કૃષિ

January, 2008

`કૃષિ’

આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ

આમુખ

જમીનના ખેડાણથી થતી પેદાશ દ્વારા ખોરાક અને વસ્ત્ર જેવી મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટેનો વ્યવસાય. તેમાં અનાજ અને રોકડિયા પાકની પેદાશ ઉપરાંત પશુપાલન તથા મરઘાં- ઉછેર જેવી આનુષંગિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જમીનને વધુ ફળદ્રૂપ બનાવવા માટેની કુશળતા પણ તેમાં અંતર્નિહિત છે. કૃષિ મનુષ્યનો અતિપ્રાચીન તથા જીવનરક્ષક વ્યવસાય છે અને આજે પણ વિશ્વની વસ્તીનો ઘણો મોટો ભાગ તેમાંથી આજીવિકા મેળવે છે. પ્રાથમિક વ્યવસાય હોવા છતાં તેના દ્વારા અનાજ અને કાચા માલનું ઉત્પાદન થતું હોવાથી તે ઔદ્યોગિક વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે. પૃથ્વીની સપાટી પર અસંખ્ય જાતના છોડ હોવા છતાં માણસ દ્વારા આશરે 2૦૦ જેટલા છોડનું ઉત્પાદન તથા આશરે 5૦ જેટલી જાતનાં પાલતુ પ્રાણીઓનો ઉછેર હાથ ધરવામાં આવે છે. કૃષિ ઉત્પાદનની ચીજવસ્તુઓમાં 1213 મુખ્ય પેદાશો ગણાય છે, જેમાં ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, કઠોળ જેવાં અનાજ તથા કપાસ, શેરડી, તમાકુ, મગફળી જેવા રોકડિયા પાક્ધાો સમાવેશ કરી શકાય.

યુરોપમાં કૃષિનો પ્રારંભ ઈ. પૂ. 65૦૦–35૦૦ના ગાળામાં તથા એશિયામાં ઈ. પૂ. 68૦૦–4૦૦૦ના ગાળામાં થયો હોય તેવા પુરાવા સાંપડે છે. તેની મોટાભાગની શરૂઆત નદીઓની ખીણોના વિસ્તારમાં થઈ હતી. ઉત્તર ભારતની સિંધુ સંસ્કૃતિ(ઈ. પૂ. 23૦૦–175૦)ના સમયમાં ઘઉં, જવ, ચોખા, શેરડી, કપાસ તથા તલનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેવો ઉલ્લેખ મળે છે.

વીસમી સદીમાં કૃષિ-ઉત્પાદનની પદ્ધતિમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને લીધે જે ફેરફારો થયા છે તેને કારણે ખેતીનું વ્યાપારીકરણ થતાં હવે કૃષિને પણ એક પ્રકારનો ઉદ્યોગ ગણવામાં આવે છે.

શિકાર માટે માનવીએ કઠિન રીતોને બદલે સરળ અવનવી રીતો અને યુક્તિઓ શોધી કાઢી હતી. ભાલા જેવાં અણીદાર – ધારદાર સાધનો માટે સાબર કે હરણનાં શિંગડાંનો ઉપયોગ શરૂ કર્યો. ખપાટિયામાં ધારદાર પથ્થર ભરાવી તે દૂર ફેંકતો. અગ્નિની શોધ કર્યા પછી તે લાકડાની ડાળખીઓને અગ્નિમાં તપાવીને કઠણ બનાવતો થયો.

સરળતા માટે તે નદી કે જળાશયોના કિનારે રહેતો થયો. સરોવરોમાં થાંભલી રોપી, માંચડા કરી તેના ઉપર વાસ કરતો થયો. જંગલનો શિકાર ન મળે તો માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતો થયો. પૂરક ખોરાક તરીકે તેણે કંદમૂળનો ઉપયોગ શરૂ કર્યો. આશરે 35,૦૦૦થી 1૦,૦૦૦ વર્ષ પૂર્વના ગાળામાં એટલે કે ‘મધ્ય પાષાણયુગ’માં માનવીની આ સ્થિતિ હતી.

મનુષ્યના શિકારી જીવનમાં તેની પાછળ એક બીજું પ્રાણી પણ ચાલતું આવતું હતું, તે શિકારનાં ફેંકી દીધેલાં હાડકાંને ચૂસતું હતું. એ બીજું કોઈ નહિ; પરંતુ આજના પાળેલા કૂતરાનું પૂર્વસ્વરૂપ હતું. કાળક્રમે આ કૂતરો માનવીનો વફાદાર મિત્ર બન્યો. તેમાંથી પશુપાલનની પ્રેરણા જન્મી. જે પ્રાણીનો શિકાર કર્યો તેનાં ટળવળતાં બચ્ચાંએ સ્ત્રીની માતૃભાવનાને જાગ્રત કરી. પરિણામે નારીએ તેમનું પાલનપોષણ કરી તેમને ઉછેરવા માંડ્યાં. તેમાંથી નવી સૂઝ પેદા થઈ. પશુઓના દૂધના ઉપયોગનો વિચાર જન્મ્યો. પ્રાણીઓની પાછળ શિકાર માટે ઘૂમવું અને એ ન મળે ત્યારે ભૂખ્યાં રહેવું તેના કરતાં પાળેલાં પશુઓનું દૂધ શું ખોટું ? આમ, નારીએ પાલતુ પશુઓનું દૂધ દોહી લેવાની કળાના શ્રીગણેશ માંડ્યા. ખોરાકમાં માંસાહાર સાથે દૂધ આવ્યું.

ફળના બીજમાંથી વૃક્ષ ઊગતાં જોઈને મનુષ્યને ખેતી કરવાનું મન થયું, પરંતુ જમીન ખોદવા માટે સાધનઓજાર જોઈએ. તે માટે સાબરશિંગડાનો ઉપયોગ શરૂ કર્યો. ઝાડની ડાળખીની લાકડી કાપી તેને સૂકવી તેના એક છેડાને અગ્નિથી તપાવી કઠણ કરી લઈને કોશ બનાવી અને જમીનમાં તેને વધારે ઊંડે ઉતારવા આડું ટેકણ ભરાવ્યું, જેના ઉપર પગનું જોર દઈ શકાય. આ લાકડી એ આજની કોદાળીનું પૂર્વસ્વરૂપ હતું. પછીથી માનવીએ પથ્થરની કોદાળી ને પાવડા બનાવ્યાં. લાકડામાં અણીદાર પથ્થર ભરાવી તેણે ચપ્પાં અને દાતરડાં બનાવ્યાં. અસલ દાતરડું તો કોઈ શિકાર કરેલા પ્રાણીનું જડબું જ હતું. એમાં રહેલા દાંતને ઘસીને ધારદાર બનાવેલા એટલું જ; ત્યારપછી નર્યા પથ્થરનાં તેમજ લાકડીમાં ભરાવેલ અણીદાર પથ્થરના ટુકડાનાં દાતરડાં અસ્તિત્વમાં આવ્યાં. આમ માનવીએ કૃષિ-ઓજારોની શોધ કરી.

‘મધ્ય પાષાણયુગ’ આથમી ગયો અને ‘નૂતન પાષાણયુગ’ શરૂ થયો, આશરે 1૦,૦૦૦ વર્ષ પૂર્વે. આ સમયે મનુષ્યે પશુપાલન અને કાંતણ-વણાટની કળા આરંભી. હવે તો તેણે પથ્થરનાં હથિયારો બનાવવામાં એટલી કુશળતા પ્રાપ્ત કરી કે ઘસીઘસીને ચકચકતાં ઓજારો બનાવ્યાં. એ નૂતન પાષાણયુગમાં ખેતી કરવાની કળા તેણે હસ્તગત કરી લીધી. તે ધાન્યનું વાવેતર કરતો થયો. જંગલી ઘાસ રૂપે ઉપલબ્ધ છોડના દાણામાંથી પસંદગી કરીકરીને તેણે ઘઉં, જવ અને બાજરીની ઉત્ક્રાંતિ-અવસ્થાઓ સિદ્ધ કરી લીધી. તાપણી નીચે કોઈ જગાએ સખત પથ્થર (ધાતુ) જેવો પદાર્થ મળી આવેલો; તેને ટીપતાં એ ભાંગતો ન હતો. એ પથ્થર એ જ આજનું તાંબું. આવી રીતે કાંસું પણ મળી આવ્યું. આમ ‘નૂતન પાષાણયુગ’ના માનવીએ ધાતુની શોધ કરી. પછી તો ધાતુમાંથી શણગારો ઘડ્યા. વાટણિયો પણ બનાવ્યો. રાતભર પલાળી રાખેલું અનાજ વાટીને તેમાંથી કણક બનાવી નારી રોટલા ઘડતી થઈ. આમ શિકાર કરીને અથવા ફળ કે કંદમૂળ વીણીને ખાનારી સંસ્કૃતિને સ્થાને કૃષિ-આધારિત સંસ્કૃતિનો ઉદભવ થયો. માનવી માટે અનાજ અને પશુ માટે ચારાનું ઉત્પાદન શરૂ થયું.

કૃષિ અને પશુઉછેરનો વ્યવસાય હાથ લાગતાં માનવજીવનમાં મહાન ક્રાંતિ સર્જાઈ. કૃષિ-સંસ્કૃતિનો પાયો નંખાયો. માલની હેરફેર કરવા માનવીએ ઝાડનાં થડ–ડાળીના તરાપાની નીચે બે ગોળવા ગોઠવ્યા. કાળક્રમે તેમાંથી ગાડાનું સર્જન થયું અને માલ ખેંચવા માનવશક્તિને બદલે પશુશક્તિનો ઉપયોગ થવા લાગ્યો. માનવી માટીનાં વાસણ બનાવતો થઈ ગયો હતો તેનો પુરાવો આજેય મળે છે. ‘નૂતન પાષાણયુગ’નાં કૃષિ-ઓજારો, નળિયાં, માટીનાં ઘડા-વાસણો વગેરે મધ્ય એશિયા તો શું પણ ગુજરાતમાંય લોથલ જેવાં સ્થળોએથી કે જૂના ટીંબામાંથી મળી આવ્યાં છે અને કેટલેક ઠેકાણે ખોદકામ દરમિયાન ઉપર દર્શાવેલી ચીજો મળી આવે છે, જે ‘નૂતન પાષાણયુગ’ની યાદ આપે છે. તે યુગનો વિસ્તાર સાઇબીરિયાથી માંડીને ઑસ્ટ્રેલિયાની ધરતી સુધી વધવા પામ્યો હતો.

કૃષિવિકાસ : કૃષિઉદ્યોગ જગતના તમામ નાનામોટા ઉદ્યોગોની સરખામણીમાં એક મહાકાય ઉદ્યોગ છે અને તે કોલસા, ખનિજ તેલ, લોહ અને બિનલોહ ઉદ્યોગોની સરખામણીમાં વધુ માણસોને રોજી પૂરી પાડે છે. ઉપર નોંધ્યું છે તેમ આ મહાકાય ઉદ્યોગમાં પશુપાલન (દા.ત., ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઊંટ તથા અન્ય ઢોરઢાંખર), મરઘાં-બતકાંઉછેર, મધમાખઉછેર, મત્સ્યપાલન અને તેના વ્યવસાય, દુગ્ધદોહન તથા ડેરી-ઉદ્યોગનો સમાવેશ થાય છે.

કૃષિનાં વિવિધ ઉત્પાદન દ્વારા લોકોને ખોરાક અને વસ્ત્રો પૂરાં પડાય છે. આમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, શાકભાજી, ફળો તેમજ કપાસ અને શણ જેવા વનસ્પતિજન્ય રેષા તથા ચામડાનો સમાવેશ થાય છે. કેટલાક દેશોમાં ટૅક્નૉલૉજી અને યાંત્રિકીકરણને લીધે કૃષિઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે તો કેટલાક દેશોમાં તે હજી વિકાસના વિવિધ તબક્કામાં ચાલી રહ્યો છે. વિશ્વના નકશા પર કૃષિવિકાસની રંગોળી પૂરીએ તો અમેરિકા અને કૅનેડા, પશ્ચિમ યુરોપના બેલ્જિયમ, ડેનમાર્ક, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, ફ્રાન્સ, નેધરલૅન્ડ્ઝ, જર્મની તેમજ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોને સ્થાન આપવું પડે. પૂર્વ યુરોપમાં રશિયા તેમજ એશિયાઈ દેશોમાં ચીન અને જાપાન તથા ઇઝરાયલ વગેરે દેશોએ ઝડપી પ્રગતિ સાધી છે. આફ્રિકા તેમજ ભારતના રાજસ્થાન, કચ્છ જેવા પ્રદેશ એક અગર બીજા કારણસર કૃષિક્ષેત્રે જોઈએ તેટલી પ્રગતિ હાંસલ કરી શક્યા નથી, તો ત્યાં પશુપાલનનો ઉદ્યોગ વિશેષ પ્રમાણમાં વિકસ્યો છે. જ્યાં ઘાસચારો મળી રહે છે ત્યાં પશુપાલનના વ્યવસાયે ઊંડી જડ નાખી છે.

વિકાસશીલ દેશોમાં આફ્રિકાની કુલ વસ્તીના આશરે 7૦ ટકા  અને એશિયાની કુલ વસ્તીના 6૦ ટકા માણસો કૃષિવ્યવસાયમાં રોકાયેલા છે એથી ઊલટું વિકસિત દેશોમાં યાંત્રિકીકરણને લીધે કૃષિક્ષેત્રમાં પાંચ ટકાથી ઓછા માણસો જ રોકાયેલા હોવા છતાં તેમનું હેક્ટરદીઠ ઉત્પાદન ઘણું વિશેષ છે. બરફ-આચ્છાદિત ધ્રુવપ્રદેશ કે હિમાલય અને આલ્પ્સ જેવા પર્વતપ્રદેશોમાં કૃષિવ્યવસાય કે પશુઓ માટે ચરાણ શક્ય ન હોય એવા પ્રદેશોમાંય માનવીનો વસવાટ છે અને ત્યાં પણ રેન્ડિયર જેવાં પશુઓનો ઉછેર થાય છે.

જેમ ‘બાર ગાઉએ બોલી બદલાય’ એવી ઉક્તિ પ્રચલિત છે, તેવી જ રીતે ‘ખેતરે ખેતરે જુદી ખેતી’ એવી માન્યતા પણ છે. જગતનાં તમામ સ્થળોએ એકસરખી આબોહવા હોતી નથી, એકસરખો વરસાદ હોતો નથી, એકસરખી જમીન હોતી નથી. આ કારણોસર જુદા જુદા પ્રદેશોમાં ખેતીનાં સ્વરૂપ પણ જુદાં જુદાં હોય છે. તેથી ગરમ પ્રદેશોમાં થતા પાકો ઠંડા પ્રદેશમાં મુશ્કેલીથી મેળવી શકાય છે. દા.ત., કાશ્મીરી કેસર ગુજરાતમાં ન પાકી શકે. તેમ છતાંય માનવીની માફક વનસ્પતિ – છોડ – પાક પણ નવો વસવાટ સ્વીકારી શકે છે. દા.ત., અમેરિકાની તળભૂમિમાં વિકસેલાં મકાઈ અને તમાકુ આપણે ત્યાં અડ્ડો જમાવી બેઠાં છે. બટાટા એ કંઈ મૂળ ભારતની પેદાશ નહોતી, છતાંય સિમલાથી બી માટેના બટાટા મંગાવીને તેની ખેતી થાય છે. રબરનાં વૃક્ષોનાં બીજ છેક બ્રાઝિલથી ઇંગ્લૅન્ડના ક્યુ ગાર્ડનમાં પહોંચેલાં અને ત્યાંથી તેના છોડ ભારત અને ઇન્ડોનેશિયામાં પહોંચ્યા. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પહેલાં મગફળીનું વાવેતર નહોતું. આજે વરસેદહાડે 17–18 લાખ ટન મગફળી પાકી શકે છે. દ્રાક્ષના વેલા પણ ગુજરાતમાં પગપેસારો કરી ગયા છે.

આમ, કૃષિપાકો જમીન, વરસાદ, પાણી અને આબોહવા અનુકૂળ આવે ત્યાં પોતાનું અસ્તિત્વ જમાવતા આવ્યા છે અને વધુ ને વધુ જમાવતા જાય છે. કૃષિક્ષેત્રે પણ અનેકવિધ વૈજ્ઞાનિક સંશોધન અને અખતરા થતાં રહ્યાં છે. પાક્ધાી નવી જાતો અને ખેતીપદ્ધતિઓ વિકસેલ છે અને ઘણી બાબતોમાં પ્રગતિ થઈ છે. એવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં માનવી પ્રગતિના પંથે જઈ રહ્યો છે. વિશેષ દૂધ આપતાં જાનવરોનું ઉત્પાદન સંકરણ કાર્યક્રમ અને કૃત્રિમ ગર્ભાધાન દ્વારા વધતું જાય છે. એવી જ રીતે દરિયાકિનારાની જમીન નવસાધ્ય કરીને ત્યાં પણ પાક ઉગાડવાના નોંધપાત્ર પ્રયોગો થયા છે. ખારી જમીનની ખારાશ ઓછી કરી તેમાં પણ પાક લેવામાં આવ્યા છે. છાણિયા ખાતર કે ખાડા (compost) ખાતરના પૂરક રૂપે રાસાયણિક ખાતર અને પાકસંરક્ષણ માટેની જંતુનાશક  રોગનાશક દવાઓનો ઉપયોગ થવા માંડ્યો છે. આકાશિયા ખેતીને પાણી (સિંચાઈ) પૂરું પાડવા જાતજાતની યોજનાઓ સાકાર થઈ છે અને હવે તો ફુવારાપદ્ધતિ અને ટપક સિંચાઈપદ્ધતિ અમલમાં આવતાં કૃષિક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ર. ના. મહેતા

કૃષિઅર્થશાસ્ત્ર

કૃષિ-અર્થશાસ્ત્રને આજે અર્થશાસ્ત્રના અગત્યના અંગ તરીકે સ્વીકૃતિ મળી છે. એની આગવી હસ્તીનો પણ સ્વીકાર થયો છે. અર્થશાસ્ત્રની સર્વસંમત વ્યાખ્યામાં કૃષિ અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો સમાવેશ કરી શકાય છે. માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા ‘માનવસમાજના સામાન્ય જીવનવ્યવહારનો અભ્યાસ’ એમ કરેલી છે તેમાં આર્થિક વ્યવહારનો અભ્યાસ એમ ઉમેરી શકાય. ખેતી પણ એક આર્થિક વ્યવહાર છે તથા માનવજીવન સાથે એનો સીધો સંબંધ પણ છે જ અને આર્થિક પાસું ખેતીનું અગત્યનું અંગ છે.

ખેતી-અર્થશાસ્ત્રનો ઉદગમ ઓગણીસમી સદીના મધ્યમાં થયો એમ કહી શકાય. 1846 આસપાસ ઇંગ્લૅન્ડમાં મકાઈની આયાત પર જકાત અંગેનો કાયદો (Corn Law) કરવામાં આવ્યો. ખેતી અને સામાન્ય માનવીના જીવન પર એની ભારે અસર પડી. જાહેરમાં એનો વિરોધ થયો. એમાંથી ખેતીના આર્થિક પાસા પ્રત્યે ધ્યાન દોરાયું. આલ્ફ્રેડ રિકાર્ડોનાં લખાણોનું આ અંગે ભારે મહત્વ છે. એનાં લખાણોમાંથી અર્થશાસ્ત્રનો જાણીતો સિદ્ધાંત તરી આવ્યો, જે ઘટતી સીમાંત ઉત્પાદકતા(diminishing marginal product)ના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમના બે મુદ્દા આજ સુધી સર્વસ્વીકૃત રહ્યા છે. જમીનની ટાંચના કારણે અન્ય ઉત્પાદક સાધનોનો વપરાશ વધતાં જે ઉત્પાદન-વધારો મળે તે સાધનોના વધારાના પ્રમાણમાં ઓછો આવે. આ પરિસ્થિતિને કારણે એમ પણ તારણ કાઢવામાં આવ્યું કે વધારાના ઉત્પાદનનું ખર્ચ થાય અને તેથી કિંમત વધુ ચૂકવવી પડે. જમીન એ કુદરતની બક્ષિસ છે. એમાં રહેલાં પોષક તત્વોમાં ઉમેરો થાય નહિ; ઉત્પાદન વધે તો જમીનમાં સંગ્રહાયેલાં આ તત્ત્વો ઘટતાં જાય તેથી ઉત્પાદનવધારો બીજાં સાધનોના વધારાના પ્રમાણમાં ઓછો મળે. આ નિયમના આધારે એમ પણ જણાવવામાં આવ્યું કે આરંભ સારી જમીનથી કરી, વધુ ઉત્પાદન ઊતરતી કક્ષાની જમીનમાંથી લેવાય તેને કારણે પણ સીમાંત ઉત્પાદન ઘટતું જાય. બીજી પણ એક વાત આની સાથે જોડવામાં આવી. ઉત્પાદનખર્ચ વધતાં ભાવ વધે, ભાવની સાથે જમીનનું ભાડું વધે, એ વધારાનું ભાડું જમીનમાલિકને ફાળે જાય અને એ વધારાની આવકનો સામાન્ય જનતાને કોઈ લાભ ન મળે. શ્રમ કરનાર મજૂરવર્ગ કે મૂડી-રોકાણ કરનાર વર્ગને એમાં કોઈ હિસ્સો ન મળે. સમાજનો એક અનુત્પાદક વર્ગ આવકવધારો મેળવે, જ્યારે ઉત્પાદક વર્ગ – મુખ્યત્વે શ્રમજીવી – પોતાની આવકમાં વધારો કરી શકે નહિ. રિકાર્ડોના આ મૂળભૂત સિદ્ધાંતના ઘેરા પડઘા પડ્યા. માર્કસવાદને આમાંથી પુષ્ટિ મળી અને એનો આરંભ થયો. જોકે માર્કસે આ નિયમનો માત્ર આધાર લઈ તાત્વિક સિદ્ધાંતનો ઘણો વિકાસ કર્યો. રિકાર્ડોનો આ સિદ્ધાંત મૂળભૂત અને સામાન્ય રીતે સર્વગ્રાહી છે, છતાં કૃષિ-અર્થશાસ્ત્ર માટે આજે પણ પાયાનો સિદ્ધાંત મનાયો છે.

લગભગ એ જ સમયની આસપાસ જર્મનીમાં અર્થશાસ્ત્રના વિશેષ અંગ તરીકે કૃષિ અર્થશાસ્ત્રનો વિકાસ થયો અને ત્યાં ફોન થ્યુનેને પોતાનું આગવું પ્રદાન કર્યું. એનું પ્રેરકબળ એને અમેરિકામાં પશ્ચિમ પ્રદેશોમાં વિકસતી ખેતી અને તેથી ઘટતા ભાવ અને પરેશાન ખેડૂત વર્ગમાંથી મળ્યું. ઇંગ્લૅન્ડમાં પરેશાન વર્ગ ઉપભોક્તાનો હતો. થ્યુનેનનો સિદ્ધાંત મૂળગત હોવા છતાં રિકાર્ડોના સિદ્ધાંત જેટલી ખ્યાતિ પામ્યો નહિ. થ્યુનેનના સિદ્ધાંતને પાક-વ્યવસ્થા (crop planning) સાથે સંબંધ છે. એના નિયમનાં ત્રણ અંગો છે : (1) વાહનખર્ચ, (2) ખેતી ઉત્પાદનમાં પાક, પ્રાણિજ ઉત્પાદન વગેરેમાં જમીન, મૂડી અને શ્રમનું જુદું જુદું પ્રમાણ તથા (3) ઉત્પાદનની બજારલક્ષિતા. ખેતી ઉત્પાદન મુખ્યત્વે શહેરના લોકો માટે થતું હોય તો શહેરમાંની બજારથી જેટલે દૂર ઉત્પાદન થાય તેટલું નૂર-ખર્ચ વધે; તેટલો ચોખ્ખો ભાવ ખેડૂતને ઓછો મળે. જમીન ઈશ્વરની દેણ, એનો ખર્ચ શૂન્ય, તેથી દૂરના વિભાગમાં ખેતીમાં જમીન ઝાઝી, એટલે મૂડી અને શ્રમ ઓછાં વપરાય. આમાંથી, બજારને કેન્દ્ર ગણીએ તો કેન્દ્રની આસપાસ લંબાતી ત્રિજ્યાનાં વર્તુળો, એકકેન્દ્રીય વર્તુળો (concentric circles) રચાય. સૌથી નજીકના વર્તુળમાં પ્રમાણમાં મૂડી અને શ્રમનો વધુ ઉપયોગ, સહુથી દૂરના વર્તુળમાં પ્રમાણમાં મૂડી અને શ્રમનો ઓછો ઉપયોગ. રિકાર્ડોના સિદ્ધાંત સાથે આને દૂરનો સંબંધ ગણાવી શકાય. દૂરની જમીન, ઊતરતી પ્રતિની નહિ, પણ અંતર લાંબું હોવાથી તેમાં એકરદીઠ ઉત્પાદન ઓછું. અમેરિકાનાં પશ્ચિમનાં રાજ્યોનો અનુભવ આજે ત્રીજા વિશ્વના દેશો કરી રહ્યા છે અને તેથી થ્યુનેનના સિદ્ધાંતનો આજે નવો અભિગમ છે. થ્યુનેનના સિદ્ધાંતમાં પણ કેટલાંક મૂળગત તત્ત્વોને કારણે એને પણ સર્વસ્વીકૃતિ મળી અને એમાંથી ક્ષેત્રીય વિજ્ઞાન સિદ્ધાંત(Regional Science; Location Theory)નો ઉદભવ થયો.

અર્થશાસ્ત્રનો ઉદભમ ‘રાષ્ટ્રોની સંપત્તિ’(Wealth of Nations)ના ઍડમ સ્મિથના લખાણથી થયો. પણ એ અગાઉ અર્થશાસ્ત્રના પ્રશ્નોએ કેટલાક અભ્યાસીઓનું ધ્યાન ખેંચેલું. એમાં ભૌતિકવાદીઓનું પ્રદાન કૃષિ અર્થશાસ્ત્ર માટે સીધો સંબંધ ધરાવે છે. ક્વિસ્નેએ ‘ટૅબ્લો ઇકૉનૉમિક’માં રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અંગે કોષ્ટક રચ્યું. એના મૂળમાં કૃષિ અને અન્ય વ્યવસાયો વચ્ચેની કડીઓ(linkages)ની વાત હતી. એમાં એમને કહેવાનું હતું કે ખેતીનું ઉત્પાદન એ મૂળભૂત ઉત્પાદન છે. બીજા ઉદ્યોગો એ ઉત્પાદનનું રૂપાંતર કરે છે. એટલે દેશની આર્થિક ઉન્નતિ ખેતીના ઉત્પાદનની પ્રગતિ પર નિર્ભર છે. ખેતીનું ઉત્પાદન વધે તો અન્ય ઉદ્યોગો વિકસે, રાષ્ટ્રમાં નવા ઉદ્યોગો સ્થપાય, ખેતી પરનું શ્રમભારણ ઘટે. ક્વિસ્નેના કથનનો વિકાસ આ જ લિયોન્ટિફના Input-output કોષ્ટકમાં જોવા મળે છે. આ ત્રણ તરાહ  રિકાર્ડો, થ્યુનેન, ક્વિસ્નેમાં એક સામાન્ય તત્વ છે : ખેતીનો રાષ્ટ્રના અર્થકારણ સાથેનો સંબંધ. આર્થિક વિકાસ, આર્થિક વ્યવહાર અને આર્થિક રચના અંગે એમાં ચિંતનવ્યાપાર હતો. આજે આર્થિક વિકાસ અંગેનું ચિંતન વધતાં આ પુરોગામી વિચારોમાં રહેલાં કેટલાંક તત્ત્વો ફરીથી અગત્યનું સ્થાન મેળવી રહ્યાં છે.

ત્યારપછી અર્થશાસ્ત્રનો ઝોક બદલાયો. રાષ્ટ્રની સંપત્તિનો સક્ષમ ઉપયોગ અને એ અંગે ઉત્પાદન-વસ્તુ અને ઉત્પાદનનાં સાધનોનાં મૂલ્યોના અભિગમતરફી ઝોક શરૂ થયો. અમેરિકામાં લૅન્ડ ગ્રાન્ટ કૉલેજ (હવે યુનિવર્સિટી) સ્થપાઈ, જેમાં ખેડૂતને ઉત્પાદનમાં સહાય કરવાનું મુખ્ય ધ્યેય સ્વીકારાયું. આમાંથી સમષ્ટિગત(macro)માંથી વ્યક્તિગત (micro) સંદર્ભ તરફ સંક્રમણ થયું. આજે જેને ખેતી-વ્યવસ્થા (farm management) તરીકે ઓળખીએ છીએ તે શાખાનો વિકાસ થયો. નૂતન અર્થશાસ્ત્ર(neo-classical economics)માં માગ અને પુરવઠાના સિદ્ધાંતોનું પ્રાધાન્ય સ્વીકારાયું. કૃષિ-અર્થશાસ્ત્રમાં પણ એ જ સિદ્ધાંતોનું જરા જુદી રીતે પ્રતિપાદન થયું.

ઉત્પાદન અને પુરવઠામાં કૃષિનાં ત્રણ આગવાં અંગોનું મહત્વ સ્વીકારાયું. ઉત્પાદનમાં ખેતીમાં જમીનનું પ્રાધાન્ય અને તેને કારણે શ્રમ અને મૂડીને બદલે જમીન, શ્રમ અને મૂડી એ ત્રણ મુખ્ય સાધનો સ્વીકારાયાં. બે સાધનોમાં અન્યોન્ય સંબંધ કાં તો પૂરક (complementary) અથવા અવેજી(substitution)નો સંબંધ અને નૂતન અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ મુખ્યત્વે જ્હૉન હિક્સના અવેજી વૈશિષ્ટ્ય(predominance of substitution)ના સિદ્ધાંતને સીધો લાગુ પાડી શકાયો નહિ. ત્રણ સાધનોમાં કોઈ બે સાધનો પૂરક પણ હોય અને પૂરકતત્વ પણ વધતુંઓછું હોય. આ અંગે છેક 196૦–7૦ના ગાળામાં સાધનોના અવેજીપણાની લવચીકતા પર સંશોધન થયું અને ઉત્પાદન વિધેયના ટ્રાન્સલૉગ સ્વરૂપ (translog form of production function) અંગે જાણકારી મળી ત્યારપછી નવા વિચારો ઉમેરાયા અને હિક્સે 197૦માં તેની તાત્વિક ભૂમિકા તૈયાર કરી.

જમીનના પ્રાધાન્યમાંથી બીજું એક તત્વ ઉમેરાયું અને તે વિસ્તાર(space)નું. વિસ્તાર વધુ તેમ દેખરેખનું કાર્ય વિકટ, તેથી ખેતીના એકમો નાના અને દૂર દૂર ફેલાયેલા રહ્યા. દેશભરમાં ફેલાયેલા નાના એકમોનું લઘુ-સ્રોત ઉત્પાદન મુખ્યત્વે અંગત વપરાશ માટે અને શેષ બજારમાં વેચાણ માટે થાય. આમાંથી બે અભિગમો તારવવામાં આવ્યા; એક તો ઉત્પાદન એકમનું લક્ષ્ય માત્ર આવક કે નફો નહિ, પણ જાત-ઉપભોગ અને તેથી ખેતીનો એકમ ઉપભોક્તા-ઉત્પાદકતા સંમિશ્રણનું બન્યું. અર્થશાસ્ત્રના ઉત્પાદનના નિયમો તેથી કૃષિ ઉત્પાદનમાં સફળપણે લાગુ કરી શકાયા નહિ. ક્યારેક એમ પણ કહેવાયું કે અંગત ઉપભોગના લક્ષ્યને કારણે ઉત્પાદનની કિંમતોના ફેરફારોના પ્રભાવથી ખેતી પર છે. આને કારણે કેટલાક અગત્યના ઉત્પાદનલક્ષી નિયમોનું જુદું જ અર્થઘટન કરવામાં આવ્યું. એક અગત્યનું અર્થઘટન તે વિપરીત વળાંક(backward bending)નો નિયમ. એટલે કે ભાવ વધતાં ઉત્પાદન વધવાને બદલે ઘટવાની શક્યતાનો વિચાર થયો. આ વિચારમાં તથ્ય હતું, પણ એમાં રહેલી વિચારણા સામાન્ય સ્વીકૃતિ પામી નહિ. કેટલાંક સંશોધનોનાં તારણો પરથી એમ પ્રતિપાદન થયું કે જો ખેતીનાં ઉત્પાદનોનાં સાધનોનો વૈકલ્પિક ઉપયોગ ન હોય અને એવાં સાધનોનું પ્રમાણ અન્ય સાધનોની સરખામણીમાં વિપુલ હોય તો આમ વિપરીત વળાંક લેતી શક્યતા સર્જાય. અન્યથા ચાલુ વર્ષમાં પાક ખેતરમાંથી ઘરે લાવ્યા પછી ભાવના ફેરફારોના સંદર્ભમાં જો આવક-લવચીકતા, ભાવ-લવચીકતા કરતાં પ્રધાન હોય તો બજાર-પુરવઠા પૂરતી વિપરીત વળાંકની શક્યતા અનુભવાય.

ખેતીના ઉત્પાદનની બીજી વિશેષતા એ કે તે એક જૈવિક (organic) પ્રક્રિયા છે. એને કારણે બે પરિણામો જોવા મળે. એક તો ઉત્પાદન-આરંભ (વાવણી) અને ઉત્પાદન-અંત (લણણી) વચ્ચે સમયગાળો હોય અને બીજું એ કે ઉત્પાદન અંગેનાં કામો (functions) સમાંતર તેમજ કાલાનુક્રમે હોય; જેમ કે નીંદવાની કામગીરી હોય ત્યારે બધાં ખેતરોમાં નીંદવાની પાળી હોય અને વાવણી, પછી નીંદવાની કામગીરી, પછી લણણી એમ અનુક્રમે કામો કરવાનાં હોય. ઍડમ સ્મિથનો મૂળભૂત શ્રમવિભાજનનો સિદ્ધાંત અહીં સહેજ પણ લાગુ ન કરી શકાય અને એમાંથી મળતો વિશેષજ્ઞતા- (specialisation, skill formation)નો લાભ લઈ ન શકાય. વિકાસની ગતિમાં તેથી રુકાવટ પણ ઊભી થાય. બીજું જૈવિક પ્રક્રિયાને કારણે સતત શ્રમસંયોજન શક્ય ન બને. એટલે કે શ્રમની માગ સમયના સંદર્ભમાં ત્રુટક ત્રુટક હોય. એકસરખું કામ નહિ હોવાના કારણે વચ્ચે વચ્ચેના ગાળામાં વિશ્રામ (કે બેકારી) પ્રવર્તે અને એનું ખરું સ્વરૂપ સહેલાઈથી નક્કી ન કરી શકાય.

આરંભ અને અંત વચ્ચેના સમયગાળાને કારણે તથા ઉત્પાદનમાં જૈવિક પ્રક્રિયાને કારણે ઉત્પાદન-સાધનો અને ઉત્પાદન વચ્ચે ત્રિરાશિનો સંબંધ જોડી શકાય નહિ. વધુ સાધન વાપર્યાં હોય તોય ઉત્પાદન ઓછું આવે. આનાથી અનિશ્ચિતતા(uncertainty)નું તત્વ ઉમેરાય અને એનો સામનો કરવા સાહસવૃત્તિ કેળવવી પડે.

અનિશ્ચિતતાના તત્વને કારણે જ્યારે ખેડૂત ઉત્પાદનનાં સાધનોનું ઉત્પાદન-ક્રિયામાં સંયોજન કરે ત્યારે અપેક્ષિત ઉત્પાદનને લક્ષમાં રાખે. હાથ આવેલું ઉત્પાદન અપેક્ષિત ઉત્પાદનની બરાબર ન હોય તો એ બંને વચ્ચેના ગાળાને કારણે બીજી મોસમમાં નવી ગણતરી માંડે અને આમ લાંબે ગાળે ઉત્પાદન-સાધનો અને ઉત્પાદન-સ્તર વચ્ચે અપેક્ષિત સંબંધ જોડાય. આ પ્રક્રિયા સંયોજનપ્રક્રિયા(adjustment process)ને કારણે ટૂંકા અને લાંબા ગાળાની ઉત્પાદન-લવચીકતા જુદી હોય અને બંને વચ્ચે ખાસ્સો ગાળો રહે. ઉત્પાદનની અપેક્ષિતતાની જેમ જ ભાવિમાં મેળવી શકાય તે પાકના ભાવો અંગેની અપેક્ષિતતા પણ પાકની વાવણી વખતે સીધી કે પરોક્ષ રીતે ગણતરીમાં લેવામાં આવે. આ દ્વિવિધ અપેક્ષિતતાને કારણે ખેડૂતનું ગણિત ઘણું અટપટું બની જાય છે, જેને જોખમ (risk) નહિ પણ અનિશ્ચિતતા તરીકે ગણાવી શકાય અને આ અનિશ્ચિતતાનો પ્રભાવ પણ વધારે પ્રમાણમાં હોય, જેનો સામનો જુદી જુદી રીતે કરવામાં આવે. આમ ઉત્પાદન-લક્ષ્ય ત્રિવિધ બને છે : નફો અને સ્વ-ઉપભોગ ઉપરાંત અનિશ્ચિતતાનો સામનો. આ ત્રિવિધ લક્ષ્યને ગણિતના માળખામાં સહેલાઈથી બેસાડી શકાતું નથી; તેથી પણ એવી માન્યતાને પુષ્ટિ મળી છે કે ખેડૂતની ઉત્પાદનપ્રવૃત્તિ પર કિંમતના ફેરફારોનો કોઈ પ્રભાવ હોતો નથી.

આટલા જટિલ પ્રશ્નમાં બીજા બે ઉમેરા કરવાના રહે છે. એક તો જે મૂડીનું સાધન વાપરવામાં આવે તેમાં અવિભાજ્યતા (indivisibility) હોય, તેથી તેના ભાવ સાથે કે પાકના ભાવ સાથે તેમાં થતા મૂડીરોકાણનો સંબંધ ત્રુટક ત્રુટક (noncontinuous) હોય એટલે કે સીમાંત ઉત્પાદકતા અને ભાવ વચ્ચે ફરક રહે. તેની ઉત્પાદન-લવચીકતા પર અસર પડે અને ટૂંકા ગાળાની ને લાંબા ગાળાની લવચીકતામાં વિષમતા સર્જાય.

બીજું, વિશેષત: ખેતીમાં સંયુક્ત ઉત્પાદન (joint product) પુરવઠાની પરિસ્થિતિ જોવામાં આવે છે. ઊન અને ઘેટાનું માંસ એ સંયુક્ત ઉત્પાદનનું ર્દષ્ટાંત છે. દૂધ, બળદ અને છાણ (બળતણ અને ખાતર તરીકે) પણ સંયુક્ત ઉત્પાદનનું ર્દષ્ટાંત છે. આ વિશેષતા એટલી વ્યાપક છે કે ખેતી-ઉત્પાદનનો એ સિવાય વિચાર બહુ ઓછો થઈ શકે. અર્થશાસ્ત્રના ઉત્પાદન અને પુરવઠાના સક્ષમ વ્યવહારના નિયમો અહીં લગભગ ભાંગી પડે છે અથવા તો એનો વિનિમય બહુ જ જટિલ બની જાય છે.

ઉપર જણાવેલાં બધાં કારણોને લઈને ખેતીના આર્થિક પાસાનું વિશ્લેષણ, એની સમજ અને ખેતીના પ્રશ્નો અંગે નીતિ અખત્યાર કરવા માટે જોઈતી સૂઝને કારણે કૃષિ-અર્થશાસ્ત્ર એક સ્વતંત્ર વિષય બની રહે છે.

જેમ ઉત્પાદન અને પુરવઠા પરત્વે ખેતીમાં વિશેષતા રહેલી છે તેમ જ માગ અંગે પણ ખેતીની કેટલીક વિશેષતાઓ છે. તેમાં સૌથી મોટી વિશેષતા એ કે ખેતી પકવે છે ધાન્ય, જે જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. બીજા પાકોમાં પણ કપાસ, તેલીબિયાં, શેરડી વગેરે પણ જીવનજરૂરિયાતોમાં અગ્રતા ક્રમે આવે; સિવાય કે તમાકુ તથા એના જેવા કેફી કે વ્યસનના પદાર્થો. ફળ, શાક અને કંદમૂળ તથા ઔષધિઓ પણ અગ્રતાક્રમમાં સમાવી શકાય. પ્રાણિજ ઉત્પાદનમાં દૂધ અને દૂધની બનાવટો વગેરે આવે. આની વિશેષતા પરિણામજન્ય પ્રભાવને આધારે બે રીતે મૂલવી શકાય.

એક તો જીવનજરૂરિયાતોની આવક-લવચીકતા ઊંચી અને કિંમત-લવચીકતા નીચી હોય. પણ આવક વધતાંની સાથે આવક-લવચીકતા ઘટતી જાય. એન્જલના નિયમ તરીકે જાણીતા આ આવક-માગના સંબંધના સિદ્ધાંતની અગત્ય ખેતીમાં વિશેષ છે. વિકસિત દેશો, જ્યાં આવક ઊંચી છે ત્યાં, આવકમાં થતા વધારાના પ્રમાણમાં ખેત-પેદાશોની માગમાં ઘણો ઓછો વધારો થાય છે, પણ બીજી બાજુ અવિકસિત કે વિકાસશીલ દેશોમાં આવક-વધારાનો પ્રભાવ ખેત-પેદાશોની માગ પર ઘણો વધારે હોય છે. વિકસિત દેશોમાં સાધનોની વિપુલતા અને ઉત્પાદનપદ્ધતિમાં તકનીકનો સ્તર ઊંચો હોવાના કારણે માગના પ્રમાણમાં પુરવઠો વધુ વેગથી વધે અને તેને કારણે ખેતપેદાશોની કિંમતો પર દબાણ રહે. કિંમતોને અનાર્થિક સ્તરે નીચી જતી રોકવા માટે ખેડૂતોને ટેકાના ભાવની નીતિ દ્વારા સંરક્ષણ આપવાની જરૂર ઊભી થાય છે. એમ કરતાં રાજ્ય પાસે ખેતપેદાશોનો જથ્થો જમા થાય છે. અવિકસિત દેશોમાં તેથી ઊલટી પરિસ્થિતિ સંભવિત બને. પંચવર્ષીય યોજનાઓના પ્રારંભકાળમાં ભારત આવી વિષમ પરિસ્થિતિનો અનુભવ કરી ચૂક્યું છે.

ખેતી-વ્યવસાય મુખ્યત્વે સ્વ-ઉપભોગ માટે હોય છે. અવશેષ ઉત્પાદન બજારમાં વેચાવા આવે જેના ઉપભોક્તાઓ મુખ્યત્વે નાનાંમોટાં શહેરમાં વસેલા હોય છે. જમીનનો ઉત્પાદનમાં વિશેષ હિસ્સો હોવાને કારણે, ઉત્પાદન લાંબા વિસ્તારમાં ફેલાયેલું હોય, તેથી બજારમાં વેચાવા આવતા વધારાના (surplus) ઉત્પાદનને નાના નાના જથ્થામાં એકત્ર કરી લાંબે અંતરે લઈ જવાનું જરૂરી બને. એ જ રીતે ઉત્પાદન મોસમને અંતે એક વાર પ્રાપ્ત થાય જ્યારે ઉપભોગ વર્ષભર ચાલુ હોય, તો એક વખતે પ્રાપ્ત થતા જથ્થાને વર્ષભરના ઉપભોગ માટે સંઘરવો જરૂરી બને. આ બંને કારણોસર ઉત્પાદકને મળતો ભાવ અને ઉપભોક્તાને આપવાનો થતો ભાવ એ બે વચ્ચે ખાસ્સો ગાળો જોવા મળે. આમાંથી એક ધારણા બંધાય કે વચલો ગાળો વેપારીઓનો નફો છે. શક્ય છે કે વર્ષોવર્ષ બદલાતી પુરવઠાની પરિસ્થિતિ તથા જુદા જુદા સ્થળે પુરવઠાની અને માગની પરિસ્થિતિ અંગેની સારી એવી માહિતી વેપારી વર્ગ પાસે હોય અને એનો ઉપયોગ એ પોતાની આવક વધારવા કરે. પરંતુ એ દ્વારા સતત નફામાં વધારો કરવાનું કે ભાવનો ગાળો વધારતા જવાનું કે ખૂબ ઊંચો રાખવાનું શક્ય નથી. પ્રાપ્ત થતાં સંશોધનોનાં પરિણામો પણ ભાવનો ગાળો વધતો રહેવાનો સંકેત આપતાં નથી.

ધાન્ય જેવી જરૂરી વસ્તુ જ્યારે સ્વ-ઉપભોગ માટે હોય ત્યારે પ્રાદેશિક વૈશિષ્ટ્ય(regional specialisation)ના ધોરણે પાક-ઉત્પાદન થાય નહિ. વળી ખેતપેદાશ દૂર દૂરના એક ગામમાંથી બીજા ગામમાં લઈ જવાની હોય તો એને માટે ભારે નૂર ચૂકવવું પડે. પ્રાદેશિક વૈશિષ્ટ્યનું મહત્વ તેથી સીમિત બની જાય; જ્યારે ખેતી મોટા વ્યવસાયનું સ્વરૂપ ધારણ કરે ત્યારે આ મર્યાદાનો પ્રભાવ ઘટે.

અન્ન જીવનજરૂરિયાતની વસ્તુ છે. એમાંથી સ્વાસ્થ્ય માટે પોષણ મળે છે. તે છતાં અનાજની ગુણવત્તા(quality)માં સારો એવો તફાવત જોવા મળે છે. આ તફાવતને કારણે આવક વધવાની સાથે ઊતરતી ગુણવત્તાને બદલે સારી ગુણવત્તાવાળા અનાજની માગ વધતી જાય, જે આવકના નીચેનાથી માંડી ઉપરના સ્તર સુધી જોવા મળે. આથી માગમાં જરૂરિયાત ઉપરાંત પસંદગીનું તત્વ ઉમેરાય છે. આ પસંદગીનું તત્વ ઉત્પાદન-સાધનોની માગમાં વધારો કરે છે એટલે કે ઉત્પાદન-પદ્ધતિની જાણકારી(expertise)ના સ્તરની પ્રગતિ સાથે પસંદગીના સ્તરની પસંદગી થતી રહે તો જાણકારીના સ્તરનો લાભ ભૂંસાતો આવે. વિકસિત દેશોમાં આવી લાભ-ક્ષીણતા ઓછી ને ઓછી થતી ગઈ છે અને પસંદગીનું ધાન્ય, ખોરાક સાર્વત્રિક રીતે પ્રાપ્ય બને છે. અવિકસિત દેશોમાં ગરીબ વર્ગોના પોષણ-સ્તરને નીચો રાખવામાં પસંદગીનું તત્વ મહત્વનો ભાગ ભજવે છે અને ઉત્પાદન-પદ્ધતિની સુધારણાનો સારો એવો અંશ પસંદગીના તત્વ પર આધાર રાખે છે.

રાષ્ટ્રીય આર્થિક વિકાસ કૃષિ, કૃષિવિજ્ઞાન અને કૃષિ-અર્થશાસ્ત્ર માટે સંદર્ભ બદલી નાખે છે. સ્થિર ગતિની આર્થિક પ્રગતિના પ્રશ્નો કરતાં, ઝડપી આર્થિક પ્રગતિના પ્રશ્નો જુદા હોય છે. સક્ષમ ઉત્પાદનને બદલે ઉત્પાદનસ્તરને ઝડપથી ઊંચે લાવવા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બને છે. આને કારણે વ્યક્તિગત ઉત્પાદન-ક્ષમતાની જગ્યાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનગતિના વેગ અને એને અંગે જરૂરી વ્યવસ્થા ધ્યાન આકર્ષે છે.

વિકાસના સંદર્ભમાં સમષ્ટિગત સંદર્ભ સાથે ખેતી અંગે શિષ્ટ કે માન્ય અર્થશાસ્ત્રીઓનાં પ્રતિપાદનોથી આગળ નીકળી જઈને નવાં પ્રતિપાદનો કરવામાં આવ્યાં છે. પહેલું પ્રતિપાદન એ છે કે આર્થિક પ્રગતિ સાથે જમીન(અને જમીનભાડા)ની રાષ્ટ્રીય અગત્ય ઘટતી જાય છે. એટલે કે જમીનભાડાનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે. ઘટતી સીમાંત ઉત્પાદકતાના રિકાર્ડોના નિયમમાં ગર્ભિત રીતે સૂચવાયેલી સ્થિતિ કરતાં આ જુદી જ છે. નવી પરિસ્થિતિનું મુખ્ય કારણ ઉત્પાદન-પદ્ધતિમાં ઝડપી પ્રગતિ છે; તે જમીનની ભીંસ લેતી જરૂરિયાતને હળવી બનાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદાન શુલ્ઝનું છે. એ જ રીતે ક્વિસ્નેના અર્થવ્યવસ્થાના કોષ્ટકમાં જણાતી ખેતીની મૂળભૂત અગત્યની જગ્યાએ જુદી જ પરિસ્થિતિ જોવા મળે છે. વિકસિત દેશોમાં ખેતીની પેદાશો પર ઉદ્યોગો આધાર રાખે છે તેથી અનેકગણો વધારે આધાર ખેતી-ઉત્પાદનની સામગ્રી માટે ઉદ્યોગોની પેદાશ પર રાખે છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ટ્રૅક્ટર વગેરેનો વપરાશ વધુ તેમ, તેમનો પુરવઠો ઉદ્યોગોમાંથી વધુ ને વધુ પ્રમાણમાં મેળવવો પડે. થ્યુનેનનો નિયમ પણ સામાજિક સવલતો (social overheads) વધતાં મોળો પડે છે અને બજારમાં વેચાણખર્ચ, વાહન કે સંગ્રહ કરતી પ્રક્રિયા, પૅકિંગ અને શીતકરણ(processing, packing, cold storage)માં ખર્ચ વધારે થાય છે. ગ્રાહક-પસંદગીની અગત્ય આમ વધે છે અને દૂરના પ્રદેશોમાંથી માલ લાવવાનું સરળ બનાવવામાં આવતાં પ્રાદેશિક ઉત્પાદન-વૈશિષ્ટ્યનો પૂરતો લાભ લઈ શકાય છે. આ તબક્કે ખેતી ઉદ્યોગોના સ્તરનો જ વ્યવસાય બની જાય છે; શેષ રહી જાય છે માત્ર એક જ ફરક અને તે ખેતીને માટે જોઈતી સાહસની મૂડી (risk capital). એ માટે કોઈ વિશેષ મૂડીબજાર હોતું નથી, તેથી સાહસમૂડી ઉત્પાદકે પોતે ઊભી કરવાની રહે છે. પ્રાદેશિક વૈશિષ્ટ્યનું વધતું મહત્વ ખેતપેદાશોના  આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રતિબિંબિત થાય છે.

