કૅનેડા
ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે.
ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′ પશ્ચિમ રેખાંશ વચ્ચે આ દેશ લંબચોરસ આકારે પથરાયેલો છે.
તેની પૂર્વમાં લાબ્રાડોર સમુદ્ર અને આટલાન્ટિક મહાસાગર, ઉત્તરમાં હડસનનો અખાત, બ્યુફૉર્ટ સમુદ્ર તેમજ આર્ક્ટિક મહાસાગર આવેલા છે, પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર અને દક્ષિણે યુ.એસ.નો વિશાળ ભૂમિભાગ આવેલો છે. તેનો ઉત્તર ભાગ અનેક ટાપુઓનો બનેલો છે, જેમાં બૅફિન ટાપુ, વિક્ટોરિયા ટાપુ, બૅન્ક્સ ટાપુ, ક્વીન એલિઝાબેથ ટાપુ, સાઉધૅમ્પ્ટન ટાપુ, રગલ ટાપુ વગેરેનો સમાવેશ થાય છે. ફ્યૉર્ડયુક્ત ખાંચાખૂંચી ધરાવતો બરફયુક્ત કિનારો ઉત્તર કૅનેડાની પ્રાકૃતિક વિશિષ્ટતા છે. અતિશય ઠંડીને કારણે મોટાભાગના ઉત્તરના ટાપુઓ હિમાચ્છાદિત રહે છે. ઉત્તર અમેરિકા અને કૅનેડાની સરહદે પાંચ સરોવરો આવેલાં છે જેમાંનું લેક સુપિરિયર વિશ્વનું બીજા નંબરનું મોટું સરોવર છે.
ઉત્તર ધ્રુવવૃત્ત કૅનેડાના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે પરિણામે ઉત્તરનો ભાગ શીત કટિબંધમાં અને દક્ષિણનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
કૅનેડાનું કુલ ક્ષેત્રફળ 99,70,610 ચો. કિમી. જેટલું છે. વિસ્તારમાં તે ભારત કરતાં ત્રણગણો મોટો છે, પણ તેની વસ્તી 2013માં368.26 લાખ હતી. દેશની બીજા ભાગની વસ્તી અંગ્રેજોની જ્યારે ત્રીજા ભાગની વસ્તી ફ્રેન્ચની છે. આ ઉપરાંત અહીંની મૂળ નિવાસી રેડ ઇન્ડિયન પ્રજા જંગલ વિસ્તારોમાં વસવાટ કરે છે. ઉત્તરના ઠંડા પ્રદેશોમાં વસતા એસ્કિમો હાડમારીવાળું જીવન ગુજારે છે.
ભૂપૃષ્ઠ : કૅનેડાના વિશાળ ભૂમિવિસ્તારમાં ભૂપૃષ્ઠની અનેક વિષમતાઓ જોવા મળે છે. પ્રાકૃતિક ભૂરચનાને આધારે કૅનેડાને મુખ્ય ચાર વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય : (1) અવિચળ પ્રદેશ કે ભૂકવચના વિસ્તારો, (2) મધ્યનાં પ્રેરીઝનાં વિશાળ મેદાનો, (3) પર્વતીય વિસ્તારો, (4) ઉત્તરનો દ્વીપસમૂહ અને ઇન્યુશિયન પર્વતમાળા.
(1) અવિચળ પ્રદેશ : કૅનેડાના કુલ ભૂમિભાગના અર્ધ ઉપરાંત વિસ્તારમાં પ્રાચીન ખડકો ધરાવતો અવિચળ પ્રદેશ પથરાયેલો છે. જૂના સમયમાં લાવારસ પથરાવાને કારણે બનેલા આ પ્રદેશને ‘ભૂકવચ’ ‘શીલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સખત અને નક્કર અગ્નિકૃત ખડકોનું વિશેષ પ્રમાણ છે. હિમયુગ દરમિયાન ઘસારો અને ધોવાણ થવાથી આ પ્રદેશ ખડકાળ અને સરોવરોવાળો બનેલો છે. આ પ્રદેશના કેટલાક ભાગો બારેમાસ હિમાચ્છાદિત રહે છે. કૅનેડાનો આ પ્રદેશ નિકલ, ચાંદી તેમજ અન્ય કીમતી ખનિજોનો ભંડાર ધરાવે છે.
(2) મધ્યનાં વિશાળ મેદાનો : અતિ પ્રાચીન અવિચળ પ્રદેશની પશ્ચિમ તેમજ નૈર્ઋત્યના રૉકી પર્વતમાંથી નીકળતી નદીઓના નિક્ષેપથી આ વિશાળ મેદાની પ્રદેશ બન્યો છે. આ મેદાની પ્રદેશને દક્ષિણ કૅનેડામાં ‘પ્રેરીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કાળી જમીન પ્રકારની આ મેદાનની જમીન ઘઉંની ખેતી માટે વધુ માફક આવે છે. પરિણામે અહીં ઘઉંની ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ વિકસી છે. આ વિશાળ મેદાનો ઉત્તર ધ્રુવ સમુદ્ર સુધી વિસ્તરેલાં છે, જે ‘મૅકેન્ઝી નદીનાં મેદાનો’ તરીકે ઓળખાય છે.
(3) પર્વતીય વિસ્તારો : મધ્યનાં વિશાળ મેદાનોની પશ્ચિમે રૉકી પર્વતોની ગિરિમાળા આવેલી છે. યુકૉનમાં આવેલું માઉન્ટ લોગાન કૅનેડામાં સૌથી ઊંચું શિખર (6,050 મીટર) છે. યુકૉન અને નૉર્થ-વેસ્ટ પ્રાંતમાં આવેલા ઓગલ્વી અને મૅકેન્ઝી પર્વતો રૉકી પર્વતમાળાના ભાગો છે. રૉકી પર્વતમાળાની સમાંતર પશ્ચિમ કિનારે કાંઠાળ પર્વતમાળા આવેલી છે. રૉકી પર્વતના કિનારા નજીકનો કેટલોક ભૂમિભાગ ભૂગર્ભીય હિલચાલને કારણે ઊંચકાઈ આવેલો છે અને ઉચ્ચ પ્રદેશ બન્યો છે. આ ઉચ્ચ પ્રદેશ ‘બ્રિટિશ કોલંબિયાના ઉચ્ચ પ્રદેશ’ તરીકે જાણીતો છે. દુનિયામાં પ્લૅટિનમનું સૌથી વધુ ઉત્પાદન કૅનેડાના આ બ્રિટિશ કોલંબિયાના ઉચ્ચ પ્રદેશમાંથી થાય છે. આ પ્રદેશમાંથી સોનું, ચાંદી, કોલસો, લોખંડ, ખનિજ તેલ ઉપરાંત ઍસ્બેસ્ટૉસ પ્રાપ્ત થાય છે. ઍસ્બેસ્ટૉસની સૌથી મોટી ખાણો કૅનેડાના આ પર્વતીય વિસ્તારમાં આવેલી સેન્ટ લૉરેન્સ વૅલીમાં આવેલી છે. કૅનેડાની મોટાભાગની નદીઓ આ પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે.
(4) ઉત્તરનો દ્વીપસમૂહ અને ઇન્યુશિયન પર્વતમાળા : કૅનેડાની ઉત્તરે અસંખ્ય દ્વીપ આવેલા છે. આ દ્વીપસમૂહ ઍપેલેશિયન ગિરિનિર્માણક્રિયા દરમિયાન બન્યા હશે તેમ મનાય છે. ઍપેલેશિયન પર્વતમાળાના અનુસંધાને સાગરના તળિયે પથરાયેલા આ ભૂમિભાગનાં કેટલાંક શિખરો ટાપુસ્વરૂપે જોવા મળે છે. ઇન્યુશિયન પર્વતમાળા એ ઍપેલેશિયન પર્વતમાળાનો જ એક ભાગ છે. આ હારમાળા એલિંગ્ટન, મેલવિલ, બૅથર્સ્ટ, કૉર્નવૉલિસ થઈ છેક ડેવન અને એલ્ઝમિર ટાપુ સુધી વિસ્તરેલી છે. એની લંબાઈ આશરે 1,278.2 કિમી. જેટલી છે. ઉત્તરના કેટલાક ટાપુ બારેમાસ બરફના કારણે અતિ નીચું તાપમાન ધરાવે છે. હિમનદીઘર્ષિત કોતરાયેલો અને ખાંચાખૂંચીવાળો ફ્યૉર્ડ પ્રકારનો તટપ્રદેશ આ પ્રાકૃતિક વિભાગની વિશિષ્ટતા છે.
નદીઓ અને સરોવરો : કૅનેડાની ઉત્તરે નદીઓ અને દક્ષિણે સરોવરોનું વિશેષ પ્રમાણ છે. અગત્યની નદીઓમાં વિનિપેગ, રેડ, સસ્કેચવાન, સેન્ટ લૉરેન્સ, મૅકેન્ઝી ઉપરાંત હે, પીસ તેમજ આથાબાસ્કા, ઑટાવા, સેન્ટ મૉરિસ, સૅગને તેમજ રિશેલ્યૂનો સમાવેશ કરી શકાય. સેન્ટ લૉરેન્સ નદી સરોવરોની નદી કહેવાય છે કારણ કે તે સુપિરિયર, મિશિગન, હ્યૂરૉન, ઇરી અને ઑન્ટારિયો સરોવરોમાં થઈને વહે છે. વિશ્વવિખ્યાત નાયગરા ધોધ આ નદી પર આવેલો છે, જ્યાં પ્રતિવર્ષ હજારો સહેલાણીઓ આવે છે.
કૅનેડા અને યુ.એસ.ની સરહદે પાંચ સરોવરો ઉપરાંત ગ્રેટ બેર, ગ્રેટ સ્લેવ, વિનિપેગ, આથાબાસ્કા, રેન્ડિયર લેકનો સમાવેશ થાય છે. આ સરોવરો પ્રાચીન હિમયુગની નિશાનીરૂપ ગણાય છે.
સેન્ટ લૉરેન્સ નદી : કૅનેડાની સૌથી લાંબી નદી છે. તે ઑન્ટારિયો સરોવરમાંથી ઉદભવી આટલાન્ટિક મહાસાગરને મળે છે. તેનું વહન-ક્ષેત્ર સુપિરિયર સરોવરમાં વહેતી સેન્ટ લૂઈ સુધી વિસ્તરેલું છે. આ નદી આટલાન્ટિક સાગરને મોટાં સરોવરોની સાથે સાંકળે છે. આ મહાન નદી સાથે ઑટાવા, સેન્ટ મૉરિસ, સૅગને અને રિશેલ્યૂ જેવી નદીઓ સંગમ પામે છે. ફ્રેન્ચ નાવિક ઝાક કાર્ત્યેએ ખ્રિસ્તી સંત શહીદ સેન્ટ લૉરેન્સના પર્વના દિવસે (10 ઑગસ્ટ) તળભૂમિ પર એક ઉપસાગર જોઈને આ નદીને સેન્ટ લૉરેન્સનું નામ આપ્યું.
ઑન્ટારિયો સરોવરમાંથી નીકળી સેન્ટ લૉરેન્સ નદી થાઉઝન્ડ આઇલૅન્ડમાંથી પસાર થાય છે, જ્યાં યુ.એસ.ના ન્યૂયૉર્ક સ્ટેટ અને કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતની સરહદ બને છે. ક્વિબેક પ્રાંતમાં પ્રવેશી મૉન્ટ્રિયલ પાસે તે ઑટાવા નદી સાથે સંગમ પામે છે. મહાસાગરથી મૉન્ટ્રિયલ સુધીના જળમાર્ગની સુવિધા આ નદીને આભારી છે.
