કેન્ટુકી : પૂર્વ યુ.એસ.ના મધ્ય ભાગમાં 37° 30′ ઉ. અ. અને 85° 15′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. તે રેડ ઇન્ડિયનોની શિકારભૂમિ તરીકે ઓળખાતું, પ્રેરીનું ટૂંકા ઘાસનું મેદાન ધરાવે છે. વ્યુત્પત્તિની ર્દષ્ટિએ કેન્ટુકીનો અર્થ છે ‘આવતીકાલની ભૂમિ’. આ રાજ્યનું પર્યાયીનામ (nick name) ‘બ્લૂગ્રાસ સ્ટેટ’ (Bluegrass state) છે.

તેની ઉત્તરે ઇલિનૉય અને ઇન્ડિયાના, પૂર્વે ઓહાયો, પશ્ચિમે વર્જિનિયા અને દક્ષિણે ટેનેસી અને મિસૂરી રાજ્યો આવેલાં છે. તેની લંબાઈ 684 કિમી. અને પહોળાઈ 293 કિમી. છે. ક્ષેત્રફળ 1,02,907 ચોકિમી.

ભૂપૃષ્ઠ વૈવિધ્ય ધરાવે છે. અગ્નિખૂણે આવેલો પ્રદેશ સૌથી ઊંચો (610થી 914 મી.) છે. વર્જિનિયાની સરહદે આવેલો ‘બ્લૅક માઉન્ટન’ 1,264 મી. ઊંચો છે. આ પ્રદેશ ઍપેલેશિયન ગિરિમાળાનો ભાગ છે. મિસિસિપી, ઓહાયો અને બિગ સેન્ડી રીવર તેની સરહદે આવેલી મુખ્ય નદીઓ છે.

કેન્ટુકી

પ્રાકૃતિક રચના પ્રમાણે કેન્ટુકીના છ વિભાગો છે : (1) પેનીરૉયલ પ્રદેશ (2) પેનીરૉયલની પૂર્વે કોલસાનાં ક્ષેત્રોવાળો પ્રદેશ છે. (3) પેનીરૉયલની ઉત્તરે શંકુ આકારની ટેકરીઓવાળો સાંકડો અર્ધચંદ્રાકાર પ્રદેશ (4) બ્લૂગ્રાસ પ્રદેશ (5) પેનીરૉયલની પશ્ચિમે આવેલો વેસ્ટર્ન કોલફીલ્ડનો પ્રદેશ (6) પશ્ચિમે આવેલો ‘જૅક્સન્સ પરચેઝ’નો પ્રદેશ. નદીઓના કાંપનો બનેલો આ પ્રદેશ ખૂબ ફળદ્રૂપ છે.

આબોહવા : મેક્સિકોના અખાત ઉપરની ગરમ હવાને કારણે આબોહવા સમધાત છે. હવામાનમાં અચાનક ફેરફાર થાય છે અને શિયાળામાં તે વાવાઝોડાનો ભોગ બને છે. મધ્ય શિયાળાનું ઉત્તર ભાગનું સરેરાશ તાપમાન 0° સે. રહે છે, જ્યારે દક્ષિણ ભાગનું તાપમાન 4° સે. રહે છે. મધ્ય ઉનાળામાં ઠંડા ઉચ્ચ પ્રદેશમાં તાપમાન 23° સે. રહે છે, જ્યારે દક્ષિણના અને નીચાણવાળા ભાગમાં સરેરાશ તાપમાન 26° સે. રહે છે. સરેરાશ વરસાદ 970થી 1,010 મિમી. છે. પણ ઓહાયો નદીની ખીણમાં દક્ષિણના મધ્ય ભાગમાં 1,270 મિમી. વરસાદ પડે છે. જ્યારે ક્વચિત્ કરા પણ પડે છે.

