કેન્ડ્ર્યુ, જ્હૉન કાઉડેરી (સર) (જ. 24 માર્ચ 1917, ઑક્સફર્ડ; અ. 23 ઑગસ્ટ 1997, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વિજ્ઞાની. સ્પર્મ વહેલના સ્નાયુમાં આવેલા ગોળાકાર પ્રોટીન માયોગ્લોબિકા શોધીને તેનું આણ્વિક બંધારણ સમજાવ્યું તે બદલ 1962માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને ડૉ. મૅક્સ ફર્ડિનાન્ડ પેરુત્ઝ સાથે મળ્યું હતું.
કેન્ડ્ર્યુ ઑક્સફર્ડ, બ્રિસ્ટલ અને કેમ્બ્રિજમાં અભ્યાસ કરીને 1939માં રસાયણશાસ્ત્રના સ્નાતક થયા. પછી તેમણે 1949માં પીએચ.ડી. અને 1962માં ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1947થી 1975 સુધી તે પીટરહાઉસ કૉલેજ, કેમ્બ્રિજના ફેલો હતા. સાથે સાથે મેડિકલ કાઉન્સિલના આણ્વિક જીવવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને 1971થી ડિફેન્સ સાયન્ટિફિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. 1981માં સેંટ જ્હૉન કૉલેજ, ઑક્સફર્ડના પ્રેસિડેન્ટ નિમાયા હતા.
શરૂઆતમાં કેન્ડ્ર્યુએ ભૌતિકરસાયણ વિભાગમાં અણુગતિકી અભિક્રિયા (reaction kinetics) પર સંશોધન કર્યું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં રડારના વિકાસ અને સંક્રિયાત્મક સંશોધન (operations research) પર કામ કર્યું. 1945માં કેમ્બ્રિજ પાછા આવ્યા બાદ હીમોગ્લોબિન અણુના બંધારણ પર મૅક્સ ફર્ડિનાન્ડ પેરુત્ઝ સાથે સંશોધનમાં જોડાયા.
1948માં તેમણે સ્નાયુમાં જોવામાં આવતા માયોગ્લોબિન નામના પ્રોટીનના બંધારણ અંગે સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું. સ્પર્મ વહેલના માયોગ્લોબિન પર કામ કરતાં કેન્ડ્ર્યુ દશ વર્ષમાં અણુના 2,600 જેટલા પરમાણુઓનું ચોક્કસ સ્થાન નક્કી કરવામાં સફળ થયા. આ પહેલું જ પ્રોટીન હતું જેની ત્રિપરિમાણી સંરચના નક્કી કરવામાં આવી. કેન્ડ્ર્યુએ પારા અને સુવર્ણ જેવા ભારે પરમાણુઓને માયોગ્લોબિનનું બંધારણ નક્કી કરવા માટે દુ:સાધ્ય (difficult) સ્થાનો આગળ પ્રયોજ્યા. 1957માં કેન્ડ્ર્યુએ માયોગ્લોબિનના 6A વિભેદનનું ત્રિપરિમાણી મૉડેલ તૈયાર કર્યું. 1960માં લગભગ સમગ્ર બંધારણ તૈયાર કર્યું. તે આણ્વિક જીવવિજ્ઞાન (molecular biology) માટેની મેડિકલ રિસર્ચ કાઉન્સિલના ડેપ્યુટી ચૅરમૅન બન્યા. 1960માં રૉયલ સોસાયટીના ફેલો અને 1962થી ‘જર્નલ ઑવ્ મોલેક્યુલર બાયૉલૉજી’ના સ્થાપક અને મુખ્ય સંપાદક બન્યા. 1974માં નાઇટ થયા.
સુરેન્દ્ર મ. પંડ્યા