કૅરિયૅટિડ (ઈ.પૂ. 421-405) : ગ્રીક સ્થાપત્યમાં સ્તંભ તરીકે વપરાતું વસ્ત્રાભૂષણવાળી સ્ત્રીનું પથ્થરનું પૂતળું. ગ્રીસમાં આવેલા એક્રૉપોલિસના ટેકરા પર પાર્થિનૉનથી ઉત્તરમાં બાંધેલા ઇરેક્થિયમના મંદિરની દક્ષિણ પરસાળમાં આવા સ્તંભની રચના કરાઈ છે. દક્ષિણ દિશા તરફ જોતાં ઊભેલાં છ કૅરિયૅટિડ શિલ્પો 203 મીટર ઊંચાં છે. આરસની દીવાલ ઉપર તે ઊભાં છે. આ દીવાલ જમીનથી 204 મીટર ઊંચી છે. જાણે કે તે જમીનને જોતી જોતી પોતાના માથા પર મંદિરમાં પરસાળની છતનું વજન ઝીલી રહી હોય એમ લાગે. પશ્ચિમ બાજુની ત્રણ કૅરિયૅટિડ પોતાના જમણા પગ ઉપર અને પૂર્વ બાજુની ત્રણ કૅરિયૅટિડ પોતાના ડાબા પગ ઉપર ઝૂકેલી હોય તેવી નકશી કરેલી છે. તે પરથી તે છતને આધાર આપી રહી હોય એવો ભાસ થાય છે.

કૅરિયૅટિડ

પશ્ચિમ બાજુની બીજી કૅરિયૅટિડ અત્યારે બ્રિટિશ મ્યુઝિયમમાં છે અને તેની જગ્યાએ માટીનું બનાવેલું આબેહૂબ પૂતળું મૂકવામાં આવેલું છે.

છઠ્ઠી સદીમાં ડેલસીમાં પણ બે કૅરિયૅટિડ શિલ્પ મળી આવેલાં છે, જે ગ્રીક સ્તંભ(order)ને બદલે વપરાયાં હતાં.

મીનાક્ષી જૈન