વનસ્પતિ : અહીં ઓક, પૉપ્લર, ટ્યુલિપ, હિકરી, બીચ, બકઆઇ, મેપલ, પાઇન, સીડર, હેમલૉક વગેરે પર્ણપાતી પ્રકારનાં વૃક્ષો છે. વિવિધ જાતો મળે છે. બ્લૂગ્રાસ પ્રદેશમાં ચેરી, બ્લૂ ઍશ, કૅટલપા, સફેદ ઓક, અખરોટ, સિકેમૉર અને હૅકબેરીનાં વૃક્ષો છે. કેટલાંક વૃક્ષો કવચવાળાં ફળો (nut) આપે છે. સફરજન, પપૈયાં, પ્લુમ, ગૂઝબેરી, બ્લૅકબેરી વગેરે ફળો થાય છે.

ખેતી : બ્લૂગ્રાસ, પેનીરૉયલ, વેસ્ટર્ન કોલફીલ્ડ અને જૅક્સન્સ પરચેઝ ખેતી માટેના વિસ્તારો છે. ઢોર ઉપરાંત ઘેટાં, મરઘાં, બતકાં અને ડુક્કરોને માંસ માટે ઉછેરવામાં આવે છે. ઘોડાના ઉછેર માટે આ રાજ્ય જાણીતું છે. ઘઉં, મકાઈ, જુવાર, તમાકુ, સોયાબીન વગેરે મુખ્ય પાકો છે.

ખનિજો : કોલસો, ચૂનાના પથ્થરો, રેતિયા પથ્થરો, કંકર, રેતી, ફ્લોરસ્પાર, ગોલકમૃદ, રત્નો, ડોલોમાઇટ, તેલ અને ગૅસ વગેરે મુખ્ય ખનિજો છે.

ઉદ્યોગો : યંત્રો, ડેરી, વાહનવ્યવહારનાં સાધનો, વીજળીનાં સાધનો, ખાદ્ય પદાર્થોનો ઉદ્યોગ, રસાયણ, ધાતુ, રબર, પ્લાસ્ટિક, સિગારેટ, કાગળ અને ફર્નિચર ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે. ઍશલૅન્ડ ભારે ઉદ્યોગોનું મથક છે. સ્ટીલ, કોક અને પેટ્રોલિયમ પેદાશોનું અહીં ઉત્પાદન થાય છે. ઓહાયો નદી દ્વારા દશ કરોડ ટન માલનું વહન થાય છે.

પરિવહન : આ રાજ્યમાં કુલ 1,17,000 કિમી. લંબાઈના રસ્તાઓ આવેલાં છે તથા 4500 કિમી. લંબાઈના રેલમાર્ગો આવેલાં છે.

લોકો : કેન્ટુકીની 2023માં 45,55,777 વસ્તી હતી. ફ્રેન્કફર્ટ તેનું પાટનગર છે. તેની વસ્તી 25,535 છે. આ ઉપરાંત લુઈવિલે, લેક્સિન્ગ્ટન, ફાયેટ, ઓવેન્સબરો, કોવિન્ગ્ટન, બાઉલિંગગ્રીન, હોપકિન્સવિલે, પાડુકાહ અને હેન્ડરસન તેનાં મુખ્ય શહેરો છે. લુઈવિલે, લેક્સિન્ગ્ટન, ઑવેન્ઝબરો, પડુકા તેનાં હવાઈમથકો છે. 1700 કિમી. લંબાઈના જળમાર્ગો ઉપયોગમાં લેવાય છે. છ બંદરોનો ઉપયોગ થાય છે.

શિક્ષણ : 28 યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની કૉલેજો આવેલી છે. તેર કૉમ્યુનિટી કૉલેજો છે. મોટાં અને નાનાં શહેરોમાં પુસ્તકાલયો આવેલાં છે. રેલવે, કલા, રેસ, કૅવલરી અને અશ્વને લગતાં સંગ્રહાલયો (નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ), પ્લૅનેટોરિયમ ઉપરાંત નાટકશાળાઓ, બૅલે કંપની વગેરે સંસ્કારકેન્દ્રો છે. કેન્ટુકીમાં 45 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. મૅમથ ગુફા નૅશનલ પાર્ક ખૂબ જાણીતો છે.