મૅકેન્ઝી નદી : કૅનેડાના વાયવ્ય પ્રદેશમાં આવેલા ગ્રેટ સ્લેવ સરોવરમાંથી નીકળી ઉત્તર ધ્રુવ (arctic) મહાસાગરને મળે છે. 1789માં સર ઍલેક્ઝાન્ડર મૅકેન્ઝીએ આ નદીની શોધ કરી હતી. તેમના નામ પરથી આ નદીનું નામ મૅકેન્ઝી પડ્યું છે. બ્રિટિશ કોલંબિયાના ઉચ્ચ પ્રદેશમાં આવેલો ફિનલેનો વિસ્તાર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે. આ નદીનો આગળ વધતો પ્રવાહ સ્લેવ નદી તરીકે આથાબાસ્કામાંથી નીકળતા જળરાશિને મળે છે. ગ્રેટ સ્લેવ સરોવરમાંથી મૅકેન્ઝી નદી તરીકે નીકળી યુકૉનની સરહદ નજીક ઉત્તર ધ્રુવ મહાસાગરના એક લઘુ સાગર બોફૉર્ટ સાગરને મળે છે.
સુપિરિયર સરોવર : ઉત્તર અમેરિકામાં યુ.એસ. અને કૅનેડાની સરહદે આવેલાં પાંચ સરોવરમાં સુપિરિયર વિશ્વનું બીજા નંબરનું મોટું સરોવર છે, જ્યારે મીઠા પાણીનું તે વિશ્વનું સૌથી મોટું સરોવર છે. આ સરોવરનો એક કાંઠો કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતને સ્પર્શે છે જ્યારે બીજો કાંઠો યુ.એસ.ના મિશિગન, વિસ્કૉન્સિન અને મિનેસોટા રાજ્યોને સ્પર્શે છે. આ સરોવરને કાંઠે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે.
મિશિગન સરોવર : આ સરોવરનો અંશત: ભાગ કૅનેડાની ભૂમિને સ્પર્શે છે. આ સરોવર યુ.એસ. અને કૅનેડા વચ્ચે જળસીમારૂપ છે. ઈશાન બાજુએ મૅકિનાક સામુદ્રધુની દ્વારા તે હ્યૂરૉન સરોવર સાથે જોડાયેલું છે. આ સરોવરમાં મૅનિસ્ટી, પિરી, માક્વિટ, વાઇટ, મરકેગૉન, ગ્રાન્ડ ફૉક્સ, સેન્ટ જોસેફ તેમજ કાલામાઝૂ જેવી સો ઉપરાંત નદીઓ ભળે છે. આંતરિક જળમાર્ગ માટે તેમજ મત્સ્યઉદ્યોગ માટે આ સરોવર ઉપયોગી છે. સાથે સાથે આ સરોવર શિકાગો શહેર અને જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડે છે.
હ્યૂરૉન સરોવર : ઉત્તર અમેરિકાનાં પાંચ પ્રમુખ સરોવરોના વિસ્તારની ર્દષ્ટિએ સુપિરિયર પછી બીજા નંબરનું સરોવર ગણાય છે. સમુદ્રની સપાટીથી તે 176 મીટરની ઊંચાઈએ મિશિગન સરોવરની બરાબરી કરે તેવું છે. યુરોપિયનો દ્વારા શોધાયેલા આ સરોવરનો જળમાર્ગ ઠંડી ઋતુમાં ઉપયોગી બનતો નથી.
ઇરી સરોવર : પાંચ સરોવરોમાં નાનું ઇરી સરોવર ઑન્ટારિયો સરોવર સાથે જોડાયેલું છે. ઇરી નહેર મારફત તે યુ.એસ.ની હડસન નદી સાથે જોડાયેલું છે.
ઑન્ટારિયો સરોવર : આ સરોવર ક્ષેત્રફળ-વિસ્તારની ર્દષ્ટિએ સૌથી નાનું છે. આ સરોવર કૅનેડાના ઑન્ટારિયો પ્રાંત અને યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યની સરહદ રચે છે. લગભગ લંબગોળ આકાર ધરાવતા આ સરોવરમાં અન્ય સરોવરોની તુલનામાં જળમાર્ગે મર્યાદિત વ્યાપારપ્રવૃત્તિ થાય છે. મોટેભાગે કોલસાની હેરફેર માટે આ સરોવરનો ઉપયોગ થાય છે. આ સરોવરના કિનારે કૅનેડાનાં કિંગસ્ટન, ટોરૉન્ટો તેમજ હેમિલ્ટન બંદરો (શહેરો) આવેલાં છે.
વિનિપેગ સરોવર : પોર્ટ આર્થરની ઉત્તરે કૅનેડામાં આવેલું આ સરોવર 431 કિમી. લંબાઈ, 40થી 109 કિમી. પહોળાઈ અને 12થી 18 મીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. તેનો દક્ષિણ કિનારો પંકિલ ભૂમિ ધરાવે છે. મત્સ્યપ્રવૃત્તિ માટે ઉપયોગી આ સરોવરમાં વિનિપેગ, રેડ, સસ્કેચવાન ઉપરાંત ઉત્તરની નેલ્સન નદી ભળે છે.
અન્ય સરોવરોમાં ગ્રેટ બેર લેક, ગ્રેટ સ્લેવ લેક તેમજ લેક આથાબાસ્કા તેમજ ગ્રેટ સૉલ્ટ લેકનો સમાવેશ થાય છે. ગ્રેટ સૉલ્ટ લેક ખારા પાણીનું વિશાળ સરોવર છે. નદીઓ અને સરોવરો આંતરિક જળમાર્ગ, જળવિદ્યુત, સિંચાઈ તેમજ મત્સ્યઉદ્યોગ માટે ઉપયોગી છે.
આબોહવા : વિશાળ ભૂમિભાગની આસપાસ મહાસાગરોના સાન્નિધ્યને કારણે ખંડીય તેમજ દરિયાઈ સમ આબોહવા સાથે ઠંડીનું પ્રભુત્વ વિશેષ રહે છે. ધ્રુવવૃત્તની ઉત્તરના મોટાભાગના પ્રદેશોમાં વર્ષભર તાપમાન 10° સે.થી ભાગ્યે જ વધે છે. પરંતુ બ્રિટિશ કોલંબિયામાં સાગર-સાન્નિધ્યને પરિણામે તાપમાન ક્યારેય ઠારબિંદુ સુધી પહોંચતું નથી. વિનિપેગમાં જાન્યુઆરી માસ દરમિયાન ધ્રુવ તરફના ઠંડા પવનોને કારણે તાપમાન -18° સે. જેટલું નોંધાય છે. ઉનાળો ટૂંકો અને ઠંડો હોય છે. શિયાળામાં અહીં હિમવર્ષા સામાન્ય છે.
કૅનેડાના મોટાભાગના વિસ્તારોમાં 700થી 1300 મિમી. જેટલો વરસાદ પડે છે. પરંતુ પર્વતીય વિસ્તારોને બાદ કરતાં મેદાનો અને ઉચ્ચ પ્રદેશોમાં તેનું પ્રમાણ ઘટે છે કારણ કે તે વર્ષાછાયાના પ્રદેશો બને છે. સાગરતટની ગિરિમાળામાં ઉષ્ણતાનયનનો સૌથી વધુ વરસાદ નોંધાય છે. કિનારાના પ્રદેશોમાં આબોહવા સમ રહે છે, જ્યારે ખંડના અંદરના ભાગોની આબોહવા વિષમ રહે છે.
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ : સામાન્ય રીતે વનસ્પતિ આબોહવાને અને પ્રાણીજીવન વનસ્પતિને અનુસરે છે. કૅનેડામાં શંકુદ્રુમ જંગલો, પાનખર જંગલો, ટૂંકા ઘાસનાં મેદાનો તેમજ ટુન્ડ્ર પ્રકારની વનસ્પતિની વિભિન્નતા જોવા મળે છે.
શંકુદ્રુમ જંગલો પૂર્વથી પશ્ચિમ સુધીના સમગ્ર પ્રદેશમાં પથરાયેલાં છે, જેમાં પાઇન, ફર, સ્પ્રુસ, સીડર જેવાં કીમતી વૃક્ષો છે. પોચું લાકડું ધરાવતાં આ વૃક્ષોનો ઉપયોગ કાગળનો માવો બનાવવા માટે થાય છે. ક્વિબેક, બ્રિટિશ કોલંબિયા તેમજ સાગરકાંઠે આવેલાં મેરીટાઇમ પ્રૉવિન્સમાં આ જંગલોનાં લાકડાં કાપવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
પૂર્વ અને પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં પાનખર જંગલો સવિશેષ આવેલાં છે. ત્યાં બર્ચ અને મેપલ વૃક્ષો આવેલાં છે. મેપલ વૃક્ષનું પાન કૅનેડાના રાષ્ટ્રીય ધ્વજમાં સ્થાન પામ્યું છે. 70 ટકા જંગલો શંકુદ્રુમ અને માત્ર 10 ટકા જંગલો પાનખર પ્રકારનાં છે. રેડ ઇન્ડિયનો આ જંગલ વિસ્તારોમાં વસે છે.
ઉત્તરમાં મૅકેન્ઝી નદીના મુખત્રિકોણ પ્રદેશથી માંડી છેક હડસનના ઉપસાગરના દક્ષિણ કિનારા સુધી તેમજ ઈશાન ખૂણે લાબ્રાડોરના કિનારેથી ઉત્તરમાં ટુન્ડ્ર પ્રકારની વનસ્પતિ વધુ જોવા મળે છે. બારે માસ હિમાચ્છાદિત રહેતી જમીન ટૂંકા ઉનાળા દરમિયાન ખુલ્લી બને છે ત્યારે અલ્પજીવી રંગબેરંગી ફૂલો સાથે લીલ અને શેવાળ જેવી વનસ્પતિ ઊગી નીકળે છે.
પશ્ચિમે રૉકી પર્વતની તળેટીથી દક્ષિણે સરોવરોના પ્રદેશ સુધી પથરાયેલાં મધ્યનાં મેદાનો ટૂંકા ઘાસના પ્રદેશો છે. ત્યાં પશુપાલન સાથે ઘઉંની ખેતી થાય છે.
પ્રાણીસૃષ્ટિમાં બંને સાગરકિનારે વિવિધ પ્રકારની માછલીઓ મળે છે. તેમાં ન્યૂ ફાઉન્ડલૅન્ડનો કિનારો ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થતા હોવાથી તેમાં ખેંચાઈ આવતાં માછલાંને કારણે મત્સ્યઉદ્યોગ ધરાવતો વિશ્વવિખ્યાત વિસ્તાર બન્યો છે. ઉત્તરના ઠંડા સમુદ્રમાં સીલ અને આટલાન્ટિક કિનારે કૉડ માછલી વધુ મળે છે. ઉત્તરના ઠંડા પ્રદેશોમાં સફેદ રીંછ, કૅરિબૂ, ઑટર, રેન્ડિયર, મસ્કરૅટ, સેબલ, રેકૂન, બીવર વગેરે રુવાંટીવાળાં પ્રાણીઓ મુખ્ય છે. આર્ક્ટિક મહાસાગરમાં સીલ ઉપરાંત વાલરસ અને વહેલ જેવાં મહાકાય જળચર પ્રાણીઓ વિશેષ છે. દક્ષિણના ઘાસભૂમિના પ્રદેશોમાં બીસન જેવા જંગલી પાડા તેમજ પાલતુ પ્રાણીઓનું પ્રભુત્વ છે.
લોકો : ઉત્તર અમેરિકાની કુલ વસ્તીમાંથી 7.50% જેટલી વસ્તી કૅનેડામાં વસે છે, જેમાં 10 ટકાથી અધિક બ્રિટનમાંથી આવી વસેલા અંગ્રેજો છે. આ ઉપરાંત ફ્રેન્ચ અને રેડ ઇન્ડિયન લોકો સવિશેષ વસે છે. ભારતીય પ્રજાનું પ્રમાણ પૂર્વનાં શહેરોમાં વધારે છે. ટોરૉન્ટો શહેરમાં જ ભારતીય વસ્તી વધુ જોવા મળે છે. કૅનેડાની મોટાભાગની વસ્તી અગ્નિ દિશાના શહેરી વિસ્તારોમાં વસે છે.