વિકાસનો સંદર્ભ વિકાસશીલ દેશો માટે વધારે અગત્યનો છે. ઝડપી ઉત્પાદન પ્રગતિ માટે જરૂરી બધું કરવાનું ધ્યેય અપનાવ્યું હોય તો તેમાં કયાં પગલાં વધુ જરૂરી એનો નિર્ણય કરવાનો રહે. શરૂઆતના તબક્કામાં ખેતીમાં રહેલી પ્રણાલિકાની પકડ ઘટાડવા માટે જ્યાં જ્યાં ક્ષમતાનો સ્તર ઓછો જણાય ત્યાં ત્યાં સાધનોની ઉત્પાદનક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જેમ કે વણખેડાયેલી જમીન ખેડ હેઠળ લાવવી, સિંચાઈ-વિસ્તાર વધારવો, મિશ્ર પાક, એકથી વધુ પાક અને પાકનું આયોજન. આમાં ઝાઝો લાભ જણાયો નથી. સાથે સાથે અર્થવ્યવસ્થાના ઢાંચામાં રહેલી ખામીઓને દૂર કરવાનું વિચારવામાં આવ્યું. જમીનની માલિકીને આધારસ્તંભ ગણી, જમીનદારી, ગણોતવ્યવસ્થા, ભાગવ્યવસ્થા વગેરેમાં સંશોધન કરવાનું વિચારાયું તેમજ જમીનની ટોચમર્યાદા સ્વીકારાઈ. પાકના ભાવનો સ્તર વ્યવસ્થિત કરવા બજાર-નિયમન (regulation of markets), મૂડી પ્રસારિત કરવા ધિરાણવ્યવસ્થા અને ઉત્પાદનપદ્ધતિ સુધારવા માટે માહિતીપ્રસારણાર્થે રાષ્ટ્રીય વિસ્તરણ સેવા (national extension service) શરૂ કરાઈ. આગળ જતાં રાસાયણિક ખાતરના ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા અને ગ્રામ વીજળીકરણ, રસ્તાઓ, ગોદામો અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યકેન્દ્રો વગેરે શરૂ કરાયાં. ભાવ સ્થિર અને માફકસર રહે તે માટે કૃષિ ભાવ પંચ કાયમી ધોરણે રચાયું. ભારતનો આ કાર્યક્રમ કોઈ પણ વિકાસશીલ દેશના કૃષિ-ઉન્નતિના કાર્યક્રમને મળતો આવે એવો છે.

આ કાર્યક્રમો અને તેને અંગે ઊભી કરાયેલી વ્યવસ્થામાંથી કેટલીક વિચારધારાઓ – સમષ્ટિગત સંદર્ભમાં –સર્જાઈ, જેનું મહત્વ કૃષિ અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ છે. એક વિચારધારા મુજબ મહત્વનું સ્થાન અર્થવ્યવસ્થાના ઢાંચાનું છે. કાયદા અને તેના સુધારા દ્વારા ઢાંચામાં મહત્વાકાંક્ષી ફેરફારો શક્ય નથી. ગણોતધારાના પરિણામે ગણોતિયાઓને વધુ સહેવું પડ્યું. ટોચમર્યાદા મુખ્યત્વે કાયદાપોથીમાં જ સચવાઈ અને નીચલા વર્ગ – નાના ખેડૂતો, ભૂમિહીન મજૂરોની હાલત સુધરી નહિ. પ્રજાનો વિશાળ ભાગ સાધનહીન અને વ્યવસાયહીન હોય ત્યાં ઉત્પાદનની પ્રગતિ વધવી સંભવિત નથી. આ એક વિચારધારા વારંવાર રજૂ કરાઈ. નાના એકમની ચડિયાતી ઉત્પાદકતા આંકડાની સહાયથી સ્થાપિત કરાઈ. તે વિચારધારામાં આગળ જતાં એક વધુ તત્વ ઉમેરાયું કે કદીક અન્ય કારણોસર ઉત્પાદનમાં ગતિશીલતા આવે તોપણ વિશાળ સમુદાય એના લાભથી વંચિત રહે અને એમની મર્યાદિત ખરીદશક્તિ આગળના વિકાસને રૂંધે. ધનના ખડકાયેલા ઢગલાની સાથે સાથે દારિદ્ય્રની વિષમ પરિસ્થિતિ જોવા મળે. ઢાંચો પલટાય નહિ ત્યાં સુધી ઉત્પાદકતા માટે જરૂરી ધગશ ઊભી થાય નહિ, ધગશ વિના ગતિશીલતા ચાલુ રહે નહિ.

સામી બાજુની બીજી વિચારધારામાં ખેતીની ઉત્પાદનપદ્ધતિમાં સંશોધન દ્વારા સુધારા પર ભાર મૂકવામાં આવ્યો. ઉત્પાદનપદ્ધતિ બદલાય નહિ તો ઘટતા સીમાંત ઉત્પાદનના નિયમની ભીંસ વધતી જાય અને ઉત્પાદન-વધારો વધુ ને વધુ ખર્ચાળ બને. ખેતીની પદ્ધતિ સુધારાય, એમાં નવું બી, ખાતર વગેરેનો ઉપયોગ ઉમેરાય, સિંચાઈનું ક્ષેત્રફળ વધે તો શ્રમ-સંયોજન વધે, પ્રજાના નબળા ભાગને રોજગાર આપી શકાય. બેકારી ઘટે, આવક વધે અને વધતી સંપત્તિમાં બધા વર્ગો સહભાગી બને. આમ, ઉત્પાદન-વધારાનો લાભ છેક નીચેના સ્તર સુધી પહોંચે એવી ઝરણપ્રક્રિયાની શક્યતા (percolation possibility) પર ભાર મૂકવામાં આવ્યો.

ઉત્પાદનપદ્ધતિમાં યોગ્ય ફેરફારો સ્વીકારીએ તોપણ આવા ફેરફારો સતત પ્રાપ્ત ન થાય. તેથી ઉત્પાદનનાં સાધનોના વિસ્તૃતીકરણ માટે જરૂરી નાણાં ફાળવવાં પડે અને એમાં કૃષિની અગત્ય પર ભાર મૂકવો પડે. કૃષિ-ઉત્પાદનની અગ્રતા અને રાષ્ટ્રીય વિકાસને અનુસરીને આ વિચારધારા પણ રજૂ થઈ. શ્રમસાધનો સુલભ બને તો રોજગારી વિસ્તૃત બને, બેકારી ઘટે, સમાજનો બહોળો ભાગ વિકાસમાં સહભાગી બની શકે અને પોષણ-સ્તર ઊંચો આવતાં શ્રમ-સક્ષમતા વધે તેથી તેનો ગુણોત્તરપ્રભાવ (multiplier effect) સર્જાય.

ત્રણે વિચારધારાઓમાં કૃષિ-પ્રગતિ એ ગ્રામ-પ્રગતિનું અંગ છે એમ સ્વીકારવામાં આવેલું છે. તેથી મોટેભાગે કૃષિ અને ગ્રામ(જીવન)પ્રગતિ પર્યાયરૂપ બની ગયા છે. ગ્રામજીવનનો સંકલિત વિકાસ થાય, તેમાં દરેક વર્ગ સામેલ થઈ શકે. ગ્રામોદ્યોગ સહિત જુદા જુદા વ્યવસાય વિકસે એમ પણ વિચારાયું છે. સિદ્ધાંતની ર્દષ્ટિએ ઉત્પાદન, માગ, પુરવઠો અને ભાવ અંગે જેટલું સુગ્રથિત વિચારપ્રતિપાદન થયું છે તેટલું વિકાસનાં તાત્વિક અંગો અંગે થયું નથી. ચર્ચાના સ્તરે આજ પણ વિકાસ-લાભ મર્યાદિત કે બહોળો, ઢાંચાની વધુ અગત્ય કે ઉત્પાદનપદ્ધતિની, ઉત્પાદન-સામગ્રીની વધુ ફાળવણી પ્રગતિ સહજ બનાવશે કે કેમ, અન્ય વ્યવસાયો સાથેનાં કૃષિનાં જોડાણો પુષ્ટ કે અપૂરતાં – આ પ્રશ્નો અનિર્ણીત રહ્યા છે.

આર્થિક વિકાસના વિચારમાળખામાં સિદ્ધાંતોનો પરિપાક સર્જાયો તેમાં ખેતી અંગે વિચારણા સમાવી લેવામાં આવી છે. શિષ્ટ અર્થશાસ્ત્રીય સિદ્ધાંતના સ્તરે લુઈસ ઢાંચો (model) જાણીતો થયો. એમાં એમ ગૃહીત કરવામાં આવ્યું છે કે ખેતીમાં વિકાસના અભાવે વણવપરાયેલી શ્રમશક્તિ વિપુલ પ્રમાણમાં છે. આ શક્તિને અન્ય વ્યવસાયોમાં કાર્યાન્વિત કરીએ તો મજૂરીનો દર વધાર્યા વિના ઉત્પાદન થઈ શકે. વધતા ઉત્પાદનમાંથી નવું મૂડીસર્જન થાય અને તે વધુ શ્રમશક્તિને કાર્યાન્વિત કરવામાં સહાયક થાય. વણવપરાયેલી શ્રમશક્તિ પૂરેપૂરી કાર્યાન્વિત થાય ત્યાં સુધી વિકાસગતિ સતત ચાલુ રહે, વિકાસના અભાવમાંથી અને આર્થિક વિષચક્ર – જેમાં ગરીબી વિશેષ અંશે છે–માંથી બહાર આવી શકાય. ખેતીમાં રહેલી વણવપરાયેલી શ્રમશક્તિ, નવું મૂડીસર્જન તથા એમાં એનો ઉપયોગ અને એમાં કોઈ નવો પ્રશ્ન ન ઉપસ્થિત થાય એમ ગૃહીત કરવામાં આવેલું છે. લુઈસના ઢાંચાની મર્યાદાઓ દૂર કરતો જૉન્સનનો ઢાંચો વણવપરાયેલી શક્તિને બદલે બદલાતી ઉત્પાદનપદ્ધતિને કારણે ફાજલ પડતી શ્રમશક્તિ ગૃહીત કરે છે. લાયબેન્સ્ટાઇન ઢાંચામાં શ્રમશક્તિના પ્રાપ્ત ઉપયોગ અને પ્રાપ્ય ઉપયોગ વચ્ચે અપૂરતા પોષણમાંથી પૂરતા પોષણને કારણે વધતી શ્રમની કાર્યસાધક શક્તિને પરિણામે ખેતીમાંથી શ્રમશક્તિ ફાજલ પાડી શકાય એમ પ્રતિપાદન થયું. આ બંને ઢાંચા પ્રચલિત થયા, પણ કાળક્રમે એમની અગત્ય ભૂંસાઈ અને તક્નીકી સ્તર, નીચલા વર્ગને તેથી લાભ મળવાની શક્યતા વગેરેને અગત્ય મળી. એનું મુખ્ય કારણ લુઈસ અને લાયબેન્સ્ટાઇનમાં વણવપરાયેલી શક્તિના વિપુલ જથ્થાને આધાર માનવામાં આવે છે. આવો જથ્થો વિપુલ હોય તોપણ કાયમી વિકાસગતિ માટે આધાર બની ન શકે. વિપુલ ન હોય તો એની અસર ન-જેવી હોય અને અન્ય સાધનસામગ્રીની ઊભી થતી જરૂરિયાત અંગે લક્ષ નહિ આપવાથી વિકાસ સાધ્ય જ ન બને. આ બધાંનો વિચાર નહિ થયેલો, છતાં આ બે ઢાંચા એક કાળે જ્યારે વિકાસની ગતિ દુ:સાધ્ય હતી ત્યારે મહત્વ ધરાવતા હતા.

બીજું, ખેત-ઉત્પાદન, પુરવઠો તથા માગને કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાપમાં સહેલાઈથી ગણાય છે. પણ તે કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાપ સુધી જ ? બજાર-વ્યવસ્થા અંગેની વિચારણા એમાં થઈ શકે ? બજાર-વ્યવસ્થા અને એને અંગેના સિદ્ધાંતો, જેમ કે બજારમાં કામ કરતા દલાલ, વેપારી અને અન્ય પ્રકારની સેવા આપનાર, ગોદામો, વાહનવ્યવસ્થા અને આ સેવાઓના માગપુરવઠા અને કિંમતના પ્રશ્ર્નો, અનામત જથ્થો, વાયદાના બજારો  આ બધાંની ચર્ચા કૃષિ-અર્થશાસ્ત્રના અંગ તરીકે આજ સુધીમાં નિર્વિવાદ સ્વીકારાઈ છે. પરંતુ પ્રક્રિયાઉદ્યોગો (processing units) અંગે કોઈક મર્યાદા દોરીએ તો એ કાલ્પનિક જ રહેવાની, જેમ કે શીતાગાર (cold storage), કપાસ લોઢવાનાં કારખાનાં, તેલ માટેનો ઘાણી ઉદ્યોગ અને ખાંડનાં કારખાનાં આગળ સીમાંકન થયું છે. એ જ રીતે ઉત્પાદનસામગ્રીમાં રાસાયણિક ખાતરોની વહેંચણી-વ્યવસ્થાની વિચારણા ખરી, પણ ઉત્પાદનવ્યવસ્થાની વિચારણા અંશત: પડતર કિંમત નક્કી કરવા પૂરતી સ્વીકારાઈ છે. સિંચાઈની સમગ્ર વ્યવસ્થા અને ગ્રામવિકાસનાં બધાં પાસાં કૃષિ-અર્થશાસ્ત્રનાં આનુષંગિક અંગો ગણાયાં છે, પણ ઉદ્યોગોની અર્થવ્યવસ્થા વિચારતાં કાપડઉદ્યોગ કપાસ-રૂની વ્યવસ્થા અને એની ખરીદવેચાણ-વ્યવસ્થા વિચારે તેમજ ધિરાણમાં શાખવ્યવસ્થા સાથે સહકારી ધિરાણ સમગ્રપણે વિચારાય, કારણ કે નાણાનીતિમાં એ જરૂરી છે. વળી કૃષિ-અર્થશાસ્ત્રમાં સહકારી ધિરાણ અને બૅંકોની કૃષિ-ધિરાણની વિચારણા થાય. આમ, વ્યાપ અને હદ કેટલેક અંશે પરસ્પર વ્યાપ્ત (overlapping) અને યાર્દચ્છિક (arbitrary) પણ બને.

આજને તબક્કે જોડિયા ઉદ્યોગો તરીકે વનવિસ્તાર, મત્સ્યોદ્યોગ અને પશુપાલન તથા પક્ષીપાલનને કૃષિ-અર્થશાસ્ત્રની મર્યાદામાં સમાવી લેવાયાં છે. પશ્ચિમના કેટલાક દેશોમાં આ પ્રત્યેક વિષયમાં એટલી ઝીણવટથી અભ્યાસ થઈ રહ્યા છે કે એમને યુનિવર્સિટીમાં સ્વતંત્ર વિષયનું સ્થાન અપાય છે. ભારતમાં આ પરિસ્થિતિ ધીમે ધીમે આવતી જાય છે.

આંતરરાષ્ટ્રીય ધોરણ તરીકે કૃષિના વ્યાપની બે જુદી વ્યાખ્યા સ્વીકારાયેલી છે  મર્યાદિત અને વિસ્તૃત. મર્યાદિત વ્યાખ્યામાં નીચેના વિષયો સમાવાયા છે :

(1) પ્રકૃતિદત્ત સાધનોની મોજણી; (2) પ્રકૃતિદત્ત સાધનોનો વિકાસ; (3) સંશોધન; (4) ઉત્પાદન માટેની સામગ્રીનું વિતરણ અને તેનો પુરવઠો; (5) કૃષિસેવાઓ; (6) કેળવણી અને કૃષિવિસ્તાર સેવા; (7) પાક-ઉત્પાદન, (8) પશુપાલન અને ઉત્પાદન; (9) મત્સ્યોદ્યોગ; (1૦) અન્ય.

વિસ્તૃત વ્યાખ્યામાં આ ઉપરાંત નીચેના વિષયો ઉમેરાય છે :

(1) વન (સંરક્ષણ-વિકાસ); (2) કૃષિ-ઉત્પાદનસામગ્રીનું ઉત્પાદન (જેમ કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન વગેરે); (3) કૃષિ-ઉદ્યોગો; (4) ગ્રામસેવાઓ; (5) ગ્રામવિકાસ; (6) ક્ષેત્રીય વિકાસ; (7) નદીઓનો વિકાસ.

ચંદ્રહાસ હીરાલાલ શાહ

કૃષિઅંકશાસ્ત્ર

કૃષિ-સંશોધન માટે પ્રયોજાતાં આંકડાશાસ્ત્રનાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ.

આંકડાશાસ્ત્ર વડે વિશાળ સંખ્યાત્મક માહિતીને સરળ અને આકર્ષકરૂપે દર્શાવી શકાય છે. કૃષિ અંગે એકઠી કરેલ વિસ્તૃત માહિતીની યોગ્ય ગોઠવણ વિના તેના ઉપરથી સહેલાઈથી નિર્ણય તારવી શકાતો નથી. આંકડાશાસ્ત્રની મદદથી માહિતીનું યોગ્ય વર્ગીકરણ કરી કોઠામાં ગોઠવવાથી કે યોગ્ય નકશા, આલેખ વગેરે દ્વારા દર્શાવવાથી તેને સરળ અને આકર્ષક બનાવી શકાય છે અને તે સમજવી સહેલી થાય છે.

કોઈ પણ સંશોધનલક્ષી વિજ્ઞાનને સંખ્યાત્મક માહિતીના પૃથક્કરણ અને અર્થઘટન માટે આંકડાશાસ્ત્રના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ આવશ્યક હોય છે. એ જ રીતે કૃષિવિદ્યાના જુદા જુદા વિષયોમાં થતાં સંશોધનોમાં પણ આંકડાશાસ્ત્રના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કૃષિવિદ્યાનાં સંશોધનો જમીન, વનસ્પતિ કે પ્રાણી પર કરવામાં આવે છે, જેમાં પુષ્કળ ચલન (variation) રહેલું હોય છે. આમ, કૃષિવિદ્યાની આગવી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આંકડાશાસ્ત્રના વિષયને કૃષિ-આંકડાશાસ્ત્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

કૃષિવિદ્યાના જુદા જુદા વિષયોમાં કૃષિ-આંકડાશાસ્ત્રની બહોળી ઉપયોગિતા છે. રાજ્ય અને દેશની અન્નનીતિ, તેની આયાત-નિકાસના આયોજન વગેરે માટે જુદા જુદા પાકના વિસ્તાર, ઉત્પાદન તેમજ ઉત્પાદકતાની સંખ્યાત્મક માહિતી મેળવવા માટે નમૂનારૂપ મોજણી (sample survey) અનિવાર્ય છે. ઉપરાંત કૃષિ-અર્થશાસ્ત્રમાં મોજણીકાર્યમાં થતાં સંશોધન; જમીનવિજ્ઞાન, કૃષિરસાયણશાસ્ત્ર અને જીવરસાયણશાસ્ત્રમાં છોડની પોષણજરૂરિયાતના પ્રયોગો; શસ્યવિજ્ઞાનમાં (agronomy) ખેડ, ખાતર, પાણી, અંતર, વાવણી વગેરેના પ્રયોગો; વધુ ઉત્પાદન આપતાં સારી જાતનાં બિયારણ મેળવવા છોડસંવર્ધન(plant breeding)ના પ્રયોગો; બાગાયત પાકો પર થતા પ્રયોગો; પાકરોગ તથા કીટકનિયંત્રણ માટેના પ્રયોગો; કૃષિઓજારો વિશેના પ્રયોગો અને કૃષિવિસ્તરણના અભ્યાસો વગેરે અનેક પ્રકારના કૃષિને લગતા પ્રયોગો અને અભ્યાસ આંકડાશાસ્ત્રના સિદ્ધાંત મુજબની રચનાઓ (experimental designs) વિના સારી રીતે થઈ શકે નહિ અને તે પરથી મળેલાં પરિણામો આંકડાશાસ્ત્ર આધારિત વિશ્લેષણ વિના પૂરાં સમજી શકાય નહિ કે તેના અર્થઘટન કે સાર્થકતાનો આંક નીકળી શકે નહિ.

ટી. જે. ખત્રી

કૃષિરસાયણ

કૃષિમાં રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો અને રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરતી રસાયણશાસ્ત્રની ખાસ શાખા. તેમાં જમીન અને જમીનસુધારકો, ખાતરો, કીટક અને ફૂગનાશક, નીંદણનાશક તથા છોડની વૃદ્ધિનું નિયંત્રણ કરતાં અને પાકસંવર્ધનમાં વપરાતાં રસાયણોનો સમાવેશ થાય છે. દરેકની અલગ અલગ શાખાઓ પણ વિકસેલી છે.

જમીનરસાયણ : જમીનની વ્યાખ્યા પ્રથમ વેચ ઑવ્ મિચિંગને આપી : ‘જમીનમાં અકાર્બનિક અને કાર્બનિક કલિલો, જીવંત અને મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો, પાણી અને વાયુ ચલિત સંતુલનમાં રહેલાં હોય છે. જમીન-રસાયણશાસ્ત્રી જમીન બનાવતા ખડકો અને તેમાં રહેલાં ખનિજોના રાસાયણિક બંધારણમાં રસ ધરાવે છે. પાકની જરૂરિયાતને અનુલક્ષીને જમીનનું બંધારણ અને પાક માટેનાં પોષક તત્વોના પ્રમાણને પણ મહત્વ આપવામાં આવે છે. જમીન-રસાયણને વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવે છે.

(1) જમીનવિકાસનું રસાયણ : આમાં ખનિજોમાંથી જમીનના વિવિધ ઘટકો  રેતી, કાંપ, માટીનો ઉદભવ અને જમીનની રેખાકૃતિ(profile)ના વિકાસને લગતી રાસાયણિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ખડકો ઉપર હવા, પાણી, ગરમી, વનસ્પતિ વગેરેથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રકારનો અપક્ષય (weathering) થતાં જમીનનો માતૃપદાર્થ બને છે. આ માતૃપદાર્થ ઉપર તાપમાન, વરસાદ, ભૂપૃષ્ઠ, વનસ્પતિ અને પ્રાણીઓની લાંબા સમય સુધી સંયુક્ત અસર થતાં જમીન બને છે.

(2) જમીનનું ભૌતિક રસાયણ : જમીનમાં આવેલા શ્રેષ્ઠ ક્રિયાશીલ ઘટકો – કલિલપ્રણાલીનો આમાં અભ્યાસ કરવામાં આવે છે. જમીનના અકાર્બનિક કલિલોમાં મુખ્યત્વે ‘સિલિકેટ ક્લે ખનિજો’ જેવાં કે મૉન્ટમોરીલોનાઇટ, ઇલાઇટ, કેઓલિનાઇટ, વર્મીક્યુલાઇટ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે કાર્બનિક કલિલોમાં હ્યુમસ આવે છે. રસાયણશાસ્ત્રીઓ મુખ્યત્વે કલિલો ઉપર અધિશોષિત થયેલા આયનો અને આયનવિનિમયમાં રસ ધરાવે છે.

(3) જમીનના સેન્દ્રિય પદાર્થનું રસાયણ : કુદરતમાં મળતા પદાર્થોમાં સૌથી વધુ સંકીર્ણ સેન્દ્રિય પદાર્થ છે. જમીનના સેન્દ્રિય પદાર્થમાં છોડ અને પ્રાણીઓના અવશેષો, સૂક્ષ્મ જીવાણુઓના જીવંત અને મૃત કોષો, સૂક્ષ્મ જીવોનો સંશ્ર્લેષિત પદાર્થ અને સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયાના કારણે ઉદભવતા અનંતશ્રેણીબદ્ધ પદાર્થો હોય છે. બદામી રંગનો વધુ અણુભારવાળો, જટિલ બંધારણવાળો અને ખૂબ જ ધીમેથી કોહવાય તેવો કલિલ સેન્દ્રિય પદાર્થ ‘હ્યુમસ’ તરીકે ઓળખાય છે. હ્યુમસ હ્યુમીન ફલ્વિક ઍસિડ અને હ્યુમિક ઍસિડનો બનેલો હોય છે. સેન્દ્રિય પદાર્થ છોડનાં પોષક તત્ત્વોનો ભંડાર છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોના નિયંત્રણ માટે જવાબદાર ગણાય છે.

કલિલો આયનવિનિમય શક્તિ (મી. ઈ. 1૦૦ ગ્રામ)
કેઓલિનાઇટ 3થી 15
હેલોસાઇટ 5થી 5૦
મોન્ટમોરીલોનાઇટ 8૦થી 15૦
ઇલાઇટ 1૦થી 4૦
હ્યુમસ 25૦થી 45૦

(4) જમીનનું જીવરસાયણ : જમીનના સૂક્ષ્મ જીવાણુઓમાં બૅક્ટેરિયા, ઍક્ટિનોમાઇસેટીઝ, ફૂગ, આલ્ગી અને પ્રોટોઝુઆનો સમાવેશ થાય છે. પ્રાણીઓમાં અળશિયાં, કીડી, મંકોડા, ઊધઈ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે. છોડનાં મૂળના સ્રાવથી અને જીવાણુઓ ઉત્સેચકો દ્વારા અપચયનની ક્રિયાથી રાસાયણિક ફેરફારો કરતા હોય છે. સેન્દ્રિય પદાર્થનું કોહવાણ અને હ્યુમસનું સંશ્લેષણ, કાર્બનિક નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને ગંધકનું ખનિજીકરણ, નાઇટ્રીકરણ, હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ ઉપરાંત ઘણાં રાસાયણિક રૂપાન્તરો જમીનમાંના જીવાણુઓ જ કરતા હોય છે. જંતુનાશક, ફૂગનાશક અને નીંદણનાશક રસાયણો જમીનના જીવાણુઓ ઉપર અસર કરે છે. જમીનના જીવાણુઓ આ રાસાયણિક પદાર્થોનું વિઘટન કરી ઝેરી અસર દૂર કરવાનો પ્રયત્ન કરે છે. જીવાણુઓ પ્રજીવકો, વૃદ્ધિનિયંત્રકો અને પ્રતિજીવીઓ પણ બનાવે છે, જે છોડની વૃદ્ધિ ઉપર સીધી કે આડકતરી રીતે અસર પહોંચાડે છે. માનવજીવનની પ્રવૃત્તિઓના કારણે ઘણી જાતનો નકામો કચરો તૈયાર થાય છે. તેનો નિકાલ મુખ્યત્વે જમીનમાં જ કરવામાં આવે છે. જમીનના જીવાણુઓ આ કચરાનું કોહવાણ – વિઘટન – કરે છે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

(5) અમ્લીય જમીનો : ભારે વરસાદવાળા વિસ્તારમાં અને વધુ ઊંચાઈએ ધોવાણ અને નિતારથી જમીનમાંના બેઝ ધોવાઈ જાય છે. વધુ વરસાદના કારણે વધુ વનસ્પતિ ઊગે અને જમીનમાં વધારે સેન્દ્રિય પદાર્થ ઉમેરાય. આ સેન્દ્રિય પદાર્થનું કોહવાણ થતાં કાર્બનિક અમ્લો છૂટા પડે છે. પરિણામે વધુ ને વધુ બેઝ દ્રાવ્ય થઈ દૂર થાય છે. લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ વધુ દ્રાવ્ય બને છે, જે જલીય બનતાં હાઇડ્રોજન આયનનું પ્રભુત્વ વધે છે અને જમીનનો pH 4.3થી 6.4 જેટલો થઈ જાય છે. અમ્લીય જમીનોમાં હાઇડ્રોજન, ઍલ્યુમિનિયમ અને મૅંગેનીઝ તત્ત્વો વધુ પડતાં હોવાથી છોડ ઉપર તેની ઝેરી અસર વર્તાય છે, જ્યારે કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવા બેઝની ઊણપ દેખાય છે. જમીનના જીવાણુઓ માટે પરિસ્થિતિ વિપરીત બને છે. તેથી સેન્દ્રિય પદાર્થ અને સેન્દ્રિય નાઇટ્રોજનના ખનિજીકરણની તેમજ નાઇટ્રોજનના સ્થિરીકરણની પ્રક્રિયા અવરોધાય છે. અમ્લીય જમીનોમાં ચૂનો ઉમેરી નવસાધ્ય કરી શકાય છે.

(6) ક્ષારીય જમીનો : જમીનમાં ખડકો અને ખનિજોનો અપક્ષય થતાં ક્ષારો ઉદભવે છે. સિંચાઈના પાણી મારફતે, સૂકી ઋતુમાં ખારા વિસ્તાર ઉપરથી આવતા પવનો દ્વારા, તથા દરિયાની ભરતીનાં પાણી ફરી વળવાથી જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધે છે અને મુખ્યત્વે સૂકા પ્રદેશમાં ક્ષારોનો ભરાવો થાય છે. જમીનની વિદ્યુતવાહકતા 4૦૦ મિલી મ્હોઝથી વધી જાય છે, જ્યારે pH 8.5થી ઓછો અને વિનિમય પામતા સોડિયમના ટકા 15થી ઓછા રહે છે. આવી જમીનો ક્ષારીય જમીનો તરીકે ઓળખાય છે. ક્ષારોથી જમીનના દ્રાવણનો રસાકર્ષણદાબ વધતો હોવાથી છોડ પાણી અને પોષક તત્ત્વો લઈ શકતો નથી અને ચીમળાઈ જાય છે. ઘણીવાર બોરોન જેવાં તત્ત્વો વધુ પ્રમાણમાં હોય ત્યારે તેની ઝેરી અસર પણ થાય છે અને છોડ મરી જાય છે. આવી જમીનોમાંથી સારા પાણી વડે ક્ષારો દૂર કરી પાકની ક્ષમતાની મર્યાદામાં લાવવા પડે છે. ક્ષારપ્રતિરોધક પાકો ઉગાડવાથી અને ચોક્કસ કૃષિપદ્ધતિઓ વાપરીને આવી જમીનોમાં ખેતી થઈ શકે છે.

(7) ભાસ્મિક જમીનો : જમીનમાં જ્યારે સોડિયમના ક્ષારો વધી જાય છે ત્યારે કલિલોની સપાટી ઉપર વિનિમય પામતા સોડિયમ 15 %થી વધી જાય છે. pH પણ 8.5થી ઊંચો રહે છે. જોકે ક્ષારો ઓછા હોવાથી વિદ્યુતવાહકતા 4 મિલી મ્હોઝથી નીચે રહે છે. આવી જમીન ભાસ્મિક જમીનો લૂણો, પચિયું, ઊષર તરીકે ઓળખાય છે. ઘણી વખત ક્ષારો અને સોડિયમ બંને વધી જાય છે ત્યારે જમીનો ક્ષારીય-ભાસ્મિક કહેવાય છે. ભાસ્મિક જમીનોમાં જિપ્સમ, ગંધક કે પાયરાઇટ જેવા જમીનસુધારકો ઉમેરીને પછી વધારે પાણીથી સોડિયમના ક્ષારો દૂર કરવાથી જમીન ખેતીલાયક બને છે. આવી જમીનોમાં આલ્કલિપ્રતિરોધક પાકો ઉગાડીને ખાસ કૃષિપદ્ધતિઓ દ્વારા ખેતી થઈ શકે છે. લીલો પડવાસ અને સેન્દ્રિય ખાતરો આવી જમીનો માટે આશીર્વાદરૂપ ગણાય છે.

સિંચાઈનું પાણી : અપૂરતા વરસાદવાળા વિસ્તારોમાં અને ચોમાસા સિવાયની ઋતુમાં પાક ઉગાડવા માટે કૂવા, તળાવ કે નહેરના પાણીની જરૂર પડે છે. સફળ ખેતીનો આધાર સિંચાઈના પાણીની ગુણવત્તા અને ઉપલભ્યતા ઉપર છે. પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે નીચેના ગુણોનું મૂલ્યાંકન જરૂરી છે :

(1) દ્રાવ્ય ક્ષારોનું કુલ પ્રમાણ; (2) સોડિયમનું બીજા આયનો સાથેનું પ્રમાણ; (3) બોરોન અને ઝેરી તત્ત્વોનું પ્રમાણ તથા (4) કાર્બોનેટ અને બાય-કાર્બોનેટ આયનોનું કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ સાથેનું પ્રમાણ.

ક્ષારોનું પ્રમાણ વિદ્યુતવાહકતાથી મપાય છે. સોડિયમનું બીજા આયનો સાથેનું પ્રમાણ દ્રાવ્ય-સોડિયમના ટકા અને સોડિયમ અધિશોષણ ગુણાંકથી મપાય છે, જ્યારે કાર્બોનેટ અને બાય-કાર્બોનેટની સાંદ્રતા શેષ સોડિયમ કાર્બોનેટથી માપવામાં આવે છે. આ બધાં પરિમાણ વડે જમીન અને પાકના ગુણધર્મો અને આબોહવાને અનુલક્ષીને જે તે પાણી સિંચાઈ માટે વાપરવું સલામત કે બિનસલામત છે તે નક્કી કરી શકાય છે.

જમીનની ફળદ્રૂપતા અને પાકનું પોષણ : છોડ માટેનાં જરૂરી પોષક તત્વો ખાતર રૂપે જરૂરી પ્રમાણમાં અને યોગ્ય સંતુલન પ્રમાણે પૂરાં પાડવાની જમીનની શક્તિને જમીનની ફળદ્રૂપતા કહેવાય છે. જ્યારે વધુ ઉત્પાદન માટે ફળદ્રૂપતાની સાથે જમીનના અન્ય ભૌતિક ગુણધર્મોની અનુકૂળતા પૂરી પાડવાની જમીનની શક્તિને જમીનની ઉત્પાદકતા કહે છે.

છોડના પોષણ માટે 16 તત્વો જરૂરી છે. આ પૈકી કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજન છોડ, હવા અને પાણીમાંથી મેળવે છે. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો છે, જે ખાતર દ્વારા ઉમેરવાં પડે છે. કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ગંધક ત્રણ ગૌણ તત્વો છે, જે મોટાભાગે જમીનસુધારણામાં પણ વપરાતાં હોવાથી ‘જમીનસુધારક તત્વો’ તરીકે ઓળખાય છે. બાકીનાં સાત પોષકતત્વો લોહ, તાંબું, જસત, મૅંગેનીઝ, બોરોન, મોલિબ્ડેનમ અને ક્લોરિન છોડને અલ્પ માત્રામાં જોઈતાં હોવાથી તે ‘અલ્પ પ્રમાણી તત્વો’ કે ‘સૂક્ષ્મ તત્વો’ તરીકે ઓળખાય છે.

જમીનની ફળદ્રૂપતાનું મૂલ્યાંકન : જમીન અને છોડમાં રહેલાં પોષક તત્વોનું પ્રમાણ જાણી તેને ઉત્પાદન સાથે સરખાવી, સંબંધો તારવી જમીનને ફળદ્રૂપતાનાં ધોરણો પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે અને કયું ખાતર કેટલું અને ક્યારે આપવું તે અંગેની ભલામણ કરી શકાય છે.

પોષક તત્વોની લભ્યતા : જમીનનો નાઇટ્રોજન મુખ્યત્વે સેન્દ્રિય પદાર્થમાં હોય છે. તેનું ખનિજીકરણ (એમિનીકરણ, એમોનીકરણ અને નાઇટ્રીકરણ) થતાં તે છોડ માટે લભ્ય બને છે. પાણીમાં ઊછરતી રોપાણ ડાંગર NH4+ આયનના રૂપે નાઇટ્રોજનનું શોષણ કરે છે, જ્યારે અન્ય પાકો NO3આયનના રૂપે તેનું શોષણ કરે છે. આથી હવાની અવરજવર, પાણીનો ભરાવો, જમીનનું પોત અને નિતાર, ચૂનાનું પ્રમાણ વગેરે નાઇટ્રોજનની લભ્યતા ઉપર અસર પહોંચાડે છે.

ફૉસ્ફરસ : જમીનમાં એપેટાઇટ ખનિજોમાં અને સેન્દ્રિય રૂપમાં રહેલો છે. તેમાંથી તે લભ્ય રૂપમાં ફેરવાય છે. છોડ H2PO4 અને HPO2–4  આયનના રૂપે શોષણ કરે છે. જમીનનો pH, જમીનમાં દ્રાવ્ય લોહ, મૅંગેનીઝ, ઍલ્યુમિનિયમ, કૅલ્શિયમ અને સેન્દ્રિય પદાર્થની લભ્યતાનું નિયંત્રણ કરે છે.

પોટાશ જમીનમાં માઇકા અને ફેલ્સ્પાર ખનિજોમાં મુખ્યત્વે હોય છે અને અપક્ષયથી તે લભ્ય બને છે. છોડ તેનું K+ આયનના રૂપે શોષણ કરે છે. જમીનમાં ક્લેનો પ્રકાર અને પ્રસરણ, ચૂનાનું પ્રમાણ, ભેજ અને તાપમાન તેની લભ્યતાનું નિયંત્રણ કરે છે.

સૂક્ષ્મ તત્વો મુખ્યત્વે ખનિજો અને સેન્દ્રિય પદાર્થ સાથે સંકળાયેલ હોય છે અને દરેકને (Cu++, Fe++, Mn++, MoO4=) આયનના રૂપે શોષણ કરે છે. જમીનનો pH, હવાની અવરજવર, ચૂનાનું પ્રમાણ અને સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ તેમની લભ્યતા ઉપર અસર પહોંચાડે છે. જમીનનો pH અને પોષક તત્વોની લભ્યતાનો ખ્યાલ આકૃતિ ઉપરથી આવશે.

છોડનાં પોષક તત્વોની લભ્યતા અને પી.એચ.નો સંબંધ :

ખાતરો : સેન્દ્રિય કે અસેન્દ્રિય અને કુદરતી કે સંશ્લેષિત પદાર્થ કે પદાર્થોનું મિશ્રણ પોષક તત્વો પૂરાં પાડી છોડની તંદુરસ્ત વૃદ્ધિના ઉત્તેજન માટે જમીનમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહેવામાં આવે છે. ખાતરો ઉમેરવાનાં કારણોમાં નીચેનાં મુખ્ય છે :

(1) અગાઉ ઉગાડેલા પાકો દ્વારા દૂર થયેલ તત્વોને પાછાં મેળવવા માટે; (2) જમીનમાં પોષક તત્વો પૂરાં પાડી જમીનને ફળદ્રૂપ બનાવવા માટે; (3) કોઈ ચોક્કસ પાક કે પાકશ્રેણીની પોષક જરૂરિયાત પૂરી પાડવા માટે તથા (4) કોઈ તત્વની ઊણપ દૂર કરવા માટે.

ભૂતકાળ તપાસતાં ઝેનોફોન (ઈ.પૂ. 435–355), થિયોસ્ટસ (ઈ.પૂ. 372–287), કેટો (ઈ.પૂ. 234–149) અને વર્જિલ(ઈ.પૂ. 7૦19)નાં લખાણો ઉપરથી જણાય છે કે ક્રિશ્ચિયન યુગ પહેલાં ગ્રીક અને રોમનો જમીનની ઉત્પાદકતા વધારવા માટે છાણ, સેન્દ્રિય પદાર્થો, રાખ અને સૉલ્ટપીટર જેવા ક્ષારો જમીનમાં ઉમેરતા હતા. લિબિગે (1857) બતાવ્યું કે રૉક ફૉસ્ફેટને ગંધકના તેજાબમાં દ્રાવ્ય કરી સુપર ફૉસ્ફેટ બનાવી શકાય. આ પછી સુપર ફૉસ્ફેટ બનાવવાનું શરૂ થયું. ત્યારબાદ પોલાદનાં કારખાનાંમાંથી નીકળતા કોક-ઓવન-ગૅસમાંના એમોનિયાને ગંધકના તેજાબમાં દ્રાવ્ય કરી એમોનિયમ સલ્ફેટ ખાતર બનાવવામાં આવતું. દુનિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી રાસાયણિક ખાતરોનું ઉત્પાદન અને વપરાશ વધ્યાં. આજે ઘણા પ્રકારનાં ખાતરો ઉપલબ્ધ છે, જેને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય.

વૃદ્ધિનિયંત્રકો : છોડનાં સામાન્ય વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ છોડમાં ઉત્પન્ન થતા રાસાયણિક પદાર્થો (છોડના અંત:સ્રાવ) દ્વારા થાય છે. કૃષિ અને બાગાયતમાં છોડની વ્યાપારી ધોરણે વૃદ્ધિ માટે સંશ્ર્લેષિત રાસાયણિક નિયંત્રકો મહત્વનાં બનતાં જાય છે. કેટલાંક મહત્વનાં કાર્યો માટેનાં નિયંત્રણો નીચે રજૂ કર્યાં છે :

(1) મૂળ ફૂટવા અને વિસ્તરણ માટે ઇન્ડોલ બ્યુટીરિક ઍસિડ (આઈ.બી.એ.), નેપ્થેલિન ઍસિટિક ઍસિડ (એન.એ.એ.)
(2) સ્ફુરણ અવરોધક એબ્સિસિક ઍસિડ, મેલિક હાઇડ્રેઝાઇડ (ડુંગળી, બટાકા માટે)
(3) સ્ફુરણ ઉત્તેજક અને જિબ્રાલિક ઍસિડ (સુષુપ્તિનિવારક)
(4) ફૂલ બેસવા માટે ઈથિલીન (ઇથેપોન) (ઇથ્રેલ), ઍસિટિલિન, એન.એ.એ.
(5) ફૂલ અવરોધક(શેરડી, કપાસ માટે) મેલિક હાઇડ્રેઝાઇડ
(6) ઊરવંધ્યત્વકારક (ગેમેટોસાઇડ્સ) મેલિક હાઇડ્રેઝાઇડ, ઇથેપોન (ઇથ્રેલ), જિબ્રાલિક ઍસિડ
(7) કપાસની યાંત્રિક વીણી માટે પાન ખેરવનાર ટ્રાયબ્યુટાઇલ ફૉસ્ફોરોટ્રીય થાયોએટ, સોડિયમ ક્લોરેટ + એન્ડોથાલ
(8) ફળ આછાં કરવા માટે કાર્બારિલ (સેવીન), ઇથેપોન (ઇથ્રેલ)
(9) ફળ બેસવા અને તેના વિકાસ માટે 4 ક્લોરોફિનોક્ષી ઍસિટિક ઍસિડ; 2 નેપ્થોક્સી ઍસિટિક ઍસિડ; 2, 4 ડીએન.એ.એ. આઈ.બી.એ.
(1૦) વૃદ્ધિ ઘટાડનાર ડેમિનોઝાઇડ, સાઇકોસીલ
(11) તમાકુનાં પીલાનું નિયંત્રણ કરનાર મેલિક હાઇડ્રેઝાઇડ
(12) ઘઉંની ફૂટ વધારવા ટ્રાયઆયોડોબેન્ઝોઇક ઍસિડ
(13) શેરડીની ફૂટ વધારવા ઇથેપોન (ઇથ્રેલ)
(14) ફળ પકવવા માટે ઇથેપોન (ઇથ્રેલ)

નીંદણનિયંત્રક રસાયણો : સૌપ્રથમ જેથ્રો તુલે (1731) વણજોઈતા સ્થળે ઊગેલા છોડને નીંદણ તરીકે ઓળખાવ્યાં. નીંદણનું હાથથી, ખૂરપીથી કે ખેડ-આંતરખેડથી નિયંત્રણ કરવાનું પ્રચલિત છે. સંજોગોને અનુલક્ષીને હાલ કેટલાંક રસાયણો પણ નીંદણનિયંત્રણમાં વપરાવા લાગ્યાં છે. મીઠું, રાખ અને સ્મેલ્ટ વેસ્ટ જેવા સસ્તા પદાર્થો રસ્તાની બાજુનાં નીંદણ દૂર કરવા વપરાતાં, પરંતુ 1896માં ખાસ પ્રકારનાં પસંદગીલક્ષી નીંદણનાશકોની શરૂઆત થઈ. સૌપ્રથમ મોરથૂથુનો ઉપયોગ ઘઉં, જવ અને ઓટ જેવા પાકમાં થતા પહોળા પાનનાં નીંદણનો નાશ કરવા સ્થાપિત થયો. ત્યારપછી બીજા અકાર્બનિક ક્ષારો અને ગંધકના તેજાબનો સમાવેશ થયો. ખરેખર તો બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં યુ.એસ.માં 2, 4–ડી અને એમ.સી.પી.એ.ના સંશોધન પછી પસંદગીલક્ષી નીંદણનાશક (selective herbicide) રસાયણોનો વપરાશ વધ્યો. આજે દુનિયામાં 3૦૦થી વધુ નીંદણનાશકો લગભગ 1૦૦ જેટલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે અને લગભગ બધા જ દેશોમાં તેનો ઉપયોગ થાય છે.

કીટનાશક રસાયણો : ભારતમાં પાક-ઉત્પાદનમાં 18 % જેટલો ઘટાડો જીવાતો (રોગ, કીટકો અને સંગ્રહેલા અનાજની જીવાતો) દ્વારા થાય છે. આ ઘટાડાની કિંમત રૂપિયા 6૦૦૦ કરોડ દર વર્ષે થાય છે. ચીનમાં બગીચાની જીવાતોના નિયંત્રણ માટે નવમી સદી પહેલાં આર્સેનિક સલ્ફાઇડ ઉપયોગમાં લેવામાં આવતું હતું. ઈરાની લોકો અઢારમી સદી પહેલાં પાયરેથ્રમનો કીટનાશક તરીકે ઉપયોગ કરતા હતા. જંતુનાશક રસાયણોમાં પૅરિસ ગ્રીનનો ઉપયોગ બટાટાના કોલોરાડો બીટલના નિયંત્રણમાં 1867માં થયો, જેને રસાયણોનો આધુનિક પદ્ધતિનો કીટનિયંત્રણ પ્રયોગ ગણી શકાય. બીજા વિશ્વયુદ્ધ સુધી અમેરિકા, કૅનેડા અને યુરોપીય દેશો જેવા વિકસિત દેશોમાં પણ કીટનિયંત્રણ ગંભીરતાથી લેવાતું ન હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ ડી.ડી.ટી.ની વિશાળ અસરકારકતાથી પ્રભાવિત થઈને લગભગ બધી જ જીવાતોના નિયંત્રણ માટે તે ઉપયોગમાં લેવાવા લાગ્યું. હાલ ભારતમાં 124 જેટલાં રસાયણો નોંધાયેલ છે, જે પૈકી 45 જેટલાં રસાયણોનું ઉત્પાદન ભારતમાં જ થાય છે.

કીટનાશક રસાયણોનું વર્ગીકરણ : કીટનાશક રસાયણોનું વર્ગીકરણ મુખ્ય ત્રણ રીતે કરવામાં આવ્યું છે : (ક) દાખલ થવાની પદ્ધતિ; (ખ) પ્રક્રિયાપદ્ધતિ; (ગ) રાસાયણિક ગુણધર્મો.

() દાખલ થવાની પદ્ધતિ પ્રમાણે : (1) જઠરવિષ : છોડના તમામ ભાગો ઝેરના છંટકાવથી આવરી લેવાય જેથી તે ભાગને ખાતાં થોડું પણ ઝેર જીવાતના પેટમાં જાય. દા.ત., પૅરિસ ગ્રીન, કૅલ્શિયમ આર્સેનેટ, લેડ આર્સેનેટ, ઝિંક ફૉસ્ફાઇડ, રોડા ફેરિન વગેરે.

(2) ધૂમકર-વિષ (fumigant) : રસાયણોનો છંટકાવ કરતાં તેમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે, જે આજુબાજુના વાતાવરણમાં પ્રસરી જઈને તેમાં રહેલી જીવાતોનો નાશ કરે છે. દા.ત., કાર્બન ડાયસલ્ફાઇડ, ઇ.ડી.સી.ટી. મિશ્રણ, મિથાઇલ બ્રોમાઇડ, નૅફથેલિન વગેરે.

(3) સ્પર્શજ વિષ : અકાર્બનિક પદાર્થો જેમ કે ગંધક, ગંધક-ચૂનો વગેરે.

કાર્બનિક પદાર્થો  આ પ્રકારનું ઝેર વનસ્પતિજન્ય અને સંશ્લેષિત એમ બે પ્રકારનું છે.

() પ્રક્રિયાપદ્ધતિ પ્રમાણે : (1) ભૌતિક વિષ : જીવાતની દેહધાર્મિક ક્રિયા ઉપર ભૌતિક અસરથી જીવાતોનો નાશ કરે છે. દા.ત., હેવી ઑઇલ, ટાર ઑઇલ વગેરે.

(2) કોષરસ વિષ : કોષના પ્રોટીનને અવક્ષેપિત કરી કીટકને મારી નાખે. દા.ત., પારો, તાંબું, ફૉર્માલ્ડિહાઇડ, ક્લોરિન અને આર્સેનિક સંયોજનો.

(3) શ્વસન વિષ : આ પ્રકારના ઝેર કોષીય શ્વસન બંધ કરી કીટકને મારી નાખે છે. દા.ત., ધૂમ્રકર પદાર્થો જેવા કે હાઇડ્રોજન સાઇનાઇડ, કાર્બન મૉનોક્સાઇડ.

(4) ચેતાતંતુ વિષ : પેશીઓના લીમોઇડમાં દ્રાવ્ય થઈ એસિટાઇલ કોલિન એસ્ટેરેઝની પ્રક્રિયા બંધ કરી કીટકો અને ગરમ લોહીવાળાં પ્રાણીઓને મારી નાખે છે. દા.ત., ઓર્ગેનોફૉસ્ફેટિક, કાર્બોનેટ, ઓર્ગેનોક્લોરિન, લિન્ડેન, પેરાડાયક્લોરોબેન્ઝીન, પાયરેથ્રમ અને નિકોટિન.

