કેન્ડૉલ ઑગસ્ટિન-પિરામ ડી

January, 2008

કેન્ડૉલ, ઑગસ્ટિન-પિરામ ડી (જ. 1778, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1841) : વનસ્પતિ-વર્ગીકરણના આદ્ય પ્રણેતા. તેમણે અભ્યાસ પૅરિસમાં કર્યો. તેઓ માપેલ્યામાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતા તે દરમિયાન ‘Theorie elementaire de la botanique’ (1813) ગ્રંથ રચ્યો.

કેન્ડૉલે વનસ્પતિ-વર્ગીકરણનો પાયો નાખ્યો. વનસ્પતિ-વિજ્ઞાનની બધી શાખાઓના અભ્યાસને આધારે તેનાં વિશિષ્ટ લક્ષણો તારવીને કુદરતી વર્ગીકરણ કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

જિંદગીનાં અંતિમ વર્ષો તેમણે જિનીવામાં જ ગાળ્યાં હતાં. તેમણે સૌપ્રથમ વનસ્પતિ-વર્ગીકરણનું પ્રાયોગિક રીતે સર્વાંગીણ વર્ણન કર્યું છે. ભગીરથ પ્રયત્ન કરીને વનસ્પતિ-વર્ગીકરણના સાત ભાગ તેમણે જાતે જ બહાર પાડ્યા હતા. બાકીના દશ ભાગ તેમનાં કુટુંબીજનોએ છપાવેલા, જે તેમના મૌલિક વિચારોથી ભરપૂર છે. તે સમયે તેમણે 161 કુળોને આધારરૂપ લીધાં હતાં. તે ગ્રંથનું નામ ‘Prodromus systematis naturalis regni vegetabilis’ (1824-1939) હતું. તે ગ્રંથનું પ્રકાશન માતૃભાષામાં જ કરવાનો આગ્રહ રાખતા.

સરોજા કોલાપ્પન