ઉત્તરમાં એસ્કિમોની વસ્તી અધિક છે. તે મોટેભાગે માંસાહારી છે અને રેન્ડિયરઉછેર, મત્સ્યઉછેર અને શિકારની પ્રવૃત્તિ દ્વારા ગુજરાન ચલાવે છે. ઠંડીથી બચવા રૂંવાંવાળાં ચામડાંનો પગથી માથા સુધીનો પોશાક પહેરે છે. બરફનાં ચોસલાંમાંથી બનાવેલા ઇગ્લૂ નામના ઘરમાં રહે છે. ઉનાળામાં બરફ પીગળતાં ટ્યૂપિક નામના તંબૂમાં સ્થળાંતર કરે છે. રેન્ડિયર એસ્કિમોની સ્લેજગાડી ખેંચવામાં ઉપયોગી તેમજ તેનાં માંસ, ચામડું, શિંગડાં અને હાડકાં ઉપયોગી હોવાથી તે કામધેનુ ગણાય છે. એસ્કિમો માછલાં પકડવા જે હોડીનો ઉપયોગ કરે છે તે કૅયાક નામે અને તેનો ભાલો હાર્પૂન નામે ઓળખાય છે. સતત હાડમારીભર્યું જીવન ગુજારતા આ એસ્કિમો યુરોપીય પ્રજાના સંપર્કમાં આવતાં તેમનામાં આધુનિકીકરણ થયેલું જોવા મળે છે.
અહીંના મૂળ વતનીઓ – રેડ ઇન્ડિયનો મોટેભાગે શંકુદ્રુમ જંગલોમાં વસે છે. પ્રાથમિક ખેતી ઉપરાંત જંગલી પ્રાણીઓનો શિકાર તેમજ લાકડાં કાપવાનો વ્યવસાય કરે છે. માંસ અને માછલાં તેમનો મુખ્ય ખોરાક છે. તે ચામડાંનાં વસ્ત્રો સાથે માથે પીંછાંવાળી ટોપી પહેરે છે. તે ભટકતું જીવન ગાળે છે. રેડ ઇન્ડિયનોની અનેક જાતિઓમાં ઑટાવા જાતિ અઢારમી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચ પ્રજા સામે પોતાની આઝાદી અને અખંડિતતા માટે ખૂબ ઝઝૂમી હતી. રેડ ઇન્ડિયનોની હ્યૂરૉન બોલી ટોરૉન્ટોની આસપાસ વધુ પ્રચલિત છે. ટોરૉન્ટોનો અર્થ હ્યૂરૉન બોલીમાં ‘સંગમસ્થાન’ કે ‘મિલનસ્થાન’ એવો થાય છે.
કૅનેડાના ક્વિબેક પ્રાંતમાં ફ્રેન્ચ ભાષા બોલતી વસ્તી વધારે છે. આ પ્રજાએ જૂના સમયમાં અલગ સ્વતંત્ર ફ્રેન્ચ રાષ્ટ્રની માગણી કરતાં તે વિસ્તારમાં વસતી પ્રજાએ સંગઠન સાધી સંસ્કૃતિ બચાવવા પ્રયત્નો કરેલા. કૅનેડાના મહાનગર મૉન્ટ્રિયલમાં કૅનેડિયન હિસ્ટોરિકલ મ્યુઝિયમમાં ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ગ્રીક, અંગ્રેજ તેમજ રેડ ઇન્ડિયન જાતિઓની સચિત્ર માહિતી સાથેનો ઇતિહાસ સંગ્રહાયેલો છે.
ઉત્તર કૅનેડાના વિસ્તારો ભૌગોલિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે અલ્પ વસ્તી ધરાવે છે, જ્યારે પૂર્વનાં ઔદ્યોગિક શહેરો તેમજ મધ્યના પ્રેરીઝ પ્રદેશો ગીચ વસ્તીવાળા પ્રદેશો છે. સૌથી વધુ વસ્તી ન્યૂ ફાઉન્ડલૅન્ડ, મેરીટાઇમ પ્રૉવિન્સિસ, ક્વિબેક, ઑન્ટારિયો તેમજ બ્રિટિશ કોલંબિયાના પ્રદેશો ધરાવે છે. 70 ટકા લોકો અંગ્રેજી અને 20 ટકા લોકો ફ્રેન્ચ ભાષા બોલે છે. રોમન કૅથલિક તેમજ રોમન પ્રૉટેસ્ટન્ટ અહીંનો મુખ્ય ધર્મ છે. અહીં શિક્ષણનો વ્યાપક વિકાસ થયો છે. રમતગમત ક્ષેત્રે અહીંના ખેલાડીઓ જગમશહૂર છે.
ખેતીવાડી : કૅનેડાની મોટાભાગની જમીન બારે માસ હિમાચ્છાદિત છે, તેમ છતાં મધ્યનાં મેદાનો, પર્વતીય ખીણો અને ઢોળાવો તેમજ સાગરકિનારાનાં મેદાનો ખેતપ્રવૃત્તિ માટે ઉત્તમ વિસ્તારો છે. જંગલો,
પર્વતો તેમજ બરફથી છવાયેલા રહેતા પ્રદેશોને બાદ કરતાં કૅનેડામાં વિશ્વની કુલ ખેતીલાયક જમીનના માત્ર 3 ટકા જમીન આવેલી છે.
ખેતીના મુખ્ય પાકમાં ઘઉં, બટાકા, ઓટ, વિવિધ ફળો અને ઘાસની ખેતી થાય છે. કૅનેડાનાં મધ્યનાં મેદાનો – પ્રેરીઝ પ્રદેશો ઘઉં અને ઘાસની ખેતીના મુખ્ય વિસ્તારો છે. પશ્ચિમના બ્રિટિશ કોલંબિયામાં ખીણપ્રદેશોનાં જંગલો સાફ કરી ફળફળાદિની ખેતી કરવામાં આવે છે. ખેતી સાથે પશુપાલન અહીંની આગવી વિશિષ્ટતા છે. ઘઉંના વિપુલ ઉત્પાદનને કારણે તેનો સંગ્રહ કરવા વિનિપેગ શહેરમાં વિશાળ કોઠારો તૈયાર કરવામાં આવ્યા છે.
ખનિજસંપત્તિ : કૅનેડા ખનિજસંપત્તિની બાબતમાં સમૃદ્ધ છે. કૅનેડાના અવિચળ પ્રદેશોનો વિસ્તાર તેમજ રૉકી પર્વતનો વિસ્તાર ખનિજસંપત્તિનો ભંડાર ગણાય છે. સૅન્ટ લૉરેન્સ નદીની ખીણના વિસ્તારમાં ઍસ્બેસ્ટૉસનું વિશ્વનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. કૅનેડા ઍસ્બેસ્ટૉસ ઉપરાંત નિકલ અને પ્લૅટિનમના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અન્ય ખનિજોમાં સોનું, ચાંદી, તાંબું, જસત, સીસું, લોખંડ તેમજ ખનિજ તેલનો સમાવેશ થાય છે.
સડબરી, લીન સરોવર તેમજ ઑન્ટારિયો અને સુપિરિયર સરોવરના પ્રદેશો નિકલના મુખ્ય ઉત્પાદક પ્રદેશો છે, જ્યારે પ્લૅટિનમનું સૌથી વધુ ઉત્પાદન બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં છે. સોનું પાઉન પૉઇંટ, ડૉસન, ફ્લિન ફ્લૉન, થંડર અખાતના કાંઠાના વિસ્તારોમાંથી વધુ પ્રાપ્ત થાય છે. લોખંડની કાચી ધાતુ શેફરવિલ, વિનિપેગની પૂર્વે આવેલા પ્રદેશો તેમજ પૂર્વના ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે. કોલસાનાં વિશાળ ક્ષેત્રો પશ્ચિમના રૉકીના ઢોળાવોમાં આવેલાં છે, જેમાં કેલગોન અને લેથબ્રિજ તથા એડમન્ટનની આજુબાજુના પ્રદેશોનો સમાવેશ થાય છે. ખનિજ તેલનાં અગત્યનાં ક્ષેત્રોમાં આલ્બર્ટા અને યુકૉન મુખ્ય છે. ગ્રેટ બેર સરોવર અને આથાબાસ્કા સરોવરના પ્રદેશોમાંથી રેડિયો ઍક્ટિવ (યુરેનિયમ) ખનિજો મળી આવે છે. કૅનેડાનો સેન્ટ લૉરેન્સ નદી પરનો ‘લૉન્ગ સૉલ્ટ ડૅમ’ વિશ્વના મોટા બંધો પૈકીનો એક છે. જળવિદ્યુતમાં કૅનેડા રશિયા પછી બીજા સ્થાને આવે છે. કૅનેડામાં અણુવિદ્યુત માટે જરૂરી ખનિજો મોટા પ્રમાણમાં મળી આવે છે. ભારતમાં મુંબઈ નજીક ટ્રૉમ્બેનું અણુવિદ્યુતમથક કૅનેડાની સહાયથી બાંધવામાં આવ્યું છે.
ઉદ્યોગો : કુદરતી સંપત્તિની સમૃદ્ધિ ધરાવતા કૅનેડામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે, જે બીજા વિશ્વયુદ્ધ બાદ વધુ ઝડપી બન્યો છે. અહીં શંકુદ્રુમ જંગલોનો વિશાળ પટ્ટો આવેલો છે. પરિણામે લાકડાં કાપવાનો, કાગળનો માવો તેમજ કાગળ બનાવવાનો ઉદ્યોગ વધુ પ્રમાણમાં વિકસ્યો છે. કૅનેડાનું ઑટાવા (પાટનગર), ક્વિબેક, વિનિપેગ, ટોરૉન્ટો, એડમન્ટન, આલ્બર્ટો તેનાં મુખ્ય કેન્દ્રો છે. આ ઉપરાંત સેન્ટ લૉરેન્સ નદીની સહાયક નદીઓના દરિયાકાંઠાના પ્રાંતો અને બ્રિટિશ કોલંબિયાના કેટલાક વિસ્તારો કાગળ ઉદ્યોગનાં અગત્યનાં કેન્દ્રો છે.
ખાદ્ય-સામગ્રી બનાવવાનો ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ અહીંના જાણીતા ઉદ્યોગ છે. ક્વિબેકમાં બૉક્સાઇટની આયાત કરીને ઍલ્યુમિનિયમ તૈયાર થાય છે, જ્યારે વિનિપેગ, મૉન્ટ્રિયલ, ઑટાવા વગેરેમાં અનાજ દળવાની મિલો, ડેરીપેદાશો, માંસ તેમજ ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગોનો વિકાસ થયો છે. કૅનેડામાં લોખંડ-પોલાદ, મોટરો, રેલવે એન્જિનો, વિમાનો, વિદ્યુત ઉપકરણો જેવા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. હેમિલ્ટન એ કૅનેડાની લોહનગરી કહેવાય છે, જ્યારે વિન્ડસર અને ટોરૉન્ટો મોટર ઉદ્યોગનાં અગત્યનાં કેન્દ્રો છે. અગત્યનાં ઔદ્યોગિક શહેરોમાં મૉન્ટ્રિયલ, ટોરૉન્ટો, વાનકૂવર, એડમન્ટન, હેમિલ્ટન, વિનિપેગ, ક્વિબેક, હૅલિફૅક્સનો સમાવેશ થાય છે.
