કોલીમા : પૅસિફિક મહાસાગરને પૂર્વ કિનારે વાયવ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય અને તે જ નામ ધરાવતું મુખ્ય શહેર. કોલીમા શહેર 19°-10′ ઉ. અ. અને 103°-40′ પૂ.રે. ઉપર કોલીમા નદીના કાંઠે સમુદ્રકિનારાથી 56 કિમી. દૂર અને મેક્સિકો શહેરથી 920 કિમી. વાયવ્યે 502 મી.ની ઊંચાઈએ આવેલું છે. કોલીમા રાજ્યની ઉત્તર અને પૂર્વ તરફ હેલિસ્કો રાજ્ય, અગ્નિખૂણે મિચોવાકાન રાજ્ય અને પશ્ચિમે પૅસિફિક મહાસાગર છે. કિનારાના મેદાનની પૂર્વે એલ વૉલ્કાન કોલીમા અને એલ નેવાડો જ્વાળામુખી પર્વતો આવેલા છે. જમીન લાવા રસની બનેલી છે. ડુંગરાળ વિસ્તાર સિવાયના પ્રદેશની આબોહવા ગરમ ભેજવાળી અને રોગિષ્ઠ છે. વરસાદ પુષ્કળ પડે છે. કૉફી, કોકો, શેરડી, તમાકુ, કપાસ, ડાંગર, મકાઈ, કેળાં વગેરે પાક વિશેષ થાય છે. ખેતી ઉપરાંત ઢોરઉછેર મુખ્ય વ્યવસાય છે. મીઠું, સોનું, રૂપું, તાંબું અને પારો મહત્વની ખનિજો છે. જંગલોમાંથી ઇમારતી લાકડું મળે છ.

કોલીમા રાજ્યની ખેતપેદાશોના વેચાણનું તે કેન્દ્ર છે. ત્યાં સિગારેટ, ચામડાંનો સામાન, કાપડ અને દારૂનું ઉત્પાદન થાય છે. રેલ દ્વારા મૅનઝનિયો અને ગ્વાડાલાહારા સાથે અને હવાઈ માર્ગે મેક્સિકોનાં મોટાં શહેરો સાથે જોડાયેલું છે. ગોન ઝાલો દ સાન્ડોવાલે 1523માં આ શહેરની સ્થાપના કરી હતી. 15 એપ્રિલ, 1941ના રોજ થયેલ ધરતીકંપમાં તેનાં 90% ઘરો નષ્ટ થયાં હતાં. રાજ્યની વસ્તી 7.63 લાખ જ્યારે શહેરની વસ્તી 1.47 લાખ (2022) જેટલી હતી.

વિમલા રંગાસ્વામી