલાર મૈસૂર રાજ્યનો એક ભાગ રહેલું. આઝાદી પછી કોલાર કર્ણાટક રાજ્યના એક ભાગરૂપ છે.

કોલારનાં સુવર્ણક્ષેત્રો : ભારતમાં મળી આવતાં ગણ્યાંગાંઠ્યાં સુવર્ણક્ષેત્રો પૈકી કર્ણાટક રાજ્યમાં આવેલું કોલારનું સુવર્ણક્ષેત્ર સુવર્ણપ્રાપ્તિ માટેનું અત્યંત મહત્વનું ક્ષેત્ર ગણી શકાય. કોલારનું સુવર્ણક્ષેત્ર ‘કોલાર શિસ્ટ પટ્ટા’ તરીકે ઓળખાતા, 80 કિલોમીટર લાંબા અને 3થી 4 કિલોમીટર પહોળા શિસ્ટ ખડકપટ્ટાની મધ્યમાં આવેલું છે. જૂના વખતમાં પણ સુવર્ણપ્રાપ્તિ માટે અહીં ખનનકાર્ય કરવામાં આવતું હતું તેની પ્રતીતિ આ ક્ષેત્રમાં એક જ હારમાં ગોઠવાયેલા જોવા મળતા ખાડા અને ઢગલા પરથી થઈ શકે છે.

કોલારનાં સુવર્ણક્ષેત્રો દક્ષિણ ભારતમાંના વિશાળ વિસ્તારને આવરી લેતા દ્વીપકલ્પીય પ્રિ-કૅમ્બ્રિયન નાઇસ ખડકસંકુલ પૈકી નિમ્ન ધારવાડ વયના ગણાતા ઍમ્ફિબોલાઇટ ખડકપટ્ટામાં આવેલાં છે. કોલાર શિસ્ટપટ્ટો મૂળભૂત અગ્નિકૃત ખડકોમાંથી વિકૃતિ પામીને બનેલા ઘેરા રંગના હૉર્નબ્લેન્ડ શિસ્ટ ખડકોના બંધારણવાળો છે, જેમાં પછીથી ડૉલરાઇટનાં સમાંતર અંતર્ભેદનો થયેલાં છે. આ ઍમ્ફિબોલાઇટ ખડકો શિસ્ટવત્ પત્રબંધીવાળા, છાંટવાળા, રેસાદાર, દાણાદાર એમ વિવિધ સ્વરૂપભેદવાળા છે. આ પટ્ટાની પશ્ચિમ કિનારી 15 કિલોમીટર લંબાઈવાળી, તૂટક લોહયુક્ત ક્વાર્ટ્ઝાઇટની વીક્ષાકાર (lens like) પટ્ટીઓ તેમજ કાર્બનદ્રવ્યયુક્ત પટ્ટીઓથી બનેલી છે, જ્યારે પૂર્વ કિનારી ચૅમ્પિયનની તેમજ સ્વયંચૂર્ણ કૉંગ્લૉમરેટથી બનેલી છે. તાજેતરમાં આ પટ્ટાના દક્ષિણ છેડે યેરા કૉન્ડા નજીક આર્થિક મહત્વવાળી સુવર્ણ ખનિજશિરાઓ શોધી કાઢવામાં આવી છે જેનો વિકાસ થઈ રહ્યો છે. સ્તરવિદ્યાની દૃષ્ટિએ આ પ્રાદેશિક ખડકજૂથને ‘કોલાર ઍમ્ફિબોલાઇટ શ્રેણી’ તરીકે ઓળખાવાય છે.