વેપાર : કૅનેડા તેના પડોશી દેશ યુ.એસ. ઉપરાંત રાષ્ટ્રકુટુંબના દેશ બ્રિટન સાથે પ્રગાઢ વેપારી સંબંધોથી જોડાયેલું છે. આ ઉપરાંત તે મધ્ય અમેરિકાનાં રાષ્ટ્રો, એશિયાનાં રાષ્ટ્રો અને ભારત, યુરોપ તથા આફ્રિકાના દેશો સાથે સંકળાયેલું છે.
કૅનેડા ઘઉં, કાગળ, કાગળનો માવો, ધાતુમય ખનિજો (નિકલ, ઍલ્યુમિનિયમ, તાંબું, લોખંડ, યુરેનિયમ), રુવાંટીવાળાં ચામડાં, માછલાં અને મેપલ વૃક્ષમાંથી બનતી શર્કરાની નિકાસ કરે છે. કાપડ, શણિયું, કોલસો અને પેટ્રોલિયમ, યંત્રો વગેરેની આયાત કરે છે. મોટાભાગનો કાગળ યુ.એસ.માં નિકાસ થાય છે. આંતરિક તેમજ ખુલ્લા બાહ્ય જળમાર્ગની સુવિધાને કારણે કૅનેડાના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન મળ્યું છે.
વાહનવ્યવહાર : કૅનેડાને બે બાજુ મહાસાગર અને એક બાજુ ઉપસાગરનો લાભ પ્રાપ્ત થયો છે. વળી, વિશાળ ભૂમિખંડમાં રેલમાર્ગો વ્યવસ્થિત પથરાયેલા જોવા મળે છે. અગત્યના રેલમાર્ગોમાં ‘કૅનેડિયન પૅસિફિક રેલવે’ અને ‘કૅનેડિયન નૅશનલ રેલવે’નો સમાવેશ થાય છે, જે પૂર્વ-પશ્ચિમ કિનારાને જોડે છે. મૉન્ટ્રિયલની ભૂગર્ભ (મેટ્રો) રેલવે ઉત્તમ ગણાય છે.
જળમાર્ગોની બાબતમાં કૅનેડાને પૂર્વમાં આટલાન્ટિક અને પશ્ચિમે પૅસિફિક મહાસાગરના કિનારાથી જળમાર્ગોનો લાભ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત સેન્ટ લૉરેન્સ નદી તેમજ પાંચ વિશાળ સરોવરો આંતરિક જળમાર્ગ પૂરો પાડે છે. પરિણામે ફૉર્ટ વિલિયમ અને આર્થર ઉપરાંત મૉન્ટ્રિયલ, ટોરૉન્ટો, ઑટાવા વગેરે અગત્યનાં નદીબંદરો છે. જેમાં મૉન્ટ્રિયલ વિશ્વનું સૌથી મોટું નદીબંદર છે. યુ.એસ. અને કૅનેડા વચ્ચે આંતરિક જળમાર્ગ દ્વારા કેટલીક પેદાશોની આપ-લે થાય છે.
ભૂપૃષ્ઠ અને વિષમ આબોહવાને કારણે કૅનેડામાં જમીન-માર્ગોનો વિકાસ યુ.એસ.ની તુલનામાં ઓછો થયો છે. તેમ છતાં દક્ષિણ કૅનેડામાં જમીન-માર્ગોનો વિકાસ સવિશેષ થયો છે. એક નવો ‘પાન અમેરિકન હાઈવે’ ઉત્તરે અલાસ્કાથી છેક દક્ષિણ અમેરિકા સુધીનો છે. જમીન-માર્ગોની પ્રતિકૂળતા માટે પર્વતીય ભૂપૃષ્ઠ, જંગલો, ઉચ્ચ પ્રદેશો, સરોવરો તેમજ બરફથી આચ્છાદિત ભૂમિભાગો મુખ્યત્વે જવાબદાર છે. કૅનેડામાં રેલમાર્ગોની લંબાઈ 34,483 કિમી. તથા રસ્તાઓની લંબાઈ 9,01,903 કિમી. જેટલી છે.
હવાઈમાર્ગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. મૉન્ટ્રિયલ, ઑટાવા, ટોરૉન્ટો, વિનિપેગ, ક્વિબેક, વાનકૂવર અગત્યનાં હવાઈમથકો છે. ઑટાવા અને ટોરૉન્ટો અહીંનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈમથકો છે.
અગત્યનાં શહેરો : કૅનેડાનાં અગત્યનાં શહેરો મોટેભાગે નદીકિનારે કે સરોવરકિનારે આવેલાં છે. રાજધાનીનું શહેર ઑટાવા, ઉપરાંત મૉન્ટ્રિયલ, ટોરૉન્ટો, ક્વિબેક, વાનકૂવર, વિનિપેગ, હૅલિફૅક્સ વગેરે અગત્યનાં શહેરો છે.
મૉન્ટ્રિયલ : સેન્ટ લૉરેન્સ નદીના બંને કાંઠે વિસ્તરેલું આ શહેર કૅનેડાના વિકાસનું ‘પારણું’ ગણાય છે. વિશ્વનું સૌથી મોટું નદીબંદર સેન્ટ લૉરેન્સ નાનામોટા ઘણા ટાપુઓ ધરાવે છે. ટાપુઓ અસંખ્ય પુલોથી જોડાયેલા છે. સેન્ટ લૉરેન્સ નદી અને શહેરની પાછળની ગિરિમાળા આ શહેરને આગવું પ્રાકૃતિક સૌંદર્ય બક્ષે છે.
મૉન્ટ્રિયલ નામ ‘માઉન્ટ રૉયલ’ કે ‘મૉન્ટે રૉયલ’ પરથી પડ્યું છે. આ ફ્રેન્ચ નામ આપવાનું માન ઝાક કાર્ત્યેને ફાળે જાય છે. માઉન્ટ રૉયલ ખરેખર એક ગિરિશિખર જ છે. બ્રિટિશ અને ફ્રેન્ચ ડિઝાઇન ધરાવતાં ચાર-પાંચ મજલાનાં મકાનો અહીં સામાન્ય છે. આટલાન્ટિક મહાસાગરના તટથી 1600 કિમી. (ગુજરાતના સમગ્ર દરિયાકિનારા જેટલાં) દૂર સુધી ભૂમિભાગ પર વસેલું આ બંદર વિશ્વમાં ફ્રાન્સના પૅરિસ પછી બીજા નંબરે આવતું ફ્રેન્ચભાષી નગર છે. આ નગરની પચરંગી પ્રજામાં અંગ્રેજ, ફ્રેન્ચ, સ્પૅનિશ, પોર્ટુગીઝ, જર્મન, જાપાની ઉપરાંત ભારતીય લોકો સવિશેષ રહે છે. પંજાબી, ગુજરાતી, બંગાળી લોકો અહીં મોટી મોટી મોટેલ ધરાવે છે.
1535માં સ્પૅનિશ ખલાસી ઝાક કાર્ત્યે સેન્ટ લૉરેન્સ નદી સુધી આવેલો. તેણે રેડ ઇન્ડિયનોનું કિલ્લેબંધ ગામડું હૉશલૅગા જોયું હતું. હૉશલૅગામાં ત્યારે માંડ પચાસ જેટલાં ઝૂંપડાં કે તંબૂ (wigwam) હતાં. 1611માં આ જગાએ સૅમ્યુઅલ-દ-શૅમ્પ્લેને વેપારી મથક સ્થાપ્યું અને 1642માં પૉલ-દ-શૉમ્દે દે વિલમરી નામે ગામ સ્થાપ્યું, જે આજે મૉન્ટ્રિયલ તરીકે જાણીતું છે.
અહીં જોવાલાયક સ્થળોમાં નોત્રદામ ચર્ચ, મ્યુઝિયમ, માઉન્ટ રૉયલ બૉટેનિકલ ગાર્ડન, વિશ્વ ઑલિમ્પિક સંકુલ તેમજ મૅકગિલ યુનિવર્સિટી, મૉન્ટ્રિયલ યુનિવર્સિટી, કૉન્કોર્ડિયા યુનિવર્સિટી વગેરે વિવિધ શિક્ષણ-સંસ્થાઓ છે. મૉન્ટ્રિયલથી 25 કિમી. દૂર આવેલી ‘ધ વૅલી ઑવ્ ધ ફૉર્ટ’ પ્રાચીન અવશેષો ને ઇમારતોનું જોવાલાયક સ્થળ છે.
1829માં બંધાયેલું નોત્રદામ ચર્ચ ફ્રાન્સના પારદર્શક આરસપહાણની ઉત્તમ બાંધણી ઉપરાંત આરસ અને કાષ્ઠની અનેક પ્રતિમાઓ ધરાવે છે.
માઉન્ટ રૉયલ પાર્ક નગરની મધ્યમાં આવેલો છે. સંખ્યાબંધ બગીચામાં અહીંનો બૉટેનિકલ ગાર્ડન વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. એકસાથે 74,000 પ્રેક્ષકોને સમાવતું વિશાળ સભાગૃહ (સ્ટેડિયમ) વગેરે જોવા હજારો સહેલાણીઓ અહીં આવે છે. ‘ધ વૅલી ઑવ્ ધી ફૉર્ટ’ રિશેલ્યૂ નદીની ખીણમાં આવેલું એક પ્રવાસધામ છે. ફ્રેન્ચ વસાહતીઓએ અહીંના મૂળ વતની રેડ ઇન્ડિયનો સામે રક્ષણ માટે કરેલી કિલ્લેબંધી તેમજ સેન્ટ હેલેનાનો કિલ્લો અહીં જોવાલાયક છે.
પંદર કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલું ટ્રેડ સેન્ટર તેમજ 1200 રૂમ ધરાવતી ઇલિઝાબેથ હોટલ અહીંની જોવાલાયક ઇમારતો છે. મૉન્ટ્રિયલ શહેર ભારતના જયપુર શહેરની માફક એક જ સીધી લીટીમાં આવેલી શેરીઓ ધરાવે છે. અહીંની રોટ્રેડ્રોમ સ્ટ્રીટ 35 કિમી. અને સેન્ટ કૅથેરિન સ્ટ્રીટ 13 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. જગતની કદાચ સૌથી લાંબી અને સીધી શેરીઓ ધરાવવાનું માન મૉન્ટ્રિયલને મળે તેમ છે.
ભૂગર્ભ રેલવેની ત્રણ-ત્રણ લાઇનો ઉપરાંત કૅનેડિયન પૅસિફિક રેલવે અને કૅનેડિયન નૅશનલ રેલવેનું મુખ્ય મથક મૉન્ટ્રિયલ છે. કૅનેડાનું તે સૌથી મોટું રેલવે જંક્શન છે. અહીં વહાણો, વિમાનો, વાહનવ્યવહારનાં સાધનો, સિમેન્ટ, કાપડ, તેલની રિફાઇનરી, મુદ્રણકામ અને પુસ્તક-પ્રકાશન તેમજ યંત્રઉદ્યોગનાં અનેક કારખાનાં આવેલાં છે. 1847 સુધી કૅનેડા સમવાય તંત્રનું પાટનગર રહેલું.
1976માં વિશ્વ ઑલિમ્પિક સ્પર્ધાઓ આ શહેરમાં યોજાઈ હતી. આ શહેરની વસ્તી 17.78 લાખ (2024) જેટલી છે.
ટોરૉન્ટો : લેક ઑન્ટારિયોના અખાત પર ઑન્ટારિયો સરોવરના પશ્ચિમ કિનારે આવેલું આ શહેર કૅનેડાની નાણાકીય કરોડરજ્જુ સમાન છે. અહીં આર્થિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનો સંગમ જોવા મળે છે. તેથી તેનું મિલનસ્થાન અર્થસાર્થક બને છે. મૉન્ટ્રિયલ, ઑટાવા, બફેલો વગેરે શહેરોમાં પહોંચવાના રસ્તા અહીંથી પસાર થાય છે.
