કૅરિબિયન સાહિત્ય : કૅરિબિયન તરીકે ઓળખાતા પ્રદેશની સ્પૅનિશ, ફ્રેંચ કે અંગ્રેજી ભાષામાં લખાયેલી સાહિત્યિક કૃતિઓ. ‘કૅરિબ’ શબ્દ આટલાન્ટિક સમુદ્રમાં મધ્ય અમેરિકાના પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ કિનારાને સ્પર્શતા કૅરિબિયન સમુદ્રમાં આવેલા ટાપુઓ તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાક કિનારાના પ્રદેશોમાં વસેલી અમેરિકન ઇન્ડિયન પ્રજા માટે વપરાય છે. સોળમી સદીમાં સ્પૅનિશ પ્રજાના આક્રમણ અને સંસ્થાનવાદના પ્રસાર સાથે એ પ્રજા નવા વિશ્વમાં લુપ્ત થાય છે. અત્યારે આ સાહિત્યને અંગ્રેજી ભાષાભાષી સંદર્ભમાં ‘વેસ્ટ ઇન્ડિયન લિટરેચર’ તરીકે પણ ઓળખાવાય છે.

કૅરિબિયન પ્રદેશના સાહિત્યને પોતાની આગવી, તે જ ભૂમિમાંથી જડેલી પરંપરા નથી. મૂળ વસેલા અમેરિકન ઇન્ડિયન લોકોની સંસ્કૃતિના શિલાલેખો કે એવા અન્ય અવશેષો ભાગ્યે જ મળ્યા છે. એ પછી આવી વસેલી પશ્ચિમ આફ્રિકાની પ્રજા પાસે પણ કોઈ લિખિત પરંપરા નહોતી. આથી લગભગ 400 વર્ષ જેટલા લાંબા સમયગાળામાં કૅરિબિયન સાહિત્ય મુખ્યત્વે સ્પેન, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને નેધરલૅન્ડ્ઝની સંસ્થાન જમાવનારી સત્તાઓની સંસ્કૃતિ-સભ્યતાના પ્રતિઘોષ રૂપે જ ટકી રહ્યું. જોકે અઢારમી સદીના અંતભાગથી માંડીને કૅરિબિયન પ્રજાને પોતાની આગવી હસ્તી હોવાની પ્રતીતિ થવા માંડે છે અને લગભગ 1920 અને તે પછીના દશકામાં અહીં ચોક્કસ પ્રકારનું સાહિત્ય આકાર લે છે. આ સમયે જેને સ્પૅનિશ-અમેરિકન આધુનિકતાવાદ કહીએ તે સાહિત્યિક હલચલની અસર નીચે સ્પૅનિશ અને ફ્રેંચ-કૅરિબિયન લેખકો સભાન રીતે યુરોપીય આદર્શો-મૂલ્યોના આકર્ષણથી પોતાની જાતને પાછી વાળીને હવે મુખ્યત્વે નિગ્રો પ્રજાના બનેલા પોતાના વતનરૂપ સમૂહો તરફ વળે છે. આ ઉન્મેષ બહુધા લૅટિન અમેરિકન સાહિત્યનો પૂરક બની રહે છે.

કૅરિબિયન વિસ્તારના જે પ્રદેશમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ પ્રબળ છે તેને માટે વેસ્ટ ઇન્ડિયન સંજ્ઞા પ્રયોજાય છે. વેસ્ટ ઇન્ડિયન સાહિત્યમાં આ રીતે કૅરિબિયન પ્રદેશમાં સર્જાયેલા અંગ્રેજી ભાષામાંના સાહિત્યનો સમાવેશ થાય છે. જોકે શબ્દભંડોળ, કાકુ અને ઉચ્ચારણની ર્દષ્ટિએ આ પ્રદેશમાંની અંગ્રેજી ભાષાનો પ્રકાર તળ અંગ્રેજી કરતાં ઘણી રીતે જુદો પડે છે. ભાષાની આ વિશિષ્ટતાને આધુનિક વેસ્ટ ઇન્ડિયન લેખકો એક પ્રજા તરીકેના પોતાના આગવા અસ્તિત્વની મહોર તરીકે ઉપસાવવા પ્રયત્ન કરે છે.

વેસ્ટ ઇન્ડિયન સાહિત્યના આરંભના લેખકોમાં ટૉમ રેડકૅમ (1870-1933) અને હર્બર્ટ દ લિસર(1878-1944)નાં નામ મુખ્ય છે. આ લેખકોમાં હજુ બ્રિટન જ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વનું કેન્દ્ર છે. એ સક્રિય રહેલા સંસ્કારને ઉવેખીને તેની જગ્યાએ કાળી પ્રજાની ચેતનાને વ્યક્ત કરવાનું કામ જમૈકાના કવિ અને નવલકથાકાર ક્લૉડ મેકેએ (1890-1940) ખાસ કરીને તેમની નવલકથા ‘બનાના બૉટમ’માં કર્યું. મેકે પર અમેરિકામાં કાળી પ્રજાની ચેતનાના નવજાગરણ-સમા હારલેમ આંદોલનની અસર હતી. આ ઉપરાંત સી. એલ. આર. જેમ્સની ‘મિન્ટી ઍલી’ (1936) અને આલ્ફ્રેડ મૅન્ડેસની ‘પિચ લેક’ (1934) જેવી કૃતિઓમાં ગદ્યમાં વ્યક્ત થતા યથાર્થવાદની અસર છે.

