કૉલેટ, સિદોની ગાબ્રિયેલ (જ. 28 જાન્યુઆરી 1873, સેંટ ઓવુર એન-પ્યુસે; અ. 3 ઑગસ્ટ 1954, પૅરિસ) : ફ્રેન્ચ લેખિકા. માનવમનની આંતરિક સૃષ્ટિનું અવગાહન કરવાની સૂક્ષ્મ સૂઝ તથા અત્યંત તાશ ઇન્દ્રિયપરક કલ્પનો આલેખવાના સામર્થ્યને કારણે ખૂબ નામના પામ્યાં છે. શૈલીની વિશેષતાથી નોંધપાત્ર બનેલી તેમની નવલકથાઓમાં કામુક વૃત્તિઓ તથા ઉત્કટ ઇન્દ્રિયગત અનુભવો તેમજ પ્રકૃતિ પ્રત્યેનો અને વિશેષ કરીને પુષ્પો તથા પ્રાણી પ્રત્યેનો સમભાવ તરી આવે છે.

સિદોની ગાબ્રિયેલ કૉલેટ

માતાના મમતાભર્યા શિરછત્ર હેઠળ કૉલેટની બાલ્યાવસ્થા સુખમાં વીતી હતી. માતાનો આ પ્રભાવ તેમની નવલકથાઓમાં સિદોના પાત્રરૂપે ડોકાતો રહ્યો છે; શૈશવનાં આ સંસ્મરણોને કારણે તેમની ઘટનાસૃષ્ટિને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ પાર્શ્વભૂમિકા મળી રહી છે. ત્રણ ત્રણ વારનાં લગ્નો, સંખ્યાબંધ પ્રણયપ્રકરણો, મ્યુઝિક હૉલનાં મૂક અભિનેત્રી તરીકેનો અનુભવ જેવા અંગત જીવનના પ્રસંગોને પરિણામે તેમની સ્વભાવગત અંર્તર્દષ્ટિ ખૂબ પરિપક્વ અને વેધક બની હતી. તેમના પ્રથમ પતિ સંગીતવિવેચક અને નવલકથાકાર હતા અને સિદોનીની ક્લૉડિનની શ્રેણીની સર્વપ્રથમ ચાર નવલકથાઓ (1900-1903) પતિના સહયોગથી લખાઈ હતી, જે પતિના ‘વિલી’ ઉપનામથી પ્રગટ થઈ હતી. 1920માં પ્રગટ થયેલી ‘શેરી’થી નવલકથાકાર તરીકે તેમની પ્રતિષ્ઠા બંધાઈ. તેમાં પ્રૌઢ વયની વારાંગના અને મુગ્ધ વયના તરુણ વચ્ચેના પ્રણયભંગની કથા આલેખાઈ છે. તેના અનુસંધાનમાં આવતી ‘ધ લાસ્ટ ઑવ્ શેરી’(1926)માં છેવટે આ તરુણ આત્મહત્યા કરે છે એવો કરુણાંત છે. તેમની બીજી નોંધપાત્ર નવલકથાઓમાં ‘લા વૅગબૉન્ડ’ (1910), ‘સિદો’ (1929), ‘ધ કૅટ’ (1933) તથા ‘ગિગી’ (1944-45) ઉલ્લેખનીય છે. ‘ગિગી’ના આધારે વિન્સેન્ટ મિનેલીએ 1958માં એ જ નામની સંગીતપ્રધાન ફિલ્મ બનાવી હતી. ‘સિદો’ની જેમ ‘ધ ઇવનિંગ સ્ટાર’(1947)માં પણ શૈશવનાં સંસ્મરણોની ઘટનાસૃષ્ટિ ઊભરે છે અને એ રીતે એ બે નવલ અન્ય નવલકથાઓની શૈલી તથા ભાવજગતથી જુદી પડે છે. તેમની નવલકથાઓ તથા તેમના નિબંધોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સાંપડેલી છે. તે ગૉનકોર્ટ એકૅડેમી, ધ ફ્રેન્ચ લેઝીઓં ઑવ્ ઑનર તથા ધ રૉયલ બેલ્જિયન એકૅડેમીનાં સભ્ય હતાં.

મહેશ ચોકસી