1750માં ફ્રેન્ચ વેપારી કંપનીએ અહીં વેપારી થાણું સ્થાપી રક્ષણ માટે કિલ્લો બાંધ્યો હતો. અંગ્રેજોએ ફ્રેન્ચો પાસેથી આ મથક જીતી લીધા પછી 1793માં અંગ્રેજ ગવર્નર લૉર્ડ ડોરચેસ્ટરે આ નગરને યૉર્કનગર (ઇંગ્લૅન્ડના યૉર્ક નગરની યાદમાં) નામ આપ્યું. 1834 બાદ તે ટોરૉન્ટો તરીકે જાણીતું બન્યું.
અહીંનાં જોવાલાયક સ્થળોમાં ઍમ્ફીથિયેટર, વિશાળ સિનેમાગૃહ, પુસ્તકાલય અને સંગ્રહાલય છે. કૅનેડાની મોટાભાગની નાણાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર ટોરૉન્ટો છે. અહીં કૅનેડાની પાંચ મુખ્ય બૅન્કોમાંથી ત્રણ બૅન્કોનાં મુખ્ય કાર્યાલયો, 140 ઉપરાંત વીમા કંપનીઓમાંથી 95 જેટલી કંપનીની વડી કચેરીઓ તેમજ વિશાળ શેરબજાર આવેલ છે.
ટોરૉન્ટોનું ઍમ્ફીથિયેટર 8,000 પ્રેક્ષકોને સમાવે તેવું સભાગૃહ ધરાવે છે. વળી અહીં એકસાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય તેવી સુવિધા છે. શહેરની મધ્યે માનવસર્જિત ટાપુઓમાં વિશાળ બગીચો છે, જેમાં વિશ્વનો સૌથી મોટો પડદો ધરાવતું સિનેમાગૃહ છે. અહીંનો સિનેમાનો પડદો છ માળ જેટલી ઊંચાઈ ધરાવે છે. શહેરની નજીકના બ્લૅક કિક પાયોનિયર વિલેજમાં 1832 પહેલાંના કૃષિજીવનને લગતું એક સુંદર સંગ્રહાલય છે, જ્યારે નૉર્મન, ગૉથિક અને રોમન શિલ્પસ્થાપત્ય સાથેનું સુંદર પુસ્તકાલય પણ ક્વિબેક પ્રાંતમાં જોવા જેવું છે.
18 જેટલાં પ્રસારમથકો અને 7 જેટલી ટેલિવિઝન ચૅનલો ધરાવતું આ શહેર 22 ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનાં વિમાનોને આવકારતું કૅનેડાનું ઉત્તમ આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. ભારતીયોમાં ખેડા જિલ્લાના પટેલો અહીં સવિશેષ છે. આ ઉપરાંત શીખ, જૈન, સ્વામિનારાયણ ધર્મ પાળતી હિન્દુ પ્રજાની સંખ્યા અહીં 50,000 ઉપરાંત છે. આ શહેરની કુલ વસ્તી 29,28,894 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 64,31,000 (2024) જેટલી છે.
ઑટાવા : તે કૅનેડાનું પાટનગર છે. રશિયાના મૉસ્કોને બાદ કરતાં વિશ્વમાં તે સૌથી મોટો ભૂમિભાગ ધરાવતું પાટનગર છે. આશરે 10.08 હજાર (2024)ની વસ્તી ધરાવતું આ શહેર 125 ચો.કિમી.માં પથરાયેલું છે. શરૂઆતમાં તે બાઇટાઉન નામે જાણીતું હતું પરંતુ 1855 બાદ તે ઑટાવા તરીકે પ્રખ્યાત થયું.
કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતના કાર્લટન કાઉન્ટીમાં ઑટાવા નદીના દક્ષિણ કાંઠા પર બીજી બે નદીઓના સંગમ પર તે આવેલું છે. તેની પાસે ઑટાવા નદી ઉપરાંત ગૅટનો તેમજ રિડો નદીઓ મળવાથી ત્યાં ત્રિવેણી સંગમ રચાય છે. મૉન્ટ્રિયલથી પશ્ચિમે લગભગ 163 કિમી.ના અંતરે અને ટોરૉન્ટોથી ઈશાન ખૂણામાં 350 કિમી.ના અંતરે આ શહેર આવેલું છે.
ઉત્તર અમેરિકાની રેડ ઇન્ડિયન પ્રજાની એક પેટાજાતિ ઑટાવા છે. વળી ઑટાવા નદી કૅનેડાની સૌથી મહત્વની અને મોટી નદી છે. આ શહેર બ્રિટિશ અને ફ્રેન્ચ સંસ્કૃતિનું સંગમસ્થાન ગણાય છે. અહીં જોવાલાયક સ્થળોમાં નોત્રદામનું કેથીડ્રલ, નૅશનલ આર્ટ સેન્ટર અને પીસ ટાવર મુખ્ય છે. ઑટાવા નદી શહેરના બે વિભાગ રચે છે. નદીને કિનારે કાગળ, પ્લાસ્ટિક, સિમેન્ટ તથા વીજળીનાં સાધનો બનાવવાનાં અનેક કારખાનાં આવેલાં છે; તેથી ઑટાવા નદી એટલી પ્રદૂષણયુક્ત બની છે કે તેમાં માછલાં ભાગ્યે જ લાંબું જીવી શકે છે.
કૅનેડાનું નોત્રદામ રોમન કૅથલિક કેથીડ્રલ રંગબેરંગી કાચના સુશોભનને કારણે શોભી ઊઠે છે. નાનાંમોટાં અનેક દેવળોમાં ક્રાઇસ્ટ ચર્ચ ખાસ ધ્યાન ખેંચે તેવું છે.
નગરની મધ્યમાં આવેલું નૅશનલ આર્ટ સેન્ટર કલારસિકોનું માનીતું સ્થળ છે. અહીં ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ગ્રીક તથા અંગ્રેજ કલાકૃતિઓ સંગ્રહાયેલી છે. શિલ્પ અને ઉત્તમ ચિત્રોથી શોભતા આ કલાકેન્દ્રમાં રેડ ઇન્ડિયનોએ કાપડ, કાષ્ઠ, પથ્થર અને ચામડામાંથી બનાવેલી અનેક અવનવી કલાકૃતિઓને પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં શહાદતને વરેલા કૅનેડિયન વીર સપૂતોની સ્મૃતિમાં રચવામાં આવેલો પીસ ટાવર કૅનેડાની શાંતિપ્રિયતાના પ્રતીક સમાન છે.
કૅનેડાનું આ પાટનગર રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર છે. સંસદ ભવનના મધ્યયુગીન મિનારા ગૉથિક શૈલીના સ્થાપત્યને પ્રગટ કરે છે. નગરનું ઑપેરા હાઉસ નૃત્ય-સંગીતની મહેફિલથી સદાય ધમધમતું રહે છે. આ શહેર કૅનેડિયન-પૅસિફિક રેલવેનું અગત્યનું જંક્શન છે.
હૅલિફૅક્સ : આ શહેર કૅનેડાના પૂર્વ કિનારે નોવાસ્કોશિયા પ્રાંતનું પાટનગર છે. સાગરકિનારે આવેલું આ બંદર ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. કૅનેડાનું મહત્વનું લશ્કરી થાણું (નૌકામથક) અહીં આવેલું છે. ‘નોવાસ્કોશિયા, રૉયલ ગેઝેટ’ નામનું વર્તમાનપત્ર અહીંથી સૌપ્રથમ પ્રસિદ્ધ થતું હતું. અહીંથી ઘઉંનો મેંદો, કાગળ, દીવાસળી, ગરમ કાપડ, માછલી, વીજળીનો સામાન વગેરેની નિકાસ થાય છે. આ શહેરની વસ્તી 4,39,285 (2024) છે.
ઇતિહાસ : રાજકારણ : કૅનેડાનો ઇતિહાસ હિમયુગના અંતથી રેડ ઇન્ડિયનોના પૂર્વજોના આગમનથી શરૂ થાય છે. ત્યારબાદ એસ્કિમો આવ્યા હતા. યુકૉન નદીની ખીણમાંથી મળેલ હાડકાની છરી (scraper) ઈ. પૂ. 25,000 વર્ષ જૂની છે. બ્રિટિશ કોલંબિયાની સ્કીના નદીની ખીણ સતત 5,000 વરસનો વસવાટ સૂચવે છે. તેરમી સદીનાં નોર્સ કાવ્યો પ્રમાણે 985માં એરિક રેડ ગ્રીનલૅન્ડ પહોંચ્યો હતો. તેના
પુત્રે ન્યૂ ફાઉન્ડલૅન્ડના ઉત્તર છેડે વસાહત સ્થાપી હતી. ચાંચિયાઓ પણ કૅનેડાના પૂર્વ કિનારા સુધી આવ્યા હતા. 1500થી ન્યૂ ફાઉન્ડલૅન્ડના સમુદ્રમાં મચ્છીમારી માટે ફ્રેન્ચો, અંગ્રેજો, સ્પેનિયાર્ડો તથા પોર્ટુગીઝો આવ્યા હતા.
જ્હૉન કૅબટ (1497-98), ઝાક કાર્ત્યે (1534) અને સૅમ્યુઅલ દ શૅમ્પ્લેને (1603) માછલાં અને રૂંવાંની શોધમાં સેન્ટ લૉરેન્સ નદીનો મુખપ્રદેશ અને ન્યૂ ફાઉન્ડલૅન્ડનો ગ્રાન્ડબૅન્ક નજીકનો વિસ્તાર શોધ્યો હતો. ફ્રેન્ચોએ આટલાન્ટિકના પૂર્વ કિનારાની વસાહતોને ‘ન્યૂ ફ્રાન્સ’ નામ આપ્યું હતું. ફ્રેન્ચ રાજવી 13મા લૂઈએ ફરનો ઇજારો એક ફ્રેન્ચ કંપનીને આપ્યો હતો. પોર્ટ રૉયલ (1605) અને ક્વિબેકમાંથી સ્થાનિક ઇન્ડિયનો મારફત બીવરનાં રૂંવાં પ્રાપ્ત કરાતાં હતાં. 1670માં ‘હડસન બે’ નામની અંગ્રેજ કંપનીએ આ ઉપસાગર નજીકના પ્રદેશમાં વસાહત સ્થાપી હતી.
1689થી ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે હરીફાઈ વધતાં લૂઇસબર્ગની વસાહત વેસ્ટ ઇન્ડીઝ સાથે વેપાર અર્થે સ્થપાઈ. 1713માં ફ્રાન્સ સામેના યુદ્ધથી નોવાસ્કોશિયા અને ન્યૂ ફાઉન્ડલૅન્ડ અંગ્રેજોને મળ્યાં.
1754થી અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ઠંડા યુદ્ધનો પ્રારંભ થયો. 1756થી 1763 દરમિયાન આ બે પ્રજાઓ વચ્ચે યુરોપ અને અમેરિકામાં સપ્તવાર્ષિક યુદ્ધ ખેલાયું. અંગ્રેજ સેનાપતિ વુલ્ફે 1759માં ક્વિબેક અને 1760માં મૉન્ટ્રિયલ કબજે કર્યાં. ફ્રેન્ચોની હાર બાદ રાજાતરફી અંગ્રેજો અને ખેડૂતો સમૃદ્ધિની આશાએ આ પ્રદેશમાં વસ્યા. વિભિન્ન સંસ્કૃતિ અને ધર્મ ધરાવતા ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ઘર્ષણ ઓછું થાય તે માટે 1791માં ક્વિબેકના નીચલું અને ઉપલું કૅનેડા એવા વિભાગો પાડવામાં આવ્યા, જેને પાછળથી ક્વિબેક અને ઑન્ટારિયો નામો અપાયાં. તે જ પ્રમાણે નોવાસ્કોશિયાના પ્રિન્સ એડવર્ડ ટાપુ અને ન્યૂ બ્રન્ઝવિક એવાં બે રાજ્યો 1769 અને 1784માં જુદાં થયાં. 1776થી 1812 દરમિયાન કૅપ્ટન કૂક, જ્યૉર્જ વાનકૂવર, ઍલેક્ઝાન્ડર મૅકેન્ઝી તથા સાઇમન ફ્રેઝરે શોધખોળ કરી નવા પ્રદેશો શોધ્યા.
