કૅરિબિયન સમુદ્ર

January, 2008

કૅરિબિયન સમુદ્ર (Carribbean Sea) : ઉત્તર અમેરિકાના અગ્નિખૂણે અને દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 15o 00′ ઉ. અ. અને 73o 00′ પ. રે.ની આજુબાજુનો 19,42,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર ઉત્તર આટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ છે અને અંશત: ભૂમિબદ્ધ છે. તેની ઉત્તરે અને પૂર્વમાં વેસ્ટ ઇંડિઝ ટાપુઓ, દક્ષિણે દક્ષિણ અમેરિકા અને પનામા તથા પશ્ચિમે મધ્ય અમેરિકા આવેલા છે. યુકાતાન અને ક્યૂબા વચ્ચે યુકાતાનની ખાડી આ સમુદ્રને મેક્સિકોના અખાત સાથે જોડે છે. આ સમુદ્રની કિનારારેખા અનિયમિત છે તથા તેના પર ઘણા ખાંચા આવેલા છે. તેની સાથે સંકળાયેલા અખાતોમાં હૉન્ડુરાસનો અખાત, મૉસ્ક્વિટોનો અખાત (પનામા), દેરિયનનો અખાત (પનામા અને કોલંબિયા), વેનેઝુએલાનો અખાત તથા તેની સાથે સંકળાયેલું મારાકાઇબો સરોવર, પૅરિયાનો અખાત (વેનેઝુએલા), ગાનાઇવ્ઝનો અખાત (હૈતી), ગુનાકાનાઇબોનો અખાત (પૂર્વ ક્યૂબા) અને બાટાબાનોના અખાતનો સમાવેશ થાય છે. અહીંથી ઘણા જહાજી માર્ગો પસાર થાય છે.

કૅરિબિયન સમુદ્ર

આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ 2,220 મીટર જેટલી છે. તે વચ્ચે રહેલા છીછરા સમુદ્રથી અથવા અધોદરિયાઈ ઉચ્ચપ્રદેશ દ્વારા વાયવ્ય થાળા અને અગ્નિથાળામાં વહેંચાયેલો છે; એ રીતે તે હૈતીની દક્ષિણ ભૂશિરથી જમૈકા સુધી તેમજ નિકારાગુઆ અને અગ્નિ હૉન્ડુરાસ સુધી વિસ્તરે છે. અધોદરિયાઈ ઉચ્ચપ્રદેશનું મથાળું માત્ર 150 મીટરની ઊંડાઈ ધરાવે છે. ઉત્તર તરફના થાળાની ઊંડાઈ 3,000 મીટર જેટલી છે. કૅરિબિયન સમુદ્રમાં બે ઊંડા ભાગ આવેલા છે. તે અનુક્રમે 6,100 મીટર અને 7,600 મીટરની ઊંડાઈ ધરાવે છે. એક ઊંડાણ ગ્રાન્ડ કાયમૅનથી દક્ષિણે, બીજું ઊંડાણ ક્યૂબા અને જમૈકા વચ્ચે આવેલું છે.

ઉત્પત્તિના સંદર્ભમાં જોતાં, કૅરિબિયન સમુદ્રનું ભૂસ્તરીય વય ચોકસાઈથી કહી શકાય એમ નથી, તેમ છતાં આજના મધ્ય અમેરિકી સમુદ્રના એક ભાગ તરીકે એને માટે એવી ધારણા મુકાયેલી છે કે પ્રથમ જીવયુગ (વ.પૂ. 57 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેનો કાળગાળો) વખતે તે ભૂમધ્યસમુદ્ર સાથે સંકળાયેલો હતો; તે પછી આટલાન્ટિક મહાસાગર તૈયાર થયા બાદ ક્રમશ: તે ભૂમધ્ય સમુદ્રથી અલગ પડતો જઈ આટલાન્ટિકનો ભાગ બની રહ્યો.

આ સમુદ્રનું નામ કૅરિબ ઇન્ડિનોના નામ પરથી પડેલું છે. કોલંબસ અહીંથી સર્વપ્રથમ વાર પસાર થયો હતો. સોળમીથી અઢારમી સદી દરમિયાન તે ચાંચિયાઓનું ક્ષેત્ર રહેલો તથા યુરોપિયન વસાહતી સત્તા (સ્પેન, ડચ અને બ્રિટન) તેમજ ચાંચિયાઓ વચ્ચેની લડાઈઓનું ક્ષેત્ર બની રહેલો. પનામા નહેર બંધાયા પછી વેપારી ક્ષેત્રે આ સમુદ્રનું મહત્વ વધ્યું છે. ક્યૂબા, બહામા, જમૈકા, ડોમિનકન પ્રજાસત્તાક, હૈતી, ત્રિનિદાદ, ટૉબેગો, ગ્રૅનેડા, બાર્બાડોસ વગેરે વેસ્ટ ઇન્ડિઝના સમૂહના બેટ આ સમુદ્રમાં આવેલા છે. આ સમુદ્ર તેની શાંત અને સમધાત આબોહવા માટે લાંબા સમયથી જાણીતો બનેલો છે, તેમ છતાં અહીં ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન હરિકેન (વંટોળિયા) ફૂંકાય છે અને પુષ્કળ નુકસાન પહોંચાડે છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી