કેન્ટ, રૉકવેલ (જ. 21 જૂન 1882, ટૅરી ટાઉન હાઇટ્સ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 13 માર્ચ 1971, પ્લૅટ્સ્બર્ગ, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમેરિકાની પ્રકૃતિનું અને લોકજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. એમના આલેખનની સુંદરતા અને નાટ્યાત્મકતાને કારણે તેઓ અમેરિકાના વીસમી સદીના સૌથી વધુ લોકપ્રિય ચિત્રકારોમાં સ્થાન પામ્યા.

રૉકવેલ કેન્ટ

ન્યૂયૉર્ક નગરની કૉલમ્બિયા યુનિવર્સિટી ખાતે કેન્ટે સ્થાપત્યનો અભ્યાસ કર્યો હતો; પરંતુ પછી તેમણે ચિત્રકારો વિલિયમ ચેઝ, રૉબર્ટ હેન્રી અને એબૉટ થેચરની પાસે ચિત્રકલાની તાલીમ લીધી. નાનકડી નૌકામાં બેસીને તિયેરા દેલ ફ્યુગો ખાડીને પાર કરી અલાસ્કાના ન્યૂ ફાઉન્ડલૅન્ડ ટાપુ પર તેમણે વસવાટ કર્યો. પછી તેમણે ગ્રીનલૅન્ડનો પ્રવાસ કર્યો. આ બધા પ્રદેશોનાં નિસર્ગચિત્રો તેમણે ચીતર્યાં. 1955માં તેમણે આત્મકથા ‘ઇટ્સ મી, ઓ લૉર્ડ’ લખી; જેને તેમણે જાતે જ પ્રસંગચિત્રો દ્વારા શણગારી. ચૉસર, શેક્સપિયર અને મેલ્વાઇલ(Melville)નાં પુસ્તકોની કેટલીક આવૃત્તિઓમાં પણ તેમણે પ્રસંગચિત્રો ચીતર્યાં હતાં.

અમિતાભ મડિયા