બીજા વિશ્વયુદ્ધની આગળપાછળના બનાવો દરમિયાન જે રાજકીય અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્યની આબોહવા બંધાઈ તે જ્યૉર્જ લૅમિંગની ‘ઇન ધ કાસલ ઑવ્ માઇ સ્કિન’ (1953) જેવી ઊર્મિશીલ નવલકથામાં પડઘાય છે. આ સમયગાળામાં ખાસ કરીને બી.બી.સી. દ્વારા પ્રસારિત કાર્યક્રમોમાં કૅરિબિયન સાહિત્યિક સંવેદનાને સારો એવો અવકાશ મળ્યો અને એડગર મિટલહોલ્જર, લૅમિંગ અને સૅમ્યુઅલ સેલ્વન, ઉપરાંત વી. એસ. નાયપૉલ જેવી પ્રતિભાઓ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થઈ લખવા માંડી. આ સામે રૉજર મૅસ અને વી. એસ. રેડ જેવા લેખકોએ પોતાની તળભૂમિ જમૈકામાં જ વસવાનું પસંદ કર્યું. 1968માં શરૂ કરાયેલા ‘સવાકુ’ જેવા સામયિકે પણ આમાં સારું એવું પ્રદાન કર્યું.

કવિતામાં કૅરિબિયન અને આફ્રિકન વસ્તુસામગ્રી ઉપરાંત ભાષાના લય, સંગીત અને સાજના વિશિષ્ટ પ્રયોગોને લઈને એડવર્ડ બ્રેથવેઇટ અને ડેરેક વૉલકૉટ જેવાનું સર્જન વિશિષ્ટ બને છે. નવલકથામાં વિલ્સન હૅરિસની ‘ગયાના ક્વૉર્ટેટ’ (1960-63), વી. એસ. નાયપૉલની ‘અ હાઉસ ફૉર મિ. બિસ્વાસ’ (1961), લૅમિંગની ‘સીઝન ઑવ્ ઍડવેન્ચર’ (1960) વગેરે મુખ્ય છે.

આધુનિક કૅરિબિયન સાહિત્યમાં નોંધપાત્ર કવિઓમાં પર્ટોરિકોના લુઇ પેલ્સ મૅતોસ, હેઇતીના જેક્વિસ રૉમૉ, ક્યૂબાના નિકોલસ ગીલેન, ફ્રેન્ચ ગિયાનાના લિયૉન દેમસ અને માર્ટિનિકના એઇમે સીઝેરનાં નામ ગણાવી શકાય. ઝયૉ પ્રાઇસ-માર્સ નૃવંશશાસ્ત્રના સામાજિક વૈજ્ઞાનિક છે. તે ‘ધસ સ્પોક ધી અન્કલ’(1928)માં હેઇતીના લોકોને તેમના લોકસાહિત્યની ગરિમાનું પ્રેરણાદાયી દર્શન કરાવે છે. અશ્વેત પ્રજાની સભાનતાની અભિવ્યક્તિ સીઝેરના જાણીતા કાવ્ય ‘રિટર્ન ટુ માઇ નેટિવ લૅન્ડ’માં સ-રસ રીતે થઈ છે. તેમાં પ્રાદેશિક કર્મકાંડ અને લોકબોલીની વિવિધ છટાઓનું મૌલિક પ્રતીકો અને અતિવાસ્તવવાદી ચિત્રો દ્વારા સુપેરે વર્ણન થયું છે.

બ્રિટિશ કૅરિબિયન સાહિત્ય 1945 પછી રાષ્ટ્રીય સાહિત્ય તરીકે વિકસે છે. વિક રેડની ‘ન્યૂ ડે’ (1949), સૅમ્યુઅલ સેલ્વૉનની ‘અ બ્રાઇટર સન’ (1952) અને ‘ધ લોનલી લંડનર્સ’ (1956) તથા જ્યૉર્જ લેમિંગની ‘ઇન ધ કેસલ ઑવ્ માઇ સ્કિન’ (1956) અને વી. એસ. નાઇપૉલની ‘મિસ્ટિક મૅસિયર’ (1957) જેવી નવલકથાઓ કૅરિબિયન સાહિત્યનું નજરાણું છે. લુઇસ બેનેટનો કાવ્યસંગ્રહ ‘જમૈકા લેબ્રિશ’ (1966) વિશેષ નોંધપાત્ર છે. ટ્રિનિદાદના સી. એલ. આર. જેમ્સ અને સેંટ લુસિયાના ડેરેક વૉલ્કોટનાં નામ આધુનિક કવિઓ તરીકે જાણીતાં છે. ગિયાનાના વિલ્સન નાઇટ પ્રતીકવાદી અને અતિવાસ્તવવાદી કવિ તરીકે જાણીતા છે. એડવર્ડ બ્રેથવેઇટ તેમના કાવ્યસંગ્રહો ‘રાઇટ્સ ઑવ્ પૅસેજ’ (1967), ‘માસ્ક્સ’ (1968) અને ‘આઇલૅન્ડ્ઝ’ (1969) દ્વારા આધુનિક કૅરિબિયન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે.

દિગીશ મહેતા

વિ. પ્ર. ત્રિવેદી