(5) સામાન્ય : આ વર્ગનાં વિષ ચેતાતંત્રને શિથિલ કરે છે. દા.ત., ક્લૉરડેન, ટોક્ષાફેન, એન્ડ્રીન અને ડિલ્ડ્રિન, ઉપરાંત બીજાં વિષ કીટકને તાત્કાલિક બેભાન બનાવે છે. (દા.ત., થેનાઇટ) અને માંસપેશીઓને નિષ્ક્રિય બનાવે છે. (દા.ત., રોટેનોન અને ફીનોથાયેઝિન)

() રાસાયણિક ગુણધર્મો પ્રમાણે : (1) અકાર્બનિક સંયોજનો : દા.ત., આર્સેનિક સંયોજનો, ક્લોરિન સંયોજનો, ગંધક અને ગંધક-ચૂનો, બેરિયમ, કાર્બોનેટ અને થેલિયમ સલ્ફેટ

(2) કાર્બનિક સંયોજનો :

(ક) હાઇડ્રોકાર્બન તેલ  દા.ત., પેટ્રોલિયમ તેલ, ડામરનું તેલ

(ખ) પ્રાણીજન્ય  દા.ત., નેરીટોક્ષિન

(ગ) વનસ્પતિજન્ય  દા.ત., નિકોટિનોઇડ્સ, પાયરેથ્રોઇડ્સ, રોટેનોઇડ્સ, બાષ્પશીલ તેલો, સાબાડોલ, હેલીવોર વગેરે.

(3) સંશ્લેષિત કાર્બનિક સંયોજનો : આ પ્રકારનાં કીટનાશી સંયોજનો જુદા જુદા સમૂહનાં હોઈ સમૂહવાર નીચે મુજબ આપી શકાય :

(i) થાયોસાઇનેટ  દા.ત., લિથેઇન, થેનાઇટ

(ii) નાઇટ્રોફિનોલ  દા.ત., ડાઇનાઇટ્રોફિનૉલ્સ, ડાય-નાઇટ્રોક્રેસોલ

(iii) કાર્બામેટ  દા.ત., કાર્બારિલ, પ્રોપાકઝર (આર્પોકાર્બ) કાર્બોફ્યુરાન વગેરે.

(iv) ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન્સ  દા.ત., ડી.ડી.ટી., બી.એચ.સી., લિન્ડેન, ટોક્ષાફિન, એન્ડ્રિન, ડિલ્ડ્રિન, આલ્ડ્રિન, આઇસોડ્રિન, ક્લોરડેન, હેપ્ટાક્લોર, આઇસોબેન્ઝીન વગેરે.

(v) કાર્બનિક ફૉસ્ફેટ  દા.ત., પેરાથિયોન, મિથાઇલ પેરાથિયોન, ડાયાઝિનોન, મેલાથાયોન, ડાયમિથોએટ, ફૉસ્ફામિડોન, ફોરેર, થાયોમેટોન, મોનોક્રોટો ફૉસ, મિથાઇલ ડેમેટોન, ક્વિનાલ ફૉસ વગેરે.

રોગનાશક રસાયણો : છોડમાં ફૂગ, બૅક્ટેરિયા, નેમેટોડ અને વાઇરસથી રોગો થતા હોય છે. આ બધાથી થતા રોગોના નિવારણ માટે કેટલાંક રસાયણોનો ઉપયોગ થાય છે.

ફૂગનાશક રસાયણો : ફૂગનાશક રસાયણોનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે છે : (1) રાસાયણિક ગુણધર્મો પ્રમાણે;  (2) ફૂગ સાથેની પ્રક્રિયા પ્રમાણે અને (3) સામાન્ય ઉપયોગ પ્રમાણે.

1. રાસાયણિક ગુણધર્મો પ્રમાણે વર્ગીકરણ : (જુઓ નીચેનું કોષ્ટક : ફૂગનાશકો)

2. ફૂગ સાથેની પ્રક્રિયા પ્રમાણે વર્ગીકરણ :

(i) રોગસંરક્ષક – દા.ત., ઝાયનેબ, ગંધક

(ii) રોગનિવારક – દા.ત., ઓરોફન્જિન, ઓક્ઝાથીન ડેરિવેટિવ, ક્વિનોલિન

(iii) રોગનાશક – સિસ્ટેમિક – દા.ત., ઓક્ઝાલિન ડેરિવેટિવ નૉનસિસ્ટેમિક

(3) સામાન્ય ઉપયોગ પ્રમાણે વર્ગીકરણ :

(i) બીજસંરક્ષક – દા.ત., કેપ્ટાન, થાયરમ

(ii) જમીન-ફૂગનાશક – દા.ત., ક્લૉરોપિકિન, ફૉર્માલ્ડિહાઇડ, વેપામ (પાક પહેલાં)

(iii) જમીન-ફૂગનાશક – દા.ત., કેપ્ટાન, થાયરમ, પીસીએનબી (ચાલુ પાકો)

(iv) પાન અને ફૂલસંરક્ષક – દા.ત., કેપ્ટાન, ફેરબામ, ઝાયનેબ

(v) ફળસંરક્ષક – દા.ત., કેપ્ટાન, ઝાયનેબ

(vi) રોગનિવારક – દા.ત., કાર્બનિક પારાજન્ય રસાયણો  લાઇમ સલ્ફર

(vii) ઝાડના ઘાનું ડ્રેસિંગ માટેનું ફૂગનાશક – દા.ત., બોર્ડોપેસ્ટ, સંતાર–એ

(viii) ઍન્ટિબાયોટિક્સ – દા.ત., એક્ટિડિયસ

(ix) સર્વસામાન્ય સ્પ્રે અને ડસ્ટ બનાવવા – દા.ત., એસોમલ્ટીસાઇડ, સેન્ડોટોકા

(x) બૅક્ટેરિસાઇડ : બૅક્ટેરિયાજન્ય રોગના નાશ માટેનાં રસાયણો  ટેટ્રાસાઇક્લીન અને બીજાં ઍન્ટિબાયોટિક્સ

(xi) ઉંદરનાશક રસાયણો  (અ) કુમા ફુરાલ, (આ) વાર્ફારિન, (ઇ) ઝિંક ફૉસ્ફાઇટ

(xii) મૉલ્યુસિસાઇડ : ગોકળગાયનાશક રસાયણો – મેટાલ્ડીહાઇડ

(xiii) નિમેટોસાઇડ રસાયણો – મેથામ-એન-સોડિયમ પાક-સંવર્ધનમાં વપરાતાં રસાયણ – કૉલ્ચિસિન

મંગુભાઈ રા. પટેલ

કૃષિહવામાનશાસ્ત્ર

કૃષિ-હવામાનશાસ્ત્રની કૃષિને અનુલક્ષીને હવામાનનાં પરિબળોનો અભ્યાસ કરતી વિદ્યાશાખા. મૂળભૂત ઐતિહાસિક સંશોધનના તબક્કા સંક્ષિપ્તમાં નીચે મુજબ છે :

કાચના થર્મોમીટરના રોમર માપદંડના શોધક રેને રોમરે 1735માં દુનિયા સમક્ષ જાહેર કર્યું કે છોડની વૃદ્ધિના એક ચોક્કસ તબક્કાથી બીજા ચોક્કસ તબક્કાના દૈનિક સરેરાશ તાપમાનનો સરવાળો લગભગ નિશ્ચિત હોય છે. ત્યારબાદ દુનિયાના ઘણા બધા દેશોમાં પાક-તાપમાનના આંતરસંબંધનો વિધિસર અભ્યાસ શરૂ થયો. 193૦ પછી ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં હવામાનવિજ્ઞાન કાર્યાલયના એક સ્વતંત્ર વિભાગ તરીકે કૃષિ-હવામાનશાસ્ત્રના સુઆયોજિત અભ્યાસનાં પગરણ મંડાયાં. ખાસ કરીને વૈજ્ઞાનિકોએ આબોહવા, વાતાવરણનાં પરિબળો અને ક્ષેત્રપાક વચ્ચેના આંતર સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી સંશોધન આગળ ધપાવ્યું. બ્રિટનના જાણીતા વૈજ્ઞાનિક એચ. એલ. પેનમેન અને અમેરિકન વૈજ્ઞાનિક સી. ડબ્લ્યૂ. થોર્નટ્વેઇટે 1948માં વનસ્પતિના બાષ્પીભવન અને ઉત્સંવેદન અંગેનું પાયાનું સંશોધન દુનિયા સમક્ષ મૂક્યું અને ત્યારબાદ આ દિશામાં હવામાનશાસ્ત્રનો કૃષિક્ષેત્રે વ્યાપ એકદમ વધવા માંડ્યો.

પૃથ્વીની આસપાસનું વાતાવરણ : પૃથ્વીના ગોળાની આસપાસ લગભગ 35૦ કિલોમીટર સુધી વીંટળાયેલું જોવા મળે છે. આ વાતાવરણને તેના સંબંધિત થરના સરેરાશ તાપમાનને આધારે નીચે પ્રમાણે ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે :

(1) અધોમંડળ (troposphere) : પૃથ્વીની સપાટીથી લગભગ 18 કિલોમીટર સુધી અધોમંડળ ફેલાયેલું છે. જીવસૃષ્ટિ માટે આ અધોમંડળ ઘણું જ અગત્યનું છે. હવામાનમાં થતા ફેરફારો અને વાદળો આ વિભાગમાં જોવા મળે છે.

(2) ઊર્ધ્વમંડળ (stratosphere) : અધોમંડળ પૂરું થતાં ઊર્ધ્વમંડળ શરૂ થાય છે. પૃથ્વીથી લગભગ 1૦૦ કિલોમીટર સુધી એ ફેલાયેલ છે.

(3) અયનમંડળ (ionosphere) : આ વિભાગ પૃથ્વીથી લગભગ 1૦૦ કિલોમીટરથી 7૦૦–8૦૦ કિલોમીટર સુધી ફેલાયેલ છે.

હવામાન : કોઈ ચોક્કસ સ્થળના મર્યાદિત વિસ્તારમાં થોડા કલાકોથી માંડીને દરરોજનું પ્રવર્તમાન તાપમાન, ભેજ, વાતાવરણનું દબાણ અને પવન સંબંધિત વાતાવરણમાં પરિબળોની પરિસ્થિતિને હવામાન તરીકે ઓળખવામાં આવે છે.

વાતાવરણનું બંધારણ અને તેના ઘટકો :

વાતાવરણ એ જુદાં જુદાં દ્રવ્યોનું મિશ્રણ છે. તેમાં નીચે મુજબના મુખ્ય ઘટકો આવેલ છે :

સારણી 1

મુખ્ય ઘટકો માત્રા (ટકામાં)
i.  નાઇટ્રોજન 78.૦૦૦
ii. પ્રાણવાયુ 2૦.496
iii. કાર્બન ડાયૉક્સાઇડ ૦.૦33 (સરેરાશ)
iv. ઓઝોન ૦.૦2૦ – ૦.૦4૦
v. ભેજ ફેરફાર પામતું પ્રમાણ
vi. ખનિજ-ધૂળ ફેરફાર પામતું પ્રમાણ
vii. કાર્બનિક ધૂળ ફેરફાર પામતું પ્રમાણ

આ ઉપરાંત હાઇડ્રોજન, ક્રિપ્ટોન, નિયોન, હીલિયમ વગેરે વાયુઓ પણ અલ્પ માત્રામાં આવેલા છે. આ ઘટકોના અસ્તિત્વને કારણે વાતાવરણમાં ભૌતિક પ્રક્રિયાઓ સર્જાય છે અને હવામાન ઉદભવે છે.

વાતાવરણના વિવિધ ઘટકોનો કૃષિવિષયક વાતાવરણીય પ્રક્રિયા-ઓમાં ફાળો : નાઇટ્રોજન : નાઇટ્રોજન પ્રાણવાયુના જલદપણાને મંદ કરે છે. આ વાયુ કેટલાક જીવાણુઓની મદદથી વનસ્પતિ દ્વારા જમીનને ઉપલબ્ધ બને છે અને જમીનની ફળદ્રૂપતા વધારે છે. ઉપરાંત હવામાંનો આ વાયુ વરસાદ દ્વારા પણ અલ્પ માત્રામાં જમીનને ઉપલબ્ધ બને છે.

પ્રાણવાયુ : પૃથ્વી પરના પ્રવર્તમાન હવામાનના સર્જનમાં પ્રાણવાયુ આડકતરી રીતે ભાગ લે છે. તે ઉપરના વાતાવરણના થરમાંથી સૂર્યનાં કિરણોમાંથી કેટલીક શક્તિ ગ્રહણ કરી ઓઝોન વાયુ પેદા કરે છે. આ ઓઝોન સૂર્યપ્રકાશમાંના જીવસૃષ્ટિને નુકસાનકારક એવાં પારજાંબલી (ultraviolet) કિરણોને શોષી લે છે. પ્રાણવાયુ જીવન ટકાવી રાખવા માટે અત્યંત ઉપયોગી છે.

કાર્બન ડાયૉક્સાઇડ : સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ વાયુ વનસ્પતિમાં ખોરાકનું સર્જન કરે છે અને પ્રાણવાયુ તથા પાણી (ભેજ) છૂટાં પાડીને વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ તથા પ્રાણવાયુની માત્રાના સમતોલનમાં ભાગ ભજવે છે; ઉપરાંત પૃથ્વીની સપાટી પરથી ઉત્સર્જિત લાંબી તરંગલંબાઈવાળી વિકિરણશક્તિ ગ્રહણ કરી તે શક્તિને પૃથ્વી તરફ પાછી વાળે છે, આ રીતે વાતાવરણમાં તાપમાનનું નિયમન કરે છે.

ભેજ : ભેજ વાતાવરણમાં થતાં બાષ્પીભવન, ઠારણ અને વરસાદની પ્રક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. સૂકી હવામાં ભેજના ભળવાથી વાતાવરણમાં ઊંચાઈની સાથે તાપમાનના તફાવત દરમાં ફેરફાર થાય છે અને આને લીધે વાતાવરણની સ્થિરતાની દશા બદલાય છે. આ કારણે નીચેના થરમાં કેટલીક અગત્યની પ્રક્રિયાઓનું સર્જન થાય છે.

ખનિજ ધૂળ : આમાં માટીના બારીક રજકણો, મીઠાના બારીક રજકણો અને ઔદ્યોગિક એકમોના ધુમાડાનાં ખનિજ તત્ત્વોનો સમાવેશ થાય છે.

કાર્બનિક ધૂળ : આમાં સ્ત્રીકેસર અને પુંકેસરના કણો, સૂક્ષ્મ જીવાણુઓ, વિષાણુઓ અને ધુમાડાના કાર્બનિક કણોનો સમાવેશ થાય છે.

ઉપર જણાવેલ ધૂળનાં રજકણો વાતાવરણની ર્દશ્યક્ષમતા પર અસર કરે છે. ધૂળ એ વાતાવરણમાં ભેજના પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા માટે જે આધાર-સપાટી જોઈએ તે પૂરી પાડે છે. ધૂળ અને ભેજના સંયુક્ત અસ્તિત્વને કારણે વાતાવરણમાં ધુમ્મસ, હિમ, વરસાદ, ઝાકળ કે કરા જેવી પ્રક્રિયાઓ થાય છે.

સૌર વિકિરણશક્તિ : વાતાવરણનાં બધાં પરિબળોમાં સૌર વિકિરણશક્તિ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ઘણું જ અગત્યનું પરિબળ છે. સૂર્યનું સરેરાશ તાપમાન 6૦૦૦o સે. અને વ્યાસ 13,92,394 કિલોમીટર છે, જેમાંથી આપણને વિકિરણશક્તિ અથવા વિદ્યુત-ચુંબકીય વિકિરણો અવિરતપણે મળ્યા કરે છે. આ વિકિરણોનું પ્રસારણ તરંગોમાં થાય છે. આ બધા તરંગોના સમૂહને સામૂહિક રીતે તરંગપટ કહેવામાં આવે છે. તરંગલંબાઈની લઘુતમ અને ગુરુતમ લંબાઈને અધીન રહીને તેનું વિવિધ ખંડોમાં વિભાજન કરવામાં આવેલ છે. આ પ્રત્યેક ખંડની ખાસિયતો અને અસરો વિવિધ પ્રકારની જોવા મળે છે.

સારણી 2

અ. નં. ખંડ તરંગલંબાઈની મર્યાદા(માઇક્રોનમાં) મળતી સૌરશક્તિ (ટકામાં)
 1. ગૅમા અને એક્સ કિરણો ૦.૦૦૦5–૦.2૦ 9
 2. પારજાંબલી કિરણો ૦.2–૦.4 9
3. દ્રશ્યમર્યાદ(visible) કિરણો ૦.4–૦.7 41
4. પારરક્ત (ઉષ્મા) વિકિરણો ૦.7–α 5૦

પૃથ્વીને પણ પોતાનું તાપમાન હોવાથી તે ગુરુતમ તરંગલંબાઈવાળાં વિકિરણોનું 4.૦ માઇક્રોનથી 12૦.૦ માઇક્રોન મર્યાદામાં ઉત્સર્જન કરે છે.

પૃથ્વી, સૂર્ય અને વાતાવરણની વિકિરણશક્તિનું વિભાજન : પૃથ્વીને સૂર્ય દ્વારા વાર્ષિક સરેરાશ 124 કિલોલાન્ગલી વિકિરણશક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે પૃથ્વી તેનું 52 કિલોલાન્ગલી ગુરુતમ તરંગલંબાઈમાં વાતાવરણમાં ઉત્સર્જન કરે છે. આમ, પૃથ્વીને 72 કિલોલાન્ગલી ચોખ્ખી વિકિરણશક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે વાતાવરણને 72 કિલો લાન્ગલી વિકિરણશક્તિ પ્રાપ્ત થાય છે. આમ પૃથ્વી ઉપર વિકિરણશક્તિની સમતુલા સધાય છે. આ સમતુલાના સમાધાન માટે પૃથ્વી ઉપરથી વાતાવરણમાં અને વાતાવરણ પરથી પૃથ્વી ઉપર વિકિરણશક્તિની અદલાબદલી થાય છે.

વનસ્પતિસૃષ્ટિ અને સૌર વિકિરણશક્તિ : પ્રાપ્ય સૌર વિકિરણશક્તિમાં પારરક્ત વિકિરણોનો મોટો હિસ્સો હોય છે. પરંતુ વનસ્પતિને તેની સીધી ઉપયોગિતા નહિવત્ છે અને તે વનસ્પતિને ફક્ત ગરમી પૂરી પાડવાનું કામ કરે છે.

વનસ્પતિસૃષ્ટિને ઉપયોગી વિવિધ તરંગપટ : વનસ્પતિને તેની સામાન્ય વૃદ્ધિ માટે ર્દશ્યમર્યાદા તરંગપટનાં વિવિધ વિકિરણોની ખાસ જરૂર પડે છે.

આકૃતિ

વનસ્પતિમાં થતી અગત્યની દેહધર્મક્રિયાઓ જેવી કે, પ્રકાશસંશ્લેષણ, પ્રકાશઅવધિઅસર – ર્દશ્યમર્યાદા તરંગપટનાં વિવિધ વિકિરણો ઉપર આધાર રાખે છે. તેથી જ સૌર વિકિરણશક્તિનો આ ર્દશ્યમર્યાદ વિભાગ વનસ્પતિસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનો છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. ર્દશ્યમર્યાદા તરંગપટના રાતા અને થોડા પ્રમાણમાં ભૂરા અને જાંબલી રંગનાં કિરણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે અગત્યનાં છે. લીલા રંગનું આ ક્રિયામાં ખાસ કોઈ મહત્વ નથી. જુદી જુદી તરંગલંબાઈવાળાં વિકિરણોની ગુણવત્તા છોડનાં ફૂલ આવવાનાં, બીજના સ્ફુરણનાં અને પાકની ઊંચાઈ વધવાનાં પરિબળોમાં અગત્યનો ભાગ ભજવે છે. પાકના બીજને રાતાં વિકિરણોની અસર આપવામાં આવે તો સ્ફુરણશક્તિ વધે છે, જ્યારે પારરક્ત વિકિરણો સ્ફુરણશક્તિની પ્રક્રિયાને મંદ કરે છે. થડની લંબાઈ માટે દૂરના પારરક્ત વિકિરણો ઉપયોગી છે, જ્યારે રાતાં વિકિરણો તેના માટે અવરોધરૂપ છે.

તરંગપટના ભૂરા વિકિરણની તરંગલંબાઈ પ્રકાશ આકર્ષણની પ્રક્રિયાને વધુ અસર કરે છે, જ્યારે આ પ્રક્રિયા રાતા અને પારજાંબલી પ્રકારની તરંગલંબાઈમાં મંદ જણાઈ છે.

વિભાગ નંબર કૃષિ-આબોહવાનો વિભાગ વાર્ષિક સરેરાશ વરસાદ (મિમી.) ઉગાડવામાં આવતા પાક
1. દક્ષિણ ગુજરાત (ભારે વરસાદવાળો વિસ્તાર) 15૦૦થી વધારે ડાંગર, જુવાર અને બાગાયતી પાકો
2. દક્ષિણ ગુજરાત 1૦૦૦થી 15૦૦ કપાસ, ડાંગર, જુવાર, તુવેર અને શેરડી, બાગાયતી પાકો
3. મધ્ય ગુજરાત 8૦૦થી 1૦૦૦ તમાકુ, બાજરી, મકાઈ, કપાસ અને ડાંગર
4. ઉત્તર ગુજરાત 665થી 875 બાજરી, કપાસ, ઘઉં, કઠોળ, દિવેલા, રાઈ, જીરું અને ઈસબગુલ
5. ઉત્તર-પશ્ચિમ વિભાગ 2૦૦થી 5૦૦ બાજરી, જુવાર, કપાસ, ગુવાર, મગ, મઠ અને નાળિયેરી, ખજૂર (Dates)
6 ઉત્તર સૌરાષ્ટ્ર 4૦૦થી 7૦૦ મગફળી, બાજરી, જુવાર અને કપાસ
7

 

દક્ષિણ સૌરાષ્ટ્ર 625થી 1૦૦૦ મગફળી, કપાસ, જુવાર અને નાળિયેર
8. દરિયાકિનારાનો ભાલ વિસ્તારવાળો વિભાગ 625થી 1૦૦૦ બિનપિયત ઘઉં, કપાસ, જુવાર અને ચણા

વનસ્પતિને પારજાંબલી વિકિરણો તેની ઓછી માત્રાને લીધે ઓછાં મળે છે અને વનસ્પતિ ઉપર તેની અસર પણ નહિવત્ છે. પ્રયોગોથી સાબિત થયું છે કે આ કિરણો બીજની સ્ફુરણશક્તિ અને ગુણવત્તા વધારે છે. નજીકનાં પારરક્ત વિકિરણોનું પાનમાં શોષણ ખૂબ જ ઓછું થાય છે અને તેથી વનસ્પતિ આ કિરણોની ખૂબ ઉષ્માશક્તિની અસરથી બચી જાય છે જ્યારે દૂરનાં પારરક્ત વિકિરણો છોડમાં શોષાય છે; જોકે તેનું પ્રમાણ નહિવત્ છે.

જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણોની વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ પરની અસરને ધ્યાનમાં લઈને ડચ કમિટીએ સૌરવિકિરણ તરંગપટને નીચેના 8 ખંડમાં વહેંચેલ છે :

ખંડ 1 : 1.૦૦૦ માઇક્રોનથી વધારે તરંગલંબાઈવાળાં કિરણો.

ફક્ત વનસ્પતિનું તાપમાન વધારવામાં જ સહાયભૂત છે.

ખંડ 2 : 1.૦૦૦થી ૦.7૦૦ માઇક્રોન તરંગલંબાઈ આ છોડના કદની વૃદ્ધિ માટે જવાબદાર ગણાય છે.

ખંડ 3 : ૦.7૦૦થી ૦.61૦ માઇક્રોન તરંગલંબાઈ – આ કિરણોનું મહત્તમ શોષણ વનસ્પતિના નીલકણોમાં થાય છે અને મહત્તમ પ્રકાશસંશ્લેષણની ક્રિયા રાતા વિકિરણ તરંગપટમાં થાય છે.

ખંડ 4 : ૦.61૦થી ૦.51૦ માઇક્રોન તરંગલંબાઈ. મંદ પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા લીલા વિકિરણ તરંગપટ વિભાગમાં જોવા મળે છે.

ખંડ 5 : ૦.51૦થી ૦.4૦૦ માઇક્રોન તરંગલંબાઈ. આ કિરણોનું મહત્તમ શોષણ ભૂરાજાંબલી તરંગપટમાં નીલકણો દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે થાય છે.

ખંડ 6 : ૦.4૦૦થી ૦.315 માઇક્રોન તરંગલંબાઈ. ફક્ત પરાવર્તિત પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળે છે.

ખંડ 7 : ૦.315થી ૦.25૦ માઇક્રોન તરંગલંબાઈ. આ વિભાગથી વનસ્પતિને જંતુમુક્ત કરવાની અસર થતી જોવા મળેલ છે.

ખંડ 8 : ૦.25૦ માઇક્રોનથી ઓછી તરંગલંબાઈ. પૃથ્વી પર આ પ્રકારનાં કિરણો પહોંચતાં નથી; જોકે તેની અસર વનસ્પતિને જંતુમુક્ત કરવા જેવી જોવા મળેલ છે. આ વિકિરણો આંખ માટે નુકસાનકારક છે.

ગુજરાતની ઋતુઓ : પૃથ્વીની પોતાની ધરી ઉપરની પરિભ્રમણની દૈનિક ગતિને લીધે પૃથ્વી પરનાં વિવિધ સ્થળો ઉપર દિવસ-રાતના સમયગાળાની વધઘટ અનુભવાય છે, જ્યારે પૃથ્વીની આસપાસ સૂર્યની પરિવર્તનની વાર્ષિક ગતિને લીધે ઋતુઓ જોવા મળે છે.

ગુજરાતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ચાર ચાર માસની ત્રણ ઋતુઓ જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં જણાવેલ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એ છ ઋતુઓ ગણતાં પ્રત્યેક ઋતુ બબ્બે માસની ગણાય. અંગ્રેજી મહિનાના ક્રમમાં વસંત (માર્ચ–એપ્રિલ), ગ્રીષ્મ (મે–જૂન), વર્ષા (જુલાઈ–ઑગસ્ટ), શરદ (સપ્ટેમ્બર–ઑક્ટોબર), હેમંત (નવેમ્બર–ડિસેમ્બર) અને શિશિર (જાન્યુઆરી–ફેબ્રુઆરી) આમ એક પછી બીજી ઋતુ ક્રમવાર આવે છે.

ગુજરાતનો વરસાદ : ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ કિનારે 2૦.1oથી 24.7o ઉ. અ. અને 74.4o પૂ. રે. વચ્ચે આવેલું છે. જૂન મહિનામાં સૂર્ય કર્કવૃત્ત પાસે આવતાં મધ્યભારતમાં આવેલા રાજસ્થાન રાજ્યની જમીન ગરમીના કારણે સખત તપે છે અને આ તપેલી જમીન તેની આસપાસની હવાને ગરમ કરે છે. આ ગરમ હવા હલકી થતાં ઊંચે ચઢે છે. આ વખતે નૈર્ઋત્યમાં આવેલા અરબી સમુદ્ર પરથી ઠંડી અને ભેજવાળી હવા ભારતના પશ્ચિમ કિનારા તરફ વહેવા માંડે છે. આ હવાને નૈર્ઋત્યના મોસમી પવનો પણ કહે છે. આ વરસાદ આપતા પવનો રાજ્યની આબોહવાનું એક અગત્યનું અંગ છે. આ અરબી સમુદ્રમાંથી ઉદભવતું ચોમાસું જૂનના આરંભમાં મલબાર કાંઠે આવે છે અને અઠવાડિયા પછી મુંબઈ કાંઠે પહોંચી જાય છે. ત્યારબાદ લગભગ 15 જૂનની આસપાસ ગુજરાતમાં દાખલ થાય છે. રાજ્યના દક્ષિણ ભાગમાં વધુ વરસાદ જોવા મળે છે. જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. કોઈક વખત બંગાળના ઉપસાગરમાં ઉદભવતા હવાના ઓછા દબાણનાં તોફાનો પણ વરસાદ લાવે છે. ગુજરાતનું ચોમાસું 3થી 4 મહિનાના સમયગાળાનું જોવા મળે છે. ચોમાસાની શરૂઆત અને તેના સમયગાળાની બાબતમાં રાજ્યમાં એકસૂત્રતા જોવા મળતી નથી. દક્ષિણ ગુજરાતમાં જૂનના મધ્યભાગમાં ચોમાસું શરૂ થઈ જાય છે અને ઑક્ટોબરના અંત સુધી વિસ્તરેલું રહે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં તે થોડું મોડું શરૂ થાય છે અને સપ્ટેબરના મધ્યભાગમાં વિદાય લે છે. રાજ્યમાં વરસાદના સરેરાશ 43 દિવસોમાં વહેંચાયેલ 97૦ મિમી. સરેરાશ વરસાદ પડે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 23 દિવસોમાં 48૦ મિમી. સરેરાશ વરસાદ જોવા મળે છે.

વાર્ષિક સરેરાશ વરસાદના આધારે ગુજરાતને નીચે મુજબ કૃષિઆબોહવાના 8 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે : (જુઓ સારણી).

પાક અને હવામાનનો સંબંધ : પાકના બીજસ્ફુરણથી માંડીને ફૂલ, ફળ ધારણ કરવા સુધીના પરિપક્વ થવા સુધીના સમયગાળાને ચોક્કસ પ્રકારનું હવામાન જોઈએ છે. હવામાનની આ અનુકૂળતા મુજબ ઉગાડવામાં આવતા પાકોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે : (1) ગરમ અને ભેજવાળા હવામાનમાં થતા પાકો અને (2) ઠંડા અને સૂકા હવામાનમાં થતા પાકો.

ગરમ અને ભેજવાળું હવામાન માફક હોય તેવા પાકો ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને તેમને ખરીફ પાક કહેવામાં આવે છે. જોકે આમાંના કેટલાક પાક સિંચાઈથી ઉનાળામાં પણ ઉગાડી શકાય છે. ખરીફ પાકોમાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, ડાંગર, મગફળી, તલ, મગ, મઠ, અડદ, તુવેર અને શેરડી વગેરેનો સમાવેશ થાય છે. ગુવાર, ભીંડા, ચોળા, દૂધી, તૂરિયાં અને ગલકાં વગેરે ગરમ અને ભેજવાળા હવામાનમાં થતાં શાકભાજી છે.

ઠંડું અને સૂકું હવામાન માફક હોય તેવા પાકો શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને તેમને રવી પાક કહેવામાં આવે છે. આમાં ઘઉં, ચણા, વટાણા, ગાજર, બટાટા અને ડુંગળી વગેરેનો સમાવેશ થાય છે. પાકને જરૂરી હવામાનમાં ફેરફાર ઉદભવે તો તેની પાક-ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ખૂબ નીચા અને અતિ ઊંચા તાપમાનની ક્ષેત્રીય અને શાકભાજીના પાકો ઉપર વિપરીત અસર થાય છે. ઘણી વખત શિયાળામાં અતિ નીચા તાપમાનને કારણે પડતા હિમથી કપાસ, રીંગણી અને મરચી વગેરેને ભારે નુકસાન પહોંચે છે તેમજ અતિ ઊંચા તાપમાનને કારણે આંબા, કેળ, ચીકુ અને પપૈયાં વગેરે ફળપાકોને પણ અસર પહોંચે છે.

રોગ, જીવાત અને હવામાનનો સંબંધ : જેમ પાકને તેની મહત્તમ વૃદ્ધિ માટે ચોક્કસ પ્રકારનું હવામાન જરૂરી છે તેમ જ ક્ષેત્રપાકોના દુશ્મન એવા રોગ અને જીવાતને પણ તેમની વૃદ્ધિ અને ફેલાવા માટે ખાસ પ્રકારના હવામાનની જરૂર રહે છે. જીવાતનાં ઈંડાંના સેવન માટે, ઇયળ કે ડિમ્ભની વૃદ્ધિ માટે અને પ્રજનન માટે ખાસ પ્રકારના હવામાનની આવશ્યકતા હોય છે. મોટાભાગના કીટકો જેવા કે તીડ, ખપૈડી, કાંસિયાં, ચાંચવા, ઇયળો, પાનકોરિયાં, મોલો, મશી અને તડતડિયાં વગેરેને ગરમ અને ભેજવાળું હવામાન વધુ માફક આવે છે. આવા હવામાનથી પાકને આડકતરો ગેરલાભ થાય છે, જ્યારે અવારનવાર પડતાં વરસાદનાં ભારે ઝાપટાં અને ખુલ્લો સૂર્યપ્રકાશ જીવાતની વૃદ્ધિ માટે અનુકૂળ નથી.

ક્ષેત્રપાકો અને બાગાયતી પાકોમાં વિવિધ પ્રકારના રોગો વાયરસ, જીવાણુ, ફૂગ અને કૃમિથી થતા જોવા મળે છે. આ વિવિધ રોગકારકોની વૃદ્ધિ અને તેમના ફેલાવા માટેની અનુકૂળતા, સામાન્ય રીતે લાંબા સમય સુધીના સતત વરસાદમાં અને ભેજવાળા હવામાનમાં ઉપલબ્ધ થાય છે. બાજરીનો અરગટ, કુતુલ અને ઘઉંનો ગેરુ રોગ વરસાદ અને ભેજવાળા હવામાનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. સતત વાદળાં અને ભેજવાળા હવામાનને કારણે મશી નામની ઝીણી જીવાતની વૃદ્ધિ થવા પામે છે અને તેના દ્વારા રીંગણી, મરચી અને ટામેટી વગેરે શાકભાજીના પાકોમાં વાયરસના રોગનો ઉપદ્રવ જોવા મળે છે.

ગુજરાતના કેટલાક પાકો અને હવામાન : (1) ડાંગર : ગરમ અને ભેજવાળા હવામાનમાં થતો આ અગત્યનો ધાન્યપાક છે. પાકના બીજના સ્ફુરણ માટે ઓછામાં ઓછું 1૦o સે. તાપમાન જરૂરી છે. ફૂલ બેસવાના સમયે 22o થી 23o સે. અને દાણા બંધાતી વખતે 2૦oથી 21o સે. તાપમાન જરૂરી છે. પાણીની ખેંચ ન હોય તો પાક 4૦o સે. તાપમાન પણ સહન કરી શકે છે. પાકને તેના સમગ્ર જીવન પર્યંત 22o સે. સરેરાશ તાપમાન અનુકૂળ આવે છે. કંટીમાં દાણા બેસતી વખતે તાપમાન ઓછું હોય તો દાણા બેસતા નથી. પાકને કુલ લગભગ 125૦ મિલિ. પાણીની જરૂર રહે છે. પાકને તેના જીવનકાળ દરમિયાન દરેક મહિનામાં 2૦૦ મિલિ. જેટલો સરેરાશ વરસાદ ખૂબ માફક આવે છે. સતત વાદળછાયું વાતાવરણ, વરસાદ અને હવામાં 9૦થી 95 ટકા ભેજ જીવાણુથી થતા રોગોના રોગકારકો માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે.

(2) બાજરી : એકંદરે ગરમ અને સાધારણ ભેજવાળી આબોહવા આ પાકને વધુ માફક આવે છે. 8oથી 1૦o સે. તાપમાન પાકના બીજના સ્ફુરણ માટે પૂરતું છે. પાક મહત્તમ 35oથી 4૦o સે. તાપમાન સહન કરી શકે છે. પાકના મહત્તમ ઉત્પાદન માટે 26oથી 29o સે. સરેરાશ તાપમાન ખૂબ અનુકૂળ છે. આ પાક ઓછા પાણીની જરૂરિયાતવાળો હોઈ 25૦થી 35૦ મિલિ. વરસાદમાં પણ સારી રીતે ઉગાડી શકાય છે. ફૂલ બેસવાના સમયે ભારે વરસાદ ફૂલ ધોઈ નાખીને ઉત્પાદન પર વિપરીત અસર પહોંચાડે છે. ડૂંડાંમાં દાણા બેસતી વખતે વાતાવરણમાં 95થી 1૦૦ ટકા ભેજ અંગારિયાંના રોગ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જે છે, જ્યારે વધુ વરસાદ અને સતત વાદળછાયા દિવસો ગેરુ માટે સાનુકૂળ નીવડે છે.

(3) ઘઉં : ઘઉંના પાકને ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. પાકના બીજના સ્ફુરણ માટે 15oથી 2૦o સે. તાપમાન જરૂરી છે. પાકની વાનસ્પતિક વૃદ્ધિના સમય દરમિયાન 25o સે. કરતાં તાપમાન વધે તો ઉત્પાદન ઘટે છે. પાકને 35૦થી 55૦ મિલિ. પાણીની જરૂર રહે છે. પાકના વૃદ્ધિકાળ દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ અને લાંબો વખત ભેજવાળું હવામાન ગેરુ માટે સાનુકૂળ નીવડે છે.

(4) મગફળી : આ પાક ગરમ અને ભેજવાળા હવામાનમાં થાય છે. 14oથી 16o સે. તાપમાન પાકના બીજના સ્ફુરણ માટે અનુકૂળ છે. જમીનનું 23o સરેરાશ તાપમાન પાકના મહત્તમ ઉત્પાદન માટે અનુકૂળ જણાવેલ છે. પાકને તેના જીવનકાળ દરમિયાન 6૦૦ મિલિ. પાણીની જરૂરિયાત રહે છે. પાકના સોયા જમીનમાં દાખલ થતી વખતે ભેજની ખેંચ વર્તાય તો ઉત્પાદન ઘટે છે. ભેજવાળું વાતાવરણ, વરસાદનાં છૂટાંછવાયાં ઝાપટાં ઝાકળ અને ગરમ હવામાન ટિક્કા (ખૂણિયા-ટપકાં) નામનો રોગ ફેલાવવામાં મુખ્ય ભાગ ભજવે છે.

(5) તમાકુ : તમાકુ ગરમ અને ભેજવાળા હવામાનમાં થતો કેફી પાક છે. પાકના બીજના સ્ફુરણ સમયે ઓછું તાપમાન અને વાનસ્પતિક વૃદ્ધિ સમયે વધુ તાપમાન ખૂબ માફક આવે છે. સરેરાશ 24oથી 27o સે. તાપમાન પાકના મહત્તમ ઉત્પાદન માટે અનુકૂળ છે. પાકને 1૦૦૦ મિલિ.થી 11૦૦ મિલિ. પાણીની જરૂર રહે છે. પાકની વાનસ્પતિક વૃદ્ધિ સમયે જમીનમાંનો વધુ પડતો ભેજ પાકની ગુણવત્તા ઘટાડે છે.

અરવિંદ મહેતા

હરિદાસ પટેલ

કૃષિપંચ, રાષ્ટ્રીય

રાષ્ટ્રના આર્થિક વિકાસની લાંબા ગાળાની નીતિવિષયક વિચારણા માટે નિમાતું કૃષિના નિષ્ણાત અને અનુભવી મહાનુભાવોનું પંચ. સો વર્ષ કે તેથી વધારે સમય અગાઉ બ્રિટનમાં પહેલું રાષ્ટ્રીય કૃષિપંચ નિમાયું હતું. એ પંચ પાસેથી ‘કૃષિ-અર્થશાસ્ત્ર’ એ નામકરણ પ્રથમ વાર મળ્યું.

ભારતમાં પહેલા વિશ્વયુદ્ધ પછી ખેતીની પરિસ્થિતિ નબળી જણાતાં, સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢી લાંબાગાળાનો વિચાર કરવા 1926માં શાહી (Royal) કૃષિપંચ નિમાયું. લિનલિથગો કમિશન તરીકે એ જાણીતું થયું. 1928માં એમણે દળદાર અહેવાલ રજૂ કર્યો.

શાહી કૃષિપંચના અહેવાલમાં મુખ્યત્વે ત્રણ વાતો તરી આવતી હતી : (1) ભારતે કૃષિવિજ્ઞાન સંશોધનક્ષેત્રે કરેલી પ્રગતિ ઉત્સાહપ્રેરક છે, (2) સુધારેલાં બીનો ઉપયોગ ઠીક ઠીક વધ્યો છે, પણ કેટલાંક નવાં પગલાંની જરૂર છે. ખાતરનો ઉપયોગ બળતણ તરીકે ન થાય તે જોવું અને (3) ઢોરની ઓલાદ સુધારવી; કૃષિવિજ્ઞાન-સંશોધનનો વેગ વધારવો અને સહકારી પ્રવૃત્તિ વિસ્તૃત અને સુગ્રથિત કરવી. એમનાં સૂચનોમાંથી માત્ર એકનો જ અમલ થઈ શકેલો. જે મુજબ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (Indian Agricultural Research Institute), શાહી કૃષિ સંશોધન સમિતિ (Imperial Council of Agriculture Research) સ્થાપવામાં આવેલી જ હતી. તેને પૂસાથી ખસેડીને દિલ્હી લાવવામાં આવી. એ જ રીતે દૂધ-ઉદ્યોગની સંસ્થાને બૅંગલોરથી ખસેડી કરનાલ લાવવામાં આવી. મુખ્યત્વે કૃષિ અને આનુષંગિક વ્યવસાયોને દિલ્હી નજીક લાવી તેના વહીવટને ક્ષતિમુક્ત બનાવવાના પ્રયત્નો થયા. બીજાં સૂચનોનો અમલ થાય તે પહેલાં દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાં આમૂલ ફેરફાર થયો.

રાષ્ટ્રીય પંચના અહેવાલમાં આવરી લેવાયેલાં વિવિધ પાસાંમાં (1) ભૂતકાળના બનાવોની સમાલોચના, (2) પાક ઉત્પાદન, (3) વસ્તીવધારો, (4) પશુપાલન, (5) મત્સ્યોદ્યોગ, (6) વનસંપત્તિ, (7) ઉત્પાદન-સાધનો, જમીન, ઇત્યાદિ કૃષિ એકમનું કદ, (8) સિંચાઈ, (9) યંત્રીકરણ તથા દુગ્ધોદ્યોગ વગેરેની ચર્ચા કરવામાં આવી.

રાષ્ટ્રીય કૃષિપંચના કેન્દ્રવર્તી અભિગમ વિશે થોડો વિચાર અહીં પ્રસ્તુત છે.

દેશનું વિભાજન ને તેને કારણે રાષ્ટ્રીય કૃષિસંસાધનોમાં સર્જાયેલ અસંતુલન, આયોજિત સામાજિક અને આર્થિક વિકાસના ધ્યેયનો સરકારે કરેલ સ્વીકાર અને સુધારેલ બિયારણને કારણે આવેલી કૃષિક્રાંતિ – આ સર્વના સંદર્ભમાં કૃષિપંચે વિચાર કર્યો છે.

સામાજિક ન્યાય અને વિકાસના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે સ્વીકારીને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ઉપયોગ દ્વારા ખેતીનું આધુનિકીકરણ  આ પ્રધાન સૂર પંચના બૃહદ અહેવાલમાં વ્યાપી રહેલો છે.

પંચે 25 વર્ષના સમયસંદર્ભમાં પોતાની વિચારણા કરી છે.

રાષ્ટ્રીય કૃષિપંચનાં કેટલાંય સૂચનો અમલી બની ચૂક્યાં છે. એમાં સિંચાઈ વિસ્તાર વિકાસ (CAD), સુગ્રથિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ (IRDP), રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી કાર્યક્રમ (NREP) વગેરે. ગરીબો અને તેના છેક નીચેના વર્ગો જે વિકાસના લાભોથી સામાન્યપણે વંચિત રહે છે તેમને માટે વિશેષ પ્રયત્નો કરીને સીધો લાભ થાય એવી આ યોજનાઓ આજે લગભગ બધાં રાજ્યોમાં અમલી બની છે. એના મૂલ્યાંકનને અંતે એમની સફળતા અંગે કેટલીક શંકાઓ ઉઠાવાઈ છે; પરંતુ તેથી એ યોજનાની અગત્ય ઓછી થતી નથી. આ બધી યોજનાઓ આજે સર્વસ્વીકૃત છે. આમ છતાં બેકારી અને ગરીબાઈ જુદાં જુદાં રાજ્યોમાં જુદા જુદા પ્રમાણમાં જોવામાં આવે છે. પૂર્વના વિસ્તારો વિકાસ અને દારિદ્રયનિવારણમાં રહ્યા છે. પશ્ચિમનાં રાજ્યો સિંચાઈમાં પાછળ હોવા છતાં વિકાસ સાધી શક્યાં છે, પણ બેકારી અને ગરીબાઈનો સામનો પૂરતા પ્રમાણમાં કરી શક્યાં નથી.

ચંદ્રહાસ હીરાલાલ શાહ

બદરીપ્રસાદ મ. ભટ્ટ

કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો

નિર્વાહ ખેતી (subsistence farming) : ઉત્પાદકને માત્ર તેના નિભાવ કે કુટુંબના ભરણપોષણ પૂરતું ઉત્પાદન આપતી ખેતી.

કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે ખેડૂતે શું ઉત્પન્ન કરવું, કેવી રીતે ઉત્પન્ન કરવું, ઉત્પાદનનાં કયાં સાધનોનો ઉપયોગ કરવો, ઉત્પાદન ક્યાં અને કયા ભાવે વેચવું, પશુપાલનની પ્રવૃત્તિને કેટલું મહત્વ આપવું વગેરે જમીન અને ખેડૂત સાથે સંકળાયેલા પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં ઉત્પાદક પ્રવૃત્તિઓ ધરાવતા દ્વિતીય ક્ષેત્ર અને સેવાની પ્રવૃત્તિ ધરાવતા ક્ષેત્રનું મહત્વ કૃષિ-ક્ષેત્રની સરખામણીમાં ઘટતું જતું હોવા છતાં કોઈ પણ દેશને ખેતી-ક્ષેત્રની અવગણના કરવાનું પોસાય તેમ નથી. તેનું મુખ્ય કારણ કૃષિ-ક્ષેત્ર માનવજીવનની ખોરાક, પાણી, રહેઠાણ અને કપડાં જેવી સાથે સંકળાયેલ પ્રાથમિક જરૂરિયાતોનું ક્ષેત્ર છે.

ખેતીના સ્વરૂપને તપાસતાં પ્રથમ પ્રશ્ન એ થાય કે ખેડૂત ખેતી કરે છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે ? જો તે માત્ર જીવનાર્થ જરૂરિયાતો મેળવવાના આશયથી જ ખેત-ઉત્પાદન કરતો હોય તો તેને નિર્વાહ ખેતી કહી શકાય. પણ જો કૃષિ-ઉત્પાદન દ્વારા પોતાની પ્રાથમિક જરૂરિયાતો મેળવવા ઉપરાંત બિનકૃષિક્ષેત્ર અથવા બજાર માટે વિક્રયપાત્ર અધિશેષ પૂરો પાડી વાણિજ્ય કે નફાના હેતુથી ખેતી કરતો હોય તો તેને વ્યાવસાયિક ખેતી તરીકે ઓળખાવી શકાય. કોઈ પણ અર્થવ્યવસ્થા જ્યારે આર્થિક રીતે પછાત હોય ત્યારે ખેતીવિષયક પ્રવૃત્તિઓનો હેતુ જીવનનિર્વાહ પૂરતો મર્યાદિત હોય છે. પણ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ ઉત્પાદનનો હેતુ બજારમાં કઈ ખેતપેદાશોની માંગ વધારે છે – કઈ ખેતપેદાશોના ભાવ વધારે છે, કઈ ખેતપેદાશોનું ઉત્પાદન કરવાથી વધુ આર્થિક વળતર મળે તેમ છે, રોજગારીની ર્દષ્ટિએ કયા પ્રકારની ખેતી વળતરક્ષમ છે, વગેરે પ્રશ્નો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

નિર્વાહ ખેતી સામાન્ય રીતે સીમાંત અને નાના ખેડૂતોને સ્પર્શતી હોય છે અને જેમ જેમ ખેડાણ ઘટકનો એકમ મોટો થતો જાય તેમ તેમ વ્યાપારી ખેતીની અગત્ય વધતી જાય છે. જોકે આ ઘટનાને નિયમ તરીકે ગણાવી શકાય નહિ, કારણ ખેત-સંશોધન અને ટૅક્નૉલૉજીના વિકાસથી નાના ખેડૂતો પણ વ્યાપારી સ્વરૂપની ખેતી કરતા હોવાનું સંશોધનોમાં જણાયું છે. નિર્વાહ ખેતીમાં સાધનોના ટૅક્નિકલ સંયોજનની ગણતરીને બદલે પોતાની જરૂરિયાતો પહેલી ધ્યાનમાં લેવાય છે. વ્યાપારી ખેતીમાં ઉત્પાદનનો નિર્ણય બજારુ પરિબળોના આધારે લેવાય છે. નિર્વાહ ખેતીના સ્થાને જેમ જેમ વ્યાપારી ખેતીનું મહત્વ વધતું જાય તેમ તેમ ખેતી ક્ષેત્રમાં પાકની તરાહમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. જ્યારે લોકો નિર્વાહ ખેતી કરતા હોય ત્યારે પાકની તરાહમાં મોટેભાગે બાજરી, ડાંગર, ઘઉં, હલકાં ધાન્યો, ઘાસચારો વગેરે ધાન્ય પાકોનું નોંધપાત્ર મહત્વ હોય છે. ખેતીનું વાણિજ્યકરણ જેમ જેમ વધવા લાગે તેમ તેમ પાકની તરાહમાં કપાસ, શેરડી, તમાકુ, તેલીબિયાં, કઠોળ, ફળફળાદિ, શાકભાજી વગેરે રોકડિયા પાકો(બિનધાન્ય પાકો)નું મહત્વ વધતું જાય છે. પાકનું સ્વરૂપ બદલાવા ઉપરાંત સુધારેલી જાતનાં બિયારણ ધરાવતા પાકોનું પ્રમાણ વધતું જાય છે. નિર્વાહ ખેતીમાં મોટેભાગે કૌટુંબિક રોજગારી દ્વારા કૃષિ-ઉત્પાદન થતું હોય છે, જ્યારે વ્યાપારી ખેતીમાં ઉત્તરોત્તર વેતન-આધારિત શ્રમશક્તિ અને યંત્રશક્તિનો ઉપયોગ વધતો જાય છે. નિર્વાહ ખેતીમાં ઉત્પાદન રૂઢિગત ઢબે સ્થાનિક બજાર માટે કરવામાં આવતું હોય છે, જ્યારે વ્યાપારી ખેતીમાં સ્થાનિક ઉપરાંત દેશવિદેશનાં બજારોને ધ્યાનમાં રાખી કૃષિઉત્પાદન થાય છે. વ્યાપારી ખેતીમાં સિંચાઈની સુવિધા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, સુધારેલાં બિયારણો, સુધારેલી ખેતપ્રથા, ખેતવિષયક યંત્રસામગ્રીનો ઉપયોગ વગેરે આધુનિક કૃષિ-ટૅક્નૉલૉજીનો ઉપયોગ વધતો જાય છે.

