કૅન્ટેબ્રિયન પર્વતો

કૅન્ટેબ્રિયન પર્વતો : સ્પેનના ઉત્તર કિનારે કૉર્ડિલેરા કૅન્ટાબ્રિકાના નામે ઓળખાતી આશરે 300 કિમી. લાંબી પર્વતમાળા. આ હારમાળા 43° 00′ ઉ. અ. અને 5° 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલી છે. અહીંનાં ગીચ જંગલોમાં બીચ અને સમુદ્રકિનારે થતાં પાઇન વૃક્ષોનું પ્રમાણ વધુ છે. પૂર્વના વિસ્તારમાં પાસે ચૂનાખડકો આવેલા છે. આ પર્વતોમાં પેકોસ-દ-યુરોપા શિખરની ઊંચાઈ 2,648 મી. છે. પશ્ચિમ વિભાગમાંની સળંગ પર્વતમાળાની પહોળાઈ 95 મી. કરતાં વધુ નથી અને ઊંચાઈ આશરે 2,000થી 3,500 મી. છે. વીએમ, પ્રીટા અને એસ્પીગુટ જેવાં તેનાં ઊંચાં શિખરો 2,700 મી. કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. સિયેરા-ડી-રનારિદોઇરા ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી જોવા મળે છે. મુખ્ય પર્વતમાળા સિયેરા-ડી-આનકોરસ અને સિયેરા-ડેલ-કાઉરેલ ઉત્તર-પશ્ચિમ ફેલાયેલી છે. જે બીરઝોનાં મેદાનો સાથે સંકળાયેલ છે.

આ પર્વતમાળા પિરેનીઝ કરતાં વધુ વર્ચસ્ ધરાવે છે. ઓવીએધો-લેઓન રેલવે પ્વરટો-દ-પાહારસ પર્વતમાળામાં 1,379 મી.ની ઊંચાઈએથી પસાર થાય છે. યુરોપનો આ પહાડી રેલમાર્ગ છે. આ ક્ષેત્રમાં કોલસા અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આર્થિક ર્દષ્ટિએ તેનું મહત્વ છે. આ વિસ્તારમાં જળવિદ્યુતની પણ શક્યતા રહેલી છે.

નીતિન કોઠારી