કોલા દ્વીપકલ્પ : ભૂતપૂર્વ સોવિયેટ રશિયાના મુરમાન્સ્ક જિલ્લામાં આવેલ શ્વેત સમુદ્ર અને બેરેન્ટ સમુદ્રને જુદા પાડતો ઉત્તર ધ્રુવ પ્રદેશમાંનો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 67° 30′ ઉ.અ. અને 37°. 00′ પૂ.રે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 375 કિમી., ઉત્તર-દક્ષિણ પહોળાઈ 305 કિમી. અને ક્ષેત્રફળ 1,00,000 ચોકિમી. છે, અહીંના આર્કિયન કાળના ગ્રૅનાઇટ અને નાઇસ ખડકોમાંથી ખનિજો પ્રાપ્ત થાય છે. અહીં અસંખ્ય સરોવરો છે. નદીઓના પ્રવાહોમાં પ્રપાતોને કારણે જળવિદ્યુતમથકો છે. શિયાળો લાંબો અને ખૂબ જ આકરો હોય છે. ઉનાળો ટૂંકો અને ઠંડો હોય છે. ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશમાં લીલ, શેવાળ નાનાં બર્ચ વૃક્ષો વગેરે જોવા મળે છે.

મચ્છીમારી મુખ્ય ઉદ્યોગ છે. અંદરના ભાગમાં રહેતા લૅપ લોકો રૅન્ડિયરો પાળે છે. ફર અને માંસનું ઉત્પાદન લેવાય છે. જંગલ વિસ્તારમાં લાકડાં વહેરવાનો ઉદ્યોગ છે. આ પ્રદેશનું સૌથી મોટું શહેર અને બંદર મુરમાન્સ્ક ગરમ સમુદ્રપ્રવાહને કારણે બરફમુક્ત બારું ધરાવે છે.

શિવપ્રસાદ રાજગોર