1812માં અમેરિકનો અને કૅનેડિયનો વચ્ચેના યુદ્ધથી મેઇનનો પ્રદેશ કૅનેડાને મળ્યો. 1830માં અને 1837માં ક્વિબેકમાં અને ઑન્ટારિયોમાં બળવા થયા જે અંગ્રેજ લશ્કરે દાબી દીધા.
1838માં અસંતોષનાં કારણોની તપાસ કરવા નિમાયેલ અર્લ ઑવ્ ડરહામે નીચલા અને ઉપલા કૅનેડાના જોડાણ માટે કરેલી ભલામણનો અમલ 1840માં થયો પણ ચૂંટાયેલી ધારાસભાને જવાબદાર પ્રધાનમંડળની તેની દરખાસ્તને રૂઢિચુસ્ત બ્રિટિશ સરકારે નકારી કાઢી. આ અંગે ચળવળ થતાં 1848માં નોવાસ્કોશિયા અને ક્વિબેકને જવાબદાર રાજતંત્ર આપવાની ઇંગ્લૅન્ડને ફરજ પડી. 1855માં બાકીના ન્યૂ બ્રન્ઝવિક, ન્યૂ ફાઉન્ડલૅન્ડ અને પ્રિન્સ એડવર્ડ ટાપુને જવાબદાર તંત્ર મળ્યું.
1866માં ક્વિબેક, ન્યૂ બ્રન્ઝવિક અને નોવાસ્કોશિયાનું જોડાણ થયું અને તેને ‘ડુમિનિયન’ દરજ્જો મળ્યો. 1870માં પ્રિન્સ એડવર્ડ ટાપુ, 1871માં ન્યૂ ફાઉન્ડલૅન્ડ અને 1873માં વાયવ્ય તરફનો હડસન બે કંપની નીચેનો પ્રદેશ આ યુનિયનમાં જોડાયાં. ફેડરલ સરકારને પ્રાંતના કાયદા વિરુદ્ધ વીટો વાપરવાની અને ધાર્મિક લઘુમતીઓના હકો માટે ખાસ સંજોગોમાં દરમિયાનગીરી કરવાની સત્તા મળી હતી.
બ્રિટિશ પ્રણાલી પ્રમાણે શાસનની કૅબિનેટ પદ્ધતિ અપનાવાઈ હતી. 1-7-1863થી રૂઢિચુસ્ત પક્ષના જ્હૉન એ. મૅકડોનાલ્ડ વડાપ્રધાન થયા હતા. તેના પછી લિબરલ પક્ષના ઍલેક્ઝાન્ડર મૅકેન્ઝી 1873થી વડાપ્રધાન થયા. બ્રિટિશ કોલંબિયાને જોડતી રેલવેલાઇન 1885માં પૂર્ણ થઈ હતી. 1878થી 1891 દરમિયાન રૂઢિચુસ્ત પક્ષના જ્હૉન મૅક્ડોનાલ્ડ ફરી વડાપ્રધાન થયા; ત્યારબાદ 1891થી 1896 સુધી ફરી રૂઢિચુસ્ત પક્ષ સત્તારૂઢ થયો હતો. 1884-85 દરમિયાન રેડ ઇન્ડિયનોના સહકારથી લુઈ રિયેલ દ્વારા કરાયેલો બળવો દાબી દેવાયો હતો. 1896થી 1911નાં પંદર વર્ષના ગાળા દરમિયાન લિબરલ પક્ષના સર વિલફ્રીડ લૉરિયાના શાસનકાળ દરમિયાન બે વધુ રેલવે લાઇન નખાઈ હતી અને 1901થી 1911ના દાયકા દરમિયાન કૅનેડાની વસ્તીમાં 30 ટકા વધારો થયો હતો. ઇમારતી લાકડું અને ઘઉંની નિકાસ તથા પોલાદ અને કાગળનાં કારખાનાંને કારણે સમૃદ્ધિમાં વધારો થયો હતો. 1911માં સંધિ કરવાના યુ.એસ. તરફી વલણને કારણે લૉરિયાની સરકારની હાર થઈ હતી. 1911થી 1929 દરમિયાન રૉબર્ટ એલ. બૉર્ડનના નેતૃત્વ નીચે રૂઢિચુસ્ત પક્ષ સત્તા ઉપર આવ્યો. 1914-18ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં 30,000 અને પછી વધારે સૈનિકો કૅનેડાએ મોકલ્યા હતા. તેમની ભારે ખુવારી થઈ હતી. 1919માં વર્સાઈની સુલેહ પરિષદમાં કૅનેડાએ સમાન દરજ્જે હાજરી આપી હતી. યુદ્ધ દરમિયાન રૂઢિચુસ્ત પક્ષને લિબરલ પક્ષનો ટેકો મળ્યો હતો. 192021 દરમિયાન દારૂબંધી દાખલ કરવાના પ્રશ્ને પણ સહકાર મળ્યો હતો.
1926-30 દરમિયાન લિબરલ પક્ષના વિલિયમ લિયન મૅકેન્ઝી વડાપ્રધાન થયા. 1929-30માં આર્થિક મંદીના કારણે ઘઉંના ભાવ બેસી ગયા હતા. તેનું વાવેતર ઘટ્યું હતું. ખેતીની પેદાશોની નિકાસ ઘટી ગઈ હતી. અર્થતંત્ર ભાંગી પડ્યું હતું.
1931ના કાયદાથી તેને પૂર્ણ સ્વાતંત્ર્ય મળ્યું છે. 1930-35 દરમિયાન રૂઢિચુસ્ત પક્ષના રિચાર્ડ બેડફર્ડ બેનટ વડાપ્રધાન થયા. 1933 પછી રૂઝવેલ્ટની ‘ન્યૂ ડીલ’ની નીતિની અસર કૅનેડા ઉપર પડી. લોકો સમાજવાદી વિચારસરણી તરફ ઢળતાં આલ્બર્ટા રાજ્યમાં સોશિયલ ક્રેડિટ પાર્ટી 1935માં સત્તા ઉપર આવી. તે સંકુચિત અને પ્રત્યાઘાતી વલણવાળી હતી. યુનિયન નૅશનલ પક્ષ ક્વિબેકમાં 1936માં સત્તારૂઢ થયો. 1933માં સ્થપાયેલ કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન પક્ષ ફેબિયન સમાજવાદની અસર નીચે ડાબેરી વલણ ધરાવતો હતો. 1934માં ‘શાહી પસંદગી’ની અર્થનીતિ અપનાવાઈ હતી.
1935-1948 દરમિયાન લિબરલ પક્ષના વિલિયમ લિયન મૅકેન્ઝી વડાપ્રધાન થયા. 1939માં કૅનેડા બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડના પક્ષે જોડાયું. બ્રિટિશ વેપારી જહાજોના કાફલાના રક્ષણનું કાર્ય કૅનેડિયન નૌકાસૈન્યે સંભાળ્યું હતું. ડીપ તથા નૉર્મન્ડીના ઉતરાણમાં કૅનેડિયન સૈન્યે ભાગ લીધો હતો. 1944ના નવેમ્બરમાં ફરજિયાત લશ્કરી ભરતી દાખલ કરાઈ હતી.
1948ના નવેમ્બરમાં લિબરલ પક્ષના લૂઈ સ્ટેફન સાંલૉરાં વડાપ્રધાન થયા. 1949માં ન્યૂ ફાઉન્ડલૅન્ડ કૉન્ફેડરેશનમાં જોડાયું. 1946માં કૅનેડાની રાષ્ટ્રીય આવક 12 અબજ ડૉલર હતી તે 1966 અને 1976માં અનુક્રમે 61 અને 189.2 અબજ ડૉલર થઈ હતી. માથાદીઠ વાર્ષિક આવક 8229 ડૉલર થઈ હતી. લોખંડ, યુરેનિયમ અને તેલ અને ગૅસ મળી આવતાં સમૃદ્ધિમાં વધારો થયો હતો. 1970 સુધી કાગળ, ઇમારતી લાકડાં વગેરેની નિકાસ તથા ઔદ્યોગિક વિકાસ ચાલુ રહ્યાં હતાં.
1958માં જ્હૉન જી. ડીફનબેકરની રૂઢિચુસ્ત સરકાર સત્તારૂઢ થઈ. તેના પક્ષને ચૂંટણીમાં 208 બેઠકો મળી જ્યારે લિબરલ પક્ષને માત્ર 49 બેઠકો મળી હતી. 1962 પછી ફુગાવો વધતાં 1963માં લિબરલ પક્ષના લેસ્ટર બોલ્ઝ પિયર્સન વડાપ્રધાન થયા. કૅનેડાને જવાબદાર રાજતંત્ર મળ્યું તેની શતાબ્દી 1967માં ઊજવાઈ હતી. 1967માં મૉન્ટ્રિયલમાં ‘એક્સ્પો 67¢ ઔદ્યોગિક મેળો ભરાયો હતો. 1968માં લિબરલ પક્ષના વડાપ્રધાન એલિયટ ટ્રુડોના શાસન દરમિયાન ફ્રેન્ચ કૅનેડિયનોમાં અલગ થઈ સ્વતંત્ર થવાની ભાવના જાગ્રત થઈ હતી. 1960થી ઊભી થયેલી ‘માસ્ટર ઑવ્ અવર ઓન હાઉસ’ની ભાવના પાછળ ફ્રેન્ચ સંસ્કૃતિ અને આર્થિક સ્વાતંત્ર્યના મુદ્દાઓ હતા. 1976માં ‘ક્વિબેકોઈ પાર્ટી’ સ્વતંત્ર ક્વિબેકના મુદ્દા ઉપર ચૂંટણી જીતી હતી. 1979માં આર્થિક મુશ્કેલીઓને કારણે લિબરલ પક્ષ હાર્યો.
1979માં સત્તા પર આવેલું જોસેફ ક્લાર્કનું રૂઢિચુસ્ત પક્ષનું લઘુમતી પ્રધાનમંડળ 1979ના જૂનથી 1980 સુધી જ ટક્યું. ફેબ્રુઆરી 1980થી પિયર એલિયટ ટ્રુડોનું લિબરલ પક્ષનું પ્રધાનમંડળ 1984 સુધી રહ્યું. 1980ની ચૂંટણીમાં ક્વિબેક રાજ્યમાં ‘સ્વતંત્ર ક્વિબેક’ના મુદ્દા ઉપર જનમત લેવાતાં લોકોનો આ માગણીને ટેકો નથી તે સ્પષ્ટ થયું. 1982માં બંધારણીય સુધારા અંગે ક્વિબેક સિવાયના પ્રાંતો અને સમવાયી સરકાર વચ્ચે સહમતી સધાઈ.
