કૅન્થૅરિડિન : કૅન્થૅરિડીઝ પ્રકારના કીટકના ડંખમાં રહેલો મુખ્ય રાસાયણિક ઘટક. મધ્ય તથા દક્ષિણ યુરોપમાં થતી લીટા વેસિકાટૉરિયા અથવા સ્પેનિશ માખી નામના જંતુના ડંખમાંથી નીકળતા કૅન્થેરિડીઝ નામના દ્રવ્યમાં 0.6થી 1 % કૅન્થેરિડિન હોય છે જે ચામડી પર ખંજવાળ અને ફોલ્લા કરે છે. સ્પેનિશ માખીનો તે કામોત્તેજક (aphrodisiac) પદાર્થ છે. રાસાયણિક નામ ઍક્ઝો-1, 2-સીસ ડાઇમિથાઇલ – 3, 6 ઇપૉક્સી-હેક્ઝાહાઇડ્રોપ્થેલિક એન્હાઇડ્રાઇડ; અણુસૂત્ર C10H12O4; અણુભાર 196.2; ગ.બિં. 218° સે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે મુજબ છે :

1941માં વૂડવર્ડે તેનું અવકાશરસાયણ (Shereochemistry) તથા સંશ્લેષણ જ્યારે 1953માં સ્ટોર્ક તથા વૉન ટેમેલીને અવકાશ-પસંદગીય સંશ્લેષણ (selective stereosynthesis) કરી બતાવ્યું.

તે ઠંડા પાણીમાં અદ્રાવ્ય પણ ગરમ પાણીમાં સાધારણ દ્રાવ્ય છે.

1 ગ્રામ કૅન્થૅરિડિન ઓગાળવા માટે અનુક્રમે 40 મિલિ. ઍસિટોન, 65 મિલિ. ક્લૉરોફૉર્મ, 560 મિલિ. ઈથર અથવા 150 મિલિ. ઈથાઇલ એસિટેટ જોઈએ. તે તેલ-દ્રાવ્ય છે. સસલા ઉપર તેની ઘાતકમાત્રા 100 મિગ્રા./કિગ્રા. છે.

અગાઉ તે ખંજવાળશામક (counterirritant) તરીકે વપરાતું. તેની વિષાળુતા સામે મારણ તરીકે ક્ષીણ (અલ્પ) ક્રિયાશીલ બાર્બિટ્યુરેટ આપવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી