કૉલેરા : વિબ્રીઓ કૉલેરી નામના જીવાણુથી થતો અતિશય ઝાડા કરતો ઉગ્ર પ્રકારનો ચેપી રોગ. ક્યારેક તેનો હુમલો અતિઉગ્ર અને જીવનને જોખમી પણ હોય છે. તે ફક્ત માણસમાં જ થતો ચેપી રોગ છે જે ક્યારેક ખૂબ સામાન્ય તો ક્યારેક અતિશય તીવ્ર સ્વરૂપે જોવા મળે છે. અતિશય ઝાડાને કારણે શરીરમાંનું પ્રવાહી ઘટી જાય છે અને તેથી નિર્જલન (dehydration) તથા અલ્પપ્રવાહીજન્ય આઘાત (hypovolaemic shock) થાય છે. તેને કારણે લોહીનું દબાણ ઘટે છે, પેશી અને અવયવોની કાર્યક્ષમતા ઘટે છે અને તે જીવલેણ પણ નીવડે છે. તેના દર્દીને પુષ્કળ પાણી અને ક્ષાર-આયનો(electrolytes)વાળા ઝાડા થાય છે. તે મોટે ભાગે વાવર (epidemic) રૂપે જોવા મળે છે. છેલ્લી બે સદીઓમાં તેના 7 વિશ્વવ્યાપક ઉપદ્રવો (pandemic) નોંધાયા છે. સામાન્ય સંજોગોમાં પૂર્વભારતમાં ગંગા તથા બ્રહ્મપુત્રના મુખના વિસ્તારમાં તથા ઇજિપ્તમાં આ રોગના જીવાણુ વાહકોના શરીરમાં રહે છે અને વિશ્વમાં કોઈ પણ સ્થળે થતો કૉલેરાનો વાવર ઘણે ભાગે આ બેમાંથી કોઈ એક સ્થળેથી આવેલા ચેપને આભારી હોય છે.

જીવાણુ : વિબ્રીઓ કૉલેરી ટૂંકા, સહેજ વળેલા, હલનચલન કરતા, ગ્રામ-નેગેટિવ પ્રકારના દંડાણુ (bacilli) છે. તેના 60 જેટલા ઉપપ્રકારો નોંધવામાં આવ્યા છે; પરંતુ ફક્ત રુધિરરસ-જૂથ-1(serogroup-1) થી જ તેનો વાવર ફેલાય છે. તેમનો ચેપ મળથી દૂષિત થયેલા પાણીથી ફેલાય છે. ક્યારેક આવા પાણીમાં રાંધેલો ખોરાક પણ ચેપ ફેલાવે છે. કુટુંબના સભ્યોમાં ચેપ ફેલાવાનો વધુ ભય રહેલો છે. કૉલેરાના રોગગ્રસ્ત દર્દીઓની સરખામણીમાં તેના ચેપની વાહક વ્યક્તિઓની સંખ્યા 6થી 50 ગણી હોય છે. કૉલેરાથી પીડાતી વ્યક્તિઓ પૈકી 3 %ના પિત્તાશયમાં આ જીવાણુ સ્થાયીરૂપે રહે છે અને તેમને ચેપવાહક બનાવે છે. કેટલાક ઉપદ્રવોમાં એલ-ટોર પ્રકારનો જીવાણુ કારણભૂત હોય છે.

ચેપવશ્યતા (susceptibility) : કૉલેરાનો વારંવાર ઉપદ્રવ થતો હોય તેવા વિસ્તારોમાં પુખ્ત વયની વ્યક્તિઓમાં પ્રતિરક્ષાલક્ષી (immunological) પ્રતિકારશક્તિ વધે છે અને તેથી ત્યાં તે મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે. અન્યત્ર તે દરેક ઉંમરે થાય છે. જઠરની સામાન્ય ઍસિડિટી આ જીવાણુને મારે છે માટે જેઓ ઍસિડિટી સામેની દવા લેતા હોય કે જેમનામાં જઠરની શસ્ત્રક્રિયા કરાઈ હોય તેઓને ચેપ લાગવાનો ભય વધુ છે.