કૃષિનો વ્યવસાય જમીન, ખેડૂત અને કુદરત સાથે સંકળાયેલો હોવાથી તેમાં આબોહવાજન્ય પરિબળો મહત્વની ભૂમિકા ભજવતાં હોય છે. ખાસ કરીને ખેતીમાં વરસાદ, તાપમાન, ધરતીકંપ, પૂર, વાવાઝોડું, દુષ્કાળ, રોગચાળો વગેરે પરિબળો જોખમ અને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જે છે. નિર્વાહ ખેતીમાં આ પ્રકારનાં જોખમો વધારે અસરકારક હોય છે. કારણ કે ખેતી અલ્પવિકસિત હોવાના કારણે આવાં જોખમોની ગણતરી ઉત્પાદનખર્ચમાં કરવામાં આવતી નથી અથવા જોખમોને પહોંચી વળવા સિંચાઈની સુવિધા, પાકવીમાયોજના, પાક-વૈવિધ્યીકરણ, વગેરેનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ થાય છે. વ્યાપારી ખેતીમાં જોખમ અને અનિશ્ચિતતાનો અંદાજ ઉત્પાદનખર્ચના એક ભાગ તરીકે ગણી લેવામાં આવે છે. તેથી તેમને પહોંચી વળવા માટે પાકની ફેરબદલી, પાકવૈવિધ્યીકરણ, મિશ્રપાક પ્રથા, રોગ-પ્રતિકારશક્તિ ધરાવતાં સુધારેલાં બિયારણ, સિંચાઈની સુવિધા, પાકસંવર્ધન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ઉત્પાદનનો વૈજ્ઞાનિક સંગ્રહ વગેરે સંરક્ષણાત્મક અને વિકાસલક્ષી ઉપાયો હાથ ધરવામાં આવે છે. નિર્વાહ ખેતીમાં મોટામાં મોટો અવરોધ નાણાકીય સાધનોની અછતનો હોય છે. વ્યાપારી ધોરણે ખેતીનો વિકાસ થતો જાય તેમ તેમ કૃષિધિરાણની સગવડો અને તેમનો ઉપયોગ વધતો જાય છે, જેથી ખેડૂત જૂના નાણાંબજારના શોષણમાંથી મુક્ત થઈ આધુનિક નાણાંબજાર સાથે સંકળાતો જાય છે.

નિર્વાહ ખેતીમાં કુટુંબના મોટાભાગના સભ્યો રોજગારી માટે માત્ર ખેતી ઉપર આધાર રાખતા હોવાથી લાંબેગાળે છૂપી બેકારી, મોસમી બેકારી, અર્ધબેકારી અને પરાવલંબી વસ્તીનું પ્રમાણ વધતું જાય છે, જેથી આર્થિક ર્દષ્ટિએ ખેતી એ એક બિનકાર્યક્ષમ વ્યવસાય તરીકે ચાલતી પ્રવૃત્તિ બને છે. વ્યાપારી ખેતીમાં નફાખોટની ગણતરીને લીધે વધારાની માનવશક્તિનું રોજગારી માટે બિનખેતી તરફ સ્થાનાંતર થાય છે. તેથી ખેતીમાં ઉત્પાદનની કાર્યક્ષમતા ઉત્તરોત્તર વધતી જાય છે અને સમગ્રતયા ખેતી અને બિનકૃષિક્ષેત્રમાં માનવશ્રમની સીમાંત ઉત્પાદકતા વધે છે.

નિર્વાહ ખેતીમાં પશુપાલન અને ઢોરઉછેર પણ અલ્પવિકસિત અને બિનકાર્યક્ષમ હોય છે. વ્યાપારી ખેતીમાં ઢોરોની સુધારેલી ઓલાદ, ડેરી-ઉદ્યોગ, મરઘાં-બતકાંઉછેર અને જંગલ-આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓનો વિકાસ થતાં જમીન ઉપરનું માનવશ્રમનું ભારણ ઘટે છે. તેનાથી ખેડૂત અને ગામ-અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ વધતું જાય છે.

મૂડીવાદી ખેતી (capitalist farming) : ખાનગી નફાના ધ્યેય પર આધારિત કૃષિવ્યવસ્થા. મૂડીવાદી ખેતીમાં મોટાં ખેતરો ઉપર આધુનિક કૃષિપદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે. મૂડીવાદી ખેતીમાં થતા આર્થિક લાભો મૂડીપતિને તેની મૂડીના હિસ્સાના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. મૂડીવાદી ખેતીમાં મોટેભાગે અદ્યતન મહાકાય યંત્રો દ્વારા ખેતરો ખેડાય છે. વ્યક્તિગત ખેતીની માફક આ પ્રણાલીમાં પણ જમીનની માલિકી વ્યક્તિગત ખેડૂતોની હોય છે. વ્યક્તિગત ખેતીની સરખામણીમાં મૂડીવાદી ખેતીમાં મૂડીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ અને વિક્રયપાત્ર અધિશેષ (surplus) વધારે પ્રમાણમાં હોય છે. આ પ્રકારની મૂડીવાદી ખેતી મુખ્યત્વે અમેરિકામાં પ્રવર્તમાન છે. ભારતમાં ચા, કૉફી, રબર વગેરે બગીચા-ઉદ્યોગની બાબતમાં ચેન્નાઈ, મૈસૂર અને આસામ જેવાં કેટલાંક રાજ્યોમાં આ પ્રકારની ખેતી જોવા મળે છે, ભારતમાં દેશના કોઈ પણ ભાગમાં ધાન્ય પેદાશો ઉત્પન્ન કરતાં ખેતરોમાં મૂડીવાદી ખેતી પ્રવર્તમાન નથી.

સામૂહિક ખેતી (collective farming) : વર્તમાન સદીના પૂર્વાર્ધમાં અને ખાસ કરીને 1929ની વિશ્વમંદીના સમયમાં દુનિયાના ઘણા દેશોમાં કૃષિક્ષેત્રમાં સંગઠન દાખલ કરી ઉત્પાદન વધારવાના એક ઉપાય તરીકે સામૂહિક ખેતીનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે રશિયા, મૅક્સિકો અને ઇઝરાયલ જેવા દેશોમાં કૃષિસુધારણા કાર્યક્રમ દ્વારા આર્થિક ક્રાંતિ કરવાના એક ઉપાય તરીકે અને ગ્રામ-અર્થવ્યવસ્થાના પુન:ગઠન માટે સામૂહિક ખેતીનો પ્રયોગ અપનાવવામાં આવ્યો હતો. જોકે વિવિધ દેશોમાં અપનાવાયેલી સામૂહિક ખેતીનાં સ્વરૂપ અને કાર્યપ્રથામાં અનેકવિધ તફાવત પ્રવર્તતા જોવા મળે છે.

સામૂહિક ખેતીમાં દેશની તમામ ખેતવિષયક જમીન, રોકવામાં આવેલી મૂડી, તૈયાર થતું ઉત્પાદન અને તેને આનુષંગિક પશુઓ અને ઉપકરણો સમગ્ર સમાજની અથવા સમાજે નક્કી કરેલી સમિતિની માલિકીનાં ગણવામાં આવે છે. તેમાં નક્કી કરાયેલી યોગ્યતા ધરાવતા તમામ ખેડૂતો આ સમૂહના સભ્ય બની શકે છે. મોટેભાગે આ પ્રકારના સમૂહમાં જોડાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હોય છે. સામૂહિક ખેતી માટે નક્કી કરેલી સમિતિ ખેતવિષયક કામગીરીનું વિભાજન, સાખ કે વિત્તીય સાધનો મેળવવાનું અને ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા સંભાળવાનું કામ કરે છે. આ સમિતિ બધા સભ્યોની કામગીરીની નોંધ રાખે છે અને તેના પ્રમાણમાં તેમની વચ્ચે ઉત્પાદન કે આવકનું વિતરણ કરે છે. કુશળ શ્રમિકોને તેમની કુશળતા અને કાર્યદક્ષતાના બદલામાં વિશેષ વળતર કે બોનસ આપવામાં આવે છે.

રશિયામાં સામૂહિક ખેતીની શરૂઆત 1929માં કરવામાં આવી હતી. રશિયામાં સામૂહિક ખેતીના સ્થાપક તરીકે કોલખોઝ (kolkhoz) ખેતરોનું ઉદાહરણ જાણીતું છે. રશિયાની ક્રાંતિના સૌથી મોટા 3૦,૦૦૦ ખેતમાલિકો કુલ ખેતકુટુંબોના માત્ર ૦.35 ટકા હિસ્સો ધરાવતા હતા. પણ તે રશિયાની 5૦ ટકા ખેડાણપાત્ર જમીન ઉપર માલિકીહક ધરાવતા હતા. તેમની જમીનો સરકારે કાયદાની મદદ દ્વારા સામૂહિક ખેતી હેઠળ આવરી લીધી હતી. સામૂહિક ખેતીની શરૂઆત થયા પછીનાં 1૦ વર્ષોમાં તમામ નાના ખેડૂતોની જમીનો પણ કૌટુંબિક ખેતીમાંથી બદલીને યંત્રો દ્વારા સંચાલિત ખેતીમાં લઈ લેવામાં આવી હતી. તેના પરિણામે જમીનના માલિકો સામૂહિક ખેતરોમાં મજૂરો બની ગયા હતા.

રશિયાનાં સામૂહિક ખેતરોમાં ખેતર દીઠ સરાસરી 2૦8થી 418 જેટલાં ખેત-પરિવારો હતાં અને ખેતર દીઠ 13૦૦ હેક્ટર જેટલું ક્ષેત્રફળ શરૂઆતમાં પ્રવર્તતું હતું તે ક્રમિક રીતે વધીને 2,8૦૦ હેક્ટર જેટલું થયું હતું, જેના ઉપરથી સામૂહિક ખેતીમાં ખેતરોના કદનો અંદાજ મળી શકે છે. આ પ્રકારનાં ખેતરો ઉપર યાંત્રિકીકરણનું મહત્વ ઘણું જ વધારે હોય છે. રશિયામાં સામૂહિક ખેતીના વિકાસ માટે ટ્રૅક્ટર જેવાં ઉપયોગી યંત્રોના ઉત્પાદન માટે ટ્રૅક્ટર સ્ટેશનો ચલાવવામાં આવતાં હતાં. આ સ્ટેશનો કૃષિ-ટૅક્નૉલૉજી સંબંધી તાલીમ અને માર્ગદર્શન આપવાની કામગીરી પણ કરતાં હતાં.

રશિયામાં પંચવર્ષીય યોજનાઓ દ્વારા આર્થિક વિકાસની વ્યૂહરચના સ્વીકારવામાં આવી હોવાથી રશિયન ખેતક્રાંતિ દરમિયાન ઘઉં અને જવ જેવા દુનિયાના ખેતવિષયક પાકોની બાબતમાં તે અગ્રગણ્ય રાષ્ટ્ર બની શક્યું હતું. આ ઉપરાંત કપાસ અને ચા જેવા રોકડિયા પાકો અને બાગાયતી પાકોની બાબતમાં પણ સામૂહિક ખેતી દ્વારા રશિયામાં 25થી 3૦ ટકા ઉત્પાદનવૃદ્ધિ હાંસલ કરી શકાઈ હતી.

રશિયામાં સામ્યવાદના અમલના કારણે અને ઇઝરાયલમાં પ્રબળ રાષ્ટ્રીયતાના કારણે સામૂહિક ખેતી સફળ પુરવાર થઈ હતી. આમ છતાં લાંબા અનુભવ દ્વારા ત્યાં પણ કૃષિ-ઉત્પાદકતા લગભગ સ્થગિત થતી હોવાની વાતને સમર્થન મળ્યું છે; જે 1989ના વર્ષ પછી રશિયામાં ખાનગી ખેડૂતોને ખેત-ઉત્પાદકતા વધારવા માટે જમીનો આપવાની સરકારની બદલાયેલી નીતિ ઉપરથી સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત લોકશાહી સમાજવાદી સમાજરચના અપનાવતા દેશ માટે સામૂહિક ખેતી વ્યવહારુ આર્થિક પ્રથા તરીકે સ્વીકૃત બની નથી.

સહકારી ખેતી (co-operative farming) : સહકારી ખેતી સહકારી પ્રવૃત્તિનો નોંધપાત્ર ઘટક છે. સહકારી ખેતીમાં ગામમાં આવેલાં ખેતરોના બધા માલિકો આખાય ગામની જમીનનો એક એકમ ગણીને સાથે મળીને સુમેળથી એક વિશાળ કુટુંબના સભ્યો તરીકે ખેતી કરે છે. સહકારના સિદ્ધાંતોનો અમલ ખેતીક્ષેત્રમાં કરીને સહકારી ખેતીમાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય હાંસલ કરવાનો હેતુ હોય છે. કારખાનામાં માલિકનો હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે અને મજૂરોનું હિત તેથી તદ્દન વિરુદ્ધનું હોય છે. સહકારી ખેતીમાં ખેડૂત સભ્ય પણ છે અને માલિક પણ છે. જો તે વધારે નફો લેવાનો પ્રયત્ન કરે તો તેને વેતન ઓછું મળશે. સહકારી ખેતીમાં કૃષિ- કામગીરીના સંચાલન માટે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરવામાં આવે છે. સહકારી ખેતી મરજિયાત પ્રથા છે, પણ તેમાં સબળ અને નિર્બળ વચ્ચે પરસ્પર સહાય અને સ્વાશ્રય જેવાં લક્ષણો વિકસે છે. 1949માં ભારતીય રિઝર્વ બૅન્ક અને કૉંગ્રેસ કૃષિ-સુધારણા સમિતિએ નાના ખેડૂતોને માટે આ પ્રકારની સહકારી ખેતી ઘણી જ ઉપયોગી હોવાનું દર્શાવ્યું હતું. આયોજન પંચે કૌટુંબિક ખેડાણ-ઘટકો કરતાં સહકારી ખેતરોનું કદ ચારથી છગણું હોવું જોઈએ તેવો અભિપ્રાય દર્શાવ્યો છે પણ સહકારી ખેડાણઘટકનું ચોક્કસ કદ સૂચવ્યું નથી.

સહકારી ખેતીના પ્રકારો : સહકારી આયોજન સમિતિએ સહકારી ખેતીના મુખ્ય ચાર પ્રકાર દર્શાવ્યા છે.

(1) સંયુક્ત સહકારી મંડળીઓ : આ પદ્ધતિમાં કાયદાની ર્દષ્ટિએ સભ્યો જમીનના સ્વતંત્ર માલિક રહે છે, પણ બધા એકત્રિત રીતે જમીનનું ખેડાણ કરે છે. તે ચૂંટણી દ્વારા નક્કી કરેલી સમિતિના નિર્ણયો પ્રમાણે દરેક સભ્યને વેતન આપવામાં આવે છે. સંયુક્ત ખેત મંડળીમાં સભ્ય થનાર ખેડૂતનાં ઓજારો ઢોર, વગેરે પણ મંડળી લઈ લે છે અને તેમને શૅરમૂડી તરીકે ગણી લઈને તેમના ઉપર ડિવિડન્ડ આપે છે.

(2) સામૂહિક ખેતમંડળીઓ : આ પ્રકારની મંડળીમાં જમીન વ્યક્તિગત માલિકીની રહેતી નથી. સભાસદ કે સરકાર પાસેથી લાંબા ગાળા માટે જમીન ભાડાપટ્ટે લેવામાં આવે છે. આથી આ પ્રકારની મંડળીમાં સભ્યની મૂળ જમીનના ફાળાના આધારે વળતરની વહેંચણી કરવામાં આવે છે. સભ્યોને કામના સ્વરૂપ, દિવસ અને શક્તિ-બુદ્ધિના આધારે રોજગારીનું વેતન ચૂકવવામાં આવે છે. મંડળીનું સભ્યપદ ફરજિયાત હોવાથી આ પ્રકારની મંડળીમાંથી છૂટા થઈ શકાતું નથી. ભારતમાં તે મરજિયાત હોવાને લીધે ખેડૂત છૂટો થઈ શકે છે. રશિયામાં આ પ્રકારની ખેતીમાં મોટાપાયે યંત્રસામગ્રીનો ઉપયોગ થાય છે. ભારતમાં ખેતીમાં યંત્રોનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થાય છે. રશિયામાં આ પ્રકારની મંડળીઓમાં ખેતરોનું કદ ભારતની સરખામણીમાં ઘણું મોટું હોય છે. સામૂહિક ખેતમંડળીઓ સધ્ધર એકમ બની શકે તે માટે સરકારની માલિકીની કે નવસાધ્ય કરેલી જમીન ઉપર મોટા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે.

(3) ઉચ્ચ ખેત-સહકારી મંડળીઓ : આ પ્રકારની સહકારી મંડળીમાં દરેક સભ્ય સ્વતંત્ર રીતે પોતાની જમીન ખેડે છે પણ કાચી સાધનસામગ્રી ખરીદવા કે પાકના ઉત્પાદનને વેચવા માટે મંડળીની રચના કરવામાં આવે છે. આ મંડળીઓ તેના સભાસદોને ધિરાણ આપવા ઉપરાંત વિકાસલક્ષી કામગીરીમાં પણ મદદ કરે છે. દરેક સભ્યે મંડળીના નિર્ણય પ્રમાણે જ પાકનું આયોજન કરવાનું હોય છે. મંડળીની માલિકીનાં ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતીવાડીના રક્ષણ માટે સંયુક્ત ચોકીદારોની વ્યવસ્થા કરાય છે. આ મંડળીનું મૂડીભંડોળ શૅરમૂડી, પ્રવેશ ફી, ધિરાણ અને અનુદાનમાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં સેવા-સહકારી મંડળીઓ(service  co-operatives)ની રચનાથી આ સહકારી મંડળીઓને ઉત્તેજન આપવાનું જરૂરી રહ્યું નથી.

(4) સહકારી ગણોત ખેતમંડળીઓ : જમીન વિનાના ખેતમજૂરો દ્વારા આ પ્રકારની સહકારી મંડળી રચવામાં આવે છે. તેઓ કોઈ પણ જમીનદાર પાસેથી મંડળીના આશ્રયે ખેડવા ભાડાપટ્ટે જમીન લે છે. જમીનના નાના નાના પ્લૉટ પાડી દઈ મંડળી તેના સભાસદોને ખેડવા માટે આપી દે છે; જેમાં ગણોતિયાઓ તેના ઉત્પાદનના સંપૂર્ણ માલિક ગણાય છે. આ જમીનનું ભાડું અગાઉથી જ મંડળીએ નક્કી કરેલું હોય છે. મંડળી આ પ્લૉટ ઉપર પાકનું આયોજન કરે છે અને ધિરાણ, ખાતર, બિયારણ, ખેત-ઓજારો વગેરે ગણોતિયાને પૂરાં પાડે છે. મંડળીનું ખર્ચ કાઢતાં બાકી રહેતો નફો સભાસદોમાં વહેંચવામાં આવે છે. ભારતમાં ચાલતી સેવા-સહકારી મંડળીઓની કામગીરી પણ આ મંડળીઓને લગભગ મળતી આવે છે.

કિબુત્ઝ (kibbutz) : ઇઝરાયલમાં કિબુત્ઝ એ સમાજવ્યવસ્થાનો એક એકમ છે. વિશ્વમાં આ એક અનોખી સમાજરચના છે. હિબ્રુભાષામાં કિબુત્ઝનો અર્થ જૂથ કે સમૂહ થાય છે. સ્વૈચ્છિક રીતે લોકશાહી ઢબે લોકોનો એકત્ર થયેલો સમૂહ એટલે કિબુત્ઝ. આ પ્રકારના સમૂહનો હેતુ મિલકતની સામૂહિક માલિકી, સામાજિક ન્યાય અને સમાનતા દ્વારા સમૃદ્ધ આર્થિક સમાજ ઊભો કરવાનો છે. ઇઝરાયલમાં લગભગ 19૦8થી કિબુત્ઝ જીવન અસ્તિત્વમાં આવ્યું હતું. ઇઝરાયલમાં કેટલાક યહૂદી પુનરુત્થાનના હિમાયતીઓએ (zeonists) અથાગ પરિશ્રમ કરી એક આદર્શ સમાજ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો તેનું પરિણામ એટલે કિબુત્ઝ.

જોકે આખા ઇઝરાયલમાં સંપૂર્ણપણે કિબુત્ઝ જીવનપ્રથા પ્રવર્તતી નથી. આ દેશમાં કુલ 25૦ આવા કિબુત્ઝ છે. નાના કિબુત્ઝમાં 2૦૦ જેટલા માણસો રહે છે અને મોટા કિબુત્ઝમાં 2,૦૦૦ જેટલા માણસો રહે છે. ઇઝરાયલની કુલ વસ્તીના માત્ર 3.5 ટકા વસ્તી જ આવા કિબુત્ઝમાં રહે છે. આ કિબુત્ઝમાં કુલ 25 જેટલા અતિથિગૃહ અને હોટેલો ચલાવવામાં આવે છે.

ઇઝરાયલની તમામ વસ્તી માટે કિબુત્ઝ જીવન જીવવું ફરજિયાત નથી. કિબુત્ઝમાં રહેલા લોકોને પણ સામાજિક-આર્થિક સ્વાતંત્ર્ય છે. આ કિબુત્ઝના સ્થાપકો માટે ખેતી એક આદર્શ હતો. તેથી વિવિધ પાક ઉગાડવા, મરઘાં-બતકાંનો ઉછેર, બાગાયત, ડેરીનો ઉદ્યોગ વગેરે તેમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી. કિબુત્ઝમાં રહેતાં સ્ત્રી-પુરુષ ખેતીની દરેક પ્રવૃત્તિમાં કામગીરી બજાવે છે. આ વર્ગ દ્વારા કૃષિક્ષેત્રે એટલી અદ્યતન ટૅક્નૉલૉજી અને સંશોધન કરવામાં આવ્યાં કે જ્યાં એક કણ પણ ના પાકી શકે ત્યાં આ લોકો થોકબંધ ખેત-ઉત્પાદન લે છે.

ઇઝરાયલમાં જમીન અને પાણીની અછત છે. આથી કિબુત્ઝમાં રહેતા લોકોએ ખેતી ઉપરાંત અનેક પૂરક વ્યવસાયો વિકસાવી તેમાં ઊંચી ઉત્પાદકતા હાંસલ કરી છે. અત્યારે ઇઝરાયલમાં કિબુત્ઝની ફૅક્ટરીઓ ઇલેક્ટ્રૉનિક્સ, ફર્નિચર, રસોડાં અને ઘરવપરાશની ચીજવસ્તુઓ કુશળતાથી ઉત્પન્ન કરે છે. ખેતીક્ષેત્રની બાબતમાં કિબુત્ઝ દ્વારા કૃષિવિષયક યંત્રો, સિંચાઈની પિયત પદ્ધતિઓ, કૃષિ-સંલગ્ન ધંધાઓ વગેરેનો મોટા પાયે વિકાસ થયો છે. તેમાં મુખ્યત્વે કપાસિયાંમાંથી તેલ કાઢવાની મિલો, ખાદ્ય વાનગી બનાવતા એકમો, મરઘાં-બતકાંઉછેરની પેદાશો વગેરે એકમો મોટા પાયા ઉપર વિકાસ પામ્યા છે. કિબુત્ઝ હેઠળ વ્યક્તિગત અને સામૂહિક રીતે પણ ઉત્પાદન અને ખરીદ-વેચાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કિબુત્ઝ પોતાના સભ્યોને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે. બાળગૃહોમાં બાળકોને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપે છે. તેમને નાનામાં નાના કાર્ય પ્રત્યે ગંભીરતા અને સહકારની ભાવના શીખવવામાં આવે છે. આ પ્રકારની તાલીમ પામતાં બાળકો અઠવાડિક રજાના દિવસે પોતાનાં માબાપ સાથે રહી શકે છે. કિબુત્ઝમાં ઘોડિયાઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ વગેરેની સગવડો ઘરઆંગણે જ સુલભ થાય છે. દરેક કિબુત્ઝમાં સામૂહિક ભોજનાલય હોય છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાની પસંદગીની વાનગી જમી શકે છે. ભોજનાલયમાં શિસ્તનું આપોઆપ પાલન થાય છે. જેમાં થાળી ઉઠાવવાથી શરૂ કરી સફાઈકામ કરવા સુધીની કામગીરી દરેક વ્યક્તિએ વારાફરતી કરવાની હોય છે. આ ઉપરાંત સામૂહિક લૉન્ડ્રી, મેડિકલ ક્લિનિક કે પ્રોવિઝન સ્ટોર ચલાવવો અથવા ઘર બાંધવું કે તેની મરામત કરાવવી વગેરે તમામ પ્રકારની કામગીરી કે સેવામાં વારાફરતી દરેકે ભાગ લેવાનો હોય છે.

કિબુત્ઝની મધ્યમાં સભ્યોનાં મકાન, ભોજનાલયો, બાલવાડી, સભાગૃહ વગેરે બગીચાની વચ્ચે આવેલાં હોય છે જ્યારે ઢોરઉછેર, ડેરી, મરઘાં-બતકાંઉછેર આ કેન્દ્રના સ્થળથી દૂર પ્રસ્થાપિત હોય છે. લોકોની સામાન્ય જરૂરિયાતો દરેકને સરખે ભાગે પૂરી પાડવામાં આવે છે. સભ્યોને તેમનાં કપડાં, ફર્નિચર, મોજશોખ જેવી અંગત ખર્ચની જરૂરિયાતો માટે સભ્યદીઠ અમુક હિસ્સો આપવામાં આવે છે.

આ પ્રકારના કિબુત્ઝમાં આર્થિક કામગીરી દરેકની કુશળતા અને શક્તિ પ્રમાણે વારાફરતી આપવામાં આવે છે. વિશિષ્ટ ધંધાકીય જ્ઞાનની જરૂરિયાત હોય તેવાં કાર્યોમાં કિબુત્ઝમાં બહારથી પણ પગારદાર લોકોને રોકવામાં આવે છે. દા.ત., દાક્તર, પરિચારિકા, કુશળ કારીગરો, ઝાડ ઉપરથી ફળો ઉતારનાર વગેરે.

ઇઝરાયલના લોકોના મતે કિબુત્ઝની પ્રથા એ એક લોકશાહી પ્રથા છે. અઠવાડિક સભાઓમાં સંચાલન અંગે સભ્યો સરખો અવાજ રજૂ કરી શકે છે. આ સમિતિના સભ્યો દર વર્ષે બદલાય છે. ઇઝરાયલના આ પ્રકારના કિબુત્ઝની પ્રથામાં વિવિધ ઉત્સવો પણ ઊજવવામાં આવે છે, જેમાં વસંત ઋતુની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પુસ્તકાલયો, સંગીતગૃહો, કલાકારીગરી, રમતગમત, સ્નાનગૃહ ઉપરાંત ફિલ્મ, નાટકો, સંગીત, જલસા વગેરે સાંસ્કૃતિક સાધનોની સુવિધા પણ હોય છે. આ પ્રકારના કિબુત્ઝની મુખ્ય મર્યાદા એ છે કે કામ કરવાની પ્રેરણા પૂરતા પ્રમાણમાં રહેતી નથી, કારણ વ્યક્તિગત માલિકીનો અભાવ હોય ત્યાં સુધી કામની પ્રેરણા લાંબો સમય ટકતી નથી.

કૉમ્યૂન (Commune) : 1958માં માઓ-ત્સે-તુંગની વિચારધારા ઉપર આધારિત કૉમ્યૂન ચીનમાં માત્ર ખેતવિકાસના હેતુથી જ નહિ પણ સમગ્ર વસ્તીનું સમાજીકરણના હેતુથી સ્થપાયાં હતાં. એ અગાઉ 1956માં, 7,6૦,૦૦૦ જેટલી સહકારી મંડળીઓને આવરી લેતા કેટલાક સમૂહોનાં જોડાણ થવાથી 74,૦૦૦ કૉમ્યૂન અમલમાં આવ્યાં હતાં. પણ 1958માં સરકારે અધિકૃત રીતે કૉમ્યૂન પ્રથા પ્રસ્થાપિત કરી ત્યારે ચીનમાં 5૦,૦૦૦ જેટલાં કૉમ્યૂન પ્રવર્તમાન હતાં. એક ઓરડાવાળાં રહેણાક ધરાવતાં કૉમ્યૂનની પ્રથા માત્ર યાંત્રિક નહિ પણ  પ્રાદેશિક રીતે સ્વનિર્ભર, વિકેન્દ્રિત અને દેશના ઘડતર માટે ઊભી કરવામાં આવી છે.

મૂળભૂત રીતે જોતાં કૉમ્યૂન સમાજવાદી રાજ્યનું સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય અને લશ્કરી સ્વાશ્રયી એકમ હતું. ચીનના તે વખતના સર્વોચ્ચ માઓ-ત્સે-તુંગના શબ્દોમાં કૉમ્યૂન ઉદ્યોગો, ખેતી, વેપાર અને લશ્કરી બાબતોને સમાવિષ્ટ કરે છે. કૉમ્યૂનમાં બધા વ્યવસાયોનો સમાવેશ થતો હોવાથી સહકારી ખેતી કરતાં તે અલગ સ્વરૂપ ધરાવતાં હતાં.

કૉમ્યૂન ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકી દૂર કરવાનું માધ્યમ હતું. દરેક કૉમ્યૂન પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન કરતું ખેત-ઉદ્યોગ સંકુલ હતું. મોટા પાયા ઉપર વિકેન્દ્રીકરણ વિકસે તેવો તેમાં પ્રયત્ન કરાયો છે. અને ગામડાંમાંથી બૌદ્ધિકો અને ટૅક્નિશિયનો શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત ના થાય તેનો તેમાં ખ્યાલ રખાય છે. કૉમ્યૂનમાં ખેડૂતો, મજૂરો કે સૈનિકો કે નોકરિયાત વર્ગ જેવા કોઈ જ ભેદભાવ હોતા નથી. 1949 પછી ચીનમાં આ પ્રકારનાં કૉમ્યૂનમાં વપરાશી ચીજવસ્તીઓનાં સુપર માર્કેટ, બગીચા, કારખાનાં, શાળાઓ, દવાખાનાં અને મનોરંજનના વિભાગો વિકસાવવામાં આવ્યાં હતાં. 1978થી ચીનમાં બજારલક્ષી આર્થિક સુધારાઓ અમલી બનતાં કૉમ્યૂનપ્રથાનો અંત આવ્યો છે.

અંબુભાઈ પટેલ

ખેતયાંત્રિકીકરણ

કેવળ માનવશ્રમ અને ચીલાચાલુ પુરાણાં સાધનોના ઉપયોગથી ખેતીમાં રહેતી ક્ષમતાનો પૂરો વિકાસ શક્ય નથી. આ માટે આધુનિક ટૅક્નૉલૉજી ખૂબ જરૂરી છે. યાંત્રિકીકરણ એ આધુનિક ટૅક્નૉલૉજીનો એક ભાગ છે. બાયૉલોજિકલ ટૅક્નૉલૉજીની સાથે યાંત્રિકીકરણની ટૅક્નૉલૉજી પણ ખૂબ જ જરૂરી અને કેટલીક વાર અનિવાર્ય પણ બની રહે છે. સામાન્ય રીતે સમગ્ર અર્થતંત્રની પ્રગતિ સાથે ખેતીમાં માનવશ્રમ અને પ્રાણીશ્રમ મોંઘાં બનવાનું વલણ દેખાય છે. જેના ફલસ્વરૂપ ખેતીનો ઝોક યાંત્રિકીકરણ તરફ રહે છે. બાયૉલૉજિકલ ટૅક્નૉલૉજીને કારણે ખેતીમાં શ્રમની માંગ વધતાં અને ઔદ્યોગિક વિકાસને કારણે સાધનોની છત વધતાં યાંત્રિકીકરણને વેગ મળે છે. ભારતમાં અપનાવાયેલ બાયૉલૉજિકલ અને યાંત્રિકીકરણની ટૅક્નૉલૉજીએ ખેતીમાં દૂરગામી અસરો ઊભી કરી છે.

ભારતમાં ખેતી પરત્વે રૉયલ કમિશને 1928માં કરેલાં સૂચનો પછી તરત જ યાંત્રિકીકરણની દિશામાં પ્રથમ પ્રયાસ થયો. 193૦ના દાયકામાં યુરોપ અને યુ.કે.માંથી આયાત કરેલાં સાધનો અને તેની ડિઝાઇનને આધારે ભારતની જરૂરિયાતના અનુસંધાનમાં આ સાધનોમાં યોગ્ય ફેરફારો કરવામાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી આ દિશામાં કાર્યને વધુ વેગ આપવામાં આવ્યો. આ કાર્ય માટે મુખ્યત્વે યાંત્રિકીકરણનાં વિવિધ સાધનોની ચકાસણી કરવાના પ્રયોગો અને તે માટે ત્યાં ખેડૂતોને તાલીમ આપવાનાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. સ્વતંત્રતા બાદ ભારતમાં આ દિશામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં કાર્ય થયું છે.

યાંત્રિકીકરણના પ્રકારો : યાંત્રિકીકરણના જુદા જુદા પ્રકાર નીચે મુજબ છે : (1) ખેતીમાં વપરાતા સ્રોતોનો પાયો વિસ્તૃત બનાવતું યાંત્રિકીકરણ : આ પ્રકારનાં યાંત્રિકીકરણને કારણે અસરકારક ભૌતિક સાધનોનો વધારો થાય છે. દા.ત., ટ્યૂબવેલ; જેને કારણે જમીનનો ત્રણેય મોસમમાં ઉપયોગ થઈ શકે છે.

(2) ભૌતિક સાધનોની કિંમત વધારતું યાંત્રિકીકરણ : દા.ત., ટ્રૅક્ટરથી જમીન સમતલ બનવાથી જમીનની કિંમત અને ઉપયોગિતામાં વધારો થાય છે.

(3) ખેતીની જુદી જુદી પદ્ધતિની કાર્યદક્ષતા વધારતું યાંત્રિકીકરણ : દા.ત., બિયારણની સાથે ખાતરનો ઉપયોગ શક્ય બનાવતું યંત્ર, જે બિયારણ અને ખાતરને યોગ્ય ઊંડાઈએ અને યોગ્ય અંતરે પાથરે છે; માનવશ્રમ પદ્ધતિથી તે શક્ય બનતું નથી. નૅશનલ પ્રૉડક્ટિવિટી કાઉન્સિલનો એક અભ્યાસ દર્શાવે છે કે પશુચાલિત બિયારણ મશીન સીડડ્રીલ અને ખાતર સાથેનું પ્લાન્ટર, બ્રૉડ્કાસ્ટ સીડિંગ(છાંટીને વાવેતર કરવાની પદ્ધતિ)ની સરખામણીમાં 12થી 4૦ ટકા ઉત્પાદકતા વધારે છે અને 3૦થી 4૦ ટકા સમયનો બચાવ કરે છે.

(4) મોટા પાયા પરનાં કામ એકસાથે શક્ય બનાવતાં યંત્રો : દા.ત., જંતુનાશક દવાઓનો હવાઈ છંટકાવ.

(5) શ્રમના પુરવઠાની અછત ઊભી થાય એવા સમયમાં શ્રમને બદલે વાપરવામાં આવતાં સાધન : દા.ત., થ્રેશર.

(6) અમુક સંજોગોમાં વિશિષ્ટ કામગીરી બજાવતાં યંત્રો : દા.ત., ડ્રાયર, જેના ઉપયોગથી વરસાદના સમયમાં પાકની લણણી કરી તરત જ સુકવણી શક્ય બને છે.

ભારતમાં ખેતીના ક્ષેત્રે વિવિધ સ્વરૂપે યાંત્રિકીકરણ વધી રહ્યું છે. એના એક પ્રમુખ નિર્દેશક તરીકે હેક્ટર દીઠ વપરાતી ઊર્જાનો આંક નોંધીએ. 1971–72માં હેક્ટર દીઠ ઊર્જાનો વપરાશ ૦.3 કિ.વો. (kw) હતો, જે વધીને 2૦૦3–૦4માં 1.4 કિ.વો. થયો હતો. હેક્ટર દીઠ પ્રયોજાતી ઊર્જામાં થયેલો વધારો ટ્રૅક્ટર, યાંત્રિક હળ (power tiller), સિંચાઈ માટેના પંપ અને બીજાં ઊર્જાથી ચાલતાં યંત્રોના વધારાનું પરિણામ છે. ખેતીના ક્ષેત્રે વપરાતી ઊર્જામાં યાંત્રિક અને વીજશક્તિનો હિસ્સો 1971–72માં 4૦ ટકા હતો, જે વધીને 2૦૦3–૦4માં 84 ટકા થયો હતો. ખેતીના ક્ષેત્રે જે ઝડપથી યંત્રોનો ઉપયોગ વધી રહ્યો છે તેનાં બે ઉદાહરણો નોંધીએ. 1999–2૦૦૦થી 2૦૦3–૦4ના સમયગાળામાં દેશમાં વાર્ષિક સરેરાશ 2,23,333ના દરે ટ્રૅક્ટરો વેચાયાં હતાં, જ્યારે એ જ સમયગાળામાં યાંત્રિક હળોનું વેચાણ વાર્ષિક સરેરાશ 13,6૦6ના દરે થયું હતું. ખેતીના યાંત્રિકીકરણની બાબતમાં રાજ્યવાર મોટા તફાવતો પ્રવર્તતા હોય તે અપેક્ષિત છે. દા.ત., ઉપર્યુક્ત સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં ટ્રૅક્ટરોનું વાર્ષિક સરેરાશ વેચાણ 58,1૦2 હતું, જે મધ્ય પ્રદેશમાં 27,744 હતું. એ જ સમયગાળામાં રાજસ્થાનમાં ટ્રૅક્ટરોનું વાર્ષિક સરેરાશ વેચાણ 17,817 હતું, ઓરિસામાં તે ફક્ત 3,278 હતું, જ્યારે ગુજરાતમાં તે 12,675 હતું. આવા જ મોટા તફાવતો યાંત્રિક હળની બાબતમાં જોવા મળ્યા છે. 1999–2૦૦૦થી 2૦૦3–૦4ના સમયગાળામાં યાંત્રિક હળોનું વાર્ષિક સરેરાશ વેચાણ આ પ્રમાણે હતું : ઉત્તરપ્રદેશ : 51૦7, પ. બંગાળ : 463૦, બિહાર : 23૦, ઓરિસા : 1૦37, ગુજરાત : 285 આમ દેશમાં ખેતીનું યાંત્રિકીકરણ વધી રહ્યું છે, પરંતુ દેશમાં હજી ખેતીના યાંત્રિકીકરણની માત્રા ઓછી છે. એનો એક જ નિર્દેશક નોંધીએ. ભારતમાં દર 1૦૦૦ હેક્ટરે ખેડાણ નીચેની જમીન દીઠ આઠ ટ્રૅક્ટરોનો ઉપયોગ થાય છે, જે સરેરાશ સમગ્ર દુનિયા માટે 19 ટ્રૅક્ટરની છે.

ખેતીમાં યાંત્રિકીકરણના પરિણામે ઉત્પાદન અને રોજગારી પર અસર થાય છે. ભારતમાં થયેલા સંશોધનને આધારે કહી શકાય કે યાંત્રિકીકરણની ઉત્પાદન પર વિધેયાત્મક અસરો પડી છે. રોજગારીની બાબતમાં સામાન્ય રીતે યાંત્રિકીકરણની વિપરીત અસર પડતી હોય છે; જોકે અમુક મર્યાદા સુધી આ અસરો નહિવત્ હોય છે, જ્યારે બીજી બાજુ યાંત્રિકીકરણથી અને બીજાં પરિબળોથી ખેતી વધુ સઘન બનવાને કારણે રોજગારી વધતી હોય છે. આ અંગે ભારતમાં થયેલા સંશોધન અનુસાર એમ કહી શકાય કે હજુ સુધી યાંત્રિકીકરણની રોજગારી પર કોઈ ખાસ વિપરીત અસરો થઈ નથી.

અંબુભાઈ પટેલ

સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ

(Drought Prone Area Programme)

જમીન કુદરતદત્ત પુન:સર્જન થઈ ન શકે તેવું ઉત્પાદનનું સાધન છે. ભારત વિશ્વની વસ્તીના 16 ટકા અને ભૂવિસ્તારના 2.4 ટકા ધરાવે છે. ઢોરની સંખ્યાના 18 ટકા અને ચરાણ વિસ્તારના માત્ર ૦.5 ટકા અહીં છે; તેથી ઉત્પન્ન થતાં દબાણોને કારણે, જમીનની ગુણવત્તા નીચે ઊતરતી જાય છે. એક અંદાજ મુજબ 173.64 મિલિયન હેક્ટર જમીન નિમ્ન કક્ષાની ગુણવત્તા (degradation) ધરાવે છે. ત્યાં વસતી પ્રજામાં ગરીબાઈનું પ્રમાણ પણ વધુ છે. આ જમીનની અન્ન, બળતણ ને ઘાસચારો આપવાની શક્તિ વધારવાનો ભારતની પંચવર્ષીય યોજનાઓમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અંગે લેવાયેલાં અનેક પગલાંઓ ને કાર્યક્રમોમાં સૂકા સંભાવ્ય વિસ્તાર યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ યોજનાની શરૂઆત ચોથી પંચવર્ષીય યોજનામાં ગ્રામ કૃષિ સુધારણા કાર્યક્રમ (rural works programme) દ્વારા થઈ હતી. ગ્રામીણ વિસ્તારમાંનાં વણવપરાયેલાં સાધનો તેમજ માનવશક્તિનો યોગ્ય ઉપયોગ કરવા માટે ગ્રા. કૃ. કા. (R.W.P.) અછત, વ્યવસ્થિત કાર્ય માટેના આયોજનનો અભાવ, તાલીમ પામેલા નિષ્ણાતોનો અભાવ  વગેરે પરિબળોને કારણે આ કાર્યક્રમ સફળ થઈ શક્યો નહિ. ઉપરાંત આ કાર્યક્રમને લીધે સૂકા વિસ્તારની અછતની પરિસ્થિતિ દૂર ન થવાને કારણે આવા વિસ્તાર માટે ખાસ કાર્યક્રમ કરવાની જરૂર ઊભી થઈ અને તેના પરિણામ સ્વરૂપે 197૦–71માં સૂકા સંભાવ્ય વિસ્તાર અંગેનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો.

આ કાર્યક્રમની શરૂઆત એવા વિસ્તારમાં કરવામાં આવી છે કે જ્યાં સતત દુષ્કાળ જેવી પરિસ્થિતિનું પ્રવર્તન હોય તેમજ જ્યાં બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ તીવ્ર હોય. મૂળભૂત રીતે આ વિસ્તારો જ ગ્રામ કૃષિ સુધારણા કાર્યક્રમ (R.W.P.) માટે પસંદ કરવામાં આવેલા હતા. આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારે તેમાં 74 જિલ્લા અને 13 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચોથી પંચવર્ષીય યોજનામાં આ કાર્યક્રમ માટે રૂ. 1૦૦ કરોડ ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું. રૂ. 1 કરોડના ખર્ચ દીઠ 25,૦૦૦થી 3૦,૦૦૦ લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાની સિંચાઈ યોજનાઓ, જમીનસંરક્ષણ, વનીકરણ યોજનાઓ, રસ્તાકામ અને ગોચર વિકાસ જેવા શ્રમપ્રચુર પ્રકલ્પોને સ્થાન આપવામાં આવ્યું.

હેતુઓ : ભારતમાં આ કાર્યક્રમ સામાન્ય રીતે ઓછી સિંચાઈવાળા વિસ્તારમાં અથવા અલ્પવિકસિત અથવા વરસાદનું અનિયમિત પ્રમાણ ધરાવતા વિસ્તારમાં અમલી બનાવાય છે. અતિ દુષ્કાળના સમયમાં લોકોને રોજગારી આપવી એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉપરાંત કેટલાક અન્ય ઉદ્દેશો નીચે મુજબ છે :

1. દુષ્કાળની તીવ્રતાની અસરમાં ઘટાડો કરવો.

2. સમાજના નબળા વર્ગના લોકોની આવક સ્થિર કરવી.

3. પર્યાવરણની સમતુલાનું પુન:સ્થાપન કરવું. આ સાથે નીચેના કેટલાક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

(1) ઉપલબ્ધ પાણીના યોગ્ય વિતરણની વ્યવસ્થા કરવી,

(2) ખરાબ અને ભેજવાળી જમીનની યોગ્ય જાળવણી કરવી,

(3) વનીકરણ,

(4) પાકપદ્ધતિની સુધારણા અને ગૌચરનો વિકાસ કરવો.

(5) પશુપાલન અને ડેરી ઉદ્યોગોનો વિકાસ,

(6) ખેતીવાડી અંગેની તાલીમમાં યોગ્ય અને જરૂરી ફેરફાર કરવો તથા

(7) નાના ખેડૂતો, સીમાન્ત ખેડૂતો અને ખેતમજૂરોની આર્થિક પ્રગતિ સાધવી.

યોજનાનો ફેલાવો : ભારતમાં આ કાર્યક્રમ 615 બ્લૉક, 74 જિલ્લાઓમાં અને 13 રાજ્યોમાં અમલમાં મુકાયો હતો. આ કાર્યક્રમમાં દેશના જુદાં જુદાં રાજ્યોમાં કુલ 74 જિલ્લાઓનો સમાવેશ નીચે મુજબ હતો :

રાજ્ય આવરી લેવાયેલા જિલ્લાની સંખ્યા
1. આંધ્રપ્રદેશ – 7
2. બિહાર – 4
 3. ગુજરાત – 1૦
 4. હરિયાણા – 3
 5. જમ્મુ અને કાશ્મીર – 2
 6. કર્ણાટક – 1૦
 7. મધ્યપ્રદેશ – 6
 8. મહારાષ્ટ્ર – 6
 9. ઓરિસા – 2
1૦. રાજસ્થાન – 13
11. તામિલનાડુ – 2
12. ઉત્તરપ્રદેશ – 6
13. પ. બંગાળ – 3

ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન આ કાર્યક્રમ કેન્દ્રીય સ્તરે ચાલતી યોજના હતી અને 1૦૦ ટકા નાણાકીય સુવિધા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તે 5૦ : 5૦ના પ્રમાણમાં ચાલુ કરવામાં આવી. આ યોજના પાછળ માર્ચ 199૦ સુધી કુલ રૂ. 426 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું છે.

છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં આ કાર્યક્રમ માટે રૂ. 35૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ખરેખર ખર્ચ રૂ. 31૦ કરોડ કરવામાં આવ્યું હતું, તેમજ દરેક બ્લૉક દીઠ દર વર્ષે રૂ. 15 લાખ ખર્ચવાનો અંદાજ હતો.

છઠ્ઠી યોજના દરમિયાન આ કાર્યક્રમ હેઠળ નિયત કરેલાં કાર્યો કરવામાં આવ્યાં. સાતમી યોજનામાં પણ બધા જ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવ્યા હતા, તેમ છતાં દરેક કાર્યક્રમમાં સાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. હાલમાં આ કાર્યક્રમ સંકલિત ગ્રામવિકાસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો છે. એટલે કે જ્યાં જ્યાં આ કાર્યક્રમ અમલમાં છે ત્યાં બીજા કાર્યક્રમો સાથે આનું સંકલન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સિંચાઈના ઉપયોગમાં વ્યવસ્થિત સંચાલન થાય, પાકની તરાહ યોગ્ય દિશામાં બદલી શકાય અને પશુપાલન અંગેનાં પ્રોત્સાહક સાધનોનો વિકાસ થાય તે અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારાયું છે.

છઠ્ઠી યોજના દરમિયાન આ કાર્યક્રમમાં જમીનસુધારણા અને તે યોજનાના ઉપયોગ માટે વિશ્વ બૅન્ક દ્વારા 35૦ લાખ અમેરિકન ડૉલરની સહાય પ્રાપ્ત થયેલી અને તેમાં છ પ્રકલ્પો (1) રાજસ્થાન, (2) મહારાષ્ટ્ર, (3) આંધ્રપ્રદેશ અને (4) કર્ણાટક  એ ચાર રાજ્યોમાં અમલી બન્યાં.

આ યોજનાની કાર્યચકાસણી માટે ભારત સરકારે જૂન, 198૦માં ‘ડિસિપ્લિનરી ટાસ્ક ફોર્સ’ની સ્થાપના કરી હતી. આ એકમે તેનો અહેવાલ જુલાઈ, 1982માં સુપરત કર્યો હતો. આ અહેવાલમાં ગ્રામીણ વિકાસ યોજનાના વિસ્તરણ અને કામગીરીમાં અવરોધક બનતી મુખ્ય ખામીઓ વિશે અને તેના નિવારણ માટેની મહત્વની ભલામણો, સલાહસૂચનો કરવા તથા કાર્યક્રમને આકર્ષક અને અસરકારક બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

યોજના પંચના કાર્યક્રમ મૂલ્યાંકન તંત્રે નોંધ્યું હતું કે સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ(D.P.A.P.)ના એક પણ બ્લૉકમાં અનાવૃષ્ટિ સામે પર્યાપ્ત રક્ષણ અપાયું હોય તેવી સાબિતી નથી. વૈજ્ઞાનિક માહિતી, ધોરિયાકેંદ્રી વધુ કાર્યક્ષમ આયોજન, જુદી જુદી પ્રવૃત્તિ માટે ખર્ચનાં વિગતવાર ધોરણોનો નિર્ણય વગેરે સાથે સુસંકલિત પ્રયત્ન જરૂરી છે એમ તેણે નોંધ્યું હતું. જિલ્લા ને ધોરિયાકક્ષાના અધિકારીઓને યોજના તૈયાર કરવાની ને જનતામાં તે અંગેની સભાનતા કેળવવાની તાલીમ પર તેણે ભાર મૂક્યો હતો. કૃષિસંશોધનની સંસ્થાઓ ને કાર્યક્રમનો અમલ કરનાર તંત્ર વચ્ચે અસરકારક સંપર્કો સ્થાપવાની જરૂર તેણે દર્શાવી હતી. કાર્યક્રમના આયોજન ને અમલમાં સ્થાનિક પ્રજાની સામેલગીરી પર પણ તેમણે જોર દીધું હતું.

