કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’

January, 2008

કે. પી. ‘પૂર્ણચન્દ્ર તેજસ્વી’ (જ. 8 સપ્ટેમ્બર 1938, શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘ચિદંબરરહસ્ય’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી સાહિત્યના વિષયમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી, તેમણે ખેતીકામ સ્વીકાર્યું.

તેમણે કુલ 15 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો, એક કાવ્યસંગ્રહ, એક નાટક, એક પ્રવાસકથા તેમજ વિજ્ઞાન અને તત્વજ્ઞાન વિશેના નિબંધોનો સંગ્રહ મુખ્ય છે. ‘નિગૂઢમનુષ્યરુ’, ‘કારવાલો’ તથા ‘સ્વરૂપ’ તેમની મહત્વની નવલકથાઓ છે. મીમાંસાદર્શન વિશે તેમણે ‘વ્યક્તિવિશિષ્ટ સિદ્ધાંત’ નામનો ગ્રંથ આપ્યો છે. રાજ્ય સાહિત્ય અકાદમીએ તેમનું ત્રણ વાર સન્માન કર્યું છે, તેમજ તેમને ભીલવાડા ઍવૉર્ડ, કૉલકાતા રાજ્ય સરકાર તરફથી એન્વિરોન્મેન્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

પુરસ્કૃત કૃતિ ‘ચિદંબર રહસ્ય’ નવલકથા છે. તેની કથા એક નાના નગરની આસપાસ ગૂંથાયેલી છે. તેમાં સમકાલીન રાષ્ટ્રીય જીવનનું ખૂબ યથાર્થ ચિત્રણ છે. વળી તેમાં પોતાની ઓળખ માટેના નવી પેઢીના મનોભાવોનું સજીવ ચિત્રણ પણ છે. રચનાવિધાનની ઉત્તમતા, સહજ રીતે નિષ્પન્ન થતું હાસ્ય તથા સામાજિક પ્રસ્તુતતાને લીધે આ કૃતિ કન્નડ સાહિત્યમાં મહત્વની લેખાઈ છે.

મહેશ ચોકસી