સમૃદ્ધ સુવર્ણભંડાર, કેન્ટુકી

ઇતિહાસ : કેન્ટુકીમાં શણ, તમાકુ અને કપાસની ખેતી માટે હબસી ગુલામો લાવવામાં આવ્યા. મિસિસિપી અને ઓહાયો નદીઓ જળમાર્ગ દ્વારા વેપાર માટે અનુકૂળ હતી અને 1860 પૂર્વે રેલવેમાર્ગ પણ અસ્તિત્વમાં આવ્યો. કોલફીલ્ડ વિસ્તારમાં રેલવેના આગમને વિકાસની વધુ તકો ઊભી કરી અને 1920 પછી શહેરીકરણે વેગ પકડતાં ગ્રામવિસ્તારની વસ્તીમાં ક્રમશ: ઘટાડો ચાલુ રહ્યો. ‘કેન્ટુકી પ્રોગ્રામ ડેવલપમેન્ટ’ ઑફિસ તથા ‘એરિયા ડેવલપમેન્ટ’ કાર્યક્રમ નીચે કેન્ટુકીએ ઘણી પ્રગતિ સાધી છે. ઔદ્યોગિક વિકાસ સાથે પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થયો છે.

1965માં ઍપેલેશિયન પ્રાદેશિક કમિશનની રચના બાદ આર્થર મૉર્ગનના પ્રમુખપણા નીચે ‘ટેનેસી વૅલી ઑથોરિટી’ની વિવિધલક્ષી યોજના દ્વારા ખેતીવાડી, સિંચાઈ અને મચ્છીમારી વગેરે ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. ઉદ્યોગોમાં પણ પરિવર્તન આવ્યું છે. સાથોસાથ પર્યાવરણ દૂષિત થવાનો પ્રશ્ન પણ ઉદભવ્યો છે.

રાજકીય : મૂળ વર્જિનિયા રાજ્યમાં આ ભૂમિ પ્રદેશ હતો જે 1792માં અલગ પાડવામાં આવ્યો અને કેન્ટુકી રાજ્ય તરીકે ઓળખાયો. કેન્ટુકીનું અલગ રાજ્ય બનતાં તે તુરત જ સંયુક્ત રાજ્ય અમેરિકાના સમવાયતંત્રમાં જોડાયું. અમેરિકાના ગૃહયુદ્ધમાં તેણે સક્રિય ભાગીદારી નોંધાવેલી. ફ્રેંકફર્ટ તેનું રાજધાનીનું શહેર છે. 1891માં તેણે સ્વતંત્ર બંધારણ સ્વીકાર્યું જે વર્તમાનમાં પણ કાર્યરત છે. રાજ્ય તરીકે ‘યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ’ તેનું સૂત્ર છે. અમેરિકાની ધારાસભાના નીચલા ગૃહ(હાઉસ ઑવ્ રીપ્રેઝન્ટેટિવ)માં તે વસ્તીના ધોરણે છ પ્રતિનિધિઓ દર વર્ષે ચૂંટીને મોકલે છે.

અમેરિકાના રાષ્ટ્રીય હોદ્દાઓ પર તેનું નોંધપાત્ર પ્રદાન છે. પ્રમુખ અબ્રાહમ લિંકન ઉપરાંત રિચાર્ડ જોન્સન, જ્હૉન બ્રેકીન રીજ, આલ્બેન બાર્કલી અને એડલાઈ સ્ટીવન્સન જેવા ઉપપ્રમુખો કેન્ટુકી રાજ્યના વતનીઓ હતા.

પ્રવાસનની ર્દષ્ટિએ મેમથ કેવ, ધ જ્યૉર્જ એસ પેટોન, ફોર્ટ નોક્સ ખાતેનું જુનિયર મિલિટરી મ્યુઝિયમ અને ઓલ્ડ ફૉર્ટ હેરોડ સ્ટેટ પાર્ક અવશ્ય મુલાકાત લેવા જેવાં નોંધપાત્ર સ્થાનો છે.

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