1973–74માં, જમીન ને ભેજના સંરક્ષણ માટે, સિંચાઈની સગવડ ન ધરાવતા વિસ્તારોમાં આરંભાયેલ આ કાર્યક્રમ દસમી પંચવર્ષીય યોજનાના આરંભે 16 રાજ્યોમાં પથરાયેલ 971 બ્લૉકમાં અમલમાં હતો. પ્રગતિની વિગતો નીચે મુજબ છે :

1. કાર્યક્રમના આરંભનું વર્ષ : 1973–74

2. આઠમી યોજના સુધીમાં આવરી લેવાયેલ વિસ્તાર (લાખ હેક્ટર) : 68.6૦

3. આઠમી યોજના સુધીમાં કુલ રોકાણ (કરોડ રૂ.) : 1,1૦9.95

4. નવમી યોજનાનાં પ્રથમ ચાર વર્ષમાં આવરી લેવાયેલ વિસ્તાર (લાખ હેક્ટર) : 44.94

5. નવમી યોજનાનાં પ્રથમ ચાર વર્ષમાં કુલ રોકાણ (કરોડ રૂ.) : 657.31

દસમી યોજનામાં આ કાર્યક્રમ હેઠળ રૂ. 15૦૦ કરોડના યોજનાકીય ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

અંબુભાઈ પટેલ

બદરીપ્રસાદ મ. ભટ્ટ

બિયારણ

ખેતીના ક્ષેત્રના આધુનિકીકરણમાં બિયારણની ટૅક્નૉલૉજી મૂળભૂત છે. આ ક્ષેત્રે જેમ જેમ નવા પાકોની અને આ પાકોની નવી નવી જાતોની શોધ થઈ અને વાવેતર થવા માંડ્યું, તેમ તેમ વધુ ને વધુ પ્રગતિ થઈ છે. સાથે જનનવિદ્યા(genetics)નો ઉપયોગ જુદા જુદા પાકોમાં કરીને નવી જાતોનું સંશોધન થયું. વખત જતાં પસંદગી, સંકરણ અને રંગસૂત્રોના ફેરફારથી વિવિધ પાકોમાં સ્થાનિક જાતો કરતાં ચડિયાતી નવી જાતો શોધવામાં આવી. સાથે ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં, રોગ અને જીવાણુથી મુક્ત, પ્રમાણસર સ્ફુરણશક્તિ ધરાવતાં અને આનુવંશિક શુક્રવાળાં બિયારણો ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગ્યાં. બિયારણક્ષેત્રે ઊભી થયેલી નવી ટૅક્નૉલૉજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન બારલોગનું નામ જાણીતું છે, જ્યારે ભારતમાં આ ક્ષેત્રે જાણીતા કૃષિનિષ્ણાત ડૉ. એમ. એસ. સ્વામિનાથનનો ફાળો ખૂબ જ આગળ પડતો છે.

ભારતમાં પ્રથમ બે પંચવર્ષીય યોજનામાં સુધારેલાં બિયારણોની ઉપલબ્ધિ અને તેમના વિકાસ પર ભાર મૂકવામાં આવેલો. પરંતુ બીજઉત્પાદન અને વિતરણની વ્યવસ્થિત અને પદ્ધતિસર કામગીરી ત્રીજી યોજનામાં અમલમાં મૂકવામાં આવી. 1957માં ભારત સરકારે રૉકફેલર ફાઉન્ડેશનના સહકારથી અખિલ ભારતીય મકાઈ સુધારણા સંકલિત કાર્યક્રમ શરૂ કર્યો અને ત્યારબાદ બીજા પાકો માટે પણ આવા કાર્યક્રમ શરૂ થયા. 1963માં રાષ્ટ્રીય બીજ નિગમ(National seed corporation)ની સ્થાપના કરવામાં આવી અને આ નિગમે સંકર પાકોના અને શાકભાજી પાકોના બીજઉત્પાદનની કામગીરી હાથ પર લીધી. 1965માં આ નિગમને ફાઉન્ડેશન બીજના ઉત્પાદનની કામગીરી તથા બિયારણની ગુણવત્તાની કામગીરી સોંપવામાં આવી. જુદાં જુદાં રાજ્યોમાં પણ આ કામગીરીનો પ્રસાર થયો. 1966માં બિયારણ અધિનિયમ પસાર કરી ભારત સરકારે ઑક્ટોબર 1969થી દરેક રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનો અમલ શરૂ કર્યો.

ભારતમાં ઊંચું ઉત્પાદન આપતી જાતોનો વ્યવસ્થિત વિકાસ ત્રીજી પંચવર્ષીય યોજનાના અંત પછી શરૂ થયો અને તેના કારણે ભારતની ખેતીના વિકાસના સમયને બે ભાગમાં વહેંચવામાં આવે છે : 195૦–51થી 1965–66 સુધીનો સમય અને 1966–67 પછીનો સમય. પ્રથમ સમય નવી ટૅક્નૉલૉજી પૂર્વેના અને બીજો નવી ટૅક્નૉલૉજીના સમય તરીકે જાણીતો છે.

ધાન્યની બાબતમાં ઊંચું ઉત્પાદન આપતી બિયારણની જાતોના વાવેતરમાં થયેલી પ્રગતિની વિગતો સારણી 1માં જોવા મળશે. સમગ્ર ભારતમાં 1966–67ના પ્રથમ વર્ષમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈના પાકોમાં થઈને કુલ 1886 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે આંક ઉત્તરોત્તર વધીને 1997–98માં 76,1૦૦ હજાર હેક્ટર થયો હતો. 1966–67માં આ ધાન્યના કુલ વાવેતરમાં 2.26 ટકા વિસ્તારમાં ઊંચું ઉત્પાદન આપતા બિયારણનું વાવેતર થયું હતું. જે આંક 1997–98માં 75 % થયો. આમ ધાન્યની બાબતમાં ઊંચું ઉત્પાદન આપતી જાતોનો ખૂબ વિશાળ પ્રમાણમાં ઉપયોગ થયો છે. વ્યક્તિગત ધાન્યમાં થયેલ પ્રગતિ જોઈએ તો ચોખા, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈમાં જે તે પાકના વિસ્તારના અનુક્રમે 74 ટકા, 86 ટકા, 82 ટકા, 72 ટકા અને 57 ટકા વિસ્તાર નોંધાયો છે. ઊંચું ઉત્પાદન આપતા બિયારણના પાકોમાં સૌથી વધુ સફળતા ઘઉંની બાબતમાં પ્રાપ્ત થઈ છે અને ત્યારબાદ ચોખાનો ક્રમ આવે છે. જુવાર, બાજરી અને મકાઈની બાબતમાં હજુ આ જાતનું વાવેતર 5૦ ટકા સુધી પણ પહોંચ્યું નથી.

સારણી 1

ભારતમાં 1966–67થી 199૦–91નાં વર્ષ દરમિયાન પાંચ મુખ્ય ધાન્યની બાબતમાં ઊંચું ઉત્પાદન આપતા બિયારણ હેઠળના વિસ્તારની પ્રગતિ

વર્ષ કુલ વિસ્તાર ’૦૦૦ હેક્ટરમાં
1966–67 1,886
1981–82 46,491
1997–98 76,1૦૦

રાજ્ય રાજ્ય વચ્ચે અસમાન પ્રગતિ(સારણી 2)નાં કારણોમાં સિંચાઈની સગવડોમાં રહેલી અસમાનતા અને પાકની તરેહમાં રહેલી અસમાનતા મુખ્ય છે.

ધાન્ય પાક ઉપરાંત ભારતમાં કપાસના પાકમાં ખૂબ સારું સંશોધન થયું છે અને કપાસ પકવતા દરેક રાજ્યમાં ઊંચું ઉત્પાદન આપતી જાતોના વાવેતરમાં સારો વિકાસ થયો છે. તમાકુ વગેરે પાકોમાં પણ સંશોધન સારું થયું છે. તેલીબિયાંનાં પાકોમાં મુખ્ય એવા મગફળીના પાકમાં હજુ જોઈએ તેવું બિયારણ પ્રાપ્ત થયું નથી.

બિયારણોની બાબતમાં મુખ્ય અને પાયાનો પ્રશ્ન ગુણવત્તાનો છે. ઘણા પાકની બાબતમાં ગુણવત્તાવાળું બિયારણ પ્રાપ્ત થતું નથી. જોખમ, અનિશ્ચિતતા અને યોગ્ય જંતુનાશક દવાઓના પ્રશ્નો પણ ઘણા મોટા છે. વળી સિંચાઈની સગવડોનો પ્રશ્ન પણ અગત્યનો છે.

અંબુભાઈ પટેલ

સિંચાઈ

સારણી 2

ભારતનાં મુખ્ય રાજ્યોમાં 1989–9૦ દરમિયાન પાંચ મુખ્ય ધાન્યની બાબતમાં ઊંચું ઉત્પાદન આપતા બિયારણ હેઠળના વિસ્તારની ટકાવારી

મુખ્ય રાજ્યો ટકાવારી
આસામ 48.5૦
બિહાર 49.3૦
ઓરિસા 47.39
પશ્ચિમ બંગાળ 51.71
હરિયાણા 78.75
હિમાચલ પ્રદેશ 66.87
જમ્મુ અને કાશ્મીર 7૦.57
પંજાબ 95.45
ઉત્તરપ્રદેશ 74.32
આંધ્ર પ્રદેશ 73.19
કર્ણાટક 49.22
કેરળ 27.55
તામિલનાડુ 87.69
ગુજરાત
મધ્યપ્રદેશ 49.83
મહારાષ્ટ્ર 63.31
રાજસ્થાન 32.98
સમગ્ર ભારત 6૦.84

સિંચાઈ કૃષિક્ષેત્રના વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. ખેતીમાં જુદા જુદા પાકમાં વધુ ઉત્પાદકતા ધરાવતા પ્રદેશો તથા દેશોની ખેતી મુખ્યત્વે સિંચાઈ પર જ આધારિત છે. ખેતી માટે જરૂરી પાણી મેળવવાનાં બે ઉદભવસ્થાનો છે : (1) કુદરતી રીતે પ્રાપ્ત થતાં પાણીનું પાકમાં આપમેળે સિંચન એટલે કે વરસાદ દ્વારા સિંચન અને (2) સિંચાઈની સગવડો ઊભી કરીને તે દ્વારા પાકને પાણી પૂરું પાડવું તે. પ્રથમ ઉદભવસ્થાન એટલે કે વરસાદ સારાય વર્ષ દરમિયાન આવતો હોય તોપણ તેમાં રહેલી અનિયમિતતાને કારણે સિંચાઈ આવશ્યક અંગ બની રહે છે. તેમાં પણ જ્યાં વરસાદ વર્ષ દરમિયાન અમુક મોસમમાં જ આવતો હોય ત્યાં તો સિંચાઈ ખૂબ જ આવશ્યક બની રહે છે. અપૂરતા વરસાદવાળા તથા તેની બિલકુલ અછતવાળા પ્રદેશોમાં સિંચાઈ વગર ખેતીનો વિકાસ બિલકુલ અશક્ય છે. સિંચાઈની મર્યાદાને કારણે સૂકી ખેતીના વિકાસ માટે ઘણા સમયથી પ્રયોગો ચાલુ છે. હજુ સુધી આવા પ્રયોગોમાં મર્યાદિત સફળતા પ્રાપ્ત થઈ છે. આમ સિંચાઈ એ ખેતવિકાસનું અનિવાર્ય સાધન બની રહ્યું છે.

સિંચાઈનું પ્રદાન : સિંચાઈને કારણે નીચેના લાભો શક્ય બને છે : (1) વર્ષ દરમિયાન બે કે વધુ પાકનું એક જ જમીનમાં ઉત્પાદન; (2) રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનો વધુ અને કાર્યક્ષમ ઉપયોગ; (3) બિયારણની નવી સુધારેલી તથા સંકર જાતોનું વધુ વાવેતર; (4) ખેતીમાં વધુ રોજગારી અને (5) પશુપાલન માટે વધુ ઘાસચારાની ઉપલબ્ધિ.

ભારતમાં સિંચાઈ : ભારતમાં સિંચાઈનું મહત્વ દર્શાવવા તેની વરસાદની પરિસ્થિતિ તરફ લક્ષ્ય આપવું જરૂરી છે. ભૌગોલિક ર્દષ્ટિએ વિશાળ એવા ભારત દેશમાં વરસાદની પરિસ્થિતિ સમાન ન હોય તે સ્વાભાવિક છે. વરસાદના પ્રમાણની ર્દષ્ટિએ ભારતના ત્રણ વિભિન્ન વિભાગો પાડી શકાય : (1) 115૦ મિમી.થી. વધુ વરસાદ ધરાવતા પ્રદેશો; (2) 75૦ મિમી.થી 115૦ મિમી. વરસાદ ધરાવતા પ્રદેશો; તથા (3) 75૦ મિમી.થી ઓછો વરસાદ ધરાવતા પ્રદેશો. આમાં પ્રથમને વધુ વરસાદવાળા પ્રદેશો, બીજાને મધ્યમ વરસાદવાળા પ્રદેશો અને ત્રીજાને ઓછા વરસાદવાળા પ્રદેશો પણ કહી શકાય. આ ર્દષ્ટિએ જોતાં ભારતમાં પાક હેઠળના ચોખ્ખા વિસ્તારના 3૦ ટકા જેટલી જમીનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. 36 ટકા જમીનમાં આ પ્રમાણ મધ્યમ છે અને બાકીની 34 ટકા જમીનમાં આ પ્રમાણ ઓછું છે. આમ વિસ્તારની ર્દષ્ટિએ વરસાદની વહેંચણી અસમાન છે. ઉપરાંત વર્ષોવર્ષ તેનું પ્રમાણ એકસરખું નથી હોતું. તેમાં રહેલી વધઘટ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. આ સાથે વરસાદની મોસમ દરમિયાન પણ આ પ્રમાણ ખૂબ વધઘટવાળું જોવા મળે છે. સમગ્ર ભારતમાં પ્રવર્તમાન વરસાદની અસમાન વહેંચણીની પરિસ્થિતિનું પુનરાવર્તન મોટા ભાગનાં રાજ્યોમાં પણ થયું છે. ઉપરાંત આ વહેંચણી મોસમમાં અને વર્ષોવર્ષ અસમાન રહેવા પામી છે. આને કારણે સામાન્ય રીતે ભારતમાં ત્રણ-ચાર વર્ષે એકાદ વર્ષ દુષ્કાળ જોવા મળે છે. અમુક વિસ્તારોમાં તો સતત ત્રણ વર્ષ દુષ્કાળ જોવા મળ્યા છે. ટૂંકમાં, ભારતમાં અપૂરતા, અસમાન અને અનિયમિત વરસાદની પરિસ્થિતિને કારણે સિંચાઈ ખૂબ મહત્વની બની રહે તે સ્વાભાવિક છે.

સિંચાઈની ક્ષમતા : એક અભ્યાસ પ્રમાણે વરસાદને કારણે પ્રાપ્ત થતો પાણીનો વાર્ષિક જથ્થો. વર્ષ દરમિયાન વહી જતાં નદીઓનાં પાણીનો જથ્થો અને ભૂગર્ભમાં રહેલો પાણીનો જથ્થો વગેરેની ભેગી ગણતરી કરવામાં આવે તો દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં પાણીની પ્રાપ્તિ ઘણી સારી છે. ભારતમાં વરસાદને કારણે થતી પાણીની પ્રાપ્તિ 125૦ મિમી. છે, જે દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધુ છે. એક અંદાજ પ્રમાણે કુલ 4૦૦ મિલિયન હેક્ટર મીટર જેટલું પાણી વરસાદને કારણે પ્રાપ્ત થાય છે, તેમાંથી 7૦ મિ.હે.મી. પાણીનું હવામાં બાષ્પીભવન થાય છે. 115 મિ.હે.મી. પાણી જમીનની સપાટી પરથી દરિયામાં વહી જાય છે અને બાકીનું 215 મિ.હે.મી. જમીનમાં શોષાય છે. નદીઓમાં પ્રાપ્ત થતો પાણીનો પ્રવાહ 18૦ મિ.હે.મી. જેટલો છે, જેમાંથી 7૦ મિ.હે.મી.નો ઉપયોગ કરી શકાય એવો અંદાજ છે. ટૂંકમાં ભારતમાં પાણીની પ્રાપ્તિ ઘણી છે પરંતુ સ્થળ અને સમયની ર્દષ્ટિએ તેની વહેંચણી અસમાન હોવાથી માત્ર તેના ઉપર જ આધાર રાખી શકાતો નથી.

આના અનુસંધાનમાં ભારતમાં સિંચાઈની ક્ષમતા કેટલી છે તે જાણવું અગત્યનું છે. આ દેશમાં કુલ 113 મિલિયન હેક્ટરને પાણી આપી શકાય તેમ છે, જેમાં નાની સિંચાઈ યોજનાઓ દ્વારા 58 મિલિયન હેક્ટર અને મધ્યમ તથા મોટી સિંચાઈ યોજનાઓ દ્વારા 55 મિલિયન હેક્ટરને પાણી આપી શકાય તેમ છે. આમ, દેશમાં સંભવિત કુલ સિંચાઈક્ષમતામાં નાની સિંચાઈયોજનાઓનો હિસ્સો 51.32 ટકા અંદાજવામાં આવ્યો છે, જે મોટી સિંચાઈયોજનાઓની અંદાજિત ક્ષમતા કરતાં થોડો વધારે છે.

દેશમાં 2૦૦2–૦3ના વર્ષમાં વાવેતર નીચેનો ચોખ્ખો 5.31 કરોડ હેક્ટર જેટલો વિસ્તાર (total net irrigated area) સિંચાઈ નીચે હતો. તેમાં મોટી-મધ્યમ સિંચાઈયોજના નીચેનો વિસ્તાર 28 ટકા જેટલો હતો, જ્યારે બાકીના 72 ટકા જેટલો વિસ્તાર નાની સિંચાઈયોજના નીચે હતો.

દેશમાં સિંચાઈ નીચેના કુલ વાવેતરના ચોખ્ખા વિસ્તારમાં રાજ્યવાર મોટા તફાવતો હોય તે અપેક્ષિત છે. ઉત્તર પ્રદેશમાં દેશનો સિંચાઈ નીચેનો 23 ટકા વિસ્તાર આવેલો છે, જ્યારે મધ્ય પ્રદેશમાં દેશનો સિંચાઈ નીચેનો આઠ ટકા વિસ્તાર આવેલો છે. દેશના સિંચાઈ નીચેના વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો 5.6 ટકા છે.

સિંચાઈ ક્ષેત્રની એકંદર પ્રગતિ તપાસીએ. 197૦–71માં વાવેતર નીચેનો 22.17 ટકા વિસ્તાર સિંચાઈ નીચે હતો, જે પ્રમાણ વધીને 2૦૦2–૦3માં 4૦ ટકા થયું.

પ્રાચીન ભારતમાં પણ સિંચાઈની સગવડ પર ભાર મુકાયો હતો, જેનું પ્રમાણ મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. સાથે સાથે તે સમયમાં સિંચાઈની કેટલીક સગવડો અસ્તિત્વ ધરાવતી હતી. જોકે સિંચાઈનાં પ્રાપ્ત સાધનો ઘણાં સીમિત હતાં અને તેમની કાર્યશક્તિ પણ સીમિત હતી, જેને પરિણામે સિંચાઈની સગવડો વધારવાનો વ્યવસ્થિત પ્રયાસ 1943 પછી થયો એમ કહી શકાય. 1943ના વર્ષમાં બંગાળમાં ભયંકર દુષ્કાળે ભારતમાં વખતોવખત આવતા દુષ્કાળોને રોકવાનાં તથા અનાજના ઉત્પાદનમાં વધારો કરવાનાં પગલાં લેવાની દિશામાં એક પ્રકારની ખાસ જાગૃતિ આણી. આના ફળસ્વરૂપે 1944માં ‘વધુ અનાજ ઉગાડો’ની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશમાં સિંચાઈની નાની યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો. આમ, આ દેશમાં સિંચાઈની યોજનાના મહત્વનો સૌપ્રથમ સ્વીકાર થયો. આ પહેલાં રાજ્ય તરફથી સિંચાઈની કેટલીક યોજનાઓ કરવામાં આવેલી ખરી, પરંતુ તેના મહત્વનો સ્વીકાર તો ‘વધુ અનાજ ઉગાડો’ની ઝુંબેશથી જ થયો. સ્વતંત્રતા બાદ વ્યવસ્થિત આયોજન શરૂ થયું અને તેમાં સિંચાઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

ભારતમાં 195૦–51થી 1986–87 દરમિયાન સિંચાઈક્ષેત્રે થયેલી પ્રગતિનો ખ્યાલ નીચે આપવામાં આવ્યો છે :

નાની, મધ્યમ અને મોટી સિંચાઈ યોજનાનો હિસ્સો : દરેક પંચવર્ષીય યોજનામાં નાની તથા મધ્યમ અને મોટા કદની યોજનાનો હિસ્સો બદલાતો રહ્યો છે. સિંચાઈની સમગ્ર યોજનામાં મધ્યમ અને મોટા કદની યોજનાઓનો હિસ્સો પ્રથમ, દ્વિતીય, પાંચમી અને છઠ્ઠી યોજનાનાં 5૦ ટકા કરતાં વધુ હતો, જ્યારે બાકીની યોજનાઓમાં નાની યોજનાઓનો હિસ્સો 5૦ ટકા કરતાં વધુ હતો. લક્ષ્યાંક અને સિદ્ધિની સરખામણી કરીએ તો સિંચાઈની નાની યોજનાની બાબતમાં, બધી યોજનામાં લક્ષ્યાંક સિદ્ધ થયાં છે. પરંતુ મધ્યમ અને મોટા કદની યોજનાની બાબતમાં લક્ષ્યાંક પૂરેપૂરા સિદ્ધ થયા નથી. કેટલીક વાર તો લક્ષ્યાંકના 5૦ ટકા જેટલી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

નાણાકીય ખર્ચ : પ્રથમ યોજનામાં જાહેર ક્ષેત્રના રોકાણના 19 ટકા જેટલો ખર્ચ સિંચાઈ પાછળ કર્યો, જ્યારે બાકીની યોજનામાં સિંચાઈની યોજના પાછળ જાહેર ક્ષેત્રના રોકાણના 1૦થી 13 ટકા ખર્ચ થયેલ છે. ખર્ચ અને લક્ષ્યાંકના આધારે થયેલી ગણતરી દર્શાવે છે કે વધુ એક હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ લાવવાનો ખર્ચ ઉત્તરોત્તર વધ્યો છે. પ્રથમ યોજનામાં આ ખર્ચ રૂ. 1,52૦ હતો, જે વધીને છઠ્ઠી યોજનામાં રૂ. 21,675 થયો અને સાતમી યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 26,875 છે. સિમેન્ટ, લોખંડ, મજૂરી વગેરેના વધતા જતા ભાવ અને સમય જતાં વધુ ગૂંચવણવાળી યોજનાઓ હાથ ધરવાને કારણે આ ખર્ચ ઉત્તરોત્તર વધતો ગયો છે.

અંબુભાઈ પટેલ

રાસાયણિક ખાતર

‘ખેડ, ખાતર અને પાણી ફળદ્રૂપતાને લાવે તાણી’ એ કહેવત જૂની છે, પણ હંમેશ માટે સત્ય છે. ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાના ઉપાયોમાં ખાતર અને પાણી મહત્વનાં સાધનો છે. જમીનની અછતવાળા પ્રદેશમાં ખાતરનું મહત્વ ખૂબ વધી જાય છે. ભારતમાં ખેડૂત દીઠ સરેરાશ ખેડવાણ જમીન ઉત્તરોત્તર ઘટતી જાય છે, જે નીચેની સારણી 1 પરથી સ્પષ્ટ થાય છે :

સારણી  1

માથાદીઠ ખેડ જમીનની પ્રાપ્યતા
વર્ષ જમીનનું પ્રમાણ (હેક્ટરમાં)
197૦–71 2.3૦
1985–86 1.69
1995–96 1.41

જુદા જુદા પાકના વિકાસ માટે જરૂરી તત્ત્વો પૂરાં પાડવા માટે રાસાયણિક ખાતર ખૂબ જ મહત્વનું છે. જુદા જુદા પાકમાં વધુ ઉત્પાદકતા પ્રાપ્ત કરતા દેશો રાસાયણિક ખાતરનો ખૂબ જ ઊંચા પ્રમાણમાં વપરાશ કરે છે. નીચેની સારણી 2 પરથી આનો સહેજ ખ્યાલ આવશે.

સારણી 2

પસંદ કરેલા કેટલાક દેશોમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ અને કેટલાક પાકોની ઉત્પાદકતા (1984–85)

દેશ ખેતીની જમીનમાં હેક્ટર દીઠ ખાતરનો વપરાશ (કિલોગ્રામમાં) હેક્ટર દીઠ (કિલોગ્રામમાં) ઉત્પાદકતા
ચોખા  મકાઈ શેરડી
ઇજિપ્ત 364 5479 4424 7,978
ચીન 181 5346 2546 7૦,૦૦6
યુ.એસ. 1૦4 6૦95 74૦6 82,૦36
યુ.એસ.એસ.આર. 99 3898 29૦6
ભારત 39 2179 12૦7 59,845

આ આંકડા પરથી ફલિત થાય છે કે ભારતમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો છે અને તે સાથે ઉત્પાદકતા પણ ઓછી છે. ભારતમાં રાસાયણિક ખાતરના વપરાશના ઇતિહાસને બે ભાગમાં વહેંચી શકાય છે : (1) 1947 સુધીનો સમય અને (2) 1947 પછીનો સમય.

(1) 1947 પહેલાંના સમયમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘણો ઓછો હતો. 192૦ પછી ભારતમાં ચાના બગીચા શરૂ થયા અને આયાત કરેલા ઍમોનિયમ સલ્ફેટનો વપરાશ શરૂ થયો. 193૦ પછીના દાયકામાં શેરડીમાં અને કંઈક અંશે ડાંગરમાં આ વપરાશ શરૂ થયો.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે અરસામાં ભારતમાં 15થી 18 હજાર ટન નાઇટ્રોજન, 1થી 1.5 હજાર ટન ફૉસ્ફરસ અને લગભગ એક હજાર ટન પોટાશનો વપરાશ હતો. તેમાંથી 3થી 4 હજાર ટન નાઇટ્રોજન દેશમાં ઉત્પન્ન થયેલો. બાકીનો જથ્થો આયાત કરવામાં આવેલો હતો. 1942 પછી યુદ્ધની પરિસ્થિતિને કારણે અને 1943ના બંગાળના ભયંકર દુષ્કાળને કારણે દેશમાં અનાજનું ઉત્પાદન વધારવાની જરૂરિયાત સમજાઈ અને ખાતરના વધુ ઉપયોગ પર ભાર મુકાયો. આ સમયે ‘વધુ અનાજ ઉગાડો’ની ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ જ અરસામાં સરકારે નીમેલા ‘ફૅમિન ઇન્ક્વાયરી કમિશને’ પણ રાસાયણિક ખાતર અને દેશી ખાતરના ઉપયોગ પર ભાર મૂક્યો. આ જ ગાળામાં 1943માં નિમાયેલ ફૂડગ્રેન પૉલિસી કમિટીના સૂચન મુજબ ઍમોનિયા સલ્ફેટના ઉત્પાદન માટે સરકારી માલિકીની ફૅક્ટરી સ્થાપવાનો સ્વીકાર કર્યો. 1946માં 73 હજાર ટન નાઇટ્રોજનની ઉત્પાદનશક્તિ ધરાવતું એક કારખાનું સિંદરી ખાતે બિહારમાં અને લગભગ 15 હજાર ટન નાઇટ્રોજન ઉત્પન્ન કરે તેવું બીજું કારખાનું ઉલુર ખાતે ત્રાવણકોર–કોચીનમાં શરૂ કરવામાં આવ્યું.

(2) 1947 પછીનો સમય : ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સ્વતંત્ર નીતિના અમલ સાથે આર્થિક વિકાસની દિશામાં ડગ માંડ્યાં. 1951–52માં ખાતરનો વપરાશ 59 હજાર ટન નાઇટ્રોજન અને લગભગ 7 હજાર ટન ફૉસ્ફરસનો હતો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખાતરના મહત્વનો સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાના ઘડતરમાં ખાતરની સાથે બીજી અનેક બાબતોને મહત્વ આપવામાં આવ્યું. પછી દરેક પંચવર્ષીય યોજનામાં આ બાબત મહત્વની બની રહી. મુખ્ય મહત્વની બાબતોમાં (1) દેશમાં વધુ ને વધુ ખાતરનું ઉત્પાદન, (2) વહેંચણી માટે ખાતરના વધુ ઘટકો, (3) વહેંચણીમાં સહકારી મંડળીઓને મહત્વનું સ્થાન, (4) લીલા પડવાશ અને છાણિયા ખાતરનો વધુ ઉપયોગ, (5) ખાતરનાં જુદાં જુદાં પોષક તત્ત્વોનો સપ્રમાણ ઉપયોગ, (6) જમીન-ચકાસણી લૅબોરેટરીઓની સ્થાપના અને વિકાસ તેમજ જમીન પ્રમાણે ખાતરનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ, (7) રાજ્ય સરકારની વિસ્તરણ સેવા તથા ખાતરના ઉદ્યોગોમાં રહેલા એકમો તરફથી ખેડૂતો માટે ખેત-વિસ્તરણ સેવા, (8) સૂકા ખેતવિસ્તારમાં ખાતરનો ઉપયોગ, (9) ખાતરના ઉપયોગમાં રહેલી પ્રાદેશિક અસમાનતા દૂર કરવાના ઉપાયો તથા (1૦) નાના અને સીમાન્ત ખેડૂતોમાં ખાતર-વપરાશ વધારવાનો પ્રયત્ન.

પંચવર્ષીય યોજનામાં નક્કી થયેલ નીતિ મુજબના પ્રયત્નોને કારણે ભારતમાં ખાતરના ઉત્તરોત્તર વપરાશમાં વધારો થયો છે. સારણી 3 મુજબ ખાતરનો વપરાશ (N+P+K) 1951–52માં લગભગ 66 હજાર ટન હતો તે વધીને 1989–9૦માં 11,571 હજાર ટન અને 2૦૦3–૦4માં 16,8૦૦ હજાર ટન થયો હતો. ભારતમાં ખાતરના વપરાશમાં થયેલો ઉત્તરોત્તર વધારો ખરેખર પ્રશંસનીય છે અને તેને કારણે ખાતરના કુલ વપરાશમાં ભારતનો ક્રમ અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો આવે છે. બીજી બાજુ એક હેક્ટર દીઠ ખાતરનો વપરાશ 2૦૦3–૦4ના વર્ષમાં 89.8 કિગ્રા. હતો (જુઓ સારણી 4). જગતના ઘણા દેશોની સરખામણીમાં તે ઘણો પ્રોત્સાહક છે. પરંતુ આ બધી પ્રગતિ છતાં ભારતમાં ખાતરનો વપરાશ હજુ ઓછો છે અને તે વધારવાની જરૂર છે.

ખાતરની વપરાશમાં રાજ્યવાર મોટા તફાવતો માલૂમ પડે તે સહજ છે. 2૦૦3–૦4ના વર્ષમાં રાસાયણિક ખાતરોની સહુથી વધુ વપરાશ પંજાબમાં હતી, જે હેક્ટર દીઠ 184 કિગ્રા. હતી, જ્યારે નાગાલૅન્ડમાં તે હેક્ટર દીઠ 2.2 કિગ્રા. હતી. રાષ્ટ્રીય સરેરાશ 89.8 કિગ્રા. હતી. તેનાથી વધારે વપરાશ થતી હોય એવાં રાજ્યોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મણિપુર, પ. બંગાળ, તામિલનાડુ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એ વર્ષે રાસાયણિક ખાતરોની વપરાશ હેક્ટર દીઠ 95.1 કિગ્રા. હતી, જે રાષ્ટ્રીય સરેરાશથી વધારે હતી.

સારણી 3 : ભારતમાં રાસાયણિક ખાતર (N–P2O5–K2O)

વર્ષ કુલ વપરાશ (હજાર ટનમાં)
1951–52 65.6
1971–72 2,656.8
2૦૦3–૦4 16,8૦૦

સારણી 4

ભારતમાં પાક હેઠળની એકંદર જમીનના એકમ દીઠ વનસ્પતિપોષક તત્વની વપરાશ

વર્ષ કુલ વપરાશ (હજાર ટનમાં)
1951–52 ૦.55
1961–62 2.17
1971–72 16.14
2૦૦3–૦4 89.8

ભવિષ્યમાં ખાતરની વપરાશ વધારવા સિંચાઈની સગવડોમાં ઝડપી વધારો, સૂકા વિસ્તારમાં ખાતરના વૈજ્ઞાનિક ઉપયોગ માટેનું સંશોધન, ઊંચું ઉત્પાદન આપતાં બિયારણનો વધુ વિસ્તારમાં ઉપયોગ, જરૂરિયાતના સમયે પૂરતા પ્રમાણમાં ખાતરની પ્રાપ્યતા, જમીનની ગુણવત્તા પ્રમાણે ખાતરનો વપરાશ થાય તે માટેનું યોગ્ય માર્ગદર્શન અને જમીન-ચકાસણી લૅબોરેટરીનો યોગ્ય ઉપયોગ વગેરે ઘણા ઉપાયોની જરૂર છે. આ દિશામાં થતા પ્રયત્નોને હજુ વધુ પુષ્ટ કરવાની જરૂર છે. બીજી બાજુ ભારતમાં ખેડૂતોને ખાતરના ભાવો ઘણા ઊંચા લાગે છે. તે સાથે એટલો જ અગત્યનો પ્રશ્ન કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ઉત્પાદન પરની આર્થિક સહાય(subsidy)નો છે. ખાતર પર 1971–72માં કુલ લગભગ રૂ. 2૦ કરોડ આર્થિક સહાય આપવામાં આવેલી. 1981–82માં તે રકમ રૂ. 381 કરોડ થઈ, જે કેન્દ્ર દ્વારા અપાતી કુલ સહાયના 2૦ ટકા હતી. 1989–9૦માં આ રકમ રૂ. 46૦1 કરોડ થવા પામી અને કુલ સહાયમાં તેનો સાપેક્ષ હિસ્સો 43 ટકા હતો. 2૦૦3–૦4ના વર્ષમાં તે રૂ. 11,847 કરોડ હતી. આ પ્રશ્નની ગંભીરતા સમજીને આ સહાય ઘટાડવાની અને અંતે નાબૂદ કરવાની જરૂર સમજાવા લાગી છે.

અંબુભાઈ પટેલ

જંતુનાશક દવાઓ

જુદા જુદા પ્રકારના રોગ અને જીવાતોના ઉપદ્રવ ખેતીમાં રહેલાં જોખમ અને અનિશ્ચિતતાને વધારે છે. જમીન, આબોહવા અને વરસાદ જેવાં પરિબળોનું ખેતીમાં પ્રભુત્વ હોવાને કારણે રોગ અને જીવાતોનો ખેતીમાં થતો ઉપદ્રવ એ સર્વસામાન્ય ઘટના છે. જુદા જુદા પાકોમાં આ પ્રકારનો ઉપદ્રવ અને તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. એક જમીનમાં સતત એક જ પ્રકારનો પાક લેવાથી આ પ્રમાણમાં વધારો થાય છે. દેશી બિયારણોની સરખામણીમાં વધુ ઉત્પન્ન આપતાં બિયારણની જાતોમાં ઉપદ્રવ વધુ હોય છે. તદુપરાંત સિંચાઈની સગવડો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, એક કરતાં વધુ પાક લેવાની પદ્ધતિ વગેરેથી રોગના પ્રમાણમાં વધારો થયો છે. આવા રોગથી થતા નુકસાન સામે ખેડૂતોને રક્ષણ આપવાનું કાર્ય ખૂબ જ મહત્વનું છે.

195૦થી 1966 સુધીના સમયના સરેરાશ અંદાજો પર આધારિત અભ્યાસને આધારે નૅશનલ કાઉન્સિલ ઑવ્ એપ્લાઇડ ઇકૉનૉમિક્સ રિસર્ચ સંસ્થાએ કરેલા સંશોધન મુજબ ફક્ત કીટકથી જ કપાસના પાકમાં 4૦ ટકા જેટલું નુકસાન થાય છે, જ્યારે ડાંગર, જુવાર, શેરડી અને બટાટાના પાકમાં 9થી 12 ટકા નુકસાન થાય છે. આયોજન પંચના એક અભ્યાસ અનુસાર 1967માં ડાંગર, મકાઈ, બાજરી અને જુવારમાં અંદાજે અનુક્રમે 18 ટકા, 6 ટકા, 12 ટકા અને 13 ટકા પાકને નુકસાન થયું હતું; જ્યારે કઠોળ અને તેલીબિયાંના પાકમાં 5 ટકા, શેરડીમાં 1૦ ટકા અને કપાસ તથા બટાટામાં 1૦ ટકા નુકસાન થયું હતું. સાતમી પંચવર્ષીય યોજનાના એક અભ્યાસ મુજબ ફક્ત અનાજના પાકોમાં જ જીવાત અને રોગને કારણે 8૦ લાખથી 1૦૦ લાખ મૅટ્રિક ટન જેટલું નુકસાન થાય છે.

રોગ અને જીવાતો સામે પાકને રક્ષણ આપવાનો પ્રયોગ ઓગણીસમી સદીના મધ્ય ભાગથી શરૂ થયો છે અને ઉત્તરોત્તર દવાઓ અને તેનો ઉપયોગ કરવાનાં સાધનોમાં વિવિધ સંશોધનોને કારણે ખૂબ વિકાસ થયો છે. આ દવાઓની સફળતાનો આધાર મુખ્યત્વે તેમની ગુણવત્તા, ઉપયોગનું પ્રમાણ અને તેના સમય પર આધાર રાખે છે. દવાઓના ઉપયોગમાં બીજો પ્રશ્ન જીવાતોની વિકાસ પામતી પ્રતિકારક શક્તિ છે. આને કારણે ઉત્તરોત્તર નવી દવાઓની શોધ અનિવાર્ય બને છે. રોગજીવાતના નિયંત્રણ માટે દવાઓના સંશોધન અને ઉપયોગની સાથે હવે જૈવિક નિયંત્રણ ફેરોમેન્ટ ટ્રેપ, લાઇટ ટ્રેપ, જીવાતોમાં નપુંસકતા લાવતાં રસાયણો વગેરેનો પણ વિકાસ થયો છે.

195૦–51માં ભારતમાં 2.35 હજાર ટન જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો હતો, જે 196૦–61માં 5.62 હજાર ટન થયો હતો, જ્યારે 197૦–71માં અને 198૦81માં આ વપરાશનો આંક અનુક્રમે 24.32 હજાર ટન અને 45 હજાર ટન હતો અને 1998–99ના વર્ષમાં તે 57 હજાર ટન હતો. ટૂંકમાં, આ દેશમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ઉત્તરોત્તર ખૂબ ઝડપથી વધ્યો છે. 196૦–61 પછીના દાયકામાં ઊંચું ઉત્પાદન આપતી જાતોના ઉપયોગમાં થયેલો ઝડપી વધારો ઉત્તરોત્તર વધારાને કારણે તેમજ ખેતીના ઝડપી આધુનિકીકરણને આભારી છે. હાલમાં જંતુનાશક દવાઓના મુખ્ય પ્રશ્નોમાં તેની ઘટતી જતી ગુણવત્તા, ઘટતી જતી અસરકારકતા અને ખૂબ ઊંચા ભાવ છે.

અંબુભાઈ પટેલ

કૃષિવીમા યોજના

(Agro-insurance scheme)

ખેડૂતોને વિવિધ જોખમો સામે રક્ષણ આપતી યોજના. આમ તો પ્રત્યેક વેપારધંધા અને વ્યવસાયમાં જોખમની સંભવિતતા હોય છે, પરંતુ કૃષિક્ષેત્ર કુદરતી પરિબળો પર વ્યાપક રીતે આધારિત હોવાથી તેમાં મુખ્યત્વે બે પ્રકારનાં જોખમો રહેલાં હોય છે : (અ) વૈયક્તિક જોખમો અને (આ) માલ-મિલકતને લગતાં જોખમો.

(અ) વૈયક્તિક જોખમોનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય વ્યવસાયો જેવું હોય છે; જેમાં બીમારી, મૃત્યુ, અકસ્માત વગેરેનો સમાવેશ થાય છે.

(આ) માલ-મિલકતને લગતાં જોખમોમાં કુદરતી, સામાજિક અને આર્થિક જોખમોનો સમાવેશ થાય છે :

(1) કુદરતી જોખમો દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ, પવનનાં તોફાનો, વાવાઝોડું, કરા પડવા, વીજળી પડવી, હીમ, જીવજંતુનો ઉપદ્રવ વગેરે.

(2) સામાજિક જોખમો, આગ, ચોરી, લૂંટફાટ, હડતાલ, યુદ્ધ તેમજ ટૅક્નિકલ કારણોને લીધે થતું નુકસાન વગેરે.

(3) આર્થિક જોખમો ખેતપેદાશોની બજારકિંમતમાં થતા ફેરફારો વગેરે.

ઉપર જણાવેલાં જોખમો સામે નીચેના ત્રણ પ્રકારે રક્ષણ મેળવી શકાય :

(1) જોખમ ટાળીને,

(2) જોખમ સામે સુરક્ષા અને સાવચેતી દ્વારા, અને

(3) જોખમોનો સ્વીકાર કરીને.

જો ખેડૂત પોતે જોખમ સહન કરે તો તેણે કાં તો એક કરતાં વધુ પાક લેવો જોઈએ અથવા તો સારા સમયમાં મળેલ આવકનો પ્રતિકૂળ સમયમાં ઉપયોગ કરવો જોઈએ. જોકે આ બંને સંયોગોમાં ખેડૂત પોતે જાતે જ વીમો ઉતારે છે એમ કહી શકાય.

કેટલાક ખેડૂતો ભેગા મળીને સહકારથી બધાનાં જોખમોની માત્રા કે ભારણ ઓછું કરી શકે છે. સહકારી ખેતીને આ પ્રકારના ઉદાહરણ તરીકે ગણાવી શકાય. અલબત્ત, આધુનિક માર્ગ તરીકે જોખમો સામે રક્ષણ આપનારી સંસ્થાઓ ઉપર પોતાનું જોખમ ફેરબદલ કરી નિયત કિંમત (વીમા-પ્રીમિયમ) ચૂકવીને જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકાય છે.

વીમા કંપની ખાનગી કે સરકારી ક્ષેત્રમાં હોઈ શકે, તેમજ કૃષિ વીમા યોજના સ્વૈચ્છિક કે ફરજિયાત હોઈ શકે. પછાત દેશોમાં આવી વીમા યોજના ફરજિયાત હોય છે. તેથી ભારત જેવા અલ્પવિકસિત દેશમાં સરકાર જ આવી યોજના શરૂ કરે તે ઇષ્ટ ગણાય. સરકારી યોજનાઓમાં નફાનું તત્વ ગૌણ રાખીને કૃષિક્ષેત્રના વિકાસ અને ઉત્કર્ષ માટે ખોટ સહન કરીને પણ આવી યોજનાઓ ચલાવાય છે.

કૃષિ વીમા યોજના કૃષિ તથા કૃષિને આનુષંગિક તમામ પ્રકારના વ્યવસાયો અને પશુપાલન, ડેરી, કૃષિસાધનો–ઓજારો જેવી બાબતો તથા કૃષિ-પાકોના રક્ષણ પરત્વે ઉદભવી શકે. વિવિધ પ્રકારનાં જોખમો સામે આવશ્યક રક્ષણ આપી શકે, એ સ્વરૂપની તે યોજના હોઈ શકે. આ માટે પ્રીમિયમ રોકડ કે વસ્તુ સ્વરૂપમાં નક્કી થઈ શકે. જોકે રોકડ પ્રીમિયમની પદ્ધતિ વધુ સ્વીકાર્ય બની શકે તેમ છે.

નુકસાન-વળતર સંપૂર્ણ અથવા અંશત: મળે તે રીતે વીમાની રકમ નક્કી કરવી જોઈએ.

આ ઉપરાંત પાકને કયે તબક્કે અને કેટલું નુકસાન થયું છે તેના ઉપર વળતરની રકમનો આધાર રહે છે.

ફરજિયાત કૃષિ વીમા યોજના માટે કાયદો બનાવવાની દિશામાં ભારત સરકાર કેટલાંય વર્ષોથી વિચાર કરી રહી છે. અલબત્ત, ખેતી એ રાજ્યનો વિષય હોવાથી અખિલ ભારતીય ધોરણે કાયદો બનાવવા માટે રાજ્ય સરકારોએ કેન્દ્રની દરખાસ્તને માન્યતા આપીને પ્રગતિ સાધવી પડે તેમ છે. કૃષિ વીમા યોજનાની આવશ્યકતા અત્યંત જરૂરી હોવાથી રાજ્ય સરકારોએ આ કાર્યક્રમોને પ્રાથમિક અગ્રિમતા આપવી જોઈએ એમ તદવિદો તથા ખેડૂતવર્ગનું માનવું છે.

રોહિત ગાંધી

નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના

196૦ના દશકામાં ગ્રામીણ ગરીબી અને બેરોજગારીના નિવારણ માટેની વ્યૂહરચના નિષ્ફળ ગઈ હતી. વિકાસની યોજનાઓના લાભનું પ્રમાણ જુદા જુદા વર્ગ માટે અસમતોલ રહ્યું હતું. મોટાભાગનો લાભ મોટા ખેડૂતો અને શ્રીમંતોને ફાળે જતો હતો. તેથી 197૦થી ચોક્કસ વિસ્તાર માટેની જુદી જુદી યોજનાઓની શરૂઆત કરવામાં આવી. કૃષિક્ષેત્રનું ઉત્પાદન હજી પણ સંતોષપ્રદ થતું ન હતું, તેથી ગ્રામીણ વસ્તી અને પછાત વિસ્તારમાં ગરીબો માટે ખાસ યોજનાઓની જરૂર હતી. અત્યાર સુધી નાના ખેડૂતોનાં કુટુંબો માટે કોઈ ખાસ આયોજન ભારતમાં થયું ન હતું. 197૦માં આ દિશામાં આયોજન શરૂ થયું, તેના પરિણામે નાના ખેડૂતોના વિકાસ માટેની એજન્સી (Small Farmers’ Development Agency), સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો(Marginal Farmers’ and Agricultural Labour)ના વિસ્તાર માટેની યોજના, અનાવૃષ્ટિ સંભવિતતા વિસ્તાર માટેની યોજના (Draught Prone Area Programme) 197૦ પછી શરૂ થયાં.

નાના ખેડૂતો માટેની વિકાસ યોજના(SFDA)ની શરૂઆત :

1969માં નિમાયેલી અખિલ ભારત ગ્રામીણ ધિરાણ તપાસ સમિતિએ આપેલા અહેવાલમાં નાના ખેડૂતોને લાભ થાય તે માટેની યોજના શરૂ કરવાની ભલામણ છે. ચોથી યોજનામાં વિકાસની પ્રક્રિયામાં નાના ખેડૂતોનો ફાળો મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખીને નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના માન્ય કરવામાં આવી. તેની ખરેખરી શરૂઆત 1971–72થી થઈ હતી.

હેતુ અને કાર્યો : આ યોજનાનો મુખ્ય હેતુ નાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાનો હતો. નાના ખેડૂતોના પ્રશ્નોનો અભ્યાસ કરી તેનું નિરાકરણ વિચારવું. દા.ત., શાખ કઈ રીતે પૂરી પાડવી, તેના નિરાકરણ માટે શું કયા સમયે થઈ શકે તેના ઉપાયોનો વિચાર કરવો અને જુદાં જુદાં વિકાસલક્ષી સંગઠનો પાસેથી જોઈતા પ્રમાણમાં નાના ખેડૂતોને સાધનો પૂરાં પાડવામાં મદદ કરવી એ તેના મુખ્ય હેતુ હતા. ચોથી પંચવર્ષીય યોજનામાં દેશનાં જુદાં જુદાં 87 ક્ષેત્રોમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી અને દરેક પ્રકલ્પ(project)માં પાંચ વર્ષ દરમિયાન, સરેરાશ અઢીથી પાંચ એકર જમીન ધરાવતા નાના ખેડૂતોનાં 5૦,૦૦૦ કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો. દરેક પ્રકલ્પમાં જમીન અને પશુપાલનનો સમાવેશ કરવામાં આવ્યો. નાના ખેડૂતોને લોન માટેની સુવિધા સરકારી તેમજ વ્યાપારી બૅન્કો દ્વારા આપવામાં આવતી હતી અને 25 ટકા સુધીની આર્થિક સહાય (subsidy) આપવામાં આવતી હતી. આ યોજના માટે 1978–79 સુધી 1૦૦ ટકા મદદ કેન્દ્રીય ભંડોળ દ્વારા મળતી હતી. 1979–8૦થી આ યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય બન્ને વચ્ચે 5૦ : 5૦ના સમાન પ્રમાણમાં વહેંચવાનું નક્કી થયું હતું.

સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો માટેની યોજના : નાના ખેડૂતોના વિકાસ માટેની એજન્સીની જેમ સીમાન્ત ખેડૂત અને ખેતમજૂર માટેની યોજનાની (MFAL) શરૂઆત પણ 197૦–71થી અખિલ ભારત ગ્રામ ધિરાણ તપાસ સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવેલી. તેનો મુખ્ય હેતુ સીમાન્ત ખેડૂતો અને ખેતમજૂરો (જે પોતાના કુટુંબની 5૦ % કરતાં વધુ આવક કૃષિ વેતન દ્વારા મેળવતા હોય) તે નક્કી કરીને મદદ કરવી તેમજ તેમની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવો તથા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આ કુટુંબોમાં નવાં સાધનોનો વપરાશ વધારવો. નાની સિંચાઈયોજના, પશુપાલન, મરઘાંઉછેર, મત્સ્યઉદ્યોગ વગેરેથી આ કુટુંબોની આવકમાં વધારો કરવો. દરેક પ્રકલ્પમાં પાંચ વર્ષના સમય દરમિયાન 15,૦૦૦ સીમાંત ખેડૂતો અને 5,૦૦૦ ખેતમજૂરોનો સમાવેશ કરી તેમની આર્થિક સ્થિતિ સુધરે તેમ કરવામાં આવેલું.

