કૅપીસ, જિયૉર્જી (જ. 4 ઑક્ટોબર 1906, સેલિપ, હંગેરી) : અમેરિકન ડિઝાઇનર, ચિત્રકાર, ફોટોગ્રાફર અને લેખક. બુડાપેસ્ટ ખાતેની રૉયલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ ખાતે કલાનો અભ્યાસ તેમણે 1928માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે ફોટોગ્રાફી ક્ષેત્રે ‘ફોટોગ્રામ્સ’ અને ‘ફોટો ડ્રૉઇન્ગ્સ’ નામે ઓળખાતા અવનવા પ્રયોગો કર્યા. 1930થી 1936 સુધી તેમણે બર્લિન અને લંડનમાં ફિલ્મનિર્માણ ક્ષેત્રે ડિઝાઇનિંગ કર્યું. અમેરિકામાં શિકાગો ખાતે નવી સ્થપાયેલી કલાશાળા ‘ન્યૂ બાઉ હાઉસ’માં પ્રકાશ અને રંગના પ્રાધ્યાપક તરીકે 1937માં તેઓ જોડાયા. 1946માં ત્યાંથી રાજીનામું આપી તે ‘મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’ ખાતે ર્દશ્ય ડિઝાઇનના પ્રોફેસર તરીકે જોડાયા અને 1980માં નિવૃત્ત થયા.

જિયૉર્જી કૅપીસ

ડિઝાઇન ક્ષેત્રે કૅપીસે અરૂઢ ગણાય તેવી અવનવી રચનાઓ કરી છે. દા.ત., 1972માં વિલિયમ વૉલ્ટન, પૉલ અર્લ્સ અને મોરિસિયો બુએનોના સહયોગમાં મૅસેચૂસેટ્સ ખાતે ‘ફ્લેઇમ ઓર્કાર્ડ’ નામે અગ્નિની જ્વાળાઓ વડે કલાકૃતિ રચી હતી. તેમાં સાથેના સંગીતના સ્વરોના આરોહઅવરોહ મુજબ જ્વાળાઓ નાનીમોટી થતી હતી.

કૅપીસે બે પુસ્તક લખ્યાં છે : ‘લૅન્ગ્વેજ ઑવ્ વિઝન’ (1944) અને ‘ધ ન્યૂ લૅન્ગ્વેજ ઇન આર્ટ ઍન્ડ સાયન્સ’ (1956).

અમિતાભ મડિયા