લક્ષણો તથા નિદાન : સામાન્ય રીતે ચેપ લાગ્યા પછી 1 કે 2 દિવસમાં કૉલેરાનાં લક્ષણો જોવા મળે છે. ક્યારેક 12 કલાકથી 6 દિવસ પણ લાગે. ખોરાક કે પાણી સાથે શરીરમાં પ્રવેશેલા જીવાણુ જો જઠરના ઍસિડવાળા વાતાવરણને પસાર કરીને નાના આંતરડામાં સ્થિર થઈને સંખ્યાવૃદ્ધિ કરે તો તે પોતાનું અંતર્વિષ (endotoxin) ઉત્પન્ન કરે છે. આ અંતર્વિષ આંતરડાંની અંદરની દીવાલના કોષોમાં રહેલા એડિનાયલ સાઇક્લેઝ નામના ઉત્સેચક(enzyme)ને ઉત્તેજે છે અને 3¢, 5¢ ચક્રીય એડેનોસીન મૉનોફૉસ્ફેટનું ઉત્પાદન વધારે છે. તેને કારણે આંતરડાંના પોલાણમાં પાણી તથા ક્ષાર-આયનોનો સ્રાવ થાય છે. આ અંતર્વિષ આંતરડાંને જ અસર કરે છે. માટે તેને આંત્રવિષ (enterotoxin) પણ કહે છે. આંત્રવિષ અથવા જીવાણુ આંતરડાંમાં ચાંદાં પાડતા નથી તેમજ તે પ્રોટીન કે ગ્લુકોઝ માટેની પારગમ્યતા(permeability)માં પણ ફેરફાર કરતા નથી, આંતરડાંમાં ઝરેલું પાણી તથા ક્ષાર-આયનો ઝાડારૂપે બહાર જાય છે. એક-બે ઝાડા પછી તેમાં મળનું પ્રમાણ નહિવત્ થઈ જાય છે અને તેમાં આંતરડાંનું શ્લેષ્મ ભળે છે માટે ભાતના ઓસામણ જેવા ઝાડા થાય છે. પાણી અને ક્ષાર-આયનોના અતિશય ઉત્સર્ગને કારણે શરીરમાં નિર્જલન તથા ક્ષાર-આયનો(સોડિયમ, પોટૅશિયમ, બાયકાર્બોનેટ)ની ઊણપ સર્જાય છે. ઘણી વખત શરીરમાંથી એક કલાકમાં 1 લિટરથી પણ વધુ પાણી વહી જાય છે. પાણી ઘટવાથી લોહીનું કદ ઘટે છે, લોહીનું દબાણ ઘટે છે અને તેથી આઘાત(shock)ની પરિસ્થિતિ સર્જાય છે. કૉલેરાનો રોગ અતિશય તીવ્રરૂપે થયો હોય ત્યારે ઊલટી અને ચૂંક થાય છે. આઘાતની સ્થિતિને કારણે શરીર ઠંડું પડે છે, હૃદયના ધબકારા વધી જાય છે અને નખ ભૂરા પડી જાય છે. નિર્જલનને કારણે આંખો ઊંડી ઊતરી જાય છે, સખત તરસ લાગે છે તથા ચામડીની સ્થિતિસ્થાપકતા ઘટે છે. ફક્ત બાળકોમાં તાવ, બેભાનઅવસ્થા તથા ખેંચ (આંચકી) જોવા મળે છે. નિદાન માટે પ્રવાહી ઝાડાને સૂક્ષ્મદર્શક વડે ‘લટકતા-બિંદુ’ (hanging drop) પદ્ધતિ દ્વારા તપાસવાથી તેમાં હાલતા જીવાણુઓને દર્શાવી શકાય છે. નિદાન માટે પ્રતિરક્ષાલક્ષી કસોટીઓ પણ ઉપલબ્ધ હોય છે.

સારવાર : ચિકિત્સા માટે મુખ્ય કાર્ય ઝડપથી અને પૂરતા પ્રમાણમાં પાણી અને ક્ષાર-આયનો પૂરા પાડવાનું છે. તે નસ વાટે આપવામાં આવે છે. મોટી સોય લઈને મિનિટના 50થી 100 મિલિ. જેટલું પ્રવાહી અપાય છે. 50 કિલો વજનવાળી તીવ્ર કૉલેરાવાળી વ્યક્તિમાં પ્રથમ 20 મિનિટમાં 1થી 2 લિટર અને ત્યાર બાદ 2 કલાકમાં બીજું 3થી 4 લિટર પ્રવાહી આપવું જરૂરી બને છે. તેનાથી દર્દીની તબિયતમાં ઝડપથી સુધારો થાય છે. હૃદયરોગ તથા મૂત્રપિંડના રોગવાળા દર્દીઓમાં ફેફસાંમાં પાણી ન ભરાય તે જોવું જરૂરી હોય છે. ઓછી તીવ્રતાવાળા દર્દીમાં મુખ વાટે પાણી તથા ક્ષાર-આયનો અપાય છે. ઊલટીને કારણે મુખમાર્ગી સારવારમાં કોઈ ખાસ અડચણ થતી નથી. મોં વાટે ટેટ્રાસાઇક્લિન આપવાથી કૉલેરા ઝડપથી મટે છે. ક્યારેક ફ્લ્યુરાઝોલિડોન કે ક્લૉરેમ્ફેનિકોલ પણ અપાય છે.

મૃત્યુ થવાનું મુખ્ય કારણ નિર્જલન અથવા પાણી અને ક્ષાર-આયનો વડે કરાયેલી અપૂર્ણ સારવાર છે. તીવ્ર કૉલેરાના સારવાર ન મેળવી શકતા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ 50 % જેટલું હોય છે, પરંતુ યોગ્ય અને સમયસરની સારવારથી મૃત્યુને સંપૂર્ણપણે નિવારી શકાય છે. કૉલેરાવિરોધી રસી વડે 6 મહિના માટે રક્ષણ મળી શકે છે અને તે, જે વિસ્તારમાં સતત કૉલેરા હોય અથવા જ્યાં કૉલેરાનો ઉપદ્રવ ફેલાવાનો ભય હોય તેવા વિસ્તારમાં જતા પ્રવાસીઓને તેમજ કૉલેરાનો વાવર ફેલાયો હોય ત્યારે સૌને અપાય છે. કૉલેરાના દર્દીના કુટુંબના સભ્યો ટેટ્રાસાઇક્લિન લઈને કૉલેરાનો ચેપ લાગતો અટકાવી શકે છે.

શિલીન નં. શુક્લ