ચોથી યોજના દરમિયાન સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો માટેની યોજના દેશના જુદા જુદા 81 વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. પાંચમી યોજના દરમિયાન કૃષિક્ષેત્રમાં રાષ્ટ્રીય કમિશનની ભલામણથી નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના અને સીમાન્ત ખેડૂત અને ખેતમજૂર માટેની યોજના બન્નેને એક જ યોજનામાં સંકલિત કરવામાં આવી. બન્ને યોજનાઓના 168 પ્રકલ્પ વિસ્તારમાં 1818 બ્લૉકનો સમાવેશ થાય છે. આ યોજનામાં લાભાર્થીને 33 % જેટલી આર્થિક સહાય આપવામાં આવે છે અને સહકારી તેમજ વ્યાપારી બૅન્કો દ્વારા લોનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. માર્ચ, 198૦ સુધી કુલ 79.65 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. 198૦ પછી આ યોજના સંકલિત ગ્રામવિકાસ યોજના (Integrated Rural Development Programme  IRDP) મારફત આવરી લેવાઈ છે.

આ બન્ને યોજનાના સંચાલકીય માળખામાં સામાન્ય રીતે જિલ્લા કલેક્ટર, નાયબ કૃષિ કમિશનર અથવા જિલ્લા પરિષદના મુખ્ય અધીક્ષક પ્રમુખ હોય છે. સંકલિત ગ્રામવિકાસ યોજનાની શરૂઆત પછી બધા જ સામૂહિક વિકાસ બ્લોકનું પુન:નામાંકન જિલ્લા ગ્રામવિકાસ એજન્સી (District Rural Development Agency) કરવામાં આવ્યું અને હાલમાં બધી જ ગ્રામવિકાસ યોજનાઓ જિલ્લામાં તેની દ્વારા જ અમલી બને છે.

આયોજન પંચે કરેલા અભ્યાસ મુજબ એવું જાણવા મળ્યું છે કે કેટલાક પ્રકલ્પ વિસ્તારો યોગ્ય સંભાળપૂર્વક નક્કી કરવામાં આવ્યા નથી. ખેતમજૂરોની ઓળખ તરફ પણ ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. આમ અયોગ્ય ઓળખને કારણે ખરેખર યોગ્ય લાભાર્થીઓને લાભ મળ્યો નથી. 9 ટકા જેટલા લાભાર્થીઓ ખોટા પસંદ કરવામાં આવેલા તેમજ મોટાભાગના પ્રકલ્પવિસ્તારમાં શાખ માટે ખૂબ જ મહત્વનું ગણાતું સહકારી માળખું ખૂબ જ નબળું જોવા મળ્યું છે. ખેતમજૂરોને ધિરાણની બાબતમાં સંપૂર્ણપણે તિરસ્કૃત કરવામાં આવ્યા છે. 1973–74 સુધી કુલ ધિરાણમાં તેમને ફાળે માત્ર 1 ટકા જેટલો જ હતો.

નાના ખેડૂતના વિકાસ માટેની યોજના : અનુકૂળ પરિસ્થિતિમાં લાભાર્થીની ઉત્પાદકતા ને આવકમાં નોંધપાત્ર વધારો થયો એમ કેટલાક અભ્યાસોમાં જોવા મળ્યું, પણ સામાન્ય રીતે પરિણામ અસંતોષકારક રહ્યાં.

યોજના અપૂરતો વ્યાપ ધરાવતી હતી. અમલ કરનાર વહીવટી તંત્ર બેતમા ને વિલંબયુક્ત રહ્યું અને ટેકો આપનાર સેવાતંત્રને ઊભું ન કરી શકાયું. પ્રોજેક્ટ કક્ષાએ જુદાં જુદાં ખાતાં મારફતે SFDAએ કામ કરવાનું રહેતું, તેઓ વચ્ચે સંકલન પ્રવર્તતું નહોતું.

કેટલીક આર્થિક સહાય વપરાઈ ને ભૌતિક લક્ષ્યાંક સિદ્ધ થયાં – તેના આધારે જ માત્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું.

યોજનાના અમલમાં અભિગમ મુખ્યત્વે યંત્રવૈજ્ઞાનિક અને વહીવટી રહ્યો હતો. પ્રજા ને પ્રજાકીય સંસ્થાઓની અવગણના કરવામાં આવી હતી. લાભાર્થીઓની ભાગીદારી કે સામેલગીરીનો તેમાં અભાવ હતો.

દ્વિતીય (ઉદ્યોગ) કે તૃતીય (સેવા) ક્ષેત્રે કામ કરનાર વર્ગોની ઉન્નતિ પર તેમાં પર્યાપ્ત ધ્યાન દેવાયું નહોતું. ખેતમજૂર કે કારીગરવર્ગ ઉપેક્ષિત રહેલો.

ભલામણો : આ યોજનાઓના અમલ અંગે થયેલાં કેટલાંક સંશોધન અનુસાર તેના નિરાકરણ માટે કેટલાંક પગલાં સૂચવવામાં આવ્યાં છે, જેમાં પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્ટાફ પૂરો પાડવો, સહકારી માળખું અને બજારોનો વિકાસ કરવો તેમજ ગ્રામીણ ગોદામોની રચના કરવી તે મુખ્ય છે. સાથે સાથે નાની સિંચાઈયોજના અને જમીન-વિકાસ યોજનાની શરૂઆત કરવી તેમજ શાખ માટેનું માળખું મજબૂત બનાવવું, પશુપાલન તેમજ મરઘાંઉછેર બાબતે પૂરતી મદદ કરવી અને તે અંગે દવા, વ્યાપાર-સુવિધા વગેરેની બીજી જરૂરિયાત પણ ધ્યાનમાં રાખવી એમ સૂચવવામાં આવ્યું છે.

અંબુભાઈ પટેલ

બદરીપ્રસાદ મ. ભટ્ટ

ઉષા શર્મા

કાર્યરત શ્રમનો પુરવઠો

વળતરની અપેક્ષાથી આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી વ્યક્તિઓને અર્થશાસ્ત્રમાં કામદાર કે શ્રમિક (worker) કહેવામાં આવે છે. કોઈ પણ દેશમાં બધી વ્યક્તિઓ આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી હોતી નથી. બાળકો અને વૃદ્ધો મોટાભાગના દાખલામાં આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલાં હોતાં નથી. એ જ રીતે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આર્થિક પ્રવૃત્તિમાં સામેલ થતી નથી અને તેઓ ગૃહિણી તરીકે જ કામગીરી કરતી હોય છે. કેટલીક વ્યક્તિઓ રોજગારી શોધતી હોય છે, પરંતુ તેમને રોજગારી મળતી નથી. રોજગારીની શોધમાં હોય એવી વ્યક્તિઓને પણ કામદાર ગણવામાં આવે છે. દેશની કુલ વસ્તીમાંથી જે વ્યક્તિઓ આ રીતે આર્થિક પ્રવૃત્તિમાં સામેલ થાય છે તેના પ્રમાણને શ્રમ-પુરવઠામાં સામેલગીરીનો દર (work force participation rate) કહેવામાં આવે છે. ભારતમાં શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર 19૦1માં 46 ટકા હતો, 1951માં 39 ટકા હતો અને 2૦૦1માં 39.2 ટકા હતો. આનો અર્થ એવો થાય કે દેશમાં દર 1૦૦ વ્યક્તિઓમાંથી 39 વ્યક્તિઓ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં રોકાયેલી હતી. દેશની વસ્તીમાં બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ વધતાં શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર ઘટે છે.

પુરુષો અને સ્ત્રીઓનો સામેલગીરીનો દર એકસરખો નથી હોતો. ભારતમાં 19૦1ના વર્ષમાં શ્રમના પુરવઠામાં સામેલગીરીનો દર પુરુષોમાં 61 ટકા હતો, જ્યારે સ્ત્રીઓમાં તે 32 ટકા હતો. 1951માં પુરુષો માટે એ દર ઘટીને 54 ટકા અને સ્ત્રીઓ માટે 23 ટકા થયો હતો. 2૦૦1ના વર્ષમાં સામેલગીરીનો દર પુરુષો માટે 51.9 ટકા અને સ્ત્રીઓ માટે 25.7 ટકા હતો. શ્રમના પુરવઠામાં સામેલગીરીની બાબતમાં ગ્રામીણ અને નગર વિસ્તારો વચ્ચે તફાવતો જોવા મળે છે. પુરુષોની બાબતમાં આ તફાવત અલ્પ હોય છે, પણ સ્ત્રીઓની બાબતમાં તે મોટો હોય છે. 2૦૦1માં શ્રમના પુરવઠામાં પુરુષોનો સામેલગીરીનો દર ગ્રામીણ વિસ્તારોમાં 52.4 ટકા હતો, જ્યારે નગરવિસ્તારોમાં તે 5૦.9 હતો. સ્ત્રીઓનો સામેલગીરીનો દર ગ્રામીણ વિસ્તારમાં 31 ટકા હતો, જ્યારે નગરવિસ્તારમાં તે ફક્ત 11.6 ટકા હતો.

દેશમાં કામદારો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે. આ આર્થિક પ્રવૃત્તિઓને ત્રણ મોટા વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) પ્રાથમિક વિભાગ (primary sector), તેમાં ખેતી, પશુપાલન, જંગલપેદાશની પ્રવૃત્તિઓ, મત્સ્યપ્રવૃત્તિ અને બગીચા-ઉદ્યોગો(ચા, કૉફી વગેરે)નો સમાવેશ થાય છે. (2) માધ્યમિક (secondary) અથવા ઉદ્યોગવિભાગ, આમાં ખાણો અને પથ્થર ખોદવાની પ્રવૃત્તિ મૅન્યુફેક્ચરિંગ (કારખાનાં), બાંધકામ, વીજળી ગૅસ અને પાણી પુરવઠાનો સમાવેશ થાય છે. (3) સેવાવિભાગ કે ઇતર (tertiary) વિભાગ. આમાં વેપાર, બૅંકો, વીમો, પરિવહન, સંદેશાવ્યવહાર, સરકારી સેવાઓ, શિક્ષણ, આરોગ્યસેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

દેશમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણના સંદર્ભમાં કામદારોની વ્યાવસાયિક વહેંચણીનું ચિત્ર નીચે પ્રમાણે છે :

સારણી : ભારતમાં કામદારોની વ્યાવસાયિક વહેંચણી (ટકામાં)

વિભાગ 19૦1 1951 1999–૦૦
(1) પ્રાથમિક 71.7 72.1 56.7
(2) ઉદ્યોગ 12.6 1૦.7 17.5
(3) સેવા 15.7 17.2 25.8

સારણીમાં આપવામાં આવેલા આંકડાઓને થોડી વિગતે સમજવા જરૂરી છે. દેશમાં છેલ્લા પાંચ દસકા દરમિયાન પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ 72 ટકાથી ઘટીને 58 ટકા થયું છે. ઔદ્યોગિક રીતે વિકસી રહેલા અર્થતંત્રમાં સર્વસામાન્ય રીતે આ વલણ જોવા મળ્યું છે; દા.ત., ઔદ્યોગિક રીતે વિકસિત જાપાનમાં સાત ટકા કામદારો અને અમેરિકામાં ત્રણ ટકા કામદારો પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા છે. અમેરિકામાં 184૦માં 68 ટકા લોકો અને જાપાનમાં  1872માં 82 ટકા લોકો ખેતીમાં રોકાયેલા હતા. કામદારો પૈકી ખેતી સિવાયની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા કામદારોનું પ્રમાણ આજે બે ટકાથીએ ઓછું છે, જે વીસમી સદીના આરંભે ચાર ટકા જેટલું અને 1951માં અઢી ટકા જેટલું હતું. ખેતીમાં રોકાયેલા લોકો ખેડૂતો અને ખેતમજૂરો  એવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. 19૦1માં ખેડૂતોનું પ્રમાણ લગભગ 51 ટકા અને ખેતમજૂરોનું પ્રમાણ 16 ટકા હતું, 1951માં ખેડૂતોના પ્રમાણમાં નજીવો ઘટાડો થયો હતો, પરંતુ ખેતમજૂરોનું પ્રમાણ વધીને લગભગ 2૦ ટકા થયું હતું. એ પછીનાં વર્ષોમાં એ વલણ વધુ તીવ્ર બન્યું છે. 1991માં ખેડૂતોનું પ્રમાણ ઘટીને 38 ટકા થયું, જ્યારે ખેતમજૂરોનું પ્રમાણ વધીને 26 ટકા થયું. દેશમાં વસ્તીવૃદ્ધિને કારણે શ્રમિકોની સંખ્યામાં જે વધારો થાય છે તે બધાને અન્યત્ર ક્યાંય રોજગારી મળતી ન હોવાથી તેઓને ખેતમજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવવો પડે છે. આનો અર્થ એવો થાય છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં હવે વધુ શ્રમિકોને સમાવવાની ગુંજાશ ખેતીમાં રહી નથી.

માધ્યમિક અથવા ઔદ્યોગિક વિભાગમાં રોજગારીનો મુખ્ય સ્રોત મૅન્યુફેક્ચરિંગ (કારખાનાં) ક્ષેત્ર છે. વીસમી સદીના અંતે દેશના ઔદ્યોગિક વિભાગમાં 17.5 ટકા કામદારો રોકાયેલા હતા, તેમાં મૅન્યુફેક્ચરિંગ વિભાગમાં રોકાયેલા કામદારો 12.4 ટકા અને બાંધકામપ્રવૃત્તિમાં રોકાયેલા 4.4 ટકા હતા. વીજળી, ખાણો, પાણી પુરવઠો વગેરેમાં રોકાયેલા કામદારોનું પ્રમાણ અડધા ટકા જેટલું હતું. ઉદ્યોગોના વિભાગમાં રોકાયેલા કામદારોના પ્રમાણમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે તે ભારત દેશમાં થયેલા ઔદ્યોગિક વિકાસનું એક નિરાશાજનક પાસું છે.

સારણીમાં એ જોઈ શકાય છે કે રોજગારીની ર્દષ્ટિએ ઉદ્યોગ-વિભાગની તુલનામાં સેવાવિભાગ વધારે અગત્યનો છે અને તે ઉદ્યોગ-વિભાગની તુલનામાં વધારે ઝડપથી વિસ્તરી રહ્યો છે. આ વિભાગમાં રોજગારીનો મુખ્ય સ્રોત વેપાર, બૅંકો, વીમા કંપનીઓ વગેરે ‘વેપાર- વાણિજ્ય’નો છે. વીસમી સદીના અંતે 11 ટકાથી વધુ કામદારો તેમાં રોકાયેલા હતા. દુનિયાના વિકસિત દેશોના અનુભવમાંથી એક બાબત ઊપસી આવી છે : અર્થતંત્રના વિકાસ સાથે રોજગારી અને આવકસર્જન એ બંને ર્દષ્ટિએ સેવાવિભાગ, ઉદ્યોગોના વિભાગથી વધુ મહત્વનો બને છે; દા.ત., જાપાનના અર્થતંત્રમાં સેવાવિભાગમાં રોકાયેલા કામદારોનું પ્રમાણ આજે 6૦ ટકાથી અધિક છે, જ્યારે ઉદ્યોગોના વિભાગમાં રોકાયેલા કામદારોનું પ્રમાણ 34 ટકા જેટલું છે. અમેરિકામાં લગભગ 7૦ ટકા કામદારો સેવાવિભાગમાં રોકાયેલા છે, જ્યારે ઉદ્યોગ-વિભાગમાં 28 ટકા કામદારો છે. ભારતના અર્થતંત્રમાં થઈ રહેલો વિકાસ પણ એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આનો અર્થ એવો થાય છે કે આર્થિક વિકાસ સાથે લોકોના જીવનધોરણમાં જે સુધારો થાય છે તેમાં લોકોની ભૌતિક ચીજોની વપરાશ સાપેક્ષ રીતે ઘટે છે, જ્યારે અભૌતિક ચીજો(સેવાઓ)ની વપરાશ સાપેક્ષ રીતે વધે છે. રોજગારી માટે આ પરિવર્તન એક મહત્વનો સૂચિતાર્થ ધરાવે છે. ખેતી અને ઉદ્યોગોનું ક્ષેત્ર રોજગારીની રીતે સંકોચાતાં શારીરિક શ્રમ પર આધારિત રોજગારીનું પ્રમાણ ઘટે છે, જ્યારે સેવાઓનાં ક્ષેત્રોનો વિસ્તાર થતાં માનસિક શ્રમ પર આધારિત રોજગારીનું પ્રમાણ વધે છે. મોટાભાગના દાખલાઓમાં માનસિક શ્રમની કામગીરી માટે કામદાર શિક્ષિત હોય તે જરૂરી હોય છે. આમ આર્થિક વિકાસની પ્રક્રિયામાં સામેલ થવા માટે કામદારના પક્ષે શિક્ષણ અનિવાર્ય બની રહે છે.

રમેશ ભા. શાહ

કૃષિ પુન:ધિરાણ નિગમ

(Agricultural Refinance Corporation)

ભારતમાં કૃષિ ધિરાણક્ષેત્રે કામગીરી કરતી સંસ્થાઓને કૃષિ વિકાસના વિવિધ હેતુઓ અને પ્રકલ્પો માટે મધ્યમ તથા લાંબા ગાળાનું પુન:ધિરાણ કરવા સારુ 1963માં સ્થપાયેલી વિત્તસંસ્થા. ભારતીય સંસદના 1963ના કૃષિ પુન:ધિરાણ અધિનિયમ હેઠળ રચાયેલી આ સંસ્થાએ 1 જુલાઈ 1963થી તેનું કામકાજ શરૂ કર્યું હતું. તેની અધિકૃત મૂડી 25 કરોડ તથા ભરપાઈ થયેલી મૂડી રૂ. 5 કરોડની હતી, જે પ્રત્યેક રૂ. 1૦,૦૦૦ના એવા 5,૦૦૦ શૅરમાં વહેંચાયેલી હતી. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, કેન્દ્રીય જમીનવિકાસ બકો, રાજ્ય સરકારી બૅંકો, અનુસૂચિ બૅંકો, જીવન વીમા નિગમ તથા વીમા વ્યવસાયમાં કામ કરતી અન્ય સંસ્થાઓએ આ નિગમના શૅરમાં રોકાણ કર્યું હતું. કેન્દ્ર સરકારે આ નિગમને શરૂઆતમાં 15 વર્ષની મુદત માટે રૂ. 5 કરોડનું વ્યાજમુક્ત ઋણ આપેલું તથા નિગમે વધારાના રૂ. 2 કરોડનું વ્યાજ સાથેનું ઋણ કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલું. નિગમને એક વર્ષ કરતાં વધુ મુદતની થાપણો સ્વીકારવાનો તથા બૉન્ડ અને ડિબેન્ચર બહાર પાડી (રૂ. 1૦૦ કરોડ સુધીની રકમનાં) નાણાં ઊભાં કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

નિગમે તેના ઓગણીસ વર્ષ(1963–82)ના સ્વતંત્ર અસ્તિત્વ દરમિયાન મધ્યસ્થ જમીનવિકાસ બૅંકો, રાજ્ય સહકારી બૅંકો, વ્યાપારી બકો તથા જૂજ કિસ્સામાં પ્રાથમિક સહકારી ધિરાણ સંસ્થાઓને કૃષિ તથા તેની સાથે સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે પુન:ધિરાણ કર્યું હતું; દા.ત., ભૂમિવિકાસ તથા જમીન-સુધારણા; ખેતીનું યાંત્રિકીકરણ; નાની સિંચાઈ યોજના; વનવિકાસ; પશુપાલન; ડેરીઉદ્યોગ; મત્સ્યઉદ્યોગ; મરઘાં-બતકાં ઉછેર; સોપારી, નાળિયેર, કાજુ, ચા, કૉફી રબર જેવા વિશિષ્ટ પાકોનો વિકાસ વગેરે. ધિરાણ મેળવવા માટે રજૂ કરવામાં આવેલ જામીનગીરીના મૂલ્યના વધુમાં વધુ પચાસ ટકા જેટલું પુન:ધિરાણ વાર્ષિક છ ટકાના વ્યાજના દરે પૂરું પાડવાની આ નિગમની નીતિ હતી.

1982માં ‘નાબાર્ડ’(National Bank for Agriculture and Development)ની સ્થાપના થતાં આ નિગમનાં કાર્યો તેને સોંપવામાં આવ્યાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ

કૃષિક્ષેત્રમાં ‘વિસ્તરણ’ શબ્દનો પ્રથમ ઉપયોગ અમેરિકાના રાષ્ટ્ર-સમૂહમાં આ સૈકાના પ્રથમ દશકમાં થયો. રાષ્ટ્રીય કૃષિવિસ્તરણ સેવાની સ્થાપના થતાં જ કૃષિવિસ્તરણ સેવા શબ્દનો પ્રચાર 1952માં થયો. ત્યારથી ‘સમાજવિકાસ’ એટલે ગ્રામજનોના સર્વદેશીય વિકાસનો તે પર્યાય બન્યો અને કૃષિશિક્ષણ એ એનો હેતુ બન્યો.

કૃષિવિસ્તરણ-શિક્ષણ એ એક વિજ્ઞાન છે, જેની મદદથી માણસોની પ્રવૃત્તિઓમાં યોગ્ય પરિવર્તન લાવીને તે દ્વારા અદ્યતન વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ શોધોનો લાભ આપવાનો આશય છે.

કૃષિવિસ્તરણ-શિક્ષણ હવે પૂર્ણ વિકસિત શિક્ષણ બન્યું છે. તે માટે અલાયદાં ફિલસૂફી, હેતુ, સિદ્ધાંતો અને તકનિક છે, જે વિસ્તરણકાર્યકરો તથા અન્ય સંબંધિત માણસોએ પૂરાં સમજવાનાં હોય છે.

સૈદ્ધાન્તિક શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણ વચ્ચેનો તફાવત : કૃષિવિસ્તરણ શિક્ષણનો અમલ કરવામાં આવે છે ત્યારે તે કેવળ સૈદ્ધાન્તિક શિક્ષણ ન રહેતા પ્રત્યક્ષ પ્રાયોગિક (practical) શિક્ષણ બની જાય છે.

કૃષિવિસ્તરણ આપણા દેશમાં નીચેના હેતુઓ સાથે સંકળાયેલું છે : (1) કૃષિને લગતી પ્રાયોગિક માહિતીનો પ્રચાર કરવો; બિયારણ, ખેતીવિષયક અદ્યતન સાધનો અંગેની જાણકારી ખેડૂતોને આપવી, (2) ઘર અને ખેતરમાં ઉક્ત જ્ઞાનનો અમલ કેમ કરવો તે સમજાવવું તથા (3) એ દ્વારા રાષ્ટ્રના ગ્રામજનોના જીવનના સર્વદેશીય વિકાસનું ધ્યેય સિદ્ધ કરવું.

કૃષિવિસ્તરણશિક્ષણના પાયાના સિદ્ધાન્તો : (1) રસ અને જરૂરિયાતનો સિદ્ધાંત. પ્રત્યેક પ્રદેશ કે રાજ્યના લોકોનાં રસ અને જરૂરિયાતો જુદાં જુદાં હોય છે. તેથી એ બધાં માટે એક જ કાર્યક્રમ હોઈ શકે નહીં; (2) સંસ્કારભેદનો સિદ્ધાન્ત : વિસ્તરણકાર્ય જુદા જુદા લોકોના વિભિન્ન સંસ્કારને અનુરૂપ હોવું ખાસ જરૂરી છે; (3) સ્વાશ્રયનો સિદ્ધાંત : ગ્રામજનોને સ્વાશ્રયી બનાવવા અને જરૂરી માર્ગદર્શન આપવું તે વિસ્તરણ-કાર્યકરની ફરજ બને છે, તેમને તૈયાર વસ્તુઓ પૂરી પાડવાની હોતી નથી, પણ ઉક્ત કાર્યક્રમમાં તેમની ભાગીદારીની પ્રેરણા આપવાની હોય છે; (4) અનુકૂલનનો સિદ્ધાંત : વિભિન્ન પરિસ્થિતિઓ અને માણસોને અનુકૂળ આવે એવી રીતે વિસ્તરણ કાર્યક્રમને લચીલો (flexible) બનાવવાનો હોય છે; (5) આયોજન પાયાનો સિદ્ધાંત : લોકોના જૂથને કાર્યક્રમ વાટે નવી પદ્ધતિઓ અને કાર્યક્રમોનું મૂલ્ય નિદર્શન દ્વારા સમજાવવું અને તે અપનાવવા માટે તૈયાર કરવા, (6) નેતાગીરીનો સિદ્ધાંત : સ્થાનિક નેતાગીરીનો પૂરો ઉપયોગ થાય તે રીતે વિસ્તરણ કાર્યક્રમ રચાય તે જરૂરી છે. કાર્યક્રમના અમલમાં સ્થાનિક નેતાગીરીનું મહત્વ ઘણું છે, કારણ સ્થાનિક નેતાગીરી પર જ લોકોને વધુ વિશ્ર્વાસ હોય છે; (7) સમગ્ર કુટુંબનો સિદ્ધાંત : વિસ્તરણ કાર્યક્રમ સહકારમૂલક સાહસ છે તેથી ગ્રામજૂથ અને રાજ્યના અમલદારોએ સહકારથી તે પાર પાડવાનો છે; (8) સંતોષનો સિદ્ધાંત : ઉક્ત કાર્યક્રમના અમલથી સંબંધિત સર્વજનોને કંઈ નવો ફેરફાર કર્યાનો અને તેમાં સફળ થયાનો સંતોષ મળવો જોઈએ. ‘સંતોષ પામેલો ગ્રાહક એ ઉત્તમ જાહેર ખબર છે; અને (9) મૂલ્યાંકનનો સિદ્ધાંત : વિસ્તરણ કાર્યક્રમ વૈજ્ઞાનિક પદ્ધતિ પર સ્થપાયેલો હોઈ સતત મૂલ્યાંકનની અપેક્ષા રાખે છે. ફક્ત ભૌતિક લક્ષ્યસિદ્ધિથી સંતોષ ન પામતાં જે લોકો પરત્વે તેનો અમલ થયો હોય તેમનામાં આવેલ ફેરફાર જ તેનું સાચું મૂલ્યાંકન બનવું જોઈએ.

વિસ્તરણમાં શિક્ષણ અને ભણતર : કૃષિવિસ્તરણમાં ભણતર અને શિક્ષણનો હેતુ જે તે વ્યક્તિના વર્તનમાં જરૂરી ઇચ્છનીય ફેરફાર થાય તે છે.

અસરકારક ભણતરની પરિસ્થિતિ નીચેનાં ખાસ તત્વો પર આધાર રાખે છે : (1) શિક્ષક, વિસ્તરણ કાર્યકર કે અધિકારી; (2) વિદ્યાર્થીઓ (ખેડૂતો અને તેમનું કુટુંબ); (3) વિષયવસ્તુ, નિર્ધારિત સુધરેલી પદ્ધતિઓ, બિયારણ વગેરે; (4) શૈક્ષણિક સાધનો, ફેનલ બોર્ડ, કાળું પાટિયું, નકશા વગેરે; તથા (5) ભૌતિક સુવિધાઓ, બેસવાની સુવિધાઓ વગેરે. વિસ્તરણ કાર્યકરે વિદ્યાર્થીઓ માટેનાં શૈક્ષણિક સાધનોનો કુશળતાથી ઉપયોગ કરવો જોઈએ.

બધું જ શિક્ષણ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ રહીને થવું જોઈએ. શિક્ષણની ગોઠવણી એવી રીતે થવી જોઈએ કે જેથી શિક્ષણનું વિષય-વસ્તુ વિદ્યાર્થીના ધ્યાન પર આવી જાય અને તેમનો રસ વિકસે.

કૃષિવિસ્તરણશિક્ષણની પદ્ધતિઓનું વર્ગીકરણ : (1) વ્યક્તિગત સંપર્ક પદ્ધતિ : આ પદ્ધતિમાં વ્યક્તિગત મુલાકાત દ્વારા ખેડૂત અને કાર્યકરનો સંપર્ક થાય છે. (2) જૂથસંપર્ક પદ્ધતિ : આમાં વિચારવિનિમય અને ચર્ચા માટે અમુક જૂથો અને શિક્ષકોનો સંપર્ક સધાય છે. જેમ કે જૂથચર્ચા, જેમાં બધા ખેડૂતોને વ્યક્તિગત મળવું અશક્ય હોઈ તેમના જુદા જુદા જૂથ સાથે નવી પદ્ધતિ વિશે વિસ્તરણ-કાર્યકરો ચર્ચા કરે છે. (3) વિસ્તરણ પદ્ધતિ, ખેતર અને ઘરની મુલાકાત : આમાં ખેડૂતની રૂબરૂ મુલાકાત થાય છે. આનાથી ખેડૂતોને નવું જ્ઞાન આપવા ઉપરાંત તેમની મુશ્કેલીઓનો પરિચય થાય છે. આનાથી દ્વિમુખી વિચારવિનિમય શક્ય બને છે. (4) સમૂહ-સંપર્કપદ્ધતિ : આ પદ્ધતિમાં વિસ્તરણ-કાર્યકરનો મોટા સમૂહ સાથે સંપર્ક થાય છે. આ પદ્ધતિમાં રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો, મૅગેઝિન વગેરેના ઉપયોગ થકી જ્ઞાનનું આદાનપ્રદાન થાય છે. (5) પરિણામ-નિદર્શન : આમાં નવી પદ્ધતિ અથવા તાંત્રિકતા જૂની પદ્ધતિ અથવા તાંત્રિકતાથી કેટલી ચડિયાતી છે તે દર્શાવતાં નિદર્શન ખેડૂત તેના ખેતર પર કૃષિ-વૈજ્ઞાનિક કે વિસ્તરણ-કાર્યકરના માર્ગદર્શન હેઠળ કરે છે. આ પદ્ધતિમાં ખેડૂતોને ‘જોઈને જાણવું’ અને ‘કાર્ય કરતાં કરતાં શીખવું’ – એ સિદ્ધાંત દ્વારા જ્ઞાન આપવામાં આવે છે.

પદ્ધતિનિદર્શન : આમાં નવી પદ્ધતિને કેવી રીતે અજમાવવી એવું નિદર્શન કરાય છે.

રાષ્ટ્રીય નિદર્શન : નવી પદ્ધતિનો અમલ અને તેનાં પરિણામો સંશોધકો પોતે રાષ્ટ્રીય ફલક પર બતાવે છે.

જૂથચર્ચા : બધા ખેડૂતોને વ્યક્તિગત મળવું અશક્ય હોવાથી તેમનાં જુદાં જુદાં જૂથ સાથે નવી પદ્ધતિ વિશે વિસ્તરણ કાર્યકરો ચર્ચા કરે છે.

સમાજવિકાસ અથવા ગ્રામવિકાસ અને વિસ્તરણ સેવા (ભારતમાં) : સંસ્થાનાં વિકાસકાર્ય અને મૂલ્યાંકન નીચેના ચાર તબક્કામાં થયેલ છે :

તબક્કો 1 : સ્વાતંત્ર્ય પૂર્વેનો સમય (1866–1947) : આ સમયગાળામાં કૃષિવિકાસ માટે પ્રયત્નો થયા. ગાંધી, ટાગોર, સ્પેન્સર, હેચ જેવાએ પ્રયત્નો કર્યા. તે વખતની સરકારે કૃષિસંશોધન સંસ્થાની 19૦5માં સ્થાપના કરી, છતાં પણ ખેડૂતને જ્ઞાનનો લાભ મળતો નહીં. આ સમયગાળામાં સંખ્યાબંધ નવા સુધારા થયા. કૃષિવિભાગ ઉપરાંત, સ્વાસ્થ્ય, નહેર અને પશુવિકાસની સંસ્થાઓ સ્થપાઈ પણ તેમાં સંકલનનો અભાવ હતો.

તબક્કો 2 : સ્વાતંત્ર્યોત્તર સમયગાળો (1947–53) : ‘વધુ અનાજ પકવો’ની ઝુંબેશ નીચે કૃષિ-ઉત્પાદનના વધુ લક્ષ્યાંકો નક્કી થયા, પણ તે ઝુંબેશ નિષ્ફળ નીવડી. છતાં આમાં રાજ્ય, તાલુકા, જિલ્લા વગેરેનું સંકલન થયું. યોજનામાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા.

‘વધુ અનાજ પકવો’ સમિતિનો અહેવાલ : આ ઝુંબેશને ખેડૂતો તરફથી જરૂરી પ્રતિસાદ ન સાંપડતાં ધાર્યું પરિણામ ન આવવાથી ઉક્ત સમિતિની રચના થઈ. તેને જી.એમ.એફ. (grow more food) તપાસ સમિતિ નામ આપવામાં આવ્યું. સમિતિએ જણાવ્યું કે ગ્રામજીવનને સમૃદ્ધ બનાવવું અને ગ્રામપ્રજામાં આ બાબતની સભાનતા તેનો અમલ પ્રગટાવી તેનો અમલ કરાવવો જરૂરી છે. ઉપરાંત સમિતિએ જણાવ્યું કે (1) ગ્રામજીવનનાં બધાં પાસાં અન્યોન્ય સંકળાયેલાં છે; (2) સ્વતંત્ર અને છૂટક કાર્યક્રમોથી વધુ સારું પરિણામ મળી શકે; (3) પ્રયત્નોના સંકલનનો અભાવ છે; (4) પ્રાપ્ત નાણાં ભંડોળ અપૂરતું છે તથા (5) ગ્રામજનતા સમગ્ર રીતે અસરકારક સહકાર આપતી નથી. તેથી સમિતિએ 1૦૦થી 12૦ ગામોનાં જૂથ રચવાની અને તેને માટે કૃષિવિસ્તરણનું જ્ઞાન આપનાર અધિકારીની નિમણૂકની ભલામણ કરી. એ રીતે ગામમાં ખરેખર કામ અને માર્ગદર્શન મળે તે માટે ગ્રામકક્ષાના કાર્યકરની નિમણૂક કરવા સૂચવ્યું. કૃષિ અને નહેરયોજનાને પ્રથમ અગ્રિમતા આપી. ‘ગ્રામવિસ્તરણ’ને મદદનીશ સંસ્થા તરીકે સ્વીકારી.

સામુદાયિક વિકાસ યોજના (1952) : ‘ઇટાવા પાયલોટ પ્રોજેક્ટ’ (1948–52) ભારતમાં ‘સમાજવિકાસ’ યોજનાનો જનક હતો અને 1952માં 15 બીજા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. ફૉર્ડ ફાઉન્ડેશન તેને નાણાંની મદદ કરતું. આ પ્રોજેક્ટથી ખેડૂતોના જીવનનો વિકાસ થતો અને કૃષિવિકાસ પણ સધાતો. આ પ્રોજેક્ટના અમલ માટે ભારત સરકારે યુ.એસ.ની સરકારનો સહકાર મેળવવા કરાર કર્યો. બીજી પંચાવન યોજના શરૂ કરવામાં આવી. દરેક પ્રોજેક્ટમાં 3૦૦ ગામ અને બે લાખ મનુષ્યોને આવરી લેવાયાં. ટૂંકમાં, આ કાર્યક્રમ વાટે ગ્રામજીવનના સર્વદેશીય સામાજિકઆર્થિક સ્તરનું રૂપાંતર કરવાનું ધ્યેય હતું.

તબક્કો 3 : સામુદાયિક વિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનો યુગ (1953–6૦) : ઉક્ત પ્રોજેક્ટને અને સમાજવિકાસ યોજનાને ગ્રામજનો તરફથી બહુ સુંદર પ્રતિસાદ મળ્યો. તેથી ભારત સરકારે દેશના અન્ય ભાગોમાં પણ તે સ્થાપવાનું નક્કી કર્યું. 1953માં રાષ્ટ્રીય વિસ્તરણ સમિતિની સ્થાપના કરી અને ગામડાંના સ્વપ્રયત્નથી કૃષિવિકાસ સાધવાનું ધ્યેય રાખ્યું. આ માટેના પ્રત્યેક બ્લૉકમાં 1૦૦૦ ગામડાં અને 6૦,૦૦૦થી 7૦,૦૦૦ માણસોનો સમાવેશ થતો. તેનું ભંડોળ પણ મોટું થતું ગયું અને તબક્કાવાર સમાજવિકાસ કાર્યક્રમ શરૂ થયો. (1) વિસ્તાર પૂર્વેનો તબક્કો, (2) પહેલા તબક્કાના બ્લૉક, (3) બીજા તબક્કાના બ્લૉક અને (4) બીજા તબક્કા પછીના બ્લૉક. (1) વિસ્તરણ પૂર્વેનું બ્લૉકનું બજેટ વર્ષે રૂ. 18,8૦૦ હતું, (2) પહેલા તબક્કાના બ્લૉકનું બજેટ રૂ. 12 લાખ હતું, (3) બીજા તબક્કાના બ્લૉકનું બજેટ રૂ. 5 લાખ હતું અને (4) બીજા તબક્કા પછીના બ્લૉકનો તબક્કો કાયમી હતો તથા બજેટ રૂ. 1 લાખ હતું. 1963 સુધીમાં સમગ્ર દેશને સામુદાયિક વિકાસ પ્રોજેક્ટથી આવરી લેવામાં આવ્યો.

તબક્કો 4 : ઘનિષ્ઠ કૃષિવિકાસનો યુગ (196૦થી ચાલુ) : સામુદાયિક વિકાસની સાથે સાથે રાષ્ટ્રીય વિસ્તરણસેવા માટે જરૂરી ભૌતિક સુવિધાઓ અને માનવબળની આપૂર્તિ કરવામાં અગાઉના પ્રયત્નો સફળ રહ્યા હતા. 196૦ના દાયકામાં ઉદભવેલી અનાજની વિકટ કટોકટી નિવારવા માટે સરકાર દ્વારા વિસ્તાર અને પાક મુજબ વિવિધ કાર્યક્રમો તેમજ તાલીમકેન્દ્રો, જેવાં કે, રણવિસ્તાર વિકાસ-કાર્યક્રમ, પહાડી વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આદિજાતિ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, તેલીબિયાં વિકાસ-કાર્યક્રમ, સંકલિત કપાસ વિકાસ કાર્યક્રમ, કૃષિવિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે અમલમાં મૂકવામાં આવ્યાં, જેના ફળસ્વરૂપે તેમજ સંશોધિત નવી જાતોને પરિણામે સને 1952માં અનાજનું ઉત્પાદન 51 લાખ ટન હતું જે ચાર ગણું વધીને 2૦મી સદીના અંતે 2૦9 લાખ ટન થયું.

પંચાયતરાજપદ્ધતિ : સમાજવિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાની સ્થાપના પછી જણાયું કે લોકોનો સહકાર જોઈતા પ્રમાણમાં મળતો નથી. આ માટે સ્થાનિક નેતાગીરીનો વિકાસ થવો જરૂરી જણાયો, જેથી યોજનાનો અમલ યોગ્ય રીતે થઈ શકે. બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી ‘પંચાયતરાજ’ની શરૂઆત 1957માં કરવામાં આવી. સને 1957માં બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં ‘પંચાયતરાજ’ની શરૂઆત સને 1959માં, જ્યારે ગુજરાતમાં સને 1963માં કરવામાં આવી. સને 1991માં બંધારણના 72મા પંચાયતરાજ કાયદાના સુધારા દ્વારા સ્ત્રીઓને પંચાયતોમાં 33 ટકા બેઠકો ફાળવી સમાજોત્થાનના વહીવટમાં સ્ત્રીઓની ભાગીદારી દ્વારા સ્ત્રીસશક્તીકરણનો હેતુ પાર પાડવામાં આવ્યો.

સમાજવિકાસ વિસ્તરણ સેવાઓનું યોજનાકીય માળખું : આ માળખું રાષ્ટ્રીય કક્ષાથી શરૂ થઈ રાજ્ય, જિલ્લો અને બ્લૉક સુધી પહોંચે છે અને આ માળખાના ત્રણ ઘટકો છે : (ક) જિલ્લા કક્ષાનું મહેકમ : રાજ્ય વિકાસ કમિશનર, જિલ્લા કલેક્ટર, ઘટક વિકાસ અધિકારી (બી.ડી.ઓ.) અને ગ્રામ કક્ષાના કાર્યકરો, (ખ) સહાયકારક નિષ્ણાતોનો સ્ટાફ : તકનિકી વિભાગના નિષ્ણાતો વગેરે તથા (ગ) પંચાયતીરાજ પદ્ધતિ : જિલ્લા પંચાયત, બ્લૉક સમિતિ અને ગ્રામ પંચાયતો.

કૃષિ વિશ્વવિદ્યાલયો અને સંશોધનસંસ્થાઓ આ શૈક્ષણિક કાર્યક્રમોમાં મહત્વનો ભાગ ભજવે છે તથા ખેડૂતો અને વિસ્તરણ કાર્યકરોને મદદ કરે છે.

કૃષિવિકાસમાં કૃષિવિસ્તરણશિક્ષણનો ફાળો : ભારત જેવા લોકશાહી માળખામાં નવી ટૅક્નૉલૉજી સ્વીકારવાનું અને  કૃષિજીવન ટકાવનારી પદ્ધતિને બદલે ફળદાયી વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ બની રહે એ પ્રકારના નિર્ણયો લાખો ખેડૂતો સ્વૈચ્છિક રીતે અપનાવે તે માટે મહત્વનું સાધન વિસ્તરણ-શિક્ષણને માનવામાં આવ્યું છે. વિસ્તરણ-શિક્ષણનો મહત્વનો સાર નીચે પ્રમાણે છે : (1) વિસ્તરણ-શિક્ષણ નવી ટૅક્નૉલૉજીને અપનાવવાનું શક્ય બનાવે છે. યુગજૂનાં વિચાર અને પદ્ધતિને બદલે નવી પદ્ધતિ અપનાવવામાં ખેડૂતને ઉક્ત શિક્ષણ મદદરૂપ બને છે. આ શિક્ષણને કારણે જ દેશભરના ખેડૂતોએ વધુ પાક મેળવવાની પદ્ધતિનો સ્વૈચ્છિક સ્વીકાર કર્યો છે. (2) વિસ્તરણ ખેતીને નફાકારક વ્યવસાય તરીકે સમાજમાં મદદ કરે છે. (3) વિસ્તરણ અગ્રણી ખેડૂતને જોઈએ તે મેળવવામાં ઉપયોગી બને છે. આ માટે વિસ્તરણ કાર્યકરને જ્ઞાન ઉપરાંત ખેડૂતની પરિસ્થિતિ સમજવાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. (4) વિસ્તરણ કૃષિ નેતૃત્વને કેળવવામાં મદદ કરે છે. કેટલાક ખેડૂતો આગવી સૂઝ ધરાવતા હોવાથી બીજા ખેડૂતો તેમની સલાહ લે છે. આવા કૃષિઆગેવાનો વિસ્તરણને મદદ કરે છે અને તેમની મદદથી નવી પદ્ધતિનો પ્રચાર થાય છે.

ઈશ્વર કૃષિકાર

કૃષિનગર

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા પાસે આવેલું ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયનું મુખ્ય મથક. એની સાથે સરદાર વલ્લભભાઈની સ્મૃતિ જોડીને એને ‘સરદાર કૃષિનગર’ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વવિદ્યાલયના જૂનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા એમ ચાર પ્રાદેશિક વિભાગો છે અને એ દરેક વિભાગમાં કૃષિ મહાવિદ્યાલય આવેલાં છે. આ વિશ્વવિદ્યાલયમાં કૃષિ, પશુચિકિત્સાવિજ્ઞાન (veterinary science), પશુઉછેર (animal husbandry), ડેરી વિજ્ઞાન (dairy science) વગેરે વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અપાય છે અને એ વિષયોને લગતું સંશોધન થાય છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના 1972માં થઈ હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી

કૃષિ યુનિવર્સિટીઓ

ભારતની કૃષિ યુનિવર્સિટીઓ

ભારતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી 196૦માં પંતનગર-(ઉત્તરપ્રદેશ)માં શરૂ કરવામાં આવેલી, ત્યારબાદ ભારતનાં લગભગ બધાં રાજ્યોમાં આવી કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થયેલી છે. હાલ 2૦૦4માં ભારતમાં કુલ 38 જેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે, જેની વિગતો સારણી 1માં દર્શાવેલી છે. (જુઓ પૃ. 272-273). રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1968) મુજબ દરેક રાજ્યમાં એક કૃષિ યુનિવર્સિટી સ્થાપવાનું નિયત થયેલું છે. તેમ છતાં પ્રાદેશિક જરૂરિયાતને લક્ષમાં લઈ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં એક કરતાં વધારે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલી છે.

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI), નવી દિલ્હી, ભારતીય પશુચિકિત્સા અનુસંધાન સંસ્થા (IVRI), ઈજતનગર અને રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા (NDRI), કરનાલ જેવી દેશની અગ્રિમ સંસ્થાઓને પણ કૃષિ યુનિવર્સિટીની સમકક્ષ દરજ્જો આપવામાં આવેલો છે. હૈદરાબાદમાં 1976માં સ્થપાયેલ કેન્દ્રીય કર્મચારી મહાવિદ્યાલય કૃષિ-શિક્ષણ માટે દીવાદાંડીરૂપ છે.

ઐતિહાસિક અંગભૂત સંબંધ : ભારતની સ્વતંત્રતા બાદ કૃષિ ઉન્નતિ અને વિકાસ માટે કૃષિશિક્ષણ અને સંશોધન ઉપર ખાસ લક્ષ આપવાનું અત્યંત જરૂરી જણાયું હતું. આઝાદી પછીના પ્રથમ દાયકામાં દેશની પ્રવર્તમાન કૃષિ-પરિસ્થિતિ અને કૃષિવિકાસ સાથે સંકળાયેલી કૃષિશિક્ષણ, સંશોધન અને વિસ્તરણશિક્ષણની સંસ્થાઓની વિવિધ પંચો અને સમિતિઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી. ડૉ. એસ. રાધાકૃષ્ણનના અધ્યક્ષપણા નીચે રચાયેલ યુનિવર્સિટી શિક્ષણ પંચે દેશમાં યુ.એસ.ના ‘લૅન્ડ ગ્રાન્ટ સિસ્ટમ ઑવ્ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ’ના ધોરણે ગ્રામીણ (કૃષિ) યુનિવર્સિટીઓ સ્થાપવાની ભલામણ કરી. પંચે યુનિવર્સિટીઓનાં બંધારણીય માળખા, સંચાલન અને કાર્યરીતિ ઉપરાંત કૃષિપ્રયોગ કેન્દ્રોને સુર્દઢ કરવા બાબતે અને વિદ્યાશાખાના સભ્યો તેમજ વિદ્યાર્થીઓને વિસ્તરણ-શિક્ષણ અને નિદર્શનના કાર્યમાં સાંકળવાનાં અગત્યનાં સૂચનો કર્યાં. આ પંચની ભલામણોને પ્રથમ અને દ્વિતીય ઇન્ડો-અમેરિકન ટીમે અનુક્રમે 1955 અને 1959, ફૉર્ડ ફાઉન્ડેશન સ્ટડી ટીમ (1959), કમિંગ્ઝ કમિટી ઑન ઍગ્રિકલ્ચરણ યુનિવર્સિટી (196૦–62), પ્લાનિંગ કમિશન (1961), કોઠારી કમિશન ઑન ઍજ્યુકેશન (1964–66), ઍડ્મિનિસ્ટ્રેટિવ રિફૉર્મ્સ કમિશન (1967) અને નૅશનલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર (1975) દ્વારા પણ સમર્થન અને પૂર્તતાઓ કરવામાં આવેલ છે. (યુનિવર્સિટી ઍજ્યુકેશન કમિશન અને અન્ય નિષ્ણાત સમિતિઓની ભલામણ મુજબ) દેશની પ્રથમ કૃષિ યુનિવર્સિટી 196૦માં પંતનગર (ઉત્તરપ્રદેશ) ખાતે શરૂ કરવામાં આવી. સને 1962માં લુધિયાણા ખાતે પંજાબ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી સ્થપાઈ. ગુજરાત કૃષિ યુનિવર્સિટી 1972થી શરૂ કરવામાં આવેલ છે.

ત્યારબાદ સરકાર દ્વારા ગુ.કૃ.યુ. ઍક્ટ નં. 5, 2૦૦4 પસાર કરી ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ચાર ઝોનને
તા. 1–5–2૦૦4ની અસરથી ચાર સ્વતંત્ર યુનિવર્સિટીઓમાં પુન:સ્થાપિત કરવાનો નિર્ણય કરતાં હાલ આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર-દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કાર્યાન્વિત છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ આણંદ મુખ્ય કેન્દ્ર ઉપરાંત 12 કેન્દ્રો આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓમાં આવેલાં છે. આણંદ ખાતે કૃષિ, પશુચિકિત્સા અને પશુપાલન અને ડેરી-મહાવિદ્યાલયો ઉપરાંત ગૃહવિજ્ઞાન-શાળા, કૃષિશાળા અને બેકરી, મરઘાં-બતકાંઉછેર તાલીમ-કેન્દ્રો આવેલ છે. છારોડી, વડોદરા, દાહોદ ખાતે કૃષિશાળાઓ આવેલ છે. ખેડૂતોની તાલીમ માટે સરદાર સ્મૃતિ કેન્દ્ર આણંદ, દાહોદ, દેવાતજ અને અરણેજ ખાતે કૃષિવિજ્ઞાન કેન્દ્રો અને દેવગઢબારિયા અને દાહોદ ખાતે આદિવાસી તાલીમકેન્દ્રો કાર્યરત છે. પ્રસાર-શિક્ષણ ભવન, આણંદ દ્વારા પશ્ચિમ ભારતનાં રાજ્યોના વિકાસ સાથે સંકળાયેલ વિવિધ વિભાગોના અધિકારીઓને વિસ્તરણશિક્ષણની તાલીમ આપવામાં આવે છે. આણંદ ખાતે ફૂડ પ્રોસેસિંગ અને બાયૉએનર્જી અને ઍગ્રિકલ્ચર ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી-વિભાગો સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈ શરૂ કરવામાં આવ્યા છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ નવસારી મુખ્ય કેન્દ્ર ઉપરાંત 12 કેન્દ્રો નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, સૂરત જિલ્લાઓમાં આવેલ છે. નવસારી કેન્દ્ર ખાતે કૃષિ અને બાગાયત અને ફૉરેસ્ટ્રી મહાવિદ્યાલયો ઉપરાંત કૃષિશાળા, બેકરી તેમજ પશુધનનિરીક્ષક તાલીમ-કેન્દ્રો આવેલાં છે. જ્યારે વઘઈ, ભરૂચ, વ્યારા ખાતે કૃષિશાળાઓ આવેલી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ જૂનાગઢ મુખ્ય કેન્દ્ર ઉપરાંત 17 કેન્દ્રો જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આવેલાં છે. જૂનાગઢ ખાતે કૃષિ અને કૃષિ-ઇજનેરી મહાવિદ્યાલયો જ્યારે વેરાવળ ખાતે ફિશરી મહાવિદ્યાલય ઉપરાંત કૃષિશાળા પશુધનનિરીક્ષક અને બેકરી તાલીમ-કેન્દ્રો આવેલાં છે. હળવદ અને ધારી ખાતે કૃષિશાળા છે.