સપ્ટેમ્બર 1984ની ચૂંટણીમાં પ્રોગ્રેસિવ કૉન્ઝર્વેટિવ પક્ષને પ્રચંડ બહુમતી મળી એથી દેશનો રાજકીય નકશો બદલાઈ ગયો. બ્રાયન મુલરોનીએ કૅનેડાના ઇતિહાસની સૌથી મોટી રાજકીય બહુમતી હાંસલ કરી. નવેમ્બર 1988ની ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાયા. જૂન, 1993માં સંરક્ષણ મંત્રી કિમ કૅમ્પબેલ વડાપ્રધાન તરીકે પક્ષની પસંદગી પામતાં તેઓ કૅનેડાના ઇતિહાસનાં પ્રથમ મહિલા-વડાપ્રધાન બન્યાં. ઑક્ટોબર, 1993ની ચૂંટણીમાં લિબરલ પક્ષને ચૂંટણીમાં બહુમતી મળી અને જિન ચેરેટિયન વડાપ્રધાન બન્યા. નવેમ્બર 2000માં 1993નું પુનરાવર્તન થયું – લિબરલ પક્ષને પ્રચંડ વિજય અને જિન ચેરેટિયન વડાપ્રધાન બન્યા. આ પક્ષ સતત ત્રીજી વાર દેશની સામાન્ય ચૂંટણીમાં બહુમતી જાળવી શક્યો હતો, જેને તેની અસાધારણ સિદ્ધિ તરીકે ઓળખી શકાય.
2003માં ઇરાક-યુદ્ધમાં નહિ જોડાવાને કારણે કૅનેડાના અમેરિકા સાથેના સંબંધોમાં ઓટ આવી. આ જ વર્ષે ચેરેટિયને હોદ્દો છોડ્યો અને પોલ માર્ટિન વડાપ્રધાન બન્યા. જૂન, 2004માં માર્ટિન વડાપ્રધાન તરીકે ફરી ચૂંટાયા. 2005માં સરકારી નાણાંની ગેરરીતિ અંગે એક કૌભાંડ બહાર આવતાં માર્ટિન સરકારની સ્થિરતા જોખમાયેલી, જોકે આ સરકાર ટકી ગઈ, કારણ વડાપ્રધાન માર્ટિન આ કૌભાંડમાં સંડોવાયેલા નહોતા. આમ લિબરલ પક્ષ લાંબા સમય સુધી શાસક પક્ષ તરીકે ટકી રહ્યો. દુનિયાનાં આઠ મહારાજ્યોમાં કૅનેડાની ગણના થાય છે. યુ.એસ.ની તેના અર્થતંત્ર ઉપર પકડ છતાં તેણે સ્વતંત્ર નીતિ અપનાવી છે અને રશિયા અને ચીન સાથે તેણે વેપારી સંબંધો જાળવી રાખ્યા છે. કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે પ્રસંગોપાત્ત બ્રિટિશ સરકારની નીતિને અનુસરે છે. સ્વતંત્ર દેશ તરીકે તેણે મધ્યમમાર્ગી નીતિ અપનાવી છે.
કૅનેડાના રાજકીય ઇતિહાસમાં મુખ્યત્વે રૂઢિચુસ્ત અને લિબરલ પક્ષ વારાફરતી સત્તારૂઢ થયા છે. સમાજવાદી કે સામ્યવાદી વિચારસરણી અહીં મૂળ નાખી શકી નથી. કોલંબિયા રાજ્યમાં આશરે 30,000 ભારતીયો વસ્યા છે અને ત્યાંના રહીશો સાથે અમુક પ્રમાણમાં ઓતપ્રોત થયા છે.
કળા (ચિત્ર અને શિલ્પ) : કૅનેડાની ચિત્રકળા અને શિલ્પકળાનાં મૂળિયાં કૅથલિક ફ્રેન્ચ તથા પ્યુરિટન બ્રિટિશ કળામાંથી પ્રેરણા અને પોષણ પામ્યાં છે. ફ્રાન્સ અને બ્રિટનની સત્તા હેઠળ કૅનેડામાં યુરોપિયન કળાનો નવોન્મેષ પ્રગટતો જોઈ શકાય છે.
પ્રારંભની ખ્રિસ્તી ધાર્મિક કળાને ફ્રેન્ચ જેસ્યુઇટ પાદરીઓએ જન્મ આપ્યો. પાદરીઓ ફ્રાયર લુ (1614-85) આબી જ્યાં ગુયોં (Abbe Jean Guyon) (1659-87)નાં ચિત્રો તેના શ્રેષ્ઠ નમૂના છે. ક્વિબેક ખાતેના ઉર્સુલાઇન મઠમાં ફ્રાયર લુ દ્વારા ક્વિબેક ખાતેના ઉર્સુલાઈન ચિત્ર ‘લા ફ્રોંસે આપોર્તાં લા ફોઈ ઑ હુંરોં દ લા નોવેલે La Foi aux Hurons De la Nouvelle ફ્રોંસેમાં ધાર્મિક આકૃતિઓને હળવો રમૂજી સ્પર્શ આપીને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન જોઈ શકાય છે.
બ્રિટિશ પ્યુરિટન અને પ્રૉટેસ્ટન્ટ સમાજે ધાર્મિક મૂર્તિવિરોધ-(iconoclasm)ને સમર્થન આપેલું તેથી બ્રિટિશ વસાહતોમાં વ્યક્તિચિત્રણા(portraiture) અને નિસર્ગચિત્રણા (landscapes) પાંગર્યાં. નિસર્ગચિત્રણામાં થૉમસ ડેવીસ (1737-1812) અને જ્યૉર્જ હેરિયટ(1759-1839)નાં નામ મોખરે રહ્યાં. રૉબર્ટ ટોડ (1809-06, વિલિયમ બેર્ઝી (William Brercuzy) (1744-1813), જ્યૉર્જ બેર્થોન (1806-1892) તથા રૉબર્ટ ફિલ્ડ (1769-1819) વ્યક્તિચિત્રકારો તરીકે આગળ આવ્યા.
ક્વિબેકમાં જૉસેફ લેગારેએ (1795-1855) નિસર્ગર્દશ્યો અને નગર-ર્દશ્યોને નાટ્યાત્મક રીતે કૅન્વાસ પર આલેખ્યાં. એન્તૉની પ્લૅમૉન્દોં (1804-95)નાં વ્યક્તિચિત્રોમાં મૉડેલ ખાસ્સી સંવેદનશીલતાથી રજૂ થયેલાં જોવા મળે છે. થિયોફાઇલ હેમલ (1817-70)નાં વ્યક્તિચિત્રોમાં મૉડેલની લાક્ષણિકતાઓ પર ખાસ ભાર મુકાયેલો જોઈ શકાય છે. અમેરિકન ચિત્રકાર જ્યૉર્જ કેટ્લીનથી પ્રેરિત પોલ કેને (1810-71) કૅનેડાના સ્થાનિક આદિવાસીઓનાં આલેખનો કર્યાં, જે આજે દસ્તાવેજી મૂલ્ય પણ ધરાવે છે. કૉર્નેલિયસ ક્રીગોફે (Cornelius Krieghoff) પણ કૅનેડાના નિસર્ગ ઉપરાંત સ્થાનિક આદિવાસીઓનાં આલેખનો કર્યાં. 1867માં કૅનેડાના રાજકીય એકીકરણ પછી કૅનેડાની ત્યાંની નિસર્ગચિત્રણામાં નવી ચેતનાનો સંચાર થયો. પ્રકૃતિની ક્રુદ્ધ અને રૌદ્ર છટાઓને ઑટો જેકૉબી (1812-1901), વિલિયમ રફાયેલ (1833-1914) અને ઍડોલ્ફ વૉડે (Adolfe Vogt) (1842-71) કૅન્વાસ પર આલેખિત કરી. મૉન્ટ્રિયલમાં બે કલાકેન્દ્રો ‘આર્ટ ઍસોસિયશન ઑવ્ મૉન્ટ્રિયલ’ (1860) તથા ‘સોસાયટી ઑવ્ કેનેડિયન આર્ટિસ્ટ્સ’(1867)ની સ્થાપના થતાં મૉન્ટ્રિયલ કૅનેડાનું સૌથી મહત્વનું કલાકેન્દ્ર બન્યું ‘1875માં ‘ઑન્ટારિયો સોસાયટી ઑવ્ આર્ટિસ્ટ્સની સ્થાપના થતાં ટોરૉન્ટો પણ મહત્વનું કલાકેન્દ્ર બન્યું. ટોરૉન્ટોના નિસર્ગચિત્રકાર લુશિયસ ઓ’બ્રિયન(1852-99)નાં ચિત્રોમાં કૅનેડાના નિબિડ જંગલો અને પર્વતો પર પડતા પ્રકાશથી ઝળહળતું વાતાવરણ અનુભવી શકાય છે. એમનું એક જાણીતું નિસર્ગચિત્ર ‘સનરાઇઝ ઑન ધ સેગ્વીની’ (1880) તરત જ ઓટાવા ખાતેની કૅનેડાની નૅશનલ ગૅલરી’માં સ્થાન પામ્યું. જૉન ફ્ર્રેઝર (1838-98) અને ફ્રેડેરિક વર્નર (1836-1928) પણ નિસર્ગચિત્રણામાં મોખરાનું સ્થાન પામ્યા.
1890 પછી કૅનેડાના ઘણાખરા ચિત્રકારોએ સમકાલીન ફ્રેન્ચ પ્રભાવવાદી ચિત્રકારોમાંથી પ્રેરણા મેળવી. વિલિયમ બ્રિમ્નર (1855-1925) અને રૉબર્ટ હેરિસ (1840-1919) ફ્રેન્ચ ચિત્રકાર કૂર્બે(Courbet)થી પ્રભાવિત હતા. હેરિસનાં ચિત્ર ‘ધ ફાધર્સ ઑવ્ ધ કૉન્ફેડરેશન’(1886)માં કૂર્બેનો વસ્તુલક્ષી અભિગમ જોઈ શકાય છે. (આ ચિત્ર હાલમાં નષ્ટ પામ્યું છે.) હેરિસના શિષ્ય જ્યૉર્જ રીડે (1860-1947) પ્રભાવવાદી ઢબે પ્રકાશનું નિરૂપણ કરતાં નિસર્ગચિત્રો આલેખ્યાં.
1907માં કૅનેડિયન આર્ટ ક્લબની સ્થાપના થતાં આધુનિક અભિગમને વેગ મળ્યો. આ મંડળના પહેલા પ્રમુખ હોમર વૉટ્સને (1855-1936) પ્રભાવવાદી ઢબે કૅનેડાની નિસર્ગનું આલેખન કરવામાં નામના મેળવી. એમના એક ચિત્ર ‘ધ સ્ટોન રોડ’ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એ ચિત્રમાં જોવા મળતા બ્રિટિશ ચિત્રકાર જોન કૉન્સ્ટેબલના પ્રભાવને કારણે એ ‘ધ કૅનેડિયન કૉન્સ્ટેબલ’ તરીકે ઓળખાયા. એમનાં ચિત્રોની કાવ્યાત્મકતા ઊડીને આંખે વળગે તેવી હોવા છતાં તેમના ઉત્તર કાળના સર્જનમાં અનુભૂતિની તીવ્રતાનો અભાવ જણાઈ આવે છે. કૅનેડિયન આર્ટ ક્લબના દ્વિતીય પ્રમુખ હોરેશિયો વૉકર (1856-1938)નાં ચિત્રો ગ્રામીણ પરિવેશમાં શ્રમનો મહિમા કરે છે. એ જમાનાના કૅનેડિયન ખેડૂતો અને પશુપાલકોનું જીવન આ ચિત્રોમાં સુપેરે વ્યક્ત થયું છે, જેમાં ફ્રેન્ચ ચિત્રકાર મિલે(Millet)નો પ્રભાવ સ્પષ્ટ છે.