આ શ્રેણી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશાકીય ડાઇકનાં અંતર્ભેદનોવાળી નાનામોટા અસંખ્ય સ્તરભંગોની અસરવાળી છે. આખોય પટ્ટો અધોવાંક (syncline) પ્રકારની ગેડ રચનાવાળો છે અને ખડકસ્તરોમાં ઘનિષ્ઠ કોણીય ગેડ અને અતિગેડ ઉત્પન્ન થયેલી છે, સાથે સાથે તાણયુગ્મબળપ્રેરિત ફાટશિરાઓ વિકાસ પામેલી છે જેને પરિણામે શિરાઓમાંનો ક્વાર્ટ્ઝ ખેંચાઈને દાણાદાર બની ગયેલો છે. આ ખડકોમાં સ્તરવિદ્યા (stratigraphic) અને સંરચના-(structural)નાં લક્ષણોને સમાંતર તૈયાર થયેલી ફાટશિરાઓમાં સુવર્ણયુક્ત ખનિજ-નિક્ષેપની પૂરણી થયેલી છે, જે પૈકીની કેટલીક સુવર્ણ-ક્વાર્ટ્ઝ શિરાઓ તો કેટલીક સુવર્ણયુક્ત ક્વાર્ટ્ઝ સલ્ફાઇડ શિરાઓ છે. આ રીતે ધાતુખનિજ શિરાઓના સ્થાનીકરણ પર, ઉપર પ્રમાણેનાં સ્તરવિદ્યાનાં તેમજ સંરચનાત્મક પરિબળો કાબૂ ધરાવતાં હોવાનું જણાયું છે. તેથી સુવર્ણયુક્ત ખનિજશિરાઓનું વિતરણ મહદંશે ખડકોની સ્તરરચનાવિષયક સંપર્કસપાટીઓમાં થવા પામ્યું છે. આ ઉપરાંત ગેડની અક્ષ સ્તરભંગોને સમાંતર ચાલી જતી હોવાથી સુવર્ણપ્રાપ્તિસ્થિતિ માટે આ સંજોગ અત્યંત અનુકૂળ બની રહેલો છે.

કાચમય દેખાવવાળા ભૂરા રાખોડી ક્વાર્ટ્ઝમાં સોનું મળી આવે છે. ખનનકાર્યયોગ્ય અને ઉપજાઉ શિરાઓ ચૅમ્પિયન રીફ, ઓરિયેન્ટલ શિરાઓ તેમજ તેમની શાખાઓ પૂરતી મર્યાદિત છે. આ વિભાગમાં ખાણકાર્ય પુરજોશમાં ચાલે છે અને આખાયે ક્ષેત્રનું અર્ધું ઉત્પાદન તેમાંથી મળી રહે છે. સમગ્ર ક્ષેત્રની આ ઊંડામાં ઊંડી ખાણ છે, જે 3353 મીટરની ઊંડાઈ ધરાવે છે. ફાટશિરાઓમાંથી સોનું ખોદી કાઢવામાં આવે છે. 6.4 કિલોમીટરની લંબાઈમાં અત્યારે થઈ રહેલું ખાણકાર્ય ચૅમ્પિયન રીફ, મૈસૂર ખાણ અને ઉત્તરે આવેલી નંદીદુર્ગ ખાણ પૂરતું મર્યાદિત છે. શિરાના વિવિધ ભાગો ક્યાંક પાતળા તો ક્યાંક જાડા થતા જોવા મળે છે. ચૅમ્પિયન ધાતુખનિજશિરાનો ઉપજાઉ વિભાગ મૈસૂર ઉત્તર-સ્તરભંગની બંને બાજુએ વહેંચાઈ ગયેલો છે.

ચૅમ્પિયન ખાણનું સુવર્ણઊપજ-પ્રમાણ સારું હોવા છતાં ઊંડાઈએ જતાં ઘટતું ગયેલું છે. સોનાની સાથે ચાંદીનું આનુષંગિક પ્રમાણ 1:13ના ગુણોત્તરમાં છે. જિયોલોજિકલ સરવે ઑવ્ ઇન્ડિયાએ કરેલાં તાજેતરનાં શારકામોમાંથી જાણવા મળ્યું છે કે સુવર્ણ સાથે ચાંદી, તાંબું, જસત અને કોબાલ્ટનાં સલ્ફાઇડ થોડા પ્રમાણમાં છે. એકલી કોલારની સુવર્ણખાણોનું ઉત્પાદન 95% થાય છે, જ્યારે ભારતની અન્ય ખાણોનું ઉત્પાદન 5% જેટલું જ છે. 1950ના દાયકામાં આ સુવર્ણક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે.

કોલારનાં સુવર્ણક્ષેત્રની કુલ ધાતુખનિજસંપત્તિનો અંદાજ 3.8 મિલિયન ટન આંક્યો છે, જેમાંથી 31,545 કિગ્રા. સોનું મેળવી શકાય તેમ છે.

હેમન્તકુમાર શાહ

ગિરીશભાઈ પંડ્યા