સરદાર કૃષિનગર : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હેઠળ મુખ્ય કેન્દ્ર સરદાર કૃષિનગર ઉપરાંત 16 કેન્દ્રો મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં આવેલાં છે. મુખ્ય કેન્દ્ર ખાતે કૃષિ, પશુચિકિત્સા અને પશુપાલન અને ગૃહવિજ્ઞાન મહાવિદ્યાલય ઉપરાંત ગૃહવિજ્ઞાનશાળા, બેકરીશાળા આવેલ છે. ખેડબ્રહ્મા, ડીસા અને જગુદણ ખાતે કૃષિશાળાઓ છે.

અગાઉની ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2૦૦૦ સુધીમાં 632૦ કૃષિસ્નાતકો, 1314 પશુચિકિત્સકો, 335 કૃષિ-ઇજનેરો, 118 બાગાયત અને ફૉરેસ્ટ્રીના સ્નાતકો, 237 ગૃહવિજ્ઞાનના સ્નાતકો અને 67 ફિશરીઝના સ્નાતકો બહાર પડેલ છે. 2458 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક અને 493 વિદ્યાર્થીઓએ પીએચ.ડીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા કુલ 215 વિવિધ પાકોની જાતો બહાર પાડવામાં આવેલ છે અને 1988 સંશોધન-ભલામણો કરવામાં આવેલ છે.

કૃષિ યુનિવર્સિટીનાં વિશિષ્ટ લક્ષણો : કૃષિ યુનિવર્સિટીઓ રાજ્ય કક્ષાની સ્વાયત્ત સંસ્થાઓ છે અને જે તે રાજ્યના ધારાગૃહના કાયદા અનુસાર તેની સ્થાપના થઈ છે. કૃષિ યુનિવર્સિટીઓની પદ્ધતિનો પ્રયોગ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે; જેમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ-શિક્ષણની રાજ્ય કક્ષાની પ્રવૃત્તિઓનું સંકલન જોવા મળે છે. કૃષિ યુનિવર્સિટીઓનું પાયાનું ધ્યેય કૃષિ-ઉત્પાદન વધારી રાજ્યના લોકોનું જીવનધોરણ સુધારવાનું છે. મોટાભાગનાં રાજ્યોમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થતાં જે તે રાજ્યનાં ખેતીવાડી અને પશુપાલન ખાતાં વગેરે અને અન્ય કૃષિસંલગ્ન સંસ્થાઓની કૃષિશિક્ષણ, સંશોધન અને વિસ્તરણ-શિક્ષણની પ્રવૃત્તિઓ કૃષિ યુનિવર્સિટીઓને તબદીલ કરવામાં આવેલ છે. રાજ્યના ખેતીવાડી ખાતાંઓ પાસે હવે ટૅક્નિકલ સંદેશાઓના વહનના કાર્યક્રમો અને વિસ્તરણ સેવાઓની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તેને ઘનિષ્ઠ બનાવેલ છે.

કૃષિ યુનિવર્સિટીઓમાં મુખ્ય વહીવટી કેન્દ્ર ઉપરાંત અંગભૂત કૉલેજો, વિસ્તરણ-શિક્ષણ કેન્દ્રો, સંશોધનની સુવિધાવાળાં સંશોધનકેન્દ્રો અને પેટાકેન્દ્રોનો સમાવેશ થાય છે. સંશોધનનાં પેટાકેન્દ્રો રાજ્યના વિવિધ કૃષિ આબોહવામાનવાળા વિસ્તારોમાં આવેલાં હોય છે, જેથી સ્થાનિક જરૂરિયાતો મુજબના સંશોધન-કાર્યક્રમો દ્વારા ઉપયોગી ખેત-ભલામણો કરાય છે. કૃષિ યુનિવર્સિટીની વિશિષ્ટ ખાસિયતો સંક્ષેપમાં નીચે મુજબ છે :

(1) સમગ્ર રાજ્યના કૃષિશિક્ષણ, સંશોધન અને વિસ્તરણ-શિક્ષણની જવાબદારી રાજ્યની કૃષિ યુનિવર્સિટીને સોંપવામાં આવેલ છે.

(2) કૃષિ યુનિવર્સિટીમાં વહીવટી કક્ષાએ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ-શિક્ષણનું સંપૂર્ણ સંકલન હોય છે.

(3) શિક્ષણની યોગ્ય ગુણવત્તા જળવાય તે હેતુથી યુનિવર્સિટીની બધી જ કૉલેજોને અંગભૂત એકમ તરીકે રાખવામાં આવે છે.

(4) સતત આંતરિક મૂલ્યાંક્ધા અને સેમેસ્ટર પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

(5) વિદ્યાર્થીઓ અને વિસ્તરણ કાર્યકરોને નવી જાણકારી ત્વરિત રીતે પહોંચાડવામાં આવે છે અને આ જ્ઞાન ખેડૂતો સુધી ઝડપથી પહોંચે તે ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે.

(6) સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમો ન લઈ શકે તેવાં ગ્રામીણ યુવક-યુવતીઓ અને ગૃહિણીઓને ખાસ તાલીમ કાર્યક્રમો દ્વારા મહદંશે આવરી લેવાય છે.

(7) યુનિવર્સિટી અધિનિયમ મુજબ નિમાયેલ નિયામક મંડળ દ્વારા યુનિવર્સિટીનું સંચાલન થાય છે.

(8) સંચાલન અને કાર્યપ્રણાલી બાબતે તે સ્વાયત્ત છે.

(9) સરકાર દ્વારા યુનિવર્સિટીને જરૂરી નાણાકીય સહાય આપવામાં આવે છે. હાલ કૃષિ યુનિવર્સિટીઓ ત્રણ પ્રકારની સંરચનાના નમૂના પ્રમાણે અસ્તિત્વમાં છે, જેવી કે (i) એકકેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી  એચ. એ. યુ. (હિસ્સાર), (ii) બહુકેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી  જેમ કે ગુજરાત કૃષિ યુનિવર્સિટી (દાંતીવાડા, જૂનાગઢ, નવસારી, આણંદ) અને (iii) બહુયુનિવર્સિટીય પદ્ધતિ જેવી કે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓ. કૃષિ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓના સંકલન સાથે કૃષિના વિશાળ ફલકને ધ્યાનમાં લઈને સંશોધન અને શિક્ષણના વિવિધ કાર્યક્રમો આવરી લેવાય છે. જેવા કે પાક અને પશુધન વ્યવસ્થા પાયાનાં સંકલિત અને પ્રાયોજિત વિજ્ઞાનો, વનવિદ્યા, પશુચિકિત્સા, ગૃહવિજ્ઞાન, સામાજિક અને પ્રતિક્રિયાત્મક વિજ્ઞાન, કૃષિ-ઇજનેરી, માનવકલ્યાણવિજ્ઞાન, વ્યાપારવ્યવસ્થા, વિસ્તરણ-શિક્ષણ, પત્રકારત્વ અને કૃષિસંદેશા વ્યવહાર વગેરે.

શિક્ષણ અને વિસ્તરણશિક્ષણ પ્રવૃત્તિઓ : કૃષિ યુનિવર્સિટી સંશોધન, વિસ્તરણ અને તેને સંબંધિત વિષયોની બાબતમાં શિક્ષણ અને તાલીમ આપવાની અગત્યની કામગીરી બજાવે છે. આ શૈક્ષણિક કામગીરી ઔપચારિક અને અનૌપચારિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. માનવસંખ્યાની જરૂરિયાતો સતત સર્વેક્ષણ દ્વારા જાણવામાં આવે છે. કૃષિ અંગેના પ્રશ્નો અને જરૂરિયાતને લક્ષમાં રાખીને અભ્યાસક્રમો નક્કી કરાય છે અને તેમાં ફેરફારને પૂરો અવકાશ રહે છે. શૈક્ષણિક કામગીરી ટ્રાઇમેસ્ટર/સેમેસ્ટર પદ્ધતિ દ્વારા ચલાવવામાં આવે છે અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એમ બન્ને પ્રકારની તાલીમ આપવામાં આવે છે. સ્નાતક કક્ષા સુધીની પરીક્ષાપદ્ધતિ આંતરિક મૂલ્યાંકન પર આધારિત હોય છે. ફક્ત અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બહારના પરીક્ષકને મહાનિબંધ અને મૌખિક પરીક્ષા માટે સલાહકાર સમિતિના સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવે છે. પ્રાયોગિક કામગીરી અને ક્ષેત્રીય અનુભવની બાબતો ઉપર ખાસ લક્ષ આપવામાં આવે છે. અભ્યાસક્રમોમાં ગ્રામકક્ષાની તાલીમ અને ઇન્ટર્નશિપ કાર્યક્રમોનો પણ સ્નાતક કક્ષાની ડિગ્રી માટે સમાવેશ થાય છે.

અનુસ્નાતક અભ્યાસક્રમના વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ, પ્રગતિશીલ કેન્દ્રો અને યુ.એન.ડી.આર.ની મદદથી ચાલતા કાર્યક્રમોનો ફાળો મહત્વનો છે. પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકોના જ્ઞાનની વૃદ્ધિ માટે નિયમિત ઉનાળુ તાલીમ શિબિરો યોજવામાં આવે છે.

આંતરિક માળખાકીય સુર્દઢતા ઉપરાંત સાતમી પંચવર્ષીય યોજનામાં કૃષિઉત્પાદનને વેગ આપવા અને તેનું સાતત્ય જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો. સૂકી ખેતી, પશુસુધારણા, ડેરીવિજ્ઞાન, મત્સ્યઉદ્યોગ અને ગૃહવિજ્ઞાન જેવાં ક્ષેત્રોનો વ્યાપ વધારવામાં આવેલ. રાષ્ટ્રીય કૃષિવિસ્તરણ કાર્યક્રમ (એન.એ.ઈ.પી.) અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી ટૅક્નિકલ જાણકારી ખેતર સુધી પહોંચાડવાની વ્યૂહરચના અપનાવવામાં આવેલ છે.

કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ, પશુચિકિત્સા અને પશુપાલનવિજ્ઞાન, મૂળભૂત વિજ્ઞાન અને માનવકલ્યાણ વિજ્ઞાન, કૃષિ-ઇજનેરી, મત્સ્યવિજ્ઞાન અને ગૃહવિજ્ઞાન કૉલેજોનો અંગભૂત એકમ તરીકે સમાવેશ થાય છે અને આ શાખાઓ સાથે સંકળાયેલ વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત, નવાં ક્ષેત્રો જેવાં કે પર્યાવરણ, કૃષિ વનવિદ્યા, કુદરતી સ્રોતો, દૂર સંવેદન (રિમોટ સેન્સિંગ), ટૅક્નૉલૉજી, જમીન અને જળ સર્વેક્ષણ, પેશીવર્ધન (tissue culture) જીવતાંત્રિકી, કૃષિક્ષેત્રે કમ્પ્યૂટરની ઉપયોગિતા, કૃષિહવામાન, કાપણી બાદની તાંત્રિકી, બિનપ્રણાલીગત ઊર્જાઓ વગેરેની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બાબતોને શૈક્ષણિક કાર્યક્રમોમાં સાંકળી લેવામાં આવેલ છે.

વિસ્તરણ-શિક્ષણની કામગીરી માટે કૃષિ શાખાઓના સંચાલન ઉપરાંત ડિપ્લોમા અભ્યાસ માટે વિવિધ પ્રકારના તાલીમ અભ્યાસક્રમો ગોઠવાય છે. તેમાં રાજ્યનું ખેતીવાડી ખાતું, અન્ય ખાતાં અને મુલકી સેવાના અધિકારીઓને આધુનિક ટૅક્નૉલૉજીનું જ્ઞાન અને તાલીમ અપાય છે. આ ઉપરાંત ગ્રામીણ યુવક-યુવતીઓને ટૂંકા ગાળાની તાલીમ આપવામાં આવે છે. નિદર્શનો, કૃષિમેળા અને ખેડૂતદિન, કૃષિ સામયિકો અને પત્રિકાઓ દ્વારા નવી જાણકારીનો સંદેશો ગ્રામકક્ષાએ પહોંચાડવામાં આવે છે. વિસ્તરણ-શિક્ષણની જવાબદારી યુનિવર્સિટીમાં વિસ્તરણ-શિક્ષણ નિયામકશ્રી સંભાળે છે. સ્નાતક અભ્યાસક્રમોનું સંકલન જે તે કૉલેજના ડીન મારફત કરવામાં આવે છે અને અનુસ્નાતક અભ્યાસક્રમોના સંચાલન માટેની જવાબદારી અનુસ્નાતક અભ્યાસક્રમના ડીન સંભાળે છે.

કૃષિસંશોધન : દરેક રાજ્યમાં કૃષિસંશોધનની જવાબદારીઓ મુખ્યત્વે કૃષિ યુનિવર્સિટીઓ સંભાળે છે. હાલ દેશના કૃષિસંશોધનક્ષેત્રે રોકાયેલ લગભગ 27,5૦૦ વૈજ્ઞાનિકોમાંથી કૃષિ યુનિવર્સિટીઓમાં 18,5૦૦ જેટલા વૈજ્ઞાનિકો કામ કરે છે. કૃષિસંશોધનના ફળસ્વરૂપે છેલ્લા બે દાયકામાં કૃષિ-ઉત્પાદન વધારી ભારતે હરિયાળી, શ્વેત અને નીલ ક્રાંતિ સર્જી છે. આમ દેશમાં કૃષિસંશોધનક્ષેત્રે કૃષિ યુનિવર્સિટીઓ મહત્તમ યોગદાન આપે છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ભારત સરકારનું કૃષિવિભાગ ખાતું, રાજ્ય સરકારો તેમજ વિસ્તરણ વ્યવસ્થાને સાંકળવાની કામગીરી ઉપરાંત આંતરરાષ્ટ્રીય કૃષિવિષયક ટૅક્નિકલ જાણકારીના આદાનપ્રદાનના સંકલનની કામગીરી પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નિયંત્રણ હેઠળ છે. વિવિધ પાકો અને વિષયો માટે અખિલ ભારતીય સંકલિત પ્રોજેક્ટ દ્વારા સંશોધનનું સુચારુ સંકલન કરાય છે. કૃષિના પુનરુદ્ધાર માટે નીચે મુજબની મુખ્ય નીતિઓ ઘડવામાં આવેલ છે : (1) આર્થિક રીતે ફાયદાકારક, પર્યાવરણને અનુરૂપ અને સામાજિક રીતે સુસંગત ટૅક્નૉલૉજી રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને અખિલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે વિકસાવવી. (2) ટૅક્નૉલૉજીની સાધન-સામગ્રીનો સંપુટ (પૅકેજ) દરેક ખેડૂત સુધી પહોંચાડવાની કામગીરી કેન્દ્રીય તથા રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવશે. (3) કૃષિ-ઉત્પાદનનો વેગ વધારી તેના યોગ્ય વપરાશ માટે સર્વમાન્ય નીતિ અપનાવવી. દેશે કૃષિ યુનિવર્સિટીઓનો અભિગમ અપનાવ્યા બાદ તંત્રબદ્ધ માળખાનો વિકાસ થયો. પાક, કૃષિ-ઇજનેરી, પશુવિજ્ઞાન, મત્સ્યવિજ્ઞાન અને બાગાયત પાકોનાં સંશોધન અને વિકાસ માટે ઘણી નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ ડી.એ.આર.ઈ.ની સંરચના કરવામાં આવી. કૃષિસંશોધન સેવાઓની નિર્મિતિ થઈ. કૃષિવૈજ્ઞાનિક સંશોધન મંડળ (એ.એસ.આર.બી.) તેમજ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય અને કૃષિ સંશોધન વ્યવસ્થાપન(એન.એ.એ.આર.એમ.)ની સ્થાપના કરવામાં આવી. કૃષિ યુનિવર્સિટીઓની સંશોધનક્ષમતા વધારવા અને સ્થાનિક વિસ્તારોની જરૂરિયાત મુજબ ખાસ ટૅક્નૉલૉજીના વિકાસ અને ભલામણ માટે રાષ્ટ્રીય કૃષિસંશોધન યોજના(એન.એ.આર.પી.)ની સ્થાપના કરવામાં આવી.

છોડના જમીનવિજ્ઞાનના સંશોધન માટે 1976માં નૅશનલ બ્યૂરો ઑવ્ પ્લાન્ટ જીનેટિક રિસોર્સીસ(એન.બી.પી.જી.આર.)ની સ્થાપના કરવામાં આવી, જેના પરિણામે પાક સંવર્ધન સંશોધનમાં મહત્વનું યોગદાન મળ્યું છે. વધારે ઉત્પાદન આપતી જાતોના બિયારણના વિકાસ જેટલું જ મહત્વનું કામ સંકલિત જીવાતનિયંત્રણનું પણ છે. રસાયણોના નિયંત્રિત ઉપયોગને લીધે કૃષિ-ઉત્પાદનમાં સાતત્ય જાળવવા માટે જીવતાંત્રિકીના વિકાસની ખૂબ જ આવશ્યકતા જણાયેલ છે. હરિયાળી ક્રાંતિનું સાતત્ય જાળવવા, શ્ર્વેતક્રાંતિને પૂર્ણ કરવા અને નીલક્રાંતિના ઉદય માટે અગત્યનાં ક્ષેત્રો જેવાં કે કાપણી પછીની ટૅક્નૉલૉજી, જળવ્યવસ્થા, વૈકલ્પિક જમીન-વપરાશ, મત્સ્યઉદ્યોગ અને જળસ્રાવ (water-resources) વિકાસ વગેરેના વિકાસ માટે કૃષિ યુનિવર્સિટીઓએ મહત્વનું પ્રદાન કરવાનું રહેશે.

યુનિવર્સિટીમાં સંશોધન-કાર્યક્રમના આયોજન, અમલ અને મૂલ્યાંકન માટે સંશોધન પરિષદ અને તેની પેટા સમિતિઓ હોય છે. સંશોધન યોજનાઓ સામાન્ય રીતે બે કક્ષાની હોય છે : (1) રાષ્ટ્રીય કક્ષાની અને (2) રાજ્ય કક્ષાની. રાષ્ટ્રીય કક્ષાની યોજનામાં સંશોધન-પ્રવૃત્તિ અખિલ ભારતીય સંકલિત પ્રયત્નો દ્વારા કરવામાં આવે છે અને તે અખિલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના અનુદાનથી ચાલે છે. રાજ્ય કક્ષાની યોજનાઓ જે તે રાજ્યના કૃષિ વિભાગના અનુદાન દ્વારા ચલાવાય છે. સંશોધન માટે બહુવિષયક મુખ્ય સંશોધનકેન્દ્રો, પેટા સંશોધનકેન્દ્રો અને ચકાસણીકેન્દ્રો રાજ્યના વિવિધ કૃષિ-આબોહવા વિભાગોમાં આવેલાં હોય છે. આ કાર્યનું સંચાલન અને સંકલન યુનિવર્સિટીના સંશોધન નિયામક દ્વારા થાય છે.

સંશોધન યોજનાની કામગીરીનું મૂલ્યાંકન વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવે છે. સંશોધન દ્વારા મળેલ પરિણામો અને તેના સમર્થન માટે મેળવેલ આંકડાની ચકાસણી થાય છે. સંશોધન પરિષદની પેટા સમિતિમાં જ્યારે પૂરતા પ્રમાણમાં આંકડા સાથે સંશોધનને સમર્થન મળે ત્યારે ખેડૂતોને ભલામણ કરવા માટે સ્વીકારાય છે અને આ નવી ભલામણો સત્વરે ખેડૂતો સુધી પહોંચે તે માટે વિસ્તરણ-શિક્ષણ નિયામક મારફત વિસ્તરણ એજન્સીને મોકલવામાં આવે છે. રાજ્ય કક્ષાની પાકની નવી જાતો યુનિવર્સિટીની ‘વેરાઇટલ રિલીઝ કમિટી’ દ્વારા ભલામણ થાય છે અને રાજ્ય પેટા બીજસમિતિ દ્વારા બહાર પડાય છે. રાષ્ટ્રીય કક્ષાની પાકની નવી જાતોની ભલામણ રાષ્ટ્રીય કક્ષાની વર્કશૉપમાં થાય છે અને કેન્દ્રીય બીજસમિતિ દ્વારા બહાર પડાય છે. નવી જાત વિકસાવનાર પ્રજનક(બ્રીડર)ની આ જાતનાં ‘ન્યુક્લિયસ’ અને ‘બ્રીડર-બીજ’ ઉત્પન્ન કરવાની જવાબદારી રહે છે. રાજ્યકક્ષાની જાતોના આ બીજ પુન:વર્ધીકરણ માટે ખેતીનિયામક દ્વારા બીજ-ઉત્પાદકોને ફાળવણી કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની જાતોના બ્રીડર-બીજના પુન:વર્ધીકરણ માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા બીજ-ઉત્પાદકોને ફાળવણી થાય છે. આમ નવાં બીજ અને ભલામણો સત્વરે ખેડૂત-ઉપયોગી બને તે મુજબનું માળખું ગોઠવાયેલ છે.

સારણી 1 : ભારતની કૃષિ યુનિવર્સિટીઓ

 અ.નં. રાજ્ય કૃષિ યુનિવર્સિટીનું નામ અને સ્થળ
1. આંધ્રપ્રદેશ આચાર્ય, એન. જી. રંગા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, રાજેન્દ્રનગર, હૈદરાબાદ
2. આસામ આસામ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, જોરહટ
3. બિહાર રાજેન્દ્ર ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, પુસા, સમસ્તીપુર
4. ગુજરાત આણંદ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ
5. ગુજરાત જૂનાગઢ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, જૂનાગઢ
6. ગુજરાત નવસારી  ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, નવસારી
7. ગુજરાત સરદાર કૃષિનગરદાંતીવાડા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર
8. હરિયાણા ચૌધરી ચરણસિંહ હરિયાણા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, હિસ્સાર
9. હિમાચલપ્રદેશ ચૌ. શ્રાવણકુમાર કૃષિ વિશ્વવિદ્યાલય, પાલમપુર
1૦. હિમાચલપ્રદેશ ડૉ. યશવંતસિંગ પરમાર યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઍન્ડ ફૉરેસ્ટ્રી, સોલન
11. જમ્મુ ઍન્ડ શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઑવ્  ઍગ્રિકલ્ચરલ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, જમ્મુ
12. જમ્મુ ઍન્ડ શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ કાશ્મીર સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, શાલીમાર કૅમ્પસ,  શ્રીનગર
13. ઝારખંડ બિરસા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, કાન્કે, રાંચી
14. કર્ણાટક યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ સાયન્સ, બૅંગલોર
15. કર્ણાટક યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ સાયન્સ, ધારવાડ
16. કેરળ કેરાલા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, વેલ્લાનીકકરા,
17. મધ્યપ્રદેશ જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વવિદ્યાલય, જબલપુર
18. મહારાષ્ટ્ર ડૉ. બાલાસાહેબ સાવંત કાકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી
19. મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર એનિમલ સાયન્સ ઍન્ડ ફિશરીઝ સાયન્સ યુનિવર્સિટી, નાગપુર
2૦. મહારાષ્ટ્ર મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી
21. મહારાષ્ટ્ર મરાઠાવાડ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, પરભણી
22. મહારાષ્ટ્ર ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ વિશ્વવિદ્યાલય, અકોલા
23. મણિપુર સેન્ટ્રલ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ઇમ્ફાલ
24. ઓરિસા ઓરિસા યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, ભુવનેશ્વર
25. પંજાબ પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણા
26. રાજસ્થાન રાજસ્થાન ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, બિકાનેર
27. રાજસ્થાન મહારાણા પ્રતાપ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર  ઍન્ડ ટૅક્નૉલૉજી, ઉદેપુર
28. તામિલનાડુ તામિલનાડુ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી, કોઇમ્બતુર
29. તામિલનાડુ તામિલનાડુ વેટરીનરી ઍન્ડ એનિમલ સાયન્સીસ યુનિવર્સિટી, ચેન્નાઈ
3૦. ઉત્તરપ્રદેશ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, મેરઠ
31. ઉત્તરપ્રદેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એવમ્ ગૌ અનુસંધાન સંસ્થાન, મથુરા
32. ઉત્તરપ્રદેશ ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, પંતનગર
33. ઉત્તરપ્રદેશ નરેન્દ્ર દેવ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, ફૈઝાબાદ
34. ઉત્તરપ્રદેશ ચન્દ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅક્નૉલૉજી, કાનપુર સરદાર પટેલ ઍગ્રિ. યુનિવર્સિટી, મેરઠ
35. પશ્ચિમ બંગાળ ઉત્તર બંગા કૃષિ વિશ્વવિદ્યાલય, પુંડિબારી, જિ. કૂચબિહાર
36. પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળ યુનિવર્સિટી ઑવ્ એનિમલ ઍન્ડ ફિશરીઝ સાયન્સીસ, બેલગાચિયા, કોલકાતા
37. પશ્ચિમ બંગાળ બિધાનચંદ્ર કૃષિ વિશ્વવિદ્યાલય, મોહનપુર, નાડિયા
38. છત્તીસગઢ ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય, રાયપુર

કે. જાનકીરામન

ભાઈલાલ પટેલ

કૃષિવિસ્તરણ કાર્યક્રમો

કૃષિવિજ્ઞાન કેન્દ્ર : કાર્યઅનુભવ દ્વારા શિક્ષણ આપવું અને કામ કરતાં કરતાં ભણાવવાની વિચારસરણી સાથે દેશમાં ખેડૂતો માટે કૃષિ-વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા વર્ષ 1973માં ડૉ. મોહનસિંગ મહેતા સમિતિ નીમવામાં આવેલ. જેના આધારે વર્ષ 1974માં પોંડિચેરી ખાતે પ્રથમ કૃષિ-વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. ગુજરાતમાં ડીસા ખાતે સને 1976માં પ્રથમ કૃષિવિજ્ઞાન કેન્દ્ર સ્થપાયા બાદ હાલમાં કુલ 17 કૃષિ-વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને તેમજ વિસ્તરણ કાર્યકરોને કૃષિસંશોધનની જાણકારી માટે તેમજ સ્વરોજગારી માટેના તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. સાથે સાથે જે તે વિસ્તારની પરિસ્થિતિને અનુરૂપ કૃષિ તજ્જ્ઞતા માટે ક્ષેત્રીય ચકાસણી તેમજ પ્રથમ હરોળનાં નિદર્શનો ગોઠવવામાં આવે છે. હાલ દેશોમાં કુલ 36૦ કૃષિ-વિજ્ઞાનકેન્દ્રો કાર્યરત છે. ગુજરાતમાં ડીસા, દાહોદ, દેવાતજ (આણંદ), અરણેજ (અમદાવાદ), વઘઈ, વ્યારા (સૂરત), તરઘડિયા (રાજકોટ), જામનગર, અમરેલી, અંભેટી (વલસાડ), રાંધેજા (ગાંધીનગર), દેથલી (ખેડા), મુન્દ્રા (કચ્છ), ગોલાગામડી (વડોદરા), સમોડા (પાટણ), ચાસવડ (નર્મદા) અને કોડીનાર (જૂનાગઢ) ખાતે આ કેન્દ્રો કાર્યરત છે.

કૃષિ તાંત્રિકતા વ્યવસ્થાપન સંસ્થા – ઍગ્રિકલ્ચરલ ટૅક્નૉલૉજી મૅનેજમેન્ટ એજન્સી (આત્મા) : આ સંસ્થા જે તે જિલ્લાના સાતત્યપૂર્ણ કૃષિ અને આનુષંગિક વિકાસ અર્થે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર તમામ ઘટકોની રજિસ્ટર્ડ સંસ્થા છે. તે જિલ્લામાં કૃષિ-સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રની તમામ પ્રવૃત્તિઓના સંકલનનું કેન્દ્રબિંદુ છે. કૃષિવિકાસ માટે કૃષિ-સંશોધન અને વિસ્તરણ વચ્ચે યોગ્ય સંકલન હોવું જરૂરી હોઈ નૅશનલ ઍગ્રિકલ્ચરલ ટૅક્નૉલૉજી પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં (1998–2૦૦3) દેશનાં સાત રાજ્યોના 28 જિલ્લાઓમાં અને ત્યારબાદ બીજા તબક્કામાં કુલ 254 જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના આઠ જિલ્લાઓનો સમાવેશ થયેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન અને એકસૂત્રતા વધારી કૃષિ-કાર્યક્રમોના આયોજનમાં અને સાધન-સંપત્તિની વહેંચણીમાં ખેડૂતોની ભૂમિકા વધારી જિલ્લા કક્ષાએ નિર્ણાયક સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો છે.

ભાઈલાલ પટેલ

કૃષિસંશોધન, ભારતમાં

ભારતમાં આયોજનના ભાગ રૂપે કૃષિ-ઉત્પાદન વધારવાનું છે અને તેમાં વિવિધતા આણવાની છે. આ માટે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનની અનેક શાખાઓને સમન્વિત રીતે ખેતીમાં પ્રયોજવાનો પ્રયત્ન થયો છે. પાયાના, પ્રયુક્ત અને અનુકૂલનલક્ષી એમ ત્રણેય પ્રકારનાં કૃષિસંશોધન માટે સંસ્થાકીય પ્રબંધ કરવામાં આવ્યો છે. આ કાર્ય કરનાર સંસ્થાઓમાં મુખ્યત્વે (1) યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીઓ, (2) ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (I.C.A.R.) અને તેની કેન્દ્રવર્તી સંશોધનસંસ્થાઓ અને (3) રાજ્ય સરકારોનાં ખેતીવાડી ખાતાંને ગણાવી શકાય. તેમાંથી યુનિવર્સિટીઓ અને કેન્દ્રવર્તી સંશોધનસંસ્થાઓ પાયાના ને પ્રયુક્ત સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને રાજ્ય સરકારનાં ખેતીવાડી ખાતાં અનુકૂલનલક્ષી સંશોધન હાથ ધરે છે. ભારતની કૃષિ-સંશોધનની આ વ્યવસ્થાની દુનિયાભરની આ ક્ષેત્રની સૌથી મોટી સંશોધન-વ્યવસ્થામાં ગણના થાય છે.

અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભારતીય કૃષિ-સંશોધન પરિષદ (ICAR) તથા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની ગ્રાન્ટની સહાયથી વ્યક્તિગત ધોરણે કૃષિ-સંશોધન થઈ રહ્યું છે.

રબર, કૉફી, ચા ને એલચી અંગેનાં બોર્ડ બગીચા-પદ્ધતિએ ઉગાડાતા એ ચાર પાકોનાં ઉત્પાદન, સુધારણા ને વેચાણના પ્રશ્નોનો હવાલો સંભાળે છે. રબર ને કૉફી માટે ખાસ સંશોધનસંસ્થા જે-તે બોર્ડની દેખરેખ હેઠળ કામ કરે છે. આ બોર્ડ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતા પાક અંગેના સંશોધનને પ્રોત્સાહન પણ આપે છે.

કૃષિ-સંશોધન-ક્ષેત્રે કામ કરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પસંદ કરેલા પ્રોજેક્ટ કે હેતુઓ માટે તાલીમ, ટૅક્નિકલ સહાય, સાધનો ને નાણાં પૂરાં પાડે છે. આ કામમાં વધુ ગાઢ રીતે સંકળાઈને કાર્ય કરનાર ઇન્ટરનેશનલ ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સેમિ-ઍરિડ ટ્રૉપિક્સ (ICRISAT) નામક સંસ્થાનો ખાસ નિર્દેશ કરવો જોઈએ.

કૃષિસંશોધન ને શિક્ષણવિભાગ : કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતામાં 1973માં ખેતી, પશુવિજ્ઞાન અને મત્સ્યપાલનમાં થતા શિક્ષણ-સંશોધનકાર્યના સંકલન માટે ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન (DARE) રચવામાં આવ્યું છે. તે ICARને વહીવટી ટેકો પૂરો પાડનાર અને સરકાર સાથે તેને જોડનાર કડી છે. ICARના ડાયરેક્ટર જનરલ આ વિભાગના સચિવ તરીકે કામ કરે છે. ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ અંગેની રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે તેમજ સરકારી ખાતાં વચ્ચે સહકાર સ્થાપવાનું કામ પણ આ વિભાગના હેતુઓમાં આવે છે.

ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ : યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા શિકાગો શહેરના હેનરી ક્રિપ્સ નામના સજ્જને વૈજ્ઞાનિક સંશોધન માટે ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ કર્ઝનને 3૦,૦૦૦ પાઉન્ડનું દાન કર્યું હતું. તેમાંથી 19૦5માં આ સંસ્થા સ્થપાઈ હતી. આરંભમાં તે પુસા(બિહાર)માં કામ કરતી હતી. આજે તે નવી દિલ્હીમાં આવેલી છે. તે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે અને ICARની દેખરેખ હેઠળ કામ કરે છે.

તાલીમ માટે પ્રબંધ કરવો, અનુસ્નાતક શિક્ષણ આપવું અને સંશોધન (પ્રયોજી શકાય તેવું સંશોધન) કરવું તે આ ઇન્સ્ટિટ્યૂટનાં મુખ્ય કાર્ય છે. તે દેશભરમાં પથરાયેલાં પેટામથકો તેમજ પ્રાદેશિક જમીન ચકાસણી પ્રયોગશાળાઓ ધરાવે છે. પ્રાદેશિક ધોરણે હાથ ધરાતા કૃષિ-સંશોધન પ્રોજેક્ટનું સંકલન પણ તે કરે છે. ઑલ ઇન્ડિયા સૉઇલ ઍન્ડ લૅન્ડ યુઝ સરવે પણ અલગ એકમ તરીકે ઇન્સ્ટિટ્યૂટના આશ્રયે કામ કરે છે. કપાસ, લાખ, રેશમ, તમાકુ, બટાટા ને શેરડી જેવા પાક પરના સંશોધનનું પ્રારંભિક કાર્ય આ સંસ્થામાં થયું હતું.

ભારતીય કૃષિસંશોધન પરિષદ : ખેતી અંગેના 1928ના રૉયલ કમિશનના રિપોર્ટમાં કરાયેલી ભલામણના અનુસંધાનમાં 16 જુલાઈ 1929ના રોજ ભારત સરકારે ઇમ્પીરિયલ કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચની રજિસ્ટર્ડ સોસાયટી તરીકે રચના કરી હતી. ખેતીનાં ને પશુપાલન અંગેનાં સંશોધનને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું અને તેનું સંકલન કરવું તે આ સંસ્થાની રચના પાછળના મુખ્ય ઉદ્દેશ હતા. 1947થી તે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચના નવા નામે કામ કરી રહી છે. કૃષિ-સંશોધન માટેની ભારતની તે પ્રમુખ સંસ્થા છે. તે ખેતી અને તેની સાથે સંકળાયેલાં ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણના કાર્યને ઉપાડે છે, સંકલિત કરે છે અને પ્રોત્સાહન આપે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના હાથ નીચે વિસ્તરણકાર્ય કરનાર અનેક સંસ્થાઓ મારફતે તે સંશોધનનાં પરિણામ ખેતર સુધી પહોંચાડવા મથે છે.

નાણાપ્રબંધ : ICAR ભારત સરકાર પાસેથી નાણાકીય ભંડોળ મેળવે છે. ખેતપેદાશો પરનો કર કે સેસ નાખવામાં આવે છે તેમાંથી પણ સંસ્થાને નાણાં પ્રાપ્ત થાય છે.

દસમી યોજનામાં (2૦૦2–2૦૦7) કૃષિ-સંશોધન ને કૃષિશિક્ષણ માટે રૂ. 5368 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવમી યોજનામાં આ ફાળવણી રૂ. 3376.95 કરોડની હતી ને ખરેખર થયેલ ખર્ચ રૂ. 2673 કરોડનો હતો એવો અંદાજ છે.

સંસ્થાગત માળખું : ICAR અન્યોન્ય સંકળાયેલી સંસ્થાઓના રાષ્ટ્રવ્યાપી માળખા મારફતે પોતાનાં કર્તવ્ય સુસંકલિત રીતે બજાવે છે. તેનાં અંગરૂપ ઘટકો આ પ્રમાણે છે : (1) દેશભરમાં ફેલાયેલ 46 કેન્દ્રીય સંશોધન ઇન્સ્ટિટ્યૂટ : તેમાંની ચાર યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી સંસ્થાઓ; (2) 9 પ્રોજેક્ટ ડિરેક્ટરની કચેરીઓ; (3) 31 રાષ્ટ્રીય સંશોધનકેન્દ્રો; (4) 158 પ્રાદેશિક સંશોધનમથકો; (5) 81 અખિલ ભારતીય સંકલિત સંશોધનપ્રકલ્પો; (6) 4 રાષ્ટ્રીય બ્યૂરો. નવમી યોજનામાં ખેતીની ર્દષ્ટિએ મહત્વનાં સૂક્ષ્મ જીવાણુ અંગેની સ્થપાયેલ પાંચમી રાષ્ટ્રીય બ્યૂરો (7) રાજ્ય કક્ષાની 31 કૃષિ યુનિવર્સિટી ને એક કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી.

સંશોધનની આ પરસ્પર સંકળાયેલી વ્યવસ્થામાં ICAR હસ્તક કામ કરનારાં 45 કેન્દ્રીય સંશોધન ઇન્સ્ટિટ્યૂટ ભારે મહત્વનાં છે. તે કૃષિક્ષેત્રે સંશોધન, શિક્ષણ અને તાલીમ તથા વિસ્તરણની પ્રવૃત્તિ કરે છે. અનુસ્નાતક શિક્ષણ ને સંશોધન માટેના કેન્દ્ર તરીકે તે એક યા બીજી યુનિવર્સિટીની માન્યતા ધરાવે છે. તે કૃષિ-વિસ્તરણ કરનાર વ્યક્તિઓ ને સંસ્થાઓના સંપર્કમાં રહે છે. આ દરેક સંસ્થામાં થતા સંશોધનકાર્યનું દર પાંચ વર્ષે ખાસ સમિતિ દ્વારા પરિણામલક્ષી ઑડિટ થાય છે.

ICAR નવી કૃષિ-ટૅક્નૉલૉજીને ખેતર સુધી પહોંચાડનાર વિસ્તરણની શ્રેણીબંધ વ્યવસ્થા પણ ધરાવે છે : (1) દેશના 48 જિલ્લામાં કામ કરતાં રાષ્ટ્રીય નિદર્શન કેન્દ્ર; (2) ઉત્પાદન અંગેની ટૅક્નૉલૉજીની પ્રાદેશિક ધોરણે ચકાસણી માટેનાં 1૦3 કેન્દ્ર ધરાવતા 38 સંચાલન (operational) સંશોધન પ્રકલ્પ; (3) 9૦ કૃષિવિજ્ઞાન કેન્દ્ર; (4) 8 તાલીમ શિક્ષકને તૈયાર કરનાર ઇન્સ્ટિટ્યૂટ; (5) પ્રયોગશાળાથી ખેતર (Lab to Land) નામક 115 કેન્દ્ર; (6) આદિવાસી ને અનુસૂચિત જનજાતિ માટેનાં 45 કેન્દ્ર; આ સર્વનો તેમાં સમાવેશ થાય છે.

પાક, પ્રાણી ને માછલીની જીવાણુ સંપત્તિની વિવિધતા ને વિપુલતા જાળવવા ત્રણ નૅશનલ બ્યૂરો ICARએ સ્થાપ્યાં છે. જમીનની જાળવણી અને તેના ઉપયોગના આયોજન માટે પણ આ પ્રકારનાં રાષ્ટ્રીય બ્યૂરોની સ્થાપના કરવામાં આવી છે.

વૈજ્ઞાનિક સંશોધન કરનાર સંસ્થાઓના સંચાલકોને તાલીમ આપવા ICAR દ્વારા હૈદરાબાદમાં નૅશનલ અકાદમી ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ મૅનેજમેન્ટની સ્થાપના પણ થઈ છે.

સંશોધન કરનાર વૈજ્ઞાનિકો વિચારવિનિમય કરી શકે તે માટે ICAR સામયિકો પ્રકાશિત કરે છે. આ અંગેનું લોકભોગ્ય સાહિત્ય પણ તે હિંદી ને અંગ્રેજીમાં બહાર પાડે છે.

સંકલિત સંસ્થાઓ : ICAR સાથે સંકળાયેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૅશનલ બ્યૂરો અને રાષ્ટ્રીય સંશોધનકેન્દ્રો નીચે મુજબ છે :

ઇન્સ્ટિટ્યૂટ : રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ : (1) ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી (19૦5); (2) ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇજતનગર, ઉત્તરપ્રદેશ (1889); (3) નૅશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કર્નાલ, હરિયાણા (1955).

વિશિષ્ટ પાકવિજ્ઞાન : (4) સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક, ઓરિસા (1946); (5) વિવેકાનંદ પર્વતીય કૃષિ અનુસંધાન શાળા, અલમોડા, ઉત્તરપ્રદેશ (6) ઇન્ડિયન ગ્રાસલૅન્ડ ઍન્ડ ફૉડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઝાંસી, ઉત્તરપ્રદેશ (1962); (7) જ્યૂટ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાકપુર, પશ્ચિમ બંગાળ (1953); (8) સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ (1947); (9) શુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતુર, તામિલનાડુ (1912); (1૦) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શુગરકેન રિસર્ચ, લખનૌ, ઉત્તરપ્રદેશ (1952); (11) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૉટન રિસર્ચ, નાગપુર, મહારાષ્ટ્ર.

શાકફળ ને બગીચાના પાક : (12) સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિમલા, હિમાચલ પ્રદેશ (1956); (13) સેન્ટ્રલ પ્લૅન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કસરગોડ, કેરળ; (14) સેન્ટ્રલ ટ્યૂબર ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્રિવેંદ્રમ, કેરળ (1963); (15) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હૉર્ટિકલ્ચરલ રિસર્ચ, બૅંગલોર, કર્ણાટક; (16) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હૉર્ટિકલ્ચર ફૉર નૉર્ધર્ન પ્લેન્સ, લખનૌ, ઉત્તરપ્રદેશ.

કુદરતી સાધનસંપત્તિ : (17) સેન્ટ્રલ સૉઇલ ઍન્ડ વૉટર કૉન્ઝર્વેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, દહેરાદૂન; (18) સેન્ટ્રલ સૉઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કર્નાલ, હરિયાણા; (19) સેન્ટ્રલ ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર, રાજસ્થાન (1959); (2૦) સેન્ટ્રલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડ્રાયલૅન્ડ ઍગ્રિકલ્ચર (સૈયદાબાદ), હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ; (21) રિસર્ચ કૉમ્પ્લેક્સ ફૉર નૉર્થ-ઈસ્ટર્ન હિલ રિજિયન, શિલોંગ, મેઘાલય; (22) સેન્ટ્રલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર આંદામાન ઍન્ડ નિકોબાર ગ્રૂપ ઑવ્ આયલૅન્ડ્ઝ, પૉર્ટ બ્લૅર, આંદામાન; (23) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સિઝ, ભોપાલ, મધ્યપ્રદેશ.

કૃષિઇજનેરી : (24) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍગ્રિકલ્ચરલ એન્જિનિયરિંગ, ભોપાલ, મધ્યપ્રદેશ; (25) ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાનાકુમ, રાંચી, બિહાર (1925); (26) કૉટન ટૅક્નૉલૉજિકલ રિસર્ચ લૅબોરેટરી, મુંબઈ, મહારાષ્ટ્ર (1924); (27) જ્યૂટ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ લૅબોરેટરી, કોલકાતા, પશ્ચિમ બંગાળ (1938).

પ્રાણીવિજ્ઞાન : (28) સેન્ટ્રલ શીપ ઍન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અવિકાનગર, રાજસ્થાન (1962); (29) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઑન ગોટ, મખદૂમ, ઉત્તરપ્રદેશ; (3૦) સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇજતનગર, ઉત્તરપ્રદેશ; (31) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઑન બફેલો, હિસાર, હરિયાણા; (32) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એનિમલ જીનેટિક્સ, કર્નાલ, હરિયાણા.

મત્સ્યપાલન : (33) સેન્ટ્રલ ઇન્લૅન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાકપુર, પશ્ચિમ બંગાળ (1947); (34) સેન્ટ્રલ મરિન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોચીન, કેરળ; (35) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિશરીઝ ટૅક્નૉલૉજી કોચીન, કેરળ (1957); (36) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિશરીઝ ઍજ્યુકેશન, મુંબઈ, મહારાષ્ટ્ર; (38) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફ્રેશ વૉટર ઍક્વાકલ્ચર, ધૌટરી, ભુવનેશ્વર, ઓરિસા.

અર્થશાસ્ત્ર ને આંકડાશાસ્ત્ર : (39) ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી (1959); (4૦) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ, પુસા, નવી દિલ્હી.

સંશોધન વ્યવસ્થાપન : નૅશનલ અકાદમી ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ મૅનેજમેન્ટ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ.

નૅશનલ બ્યૂરો : (42) નૅશનલ બ્યૂરો ઑવ્ પ્લાન્ટ જીનેટિક રિસોર્સિઝ, પુસા, નવી દિલ્હી; (43) નૅશનલ બ્યૂરો ઑવ્ સૉઇલ સરવે ઍન્ડ લૅન્ડ-યુઝ પ્લાનિંગ, નાગપુર, મહારાષ્ટ્ર; (44) નૅશનલ બ્યૂરો ઑવ્ ફિશ જીનેટિક રિસોર્સિઝ, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; (45) નૅશનલ બ્યૂરો ઑવ્ એનિમલ જીનેટિક રિસોર્સિઝ કર્નાલ, હરિયાણા. (46) નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ગ્રાન્ડનટ, જૂનાગઢ, ગુજરાત; (47) નૅશનલ સેન્ટર ફૉર મશરૂમ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, સોલન, હિમાચલ પ્રદેશ; (48) એડવાન્સ્ડ સેન્ટર ફૉર રિસર્ચ ઑન બ્લૅક કૉટન-સૉઇલ્સ, ધારવાડ, કર્ણાટક; (49) નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર કૅમલ, જોરબીર, બિકાનેર, રાજસ્થાન; (5૦) નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ઇક્વાઇન્સ, હિસાર, હરિયાણા; (51) નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર યાક, નિકામાંડગ, અરુણાચલ પ્રદેશ; (52) નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર મિથુન, પુરબા, નાગાલૅન્ડ.

કૃષિ યુનિવર્સિટીઓ : કૃષિ કેળવણી અને સંશોધનને ક્ષેત્રે ભારતમાં આજે 38 કૃષિ યુનિવર્સિટી કામ કરી રહી છે. દરેક પ્રમુખ રાજ્યમાં કમસેકમ એક આવી યુનિવર્સિટી તો છે જ. ગુજરાત ચાર, મહારાષ્ટ્ર ચાર, ઉત્તર પ્રદેશ ત્રણ, બિહાર, કર્ણાટક ને હિમાચલ પ્રદેશ બે-બે યુનિવર્સિટી ધરાવે છે. નવી દિલ્હીમાં કામ કરતી ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને, ઇજતનગરમાંની ઇન્ડિયન વેટરીનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને તથા મુંબઈની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિશરીઝ ઍજ્યુકેશનને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

92 ખેતીવાડી કૉલેજ, 25 વેટરીનરી કૉલેજ, 9 ડેરી સાયન્સ કૉલેજ, 13 હોમ સાયન્સ કૉલેજ, 12 ઍગ્રિકલ્ચરલ ઇજનેરી કૉલેજ ને 5 ફિશરીઝ કૉલેજ આ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન રહીને કામ કરે છે.

આ તમામ સંસ્થાઓ સ્નાતક-અનુસ્નાતક શિક્ષણ, સંશોધન તેમ જ વિસ્તરણનાં કાર્ય કરે છે.

I.C.A.R. કૃષિ યુનિવર્સિટીઓ માટે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગને મળતી કામગીરી બજાવે છે ને શિક્ષણનાં ધોરણો, અભ્યાસક્રમો, પ્રવેશ અંગેની લાયકાતો વગેરેમાં એકરૂપતા લાવવા પ્રયત્નશીલ છે ને કૃષિ-સંશોધન અંગેનાં અનુદાનોની ફાળવણી કરે છે.

મૂલ્યાંકન : કૃષિ-સંશોધનક્ષેત્રે થયેલી પ્રગતિનાં ભારતમાં સારાં પરિણામો આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય સંશોધનસંસ્થાઓના સહકારમાં થયેલા સંશોધનને કારણે ઘઉં ને ડાંગરની નવી જાતો વિકસાવવામાં આવી ને તે ભારતમાં આવેલી હરિયાળી કાન્તિના મૂળમાં રહેલી છે. અન્ય પાકોમાં તેમ જ સિંચાઈની સગવડો ન ધરાવતા વિસ્તારોમાં ઉત્પાદન વધે તે માટેનું સંશોધન આજના ને ભવિષ્યના વૈજ્ઞાનિક સંશોધનના કાર્યક્રમમાં પ્રમુખસ્થાને છે. વધુ દૂધ આપે તેવી ગાયોની અને કાર્પેટ તેમજ પોષાક માટે વધુ ને સારું ઊન આપે તેવાં ઘેટાંની જાત વિકસાવવામાં આવી છે.