ફ્રાન્સના પ્રભાવવાદથી પ્રભાવિત નિસર્ગચિત્રકાર મોરિસ કુલેન(1866-1954)નાં ચિત્રોમાં બરફીલાં નિસર્ગશ્યો નજરે પડે છે. જેમ્સ વિલ્સન મોરિસ(1865-1924)નાં નિસર્ગચિત્રોમાં વાતાવરણ મુખ્ય વિષય બની રહે છે. એ પણ પ્રભાવવાદી ઢબે આલેખન કરે છે. એમનાં ઉત્તરકાળનાં ચિત્રોમાં ફ્રેન્ચ ફૉવવાદી ઢબે રંગોનો મુક્ત વિહાર જોવા મળે છે. જૉન લિમેને પણ (1886-1967) 1940 પછી ફૉવવાદી ઢબે નિસર્ગચિત્રો આલેખ્યાં.
ટોરૉન્ટોમાં સાત ચિત્રકારોએ 1912થી જૂથ બનાવી નિસર્ગચિત્રણા કરવી શરૂ કરેલી. 1920માં તેમણે ‘ગ્રૂપ ઑવ્ સેવન’ નામ ધારણ કર્યું. આ જૂથના ચિત્રકારોએ શુદ્ધિ અને તીવ્ર રંગો વડે પ્રભાવવાદી અને ફૉવવાદી ઢબે કૅનેડાના રૉકી પર્વતો, મહાસરોવરો, લોરેન્સિયન ટેકરીઓ અને આકર્ટિક સમુદ્રનું આલેખન કરવું શરૂ કરેલું. ચિત્રકાર લૉરેન હેરિસ (1885-1970) આ જૂથના નેતા હતા. અન્ય સભ્યોમાં આર્થર લિસ્મર (1885-1969), જે.ઈ.એચ. મેક્ડૉનાલ્ડ (1873-1932), ફ્રેડરિક વાર્લે (1881-1969), એ. વાય. જૅક્સન (1882-1974), ફ્રાંક કાર્માઇકલ (1890-1945), એ. વાય. જૅક્સન, ફ્રક જૉન્સન Jackson (1888-1949), એ. જે. કૅસોન (1898-1992) એડ્વિન હૉલ્ગેટ (Edwin Holgate) Lemoine Fitz Geralaનો સમાવેશ થાય છે. 1930 પછી આ ચિત્રકારોએ કૅનેડાના મૂળનિવાસી એવા આદિવાસી ઇન્ડિયનોની કલાપ્રણાલીઓ આત્મસાત્ કરી કલાસર્જન કરવું શરૂ કર્યું. આ જૂથના કલાસર્જનમાંથી હેરિસ દ્વારા ચિત્રિત ‘મેલાઇન લેઇક, જેસ્પર પાર્ક’ તથા જૅક્સન દ્વારા ચિત્રિત ‘અર્લી સ્પ્રિન્ગ, ક્વિબેક’ ચિત્રો શ્રેષ્ઠ કલાકૃતિઓ ગણાઈ છે.
1955માં કલાકાર જૂથ ‘ગ્રૂપ ઑવ્ સેવન’નું નામ બદલીને ‘કૅનેડિયન ગ્રૂપ ઑવ્ પેઇન્ટર્સ’ કરવામાં આવ્યું. એ સાથે તેમાં કેટલાક નવા ચિત્રકારો જોડાયા જેમાં એ. જે. કૅસૉન (1898-1992), કાર્લ શૅફર (1905-95), ચાર્લ્સ કમ્ફર્ટ (1900-94), વિલ ઓગિલ્વી (1901-89) તથા હેન્રી મૅસૉન (1907)નાં નામ મોખરે છે. શૅફરનાં નિસર્ગચિત્રોમાંથી ‘સ્ટૉર્મ ઓવર ધ ફિલ્ડ્સ ઇન હૅનોવર’ (1957) શ્રેષ્ઠ ગણાયું છે. કમ્ફર્ટનાં નિસર્ગચિત્રોમાંનું વાતાવરણ તાશ અપ્રતિમ ગણાયું છે. ઑગિલ્વી અને મેસોને નિસર્ગચિત્રો ઉપરાંત માનવ-આકૃતિઓનું પણ આલેખન કર્યું છે. ટૉમ થૉમ્સન(1877-1917)નાં નિસર્ગચિત્રો દર્શકમાં પ્રગલ્ભ ગૂઢ અનુભૂતિ જગાડી શકે છે. એમનું શ્રેષ્ઠ ચિત્ર ગણાયું છે ‘પેટાવાવા ગોર્જિઝ’ તેમાં ઊંડી ભેંકાર બિકાળવી કોતરોનું આલેખન માનવીથી અછૂત એવી અક્ષુણ્ણ પ્રકૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. ઉપરાંત એમિલી કૅર (1871-1945), લાયૉનલ લેમૉઇન ફિટ્ઝ્ગૅરાલ્ડ (1890-1956) અને ડેવિડ મિલ્નેએ (1882-1953) કૅનેડાના ધુમ્મસભર્યા શીત વરસાદી જંગલોનું આબેહૂબ આલેખન કર્યું છે.
બૅટ્રૉમ બ્રૂકર (1888-1955) કૅનેડાના પ્રથમ અમૂર્ત ચિત્રકાર છે. એમણે ભૌમિતિક આકારોનાં સંયોજનોનું આલેખન કર્યું છે, જેમાં ફ્રેંક સ્ટેલા અને કૅન્ડિન્સ્કીનો પ્રભાવ સ્પષ્ટ છે. પ્રુડેન્સ હેવાર્ડ (1896-1947) વિલિયાસ ન્યૂટન (1896-1980) અને સારાહ રૉબટર્સને (1891-1948) માનવ આકૃતિઓનાં બળૂકાં આલેખનો કર્યાં છે.
1939માં કૅનેડામાં કૉન્ટેમ્પરરી આર્ટ સોસાયટીની સ્થાપના થતાં યુરોપમાં છેલ્લાં ચાલીસ વરસોમાં જન્મ લીધેલા વિવિધ કલાવાદો અને વિચારસરણીઓના પડઘા પડવા શરૂ થયા. મેરિયન સ્કૉટે (1906-93) અમૂર્ત ચિત્રણાની સાધના કરી. આલ્ફ્રેડ પેલાને (1906-88) પરાવાસ્તવવાદી ચિત્રો ચીતર્યાં; તો વળી ગૂડ્રિજ રૉબર્ટે (1904-74) નવપ્રશિષ્ટવાદી-વાસ્તવવાદી ઢબે માનવઆકૃતિઓનું આલેખન કર્યું.
ચિત્રકાર પૉલ-એમિલી બોર્ધા (1905-60) એ ફ્રાન્સની પ્રતિષ્ઠિત કલા મહાશાળા ઇકોલે દબ્યુ આર્ટ(Eclole de Bezux Art)માં કલાશિક્ષણ પ્રાપ્ત કરી કૅનેડા પાછા ફરી અમૂર્ત ચિત્રણાની સાધના કરી. એમણે ‘ઑટોમેટિસ્ટે’ (Automatister) નામધારી કલાજૂથની સ્થાપના કરી, જેમાં ઉલ્લેખનીય સભ્યો તરીકે ફર્નાન્ડ લેડુ (1916-), માર્સેલ બાર્બ્યૂ (1925-) અને જ્યાં પૉલ રાયોપીલ(1923-)ને ગણી શકાય. રાયોપીલનાં ચિત્રોમાં પરાવાસ્તવવાદી સ્વપ્નિલ સૃષ્ટિ જોવા મળે છે. ટોરૉન્ટોમાં જૉકે મૅક્ડૉનાલ્ડે (1897-1960) તથા વિલિયમ રૉનાલ્ડે (1926-99) ‘પેઇન્ટર્સ ઇલેવન’ નામ હેઠળ કલાકારજૂથની સ્થાપના કરી ભાવોદ્દીપક અમૂર્ત ચિત્રણાને વેગ આપ્યો. આ જૂથના ચિત્રકાર ઑસ્કાર કાહેન(1916-56)ની એક ચિત્રકૃતિ ‘પેઇન્ટિન્ગ ઑન ધ ઑલિવ ગ્રાઉન્ડ’ ઘણી લોકપ્રિય નીવડી. આ ઉપરાંત એલેક્સ કોલ્વાઇલ (1920-), કેનીથ લૉકહેડ (1926-), આર્થર મૅક્કે (1926-), રોનાલ્ડ બ્લૂર (1925-), બીસી. બિન્ગિ (1909-76), જેક શેડ્બૉલ્ટ (1909-), રોય કિયૂકા (1926-94), જુઈદો મૉલિનારી (1953-), ક્લોદ તૂસિન્યાં (1952-), જોય્સ વીલૅન્ડ (1931-98), મિકાયેલ સ્નો (1929-) અને ગ્રેગ કુર્નો(1936-92)એ પરાવાસ્તવવાદી સ્વપ્નિલ સૃષ્ટિથી માંડીને અમૂર્ત સૃષ્ટિ, દાદા તથા રતિભાવ-પ્રેરક નગ્ન માનવ-આકૃતિઓનું આલેખન કર્યું છે.
કૅનેડામાં શિલ્પનો વિકાસ પ્રમાણમાં ધીમો રહ્યો છે. ગોરી વસાહતોમાં ચર્ચની વેદી પર મૂકવા માટે અને ચર્ચમાં અન્ય સુશોભન તરીકે લાકડામાંથી કોતરેલી પ્રતિમાઓથી શિલ્પનો પ્રારંભ થયો. અઢારમી સદીમાં લેવાસ્યુર (Levasseur) અને બેઇલાઇર્જ (Baillairge) પરિવારોએ ચર્ચમાં મુકાતી પ્રતિમાઓ લાકડામાંથી કંડારવામાં નામના મેળવેલી. બેઇલાર્જ પરિવારના ફ્રાન્સવા (Francois) બેઇલાર્જે બિનધાર્મિક વ્યક્તિશિલ્પો (bust portraits) કંડારવામાં નામના મેળવેલી. એનાં આ શિલ્પોમાં ફ્રેન્ચ નવપ્રશિષ્ટવાદની ઝલક સ્પષ્ટ છે. પિતાપુત્ર શિલ્પીઓ લુઇ ફિલિપ હેબર્ટ (1850-1917) તથા હેન્રી હેબર્ટે (1884-1950) પણ વ્યક્તિશિલ્પ કંડારવામાં ખ્યાતિ મેળવી. ઉપરાંત વૉલ્ટર ઑલ્વર્ડ (1876-1955) અને લેવિબર્તે (1878-1953) જાહેર સ્મારક વ્યક્તિશિલ્પો કંડાર્યાં. માર્ક-ઑરિલ સુઝોકોર્તે(1869-1932)એ ગ્રામીણ જીવનની રોજિંદી ઘટનાઓને શિલ્પમાં કંડારી. લુઈ આર્કેમ્બો (1915-) અને રૉબર્ટ મૂરે (1936-) કૅનેડામાં અમૂર્ત શિલ્પની પહેલ કરી. દાદા, અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પોના સર્જનમાં એડ ઝેલેન્ક (1940-) નોબૂ કુબોટા (1932-), રેબિનૉવિચ (1943-), જ્યૉર્જ સોચુક, જેફ્રી સ્મૅડ્લી(1927-)નાં નામ પ્રથમ હરોળમાં મુકાય છે. સ્મેડ્લીએ કન્સ્ટ્રક્ટિવિસ્ટ શૈલીમાં શિલ્પસર્જન કર્યું છે. મૂરે ફૅવ્રો (1940-), માર્સેલ ગૉસેલિન (1948-) તથા રૉબર્ટ વીન્સે (1955-) અનુ-આધુનિક શૈલીમાં ઇન્સ્ટૉલેશન સર્જ્યાં છે. જો ફૅફૅર્કે (1942-) સિરામિકના માધ્યમમાં માનવ-આકૃતિઓ ઘડી છે, જેમાં આદિમતાવાદ (primitivism) બળૂકો હોવાનું દેખાઈ આવે છે.
મહેશ મ. ત્રિવેદી
શિવપ્રસાદ રાજગોર
મંગુભાઈ રા. પટેલ
અમિતાભ મડિયા