ફળ ને શાકભાજીની જાળવણી માટેની ટૅક્નૉલૉજી પણ વિકસી રહી છે.

યુનિવર્સિટીમાં થતાં કૃષિ-સંશોધન અંગે કૃષિ પરના રાષ્ટ્રીય કમિશનને નોંધ્યું છે કે મોટેભાગે પ્રયુક્ત સંશોધન પર અહીં ભાર રહ્યો છે, પાયાના સંશોધનની અવગણના થઈ છે. ખેતી સાથે સંકળાયેલી પાયાની વિશુદ્ધ વિજ્ઞાનશાખાઓના શિક્ષણની આ યુનિવર્સિટીઓમાં થતી ઉપેક્ષાનું આ પરિણામ છે. કમિશનને પાયાના કૃષિ-સંશોધનની ઉપેક્ષા ભારતમાં થતા કૃષિ-સંશોધનની નોંધપાત્ર ખામી લાગી છે.

રાજ્યના ખેતીવાડી ખાતાંના સંશોધનમાં અનુકૂલનલક્ષી પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેને ઊચિત ગણવામાં આવ્યું છે. અહીં યુનિવર્સિટી કે કેન્દ્રીય સંશોધનસંસ્થાઓમાં થતાં સંશોધન બેવડાય નહિ તેની ખાસ કાળજી રાખી જમીનની ચકાસણી, પાકની નવી જાતોની સ્વીકારયોગ્યતા, સિંચાઈ ને ખાતરનું ઇષ્ટ પ્રમાણ જેવા પ્રશ્નો પર કામ થવું જોઈએ એમ જણાવ્યું છે.

ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ : ખેતીના ને ગ્રામીણ ક્ષેત્રના આર્થિક પ્રશ્નોના અભ્યાસને પ્રેરતી આ સંસ્થા 1939માં મુંબઈમાં સ્થપાઈ હતી. સ્થાપકોમાં સર એમ. એલ. ડાર્લિંગ અને સર ટી. વિજયરાઘવાચારી મુખ્ય હતા. 1941–1959 દરમિયાન સર મણિલાલ બી. નાણાવટી સોસાયટીના પ્રમુખ હતા ને તેમની રાહબરી હેઠળ સોસાયટી પ્રતિષ્ઠિત સંસ્થા બની. કૃષિ-અર્થશાસ્ત્રના સંશોધનક્ષેત્રે તે અગ્રગણ્ય સંસ્થા બની, તેમાં પ્રો. ડી. જી. કર્વે અને પ્રો. એમ. એલ. દાંતવાલાનું પ્રદાન મુખ્ય છે.

સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ ખેતી અને ગ્રામવિસ્તારના સામાજિક અને આર્થિક પ્રશ્નોના અભ્યાસને પ્રોત્સાહન આપવાનો તેમજ કૃષિઅર્થશાસ્ત્ર અને અન્ય સંબંધિત વિષયોમાં સંશોધન કરવાની ને શિક્ષણ આપવાની ક્ષમતા વધારવાનો છે. આ માટે સોસાયટી (1) સમયાન્તરે કૉન્ફરન્સ ને સેમિનાર યોજે છે; (2) ખેતી ને ગ્રામવિકાસના પ્રશ્ર્નોમાં સંશોધન પ્રેરે છે; (3) ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ’ નામક ત્રિમાસિક પ્રકાશિત કરે છે. આ ઉપરાંત પુસ્તકો, રિપોર્ટ, અભ્યાસપત્રો ને તેમના સંક્ષેપ પણ તે પ્રકાશિત કરે છે તથા સમાન હેતુ ધરાવતી સંસ્થાઓ સાથે સહકાર સાધે છે.

કૃષિ-અર્થશાસ્ત્રના ક્ષેત્રે સંશોધનકાર્ય કરનારને મદદરૂપ બને તેવું સંશોધનલક્ષી પુસ્તકાલય અને ડૉક્યુમેન્ટેશન સેન્ટર સોસાયટી ધરાવે છે.

195૦ની આસપાસ ભારતનું અન્નોત્પાદન આશરે 52 મિલિયન ટન હતું ને જનસંખ્યા તીવ્ર ઝડપે વધતી જતી હતી, ત્યારે કેટલાક પશ્ચિમના દેશોમાં આગાહી થતી હતી કે 197૦માં તો ભારત ભૂખે મરતો દેશ બની જશે. વૈજ્ઞાનિકો, ખેડૂતો ને વહીવટકર્તાઓએ તેને ખોટી પાડી છે. 195૦–51 ને 1999–2૦૦૦ વચ્ચે વસ્તી વધીને 359 મિલિયનને બદલે 991 મિલિયનની થઈ છે : અન્નોત્પાદન પણ આ ગાળામાં આશરે 52 મિલિયન ટનથી વધીને 2૦5.9 મિલિયન ટન થયું છે. જનતા અપૂરતા ને અયોગ્ય પોષણથી આજે પણ પીડાય છે પણ તેનું કારણ અન્ન દેશમાં અપૂરતું પેદા થાય છે તે નથી. 1965–66માં મૅક્સિકોની નવી ઘઉંની જાતો ભારતના અનુકૂળતા ધરાવતા પ્રદેશોમાં અપનાવવામાં આવી ને તેને કારણે ઘઉંની ક્રાન્તિ કે હરિત ક્રાન્તિનો આરંભ થયો. વધુ ઉતાર આપતાં બીનું સંશોધન તેની પાછળ હતું. તે પછી જુદા જુદા પ્રદેશો ને આબોહવાને અનુરૂપ રોગનો પ્રતિકાર કરી શકે તેવી અન્ય જાતો વિકસાવવામાં ને અપનાવવામાં પણ આવી છે.

ઘઉંને પગલે ડાંગરમાં પણ ફિલિપાઇન્સના ઇન્ટરનેશનલ રાઇસ ઇન્સ્ટિટ્યૂટે વિકસાવેલી IR8 જેવી રાસાયણિક ખાતરો મળતાં ઘણું ઉત્પાદન આપે તેવી જાતો ભારતમાં અપનાવવામાં આવી ને વધુ ઉત્પાદન આપે તેવી ડાંગરની જાતોના સંશોધનને વેગ મળ્યો. અહીં પણ ડાંગરના ન ગણાતા વિસ્તારોમાં પરિણામ ઉત્સાહવર્ધક આવ્યાં. હવે પરંપરાથી ડાંગર માટે અનુકૂળ ગણાતા ઈશાની પ્રદેશો માટે રોગ ને જંતુનો પ્રતિકાર કરી શકે એવી જાતો વિકસાવવામાં આવી રહી છે.

આમ આંતરરાષ્ટ્રીય સંશોધન-સંસ્થાઓના સહકારમાં થયેલા ઘઉં ને ડાંગરની નવી જાતો વિકસાવવામાં આવી ને તે ભારતમાં આવેલી હરિયાળી ક્રાન્તિના મૂળમાં રહેલી છે.

આ જ રીતે પાકસુધારણા ભારતીય વૈજ્ઞાનિકોએ ઘણા પાકો માટે વધુ ઉત્પાદન આપતાં, રાસાયણિક ને અન્ય સાધનોના રોકાણ સામે સાનુકૂળ પ્રતિભાવ આપે તેવાં, રોગ ને જીવજંતુનો પ્રતિકાર કરી શકે તેવાં બી વિકસાવવામાં સફળતા મેળવી છે. જુદાં જુદાં હવામાનને અનુરૂપ જાતોનોય તેમાં સમાવેશ થાય છે. દાળો ને તેલીબિયાંના ક્ષેત્રે થયેલી પ્રગતિ આનું ર્દષ્ટાંત છે. ટૂંકી મુદતમાં તૈયાર થતી, વધુ સુક્રોઝ ધરાવતી શેરડીની કેટલીક જાતો દુનિયાના પચીસથી વધુ દેશોએ પણ અપનાવી છે. આ ક્ષેત્રે ભારત અગ્રેસર છે. કપાસમાં ટૂંકી મુદતે તૈયાર થતી, વધુ ઉતાર આપતી જુદી જુદી તાર-લંબાઈ ધરાવતી જાતો વિકસાવાઈ છે. બટાટા ને અન્ય શાકભાજી; કેરી, દ્રાક્ષ, નારિયેળ, બોર, કાજુ વગેરેમાં પણ પાક ને બી-સુધારણા થઈ છે. ભૂમિવિજ્ઞાન ને કૃષિ-ઇજનેરી સંશોધનનું બીજું ક્ષેત્ર છે. તેમાં જમીનના બંધારણને અનુલક્ષીને સર્વે કરવામાં આવ્યા છે. ભૌગોલિક સ્થિતિ અનુસાર જમીનસંરક્ષણના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. સિંચાઈની સગવડ ન ધરાવતા વિસ્તારો માટે ભૂગર્ભનું જળ જાળવવા, રણ વિસ્તરતું અટકાવવા ને રણના વનીકરણ માટેની પદ્ધતિઓ વિકસાવાઈ છે. જલ-પ્રાપ્યતાનું વિશ્લેષણ પણ આ વિસ્તારો માટે કરવામાં આવ્યું છે, જેથી એક કે અનેક પાક માટેની યોગ્ય મોસમ નક્કી કરી શકાય. ખારા પ્રદેશોને નવસાધ્ય કરવાના ઉપાયો અંગે સંશોધન થયાં છે. જુદી જુદી પાક પદ્ધતિઓ માટે વાવણી, ખાતર-ઉપયોગ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વગેરે માટેની અદ્યતન પદ્ધતિઓનું પૅકેજ વિકસાવવા પ્રયત્ન થયો છે. ખેતી માટેનાં ઓજારોની સુધારણા, વીજળી ને અન્ય ચાલકશક્તિનો તેમાં ઉપયોગ, લણણી પછીની પ્રક્રિયાઓનું આધુનિકીકરણ પણ સંશોધનનાં ક્ષેત્ર રહ્યાં છે.

પ્રાણીવિજ્ઞાનનાં સંશોધન જોઈએ તો સંકરણ દ્વારા વધુ દૂધ આપે તેવી ગાયની જાતો વિકસાવાઈ છે. કાર્પેટ અને પોષાક માટે વધુ સારું ઊન આપે તેવાં ઘેટાંની જાત પણ વિકસાવાઈ છે. ઈંડાં ને માંસ વધુ આપે તેવાં મરઘાં-કૂકડાંની જાત શોધાઈ છે ને તેમનો વ્યાપારી ધોરણે સ્વીકાર થયો છે. નવા ને સસ્તા પશુ-આહાર વિકસાવાયા છે.

મત્સ્યોદ્યોગ-ક્ષેત્રે થતાં સંશોધન પણ ફળદાયી રહ્યાં છે.

વિદેશોનાં સ્પર્ધાયુક્ત બજારો માટે ફળ, શાકભાજી, ફૂલ તૈયાર કરવાનો ને મોકલવાનો એક નવો વ્યવસાય વિકસ્યો છે ને તે નવું સંશોધનક્ષેત્ર પૂરું પાડે છે.

ભવિષ્યમાં અન્ન ને પોષણની બાબતમાં નિશ્ચિંત બનવા માટે, ગરીબાઈ ને બેકારી હળવી બનાવવા માટે, કુદરતદત્ત સાધનોની સુવ્યવસ્થા માટે ને વૈશ્વિકીકરણના પડકારને પહોંચી વળવા માટે કૃષિવિકાસ આવશ્યક રહેશે. કૃષિ-સંશોધન તેમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

દસમી યોજનામાં કેટલીક સંશોધનક્ષેત્રી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ છે.

1. ખેતીની પ્રકૃતિદત્ત જમીનની જાળવણી ને વિકાસ એ આવી એક પ્રવૃત્તિ છે.

2. જુદા જુદા ખેતીના વિસ્તારોની સારી કે ખરાબ મોસમને પહોંચી વળવા માટેની અનેક જ્ઞાનશાખાઓ પર આધારિત વ્યવસ્થા કરવી. ગ્લોબલ વૉર્મિંગ(પૃથ્વી પરના વધતા જતા તાપમાન)ના ને દરિયાની સપાટીના ફેરફારો સામેના રક્ષણનોય આ તંત્ર વિચાર કરશે.

3. સિંચાઈની સગવડ વિનાના સૂકી ખેતીના પ્રદેશો, ઈશાન ખૂણાના પ્રદેશો, દરિયાકિનારાના પ્રદેશો, પર્વતાળ ટેકરીવાળા પ્રદેશો, ને ટાપુઓની ખેતીસુધારણા પર કૃષિ-સંશોધન ધ્યાન કેન્દ્રિત કરશે.

4. પાક, પ્રાણી, પશુ અને માછલીઓની જાતો સુધારવાના પ્રયત્નો દ્વારા ઉત્પાદન ને સલામત જાતોની શોધ તો ચાલુ રહેશે જ. પાકોમાં હલકાં ગણાતાં ધાન્યનાં બીની સુધારણા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. પ્રજનનશાસ્ત્રીય ઇજનેરી દ્વારા શોધાતી જાતો અંગે સાવધાનીપૂર્વક આગળ વધવું રહ્યું. એ જ રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિકસાવાતાં, વારંવાર વાવેતર માટે ઉપયોગમાં ન લઈ શકાય તેવાં બિયારણ અંગેય સાવધાની રાખવાની રહે છે. ભવિષ્યમાં સુધારેલાં પ્રમાણિત બીનો પુરવઠો વધારવો પડશે, જેથી ખેડૂતોની માગને પહોંચી વળી શકાય.

5. કાર્યક્ષમ ને દીર્ઘજીવી સુધારણા માટે હવે પાક (crop) કેન્દ્રી સંશોધનને બદલે ભાર પાકપદ્ધતિઓની સુધારણા પર મૂકવાનું વિચારાયું છે. ખેતી અને પશુપાલનનું સંકલન ખેડૂત વધુ ને વધુ કરતો કઈ રીતે થાય તેનો વિચાર કરવામાં આવશે. વધુ ને વધુ અન્ન, વસ્ત્ર, બળતણ મેળવવાના પ્રયત્નમાં પર્યાવરણ ને સંસાધનની પ્રાપ્યતા ન જોખમાય તે જોવાનું કાર્ય પણ સંશોધન માગી લે છે.

6. ભારત 2 મિલિયન ચોરસ મીટરની પોતાના ઉપયોગમાં લઈ શકે તેવી દરિયાઈ સપાટી ધરાવે છે. મત્સ્યોદ્યોગ વિકસાવીને તેનો ઘનિષ્ઠ ઉપયોગ કરવાનું કામ પણ અગત્યનું સંશોધનક્ષેત્ર છે. રોગમુક્ત માછલીઓનું ઝડપથી પ્રજનન થાય, તેમને પકડવાની પદ્ધતિઓ સુધરે ને દેશ-પરદેશના તેમના વેચાણ સાથે સંકળાયેલી સેવાઓ ઝડપથી વિસ્તરે આ સર્વ અહીં મહત્વના વિષયો છે.

7. કૃષિ-ટૅક્નૉલૉજીના સંશોધનનું મહત્વ ખેતીની ઉત્પાદકતા વધારવામાં ઓછું રહ્યું છે. તેને પુનર્વ્યવસ્થિત કરવાનું જરૂરી છે. નાનાં ખેતર, ડુંગરાળ પ્રદેશની ખેતીમાં યાંત્રિકીકરણ, ઊર્જાની બચત ને વૈકલ્પિક ઊર્જાસ્રોતનો વિકાસ સંશોધન માગી લે છે.

8. ભૂમિગત ને દરિયાઈ જલસંપત્તિમાંથી રસાયણો તારવવાનું કામ પણ સંશોધનનું ઓછું ખેડાયેલું ક્ષેત્ર છે. ખેતીની આડપેદાશ ને કચરાનો અન્ન, ઢોર માટેનો આહાર ને ઔદ્યોગિક ચીજ બનાવવામાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એમ છે એ પણ શોધનો વિષય છે.

9. સંશોધન-સંસ્થાનાં ખેતરો ને ખેડૂતનાં ખેતરોની ઉત્પાદકતામાં રહેલા તફાવતો દૂર કરવા માટે સંશોધિત ટૅક્નૉલૉજીને ખેડૂત સુધી પહોંચાડવી પડશે. આ વિસ્તરણકાર્ય પણ સંશોધનબુદ્ધિ માગી લે છે.

1૦. ભારત હવે વિશ્વબજારનો ભાગ બનતું જાય છે. વળી દેશમાં ય વ્યક્તિગત આવક સુધરતી જાય છે તેમ ખેતપેદાશોની માગની તરાહ બદલાય છે. ફળ, દૂધ, ઈંડાં, માંસ-મચ્છી, શાકભાજી, ફૂલ, મરી-મસાલાની ઘરાકી વધી છે. સારી, ધોરણસરની અન્ય દેશોની ચીજો સાથે ભાવ ને ગુણવત્તામાં સ્પર્ધા કરી શકે એવી ચીજો સરસ પૅકિંગમાં ઘરાક સુધી પહોંચાડવાની છે. દરેક તબક્કે અહીં સંશોધન આવશ્યક બને છે.

કૃષિ-સંશોધન અત્યાર સુધી રાજ્યના કર્તવ્ય તરીકે વિકસ્યું છે. પાયાનું સંશોધન પણ ભવિષ્યમાંય એ રીતે થતું રહેશે. પરંતુ પર્યાવરણની ર્દષ્ટિએ યોગ્ય, ઉત્પાદક, ને ખેડૂત સમાજ દ્વારા સ્વીકાર્ય સ્થાનિક ઉત્પાદનપદ્ધતિઓ શોધવાનું કાર્ય ખેડૂતની ભાગીદારી માગી લેતું સંશોધનકાર્ય છે. આ જ પ્રમાણે કેટલાંક સંશોધનોના ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની સંશોધનસંસ્થાઓ સાથે સહકાર સાધીને કામ કરવાનું રહે છે. બી ને રસાયણ પૂરતું જ થોડું સંશોધનકાર્ય ખાનગી ક્ષેત્રે આ દિશામાં થઈ રહ્યું છે. તેમાં પરિવર્તન જરૂરી છે. કૃષિ-સંશોધન ધીરે ધીરે રાજ્ય હસ્તક સંસ્થાઓ, ખેડૂતવર્ગ ને ખાનગી ક્ષેત્રની ભાગીદારીના ધોરણે ભવિષ્યમાં પ્રગતિ સાધશે. અલબત્ત, તેમાં રાજ્યની આગેવાની હશે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ

કૃષિસંશોધન, ગુજરાતમાં

કૃષિ-ઉત્પાદન વધારવા અને તે દ્વારા રાજ્યની ગ્રામીણ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કૃષિ-સંશોધનપ્રક્રિયા એક અનિવાર્ય જરૂરિયાત છે. મિશ્ર ખેતી તરીકે પશુપાલનનો ધંધો પણ કુલ આવકના 14 % જેટલો ફાળો આપે છે. એટલે પાકવિજ્ઞાનમાં અને પશુવિજ્ઞાનમાં સંશોધન થાય અને તે ખેડૂતના ખેતર અને ઘર સુધી પહોંચે તેવું આયોજન રાષ્ટ્રની અને રાજ્યની આબાદી માટે હિતાવહ છે.

ભારતમાં પાકસુધારણા અને વિકાસના કાર્યક્રમોમાં ગુજરાત રાજ્યનું સ્થાન ઘણું આગળ છે. ગુજરાતમાં પાકસંશોધનના અધિકૃત પ્રયાસો, આગલી સદીના અંતમાં અને આ સદીની શરૂઆતનાં વર્ષોમાં ખાસ કરીને 1896માં સૂરત ખાતે કૃષિ-સંશોધનમથક શરૂ થયું અને ત્યાં 19૦4થી કપાસ-સંશોધનકાર્ય શરૂ થયું, ત્યારથી થયા છે. ત્યાં પહેલવહેલી કપાસની સુધારેલ જાત 1 એ લોંગ બોલ 1919માં વિકસાવવામાં આવી હતી.

આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં ગુજરાત, મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન રાજ્યમાં સંશોધનનો ઝોક મુખ્યત્વે કપાસ અને તમાકુના પાકો ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યો હતો. બીજી પંચવર્ષીય યોજના દરમિયાન મુખ્ય ખાદ્ય પાકો ઉપરના સંશોધનની માત્ર શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ 196૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી ત્રીજી પંચવર્ષીય યોજનામાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, તૃણધાન્ય પાકો અને મગફળીના પાક ઉપર વિવિધ શાસ્ત્રીય (multi-disciplinary) અને બહુસ્થાની (multilocational) અભિગમ આધારિત કૃષિ-સંશોધનના ઘનિષ્ઠ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ત્યારબાદ 1972થી રાજ્યમાં કૃષિશિક્ષણ તથા સંશોધન અને વિસ્તરણશિક્ષણને આગળ ધપાવવા ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને પરિણામની ઉપલબ્ધિમાં વધુ તેજી આવી છે.

ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલય તરફથી રાજ્યમાંના આઠ કૃષિ-આબોહવા ઝોનમાંનાં 55 કેન્દ્રો પરનાં સંશોધનોને પરિણામે ઘઉં, બાજરી, ડાંગર, જુવાર, મઠ, ચોળા, ચણા, ગુવાર, તુવેર, કપાસ, તમાકુ, શેરડી, વરિયાળી, ધાણા, લસણ, જીરુ, મરચી, હળદર, અજમો, રીંગણી, ટામેટી, ભીંડા, સક્કરટેટી, ઇસબગુલ, રજકો, ઘાસિયા જુવાર અને હલકાં ધાન્યોમાં નાગલી, કોદરા, વરી તથા બંટીના પાકોમાં તથા કેરીમાં થઈ આશરે 1૦5 જેટલી નવી જાતો બહાર પાડવામાં આવી છે. પાકની વિવિધ જાતો માટેનાં મૂળભૂત બીજની વ્યવસ્થા કરવા ઉપરાંત ખેતી-પદ્ધતિ, પાકસંરક્ષણ વગેરેની રીતોની પણ ભલામણો તૈયાર કરવામાં આવેલ છે.

વિશ્વવિદ્યાલય હસ્તક પોતે બહાર પાડેલ જાતોનું અને પાયારૂપ બીજના ઉત્પાદન(foundation seeds)ના પદ્ધતિસર કાર્યક્રમો છે. આ બિયારણો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાજ્ય/કેન્દ્ર સરકારે નક્કી કરેલ ધારાધોરણ પ્રમાણે વહેંચવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આશરે 65,૦૦૦ હેક્ટર જમીન જુદા જુદા બાગાયતી પાકો હેઠળ આવેલી છે, જે પૈકી કેરી, ચીકુ, કેળ, બોર અને ખારેક અગત્યના પાકો છે. તેમાં કેરીની નીલફાન્સો, નીવેશાન અને નીલેશ્વરી જેવી કેટલીક ઉત્તમ જાતો વિશ્વવિદ્યાલયે સંકરણ દ્વારા વિકસાવેલ છે.

ઉકાઈ-કાકરાપાર બંધ-વિસ્તાર વિકાસ પ્રાધિકરણના સહયોગથી કરેલી યોજનાનાં પરિણામો પરથી ફલિત થાય છે કે પાણીના વૈજ્ઞાનિક ઉપયોગથી પાણીનો ભરાવો (waterlogging) અને સિંચાઈની માઠી અસરો ઓછી કરી શકાય છે, જેને પરિણામે પાકની ઉત્પાદકતા વધારી શકાય છે.

આવી જ રીતે કૃષિ-ઇજનેરી વિભાગના ખેતીનાં ઓજારોની સુધારણા માટેના પ્રયાસો પ્રગતિકારક નીવડ્યા છે.

ગુજરાત રાજ્યમાં આશરે 12 લાખ હેક્ટર વિસ્તાર ખારી અને ક્ષારયુક્ત જમીન ધરાવે છે. આ જમીનની ઉત્પાદકતા ખૂબ જ ઓછી છે.

કૃષિવિસ્તરણશિક્ષણ : કૃષિવિસ્તરણ-શિક્ષણ આપવા માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તથા ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ કેન્દ્રો પર કૃષિવિષયક યોજનાઓનો સમાવેશ કરીને ખેડૂતો અને ખેડૂત કુટુંબને તાલીમ આપવામાં આવે છે, જેમાં (1) કૃષિવિજ્ઞાન કેન્દ્રો; (2) સરદાર સ્મૃતિ કેન્દ્ર; (3) આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર; (4) આદિવાસી ઉત્કર્ષ યોજના; (5) આદિવાસી ખેડૂતો / ખેડૂતપત્નીઓ / યુવાનો / યુવતીઓ માટેનું તાલીમ કેન્દ્ર; (6) આદિજાતિ ઉત્કર્ષ યોજના; (7) પ્રસાર શિક્ષણ ભવન; (8) તાલીમ અને મુલાકાત યોજના; (9) વિસ્તરણ તાલીમ કેન્દ્રો મુખ્ય છે. ઉપરાંત કૃષિ ડિપ્લોમા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લામાં કૃષિ શાખાઓ છે.

વિવિધ સંસ્થાકીય વિસ્તરણ શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો ઉપરાંત ખેડૂતદિન, વાયુવાર્તાલાપો, રાષ્ટ્રીય નિદર્શનો અને પ્રયોગશાળાથી ખેતરે જેવા કાર્યક્રમો દ્વારા ખેતસલાહ-સેવા પૂરી પાડવામાં આવે છે તેમ જ કૃષિવિજ્ઞાનના પ્રસાર માટે ગુજરાતી ભાષામાં એક માસિક પ્રગટ કરવામાં આવે છે. તાલીમ અને મુલાકાત યોજના હેઠળના તાલીમ કાર્યક્રમો દ્વારા વિસ્તરણના કાર્યક્રમોનું સંકલન કરવા માટે ખેતીવાડી અને પશુપાલન ખાતા તેમજ પંચાયત સાથે કૃષિ વિશ્વવિદ્યાલય વ્યસ્ત છે. વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે તેમજ અર્થસૂચક અને સચોટ તાલીમ માટે વિસ્તરણ શિક્ષણ પરિષદ સ્થાપવામાં આવેલ છે. પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોનાં ફરતાં દવાખાનાં પશુપાલકોને સુંદર વિસ્તરણ-સેવા પૂરી પાડે છે.

પશુવિજ્ઞાનમાં સંશોધન : ગુજરાત રાજ્યમાં પશુપાલનનો ધંધો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મિશ્રખેતી તરીકે ખેતીની કુલ આવકના 14 % જેટલો ફાળો આ વ્યવસાય પૂરો પાડે છે. વળી ગુજરાત રાજ્ય સહકારી ધોરણે ડેરીઉદ્યોગના વિકાસની બાબતમાં દેશમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. વર્ષમાં ફક્ત ચાર જ મહિના દરમિયાન ખેતી અંગેનું કામ ચાલતું હોય તેવા સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પૂરક આવક મેળવવા પશુપાલન જરૂરી છે. ગુજરાત રાજ્યના પશુઓની કેટલીક ઓલાદો જેવી કે ગીર અને કાંકરેજ ગાયો, જાફરાબાદી, સૂરતી અને મહેસાણી ભેંસો, પાટણવાડી ઘેટાં, મારવાડી અને સૂરતી તેમ જ જાફરાબાદી ભેંસોની ઓલાદોએ યુ.એસ., દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, ઇટાલી, બલ્ગેરિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં સારી નામના મેળવેલ છે. રણવિસ્તારો ઉપરાંત સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં પશુપાલન ગ્રામોદ્યોગનું મુખ્ય અંગ બની રહેલ છે. આવા વિસ્તારોમાં છૂટાછવાયા અને અનિયમિત વરસાદને કારણે પશુધન આવકનું મુખ્ય સાધન બની રહે છે. પશુપાલનના ઝડપી વિકાસ અને ઉત્પાદકતા માટે સારો ખોરાક, પુનર્ઉત્પત્તિ સંવર્ધન અને સ્વાસ્થ્યજાળવણી વગેરે પ્રયાસો કરવા પડે છે. ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયે આણંદ તેમજ સરદાર કૃષિનગર ખાતેનાં પશુચિકિત્સા મહાવિદ્યાલયો તેમજ અન્ય પશુસંશોધન કેન્દ્રો ખાતે પશુવિજ્ઞાનમાં સંશોધન હાથ ધરેલ છે.

ભારતીય ડેરી નિગમ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની નાણાકીય સહાયથી ચાલતા લીલા ઘાસચારાનું ફાર્મ ધરાવતા આણંદ ખાતેના જર્સી પશુ ફાર્મની કામગીરી સમગ્ર રાષ્ટ્રમાં ઉત્તમ કક્ષાની ગણાય છે. આ એકમનાં ઉત્તમ પરિણામોથી પ્રેરાઈને હોલ્સ્ટેઇન, ફ્રીઝયન નામની પરદેશી ગાયોનું ધણ સ્થાપવાનું આયોજન થયેલું. આણંદ ખાતેના પશુ પ્રજનન જીવવિજ્ઞાન એકમે સૂરતી ભેંસોના જીવનકાળના મહત્તમ ઉપયોગ અંગેના સંશોધન દ્વારા ભેંસની પ્રથમ વિયાણની ઉપર (26થી 3૦ મહિના) અને બે વિયાણ વચ્ચેનો ગાળો (13થી 14 મહિના) ઘટાડીને પશુસંશોધનમાં એક સીમાચિહન સ્થાપેલ છે. જૂનાગઢ ખાતે જાફરાબાદી ભેંસોની અને સરદાર કૃષિનગર ખાતે મહેસાણી ભેંસોની ઉત્પાદનક્ષમતા યોગ્ય વ્યવસ્થા, સંચાલન અને સંવર્ધન દ્વારા વધારવાના પ્રયાસો પણ થયા છે. આદિવાસી વસતિના લાભાર્થે સૂરતી પાડીઓ અને વોડકીઓના ઉછેર અંગેની યોજના પણ થઈ છે.

પાટણવાડી ઘેટાના ઊનની ગુણવત્તા અને ઉત્પાદન સુધારવા અંગેની સરદાર કૃષિનગર ખાતેની અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના હેઠળ વિદેશી ઓલાદના મેરીનો અને રેમ્બુવે ઘેટાં દ્વારા ઊંચી કક્ષાની સંકર ઓલાદો તૈયાર કરવામાં આવી છે. આ ઓલાદો માફક આવે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તેમ જ સાથે સાથે માંસની ગુણવત્તાની પણ સુધારણા થાય તેવા કાર્યક્રમોનું આયોજન પણ થયું. ડેરી અને માંસ માટે બકરાની જાતોની ગુણવત્તા નક્કી કરી તેમની કાર્યક્ષમતા સુધારવા અંગેના પ્રયાસો પણ થયા.

આણંદ ખાતે પશુ આનુવંશિકશાસ્ત્ર અને સંવર્ધન વિભાગ દ્વારા મરઘાં-બતકાંનાં ઈંડાંનું ઉત્પાદન વધારવા માટે સૂત્ર (પેઢી) ચકાસણી યોજના હાથ ધરવામાં આવી છે. મરઘાં-બતકાંની આ યોજનાને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના દ્વારા નાણાં પ્રાપ્ત થાય છે અને તદર્થ સંશોધન યોજનાને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની નાણાકીય સહાય મળે છે.

ડેરી અને મરઘાંપાલન કરવા ઇચ્છતા ખેડૂતોને અને મુલાકાતીઓને પશુસંશોધન કેન્દ્ર, પશુ પ્રજનન જીવવિજ્ઞાન સંશોધન એકમ, મરઘાંપાલન સંશોધન કેન્દ્ર દ્વારા આધુનિક ટૅક્નિકલ માહિતી પૂરી પાડવામાં આવે છે. આણંદ ખાતે પશ્ચિમ વિભાગીય પશુપોષણ સંશોધન કેન્દ્ર દ્વારા પશુપોષણમાં થયેલ સંશોધન ઉપરથી પશુઓ માટે આર્થિક રીતે પોષણક્ષમ વિવિધ પશુઆહાર વિકસાવવામાં આવેલ છે. આ કેન્દ્ર ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ઉપક્રમે ચાલતી કૃષિ આડપેદાશ અંગેના સંશોધનની યોજના હેઠળ ખેતીના સપાટ પ્રદેશમાં અને દૂર દૂરના વિસ્તારમાં યોજના ઉપયોગી થઈ પડે તેવી ભલામણો કરવામાં આવી છે. અછત અને દુષ્કાળની પરિસ્થિતિ માટે પણ ભલામણો ઉપલબ્ધ છે, પશુ-ઉત્પાદન અને વ્યવસ્થા વિભાગ દ્વારા જર્સી અને કાંકરેજ તેમજ હોલ્સ્ટે અને કાંકરેજ ગાયોની સંકર ઓલાદોના ઉછેર માટેની ઉપયોગી પદ્ધતિ વિકસાવવામાં આવે છે, જે પૈકી જર્સી અને કાંકરેજની સંકર ઓલાદો ગુજરાતના વાતાવરણ માટે આશાસ્પદ નીવડી છે. આ ઓલાદોએ એક વેતર દીઠ 532.74 લીટર દૂધ આપેલ છે. પશુચિકિત્સા મહાવિદ્યાલય આણંદ ખાતે વિભાગીય સંશોધન તરીકે શીંગડાનું કૅન્સર, ખરવામોંવાસા રોગ તેમજ પશુઓના શબની ઉપયોગિતા અંગેનું સંશોધન હાથ ધરવામાં આવે છે. સરદાર કૃષિનગર ખાતે પરોપજીવી જીવાણુઓથી ઊંટને થતા રોગો અંગેની સંશોધનયોજના હેઠળ પરોપજીવી જીવાણુ દ્વારા ઊંટમાં ફેલાતા ચેપને ઘટાડવા રોજબરોજની જીવાતો દૂર કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની ઊંટપોષણ અંગેની યોજના દ્વારા ઊંટ માટે સંતુલિત આહાર વિકસાવવામાં આવેલ છે.

આમ કૃષિક્ષેત્રે વિવિધ ખેતપેદાશો અને પશુપાલનના વિકાસ માટે સંશોધન પ્રગતિના પંથે છે.

ઈશ્વર કૃષિકાર

કૃષિવેરો

કૃષિ પરના વેરા : કૃષિવેરો એટલે વ્યાપક રીતે કૃષિ-વ્યવસાય કરતી પ્રજા પર પડતા કર. આ પ્રજા ચીજ ને સેવાઓ ખરીદે છે ત્યારે અન્ય ક્ષેત્રોના માણસોની માફક સરકારે આ ચીજ ને સેવાઓ પર નાખેલા કર ભરે છે, જે પરોક્ષ કર તરીકે ઓળખાય છે.

પરોક્ષ કર ઉપરાંત ખેતી ક્ષેત્ર કેટલાક પ્રત્યક્ષ કરને પાત્ર પણ હોય છે. એક તો કૃષિક્ષેત્રની નિકાસો પર આ નિકાસોમાંથી થતી કમાણી પર, પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન રીતે કર નાખવામાં આવે છે. આને નિકાસ કર (export taxes) કહી શકાય.

બીજા પ્રકારના પ્રત્યક્ષ કર ખેડૂત પોતાના ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચે છે તેના આધારે નાખવામાં આવે છે. એને ખેતીના વેચેલા અધિશેષ પરના કર (taxes on marketed surplus) કહેવામાં આવે છે.

ત્રીજો પ્રકાર છે – શ્રમિક દીઠ કે માથાદીઠ ઉઘરાવાતો કર.

તે પછીના ક્રમે ખેતીક્ષેત્રમાંથી માણસને મળતી આવક પરના આવકવેરા આવે છે. કરદાતાની તમામ આવકોમાં ખેતીની આવક સમાવીને તેને સામાન્ય આવકવેરાને પાત્ર બનાવી શકાય અથવા માણસની કૃષિક્ષેત્રીય આવકને ખેતી પરના અલગ આવકવેરાને પાત્ર ગણી શકાય.

જમીન સાથે સંબંધ ધરાવતા અનેક કર ભૂમિકર (land taxes) પાંચમા વર્ગમાં આવે છે. ભૂમિકરના અનેક પેટા ભાગ પાડી શકાય : (1) ખેડૂતની જમીનના મિલકત કે મૂડી તરીકેના મૂલ્ય (capital value of land) પર આધારિત કર અથવા આ જમીનમાંથી કેટલી સાંથ (rental value) મળી શકશે તેના અંદાજ પર નાખવામાં આવતા કર; (2) ખેડૂતને જમીનમાંથી મળતા એકંદર ઉત્પાદન (gross output) અથવા તેને મળતી એકંદર આવક (gross income) પર નાખવામાં આવતા કર; (3) ખેતરના ક્ષેત્રફળના આધારે લેવાતા કર; (4) જમીનના મૂલ્યમાં સમયાન્તરે થતી વૃદ્ધિ પરના કર; (5) તથા ખેતીની જમીનના હસ્તાન્તર પરના કર; (6) વ્યાપક મિલકતવેરાના કે મૂડી પરની લેવીના ભાગ રૂપે જમીન પર નખાતા કર.

ભારતમાં જમીન-મહેસૂલ જમીનની ચોખ્ખી સાંથ આપવાની શક્તિના અંદાજના આધારે નાખવામાં આવેલો કર છે.

જમીન-મહેસૂલ સૌથી જૂનો કૃષિવેરો છે. તેના ઇતિહાસ પર નજર નાખી લઈએ.

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય : પ્રાચીન ભારતમાં જમીનમાલિકી રાજ્યની હતી. નિયમિત મહેસૂલ ભરે તે શરતે રાજ્ય ખેડૂતને વંશપરંપરાગત ખેડ હક્ક આપતું. મહેસૂલ રૂઢિ અનુસાર નક્કી થતું ને સાધારણ રીતે તે ઉત્પાદનના છઠ્ઠા ભાગ જેટલું રહેતું. તેની વસૂલાત પાકના રૂપમાં થતી.

શેરશાહે અને અકબરના સમયમાં ટોડરમલે જમીનની માપણી કરાવી જમીનના પ્રકાર નક્કી કર્યા અને તે પ્રમાણે વધુ પદ્ધતિસર જમીન-મહેસૂલની આકારણી કરી. વળી મહેસૂલની વસૂલાત રોકડ રકમમાં કરવાનુંય તેમણે આરંભ્યું.

બ્રિટિશ યુગમાં જમીનદારી, મહાલવારી ને રૈયતવારી એમ જમીન-મહેસૂલ અંગે ત્રણ પ્રકારની જમાબંધીની વ્યવસ્થા ભારતમાં સ્વીકારાઈ.

1793માં કોર્ન વૉલિસે બંગાળમાં દાખલ કરેલી કાયમી જમાબંધીની ગોઠવણમાં જમીન-મહેસૂલ સરકારને ભરવાની જવાબદારી જમીનદારની રહેતી હતી. શરૂઆતમાં મહેસૂલી આકારણી ઊંચી રાખવામાં આવી હતી, પણ ત્યારબાદ જમીન-મહેસૂલ તરીકે ભરવાની રકમ કાયમને માટે સ્થિર રહેવાની હતી. અપેક્ષા એવી હતી કે આ કારણે જમીનદારને વધુ જમીન ખેતી હેઠળ લાવવાનું ને જમીનની ઉત્પાદકતા સુધારવાનું પ્રોત્સાહન રહેશે. પરંતુ આ ધારણા સાચી ઠરી નહિ. ખેતી વિસ્તરી ને જમીનની ફળદ્રૂપતા સુધરી તો ય કાયમી જમાબંધીને કારણે રાજ્ય સરકારને વધુ આવક જમીન-મહેસૂલમાંથી મળી નહિ. જમીનદારને ખેતી સુધારવાનું પ્રોત્સાહન ન રહ્યું, કેમ કે તે પોતાની જમીન અન્યને આપી તેની પાસેથી અમનચમનથી જીવી શકાય એટલી બેઠી આવક મેળવી શકતો હતો. જમીનદાર અને જમીનને ખરેખર ખેડનાર વચ્ચે પરોપજીવી વચેટિયાઓની સાંકળ અસ્તિત્વમાં આવી. ખરેખર ખેડનાર આ સૌના બોજાથી બેવડો વળી ગયો હતો, એટલે ખેતસુધારણા માટેની શક્તિ કે વૃત્તિ તે ધરાવતો નહોતો. આથી 1946માં બ્રિટિશ હિંદની 19 ટકા જમીન પર ફેલાયેલી કાયમી જમાબંધીની વ્યવસ્થાને નાબૂદ કરવાનું કામ સ્વતંત્રતા મળી ત્યાર પછી તરત જ લોકતાંત્રિક સરકારોએ જમીનધારાની સુધારણાના ભાગ રૂપે સૌપ્રથમ પૂરું કર્યું. એમાં એમને ખાસ વિરોધનો સામનો પણ ન કરવો પડ્યો.

મહાલવારી પદ્ધતિમાં જમાબંધી વ્યક્તિગત ખેડૂત સાથે નહિ પણ ગામના સામૂહિક એકમ સાથે કરવામાં આવી. ગામના કે મહાલના તમામ ખેડૂત સંયુક્ત તેમજ વ્યક્તિગત રીતે મુકરર કરેલું જમીન-મહેસૂલ ભરવા બંધાયેલા હતા. સામાન્ય રીતે ગામના મુખીને કે વડાને તે માટેની જવાબદારી સોંપવામાં આવતી. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ વગેરે પ્રાંતોમાં આ પદ્ધતિ સ્વીકારવામાં આવી. ત્યાં લગભગ અર્ધજમીનદારી જેવી પરિસ્થિતિ આ કારણે પેદા થઈ. અહીં લાક્ષણિકતા એ હતી કે મહેસૂલની આકારણી કાયમી નહોતી. દર ત્રીસ વર્ષે સરકાર આકારણીના દર વધારી કે ઘટાડી શકતી હતી. સ્વાતંત્ર્ય બાદ જમીનધારાના સુધારાના ભાગરૂપે આ વ્યવસ્થા પણ દૂર કરવામાં આવી છે.

રૈયતવારી પદ્ધતિ હેઠળ કર ભરવાની જવાબદારી વ્યક્તિગત ખેડૂત કે ખાતેદાર પર મૂકવામાં આવી હતી. આ આકારણી મોટેભાગે ચોખ્ખી સાંથરૂપી આવકના (જમીનની શુદ્ધ ઊપજના) અંદાજના આધારે કરવામાં આવતી હતી ને જમીન-મહેસૂલ મુકરર કરવા માટે જમીનના સર્વેક્ષણ, વર્ગીકરણ વગેરેની લાંબી વિધિ મુકરર કરવામાં આવી હતી. આ આકારણી ત્રીસ કે ચાલીસ વર્ષ માટે સ્થિર રહેતી, ત્યારબાદ ફેર-આકારણી કરવાની રહેતી. ખેડૂત નિયમિત મહેસૂલ ભરે એ શરતે આ વ્યવસ્થામાં તે જમીનનો કબજા હક્ક ભોગવે છે. ઠીક ઠીક લાંબા સમય સુધી ભરવાપાત્ર જમીન-મહેસૂલની રકમ સ્થિર રહેતી હોવાને કારણે ખેડૂતને ખેતસુધારણા માટે અહીં પ્રોત્સાહન રહે છે. મુંબઈ, ચેન્નાઈના કેટલાક જિલ્લા, સિંધ, આસામ વગેરે પ્રાંતોમાં તેને દાખલ કરવામાં આવી હતી. 1946માં બ્રિટિશ હિંદની 51 ટકા જમીન રૈયતવારી જમીન-મહેસૂલની પ્રથા હેઠળ હતી. સ્વાતંત્ર્ય બાદ જમીનદારી નાબૂદ થઈ એટલે આજે તો લગભગ આખાય દેશમાં તે પ્રવર્તે છે એમ કહી શકાય. એમાં ગણોતિયા પદ્ધતિનું દૂષણ ઉદભવ્યું છે. સરકારના દફતરે ખેડૂત તરીકે જેનું નામ નોંધાયું હોય ને જે જમીન-મહેસૂલ ભરવા માટે જવાબદાર છે તે માણસ પોતાની જમીન ગણોતે આપે છે ને ગણોતિયા પાસેથી મળતી સાંથ પર આરામથી જીવે છે. ગણોતિયાને તે ઠીક લાગે ત્યારે કાઢી મૂકતો, મન ફાવે તેટલું ગણોત કે સાંથ તેની પાસેથી લઈ શકતો ને કાઢી મૂકતી વખતે ગણોતિયાએ જમીન પર કરેલ સુધારણા માટે કંઈ જ વળતર આપતો નહોતો. સ્વાતંત્ર્ય પછી ગણોતધારો પસાર કરીને આ દૂષણ દૂર કરવા ગણોતિયાને ખેડહક્ક આપવાના સરકારે પ્રયત્ન કર્યા છે. પરંતુ ગણોતિયાની પદ્ધતિ સાવ નાબૂદ થઈ નથી. પ્રચ્છન્ન રૂપમાં આ વ્યવસ્થા જીવિત છે.

કૃષિકર : સ્વાતંત્ર્યોત્તર ભારતમાં : ભારતમાં માત્ર ખેતીના ક્ષેત્ર પર પડતા હોય તેવા બે પ્રત્યક્ષ કર છે : જમીન-મહેસૂલ અને ખેતી પરનો આવકવેરો. ભારતના બંધારણમાં આ બે કર નાખવાની સત્તા રાજ્ય સરકારોને આપવામાં આવી છે. આમાં જમીન-મહેસૂલ પ્રમાણમાં જૂનો કર છે અને ખેતી પર જીવનાર વસતિ પર પડતા પ્રત્યક્ષ કરોમાં તે સૌથી મહત્વનો છે. પરંતુ રાજ્ય સરકારોને આ કરને કારણે થતી આવકની ટકાવારી ઘટતી રહી છે. ખેતી પરની આવકો પરનો કર પ્રમાણમાં નવો છે. રાજ્ય સરકારને આવક આપનાર તરીકે તેનું ખાસ મહત્વ નથી. બધાં રાજ્યોએ એને હજી પોતાના કરના માળખામાં દાખલ કર્યો નથી; એને અપનાવવામાં આવ્યો છે ત્યાંય રાજ્ય રાજ્ય વચ્ચેની તેની જોગવાઈ જુદી જુદી છે.

જમીન-મહેસૂલ ને કૃષિ-આવક પરના કરમાંથી રાજ્ય સરકારોને તેમની કરની આવકના એકંદર બે ટકા જેટલી રકમ પ્રાપ્ત થાય છે. 1999–2૦૦૦ના અંદાજપત્ર અનુસાર રાજ્ય સરકારોની કરની આવક હતી રૂ. 1,57,188 કરોડ રૂપિયાની : ખેતીજન્ય આવક પરના કરમાંથી તેમને રૂ. 198 કરોડ મળતા હતા ને જમીન-મહેસૂલમાંથી રૂ. 1651 કરોડ. આમ બન્ને કરમાંથી રાજ્યસરકારોને રૂ. 1849 કરોડ જેટલી આવક થતી હતી, જે તેમની કુલ કરની આવકના 1.17 ટકા જેટલી હતી.

આ બે કર ઉપરાંત ખર્ચવેરો, વારસાવેરો, સંપત્તિવેરો, બક્ષિસવેરો, સ્ટેમ્પ ને રજિસ્ટ્રેશન પરના કર જેવા અન્ય કર પણ અન્ય ક્ષેત્રોની સાથે ખેતીના ક્ષેત્ર પર પડે છે. તે જ રીતે કૃષિક્ષેત્રના માણસો ચીજ કે સેવા ખરીદે છે ત્યારે તેના પરના પરોક્ષ વેરા પણ ભરે છે. તેમને કૃષિક્ષેત્ર પરના ખાસ કર કહી શકાય નહિ.

કૃષિકરની આ વ્યવસ્થાની સુધારણા જરૂરી છે એમ કેટલીક દલીલોના આધારે સૂચવવામાં આવે છે :

1. ખેતીના ક્ષેત્રમાંથી ઉદભવતી રાષ્ટ્રીય આવકની સરખામણીમાં તેના પર નાખવામાં આવેલા પ્રત્યક્ષ કરનું (મુખ્યત્વે જમીન-મહેસૂલ ને કૃષિ-આવક પરના કરનું) પ્રમાણ અલ્પ ને સ્થિર રહ્યું છે.

2. અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રોના માણસો કરતાં ખેતીક્ષેત્રના માણસો પોતાની આવકમાંથી ઓછા ટકા રકમ કર તરીકે ભરે છે. આમ આંતરક્ષેત્રીય વિષમતા જોવા મળે છે.

3. ચોક્કસ મુક્તિમર્યાદાથી વધુ આવક કમાનાર અન્ય ક્ષેત્રમાં કામ કરનાર માણસને કેંદ્ર સરકારનો આવકવેરો ભરવો પડે છે. કૃષિક્ષેત્રમાંથી એટલી જ આવક કમાનાર માણસને આ પ્રકારનો કર ભરવો પડતો નથી. (રાજ્ય સરકારે ખેતી પર આવકવેરો ન નાખ્યો હોય તે રાજ્યમાં રહેનારને સ્પર્શતી આ વાત છે.) સમાન આવક ધરાવનાર વચ્ચે આ રીતે અન્યાય-યુક્ત સ્થિતિ પેદા થાય છે.

4. ખેતીક્ષેત્રે જમીન-મહેસૂલ જમીનને અનુલક્ષીને રચાયેલો કર છે. એક સર્વે નંબર ખેડૂત પાસે હોય એટલે તેણે ચોક્કસ મહેસૂલ ભરવાનું થાય. ખેડૂતની આવક વધુ હોય કે ઓછી, આ રકમમાં ફેર ન પડે. જમીન-મહેસૂલનો બોજો ઓછી આવક કમાનાર ને વધુ આવક કમાનાર વચ્ચે વર્ધમાન દરે પડતો નથી. કૃષિ-આવક પરના કર બધાં રાજ્યોએ નાખ્યા નથી ને જ્યાં તે નાખવામાં આવ્યા છે ત્યાંય આ અન્યાય દૂર થાય તે રીતે નખાયા નથી.

5. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં અન્ય દેશોની તુલનામાં આવે તેવો ફાળો કૃષિક્ષેત્રે હજી આપ્યો નથી. ખેતીમાં રોકાતાં હોય તેના કરતાં વધારે સાધનો ખેતીમાંથી મેળવી તેમને અન્યત્ર રોકવાની નીતિને બદલે ભારતમાં ખેતીમાં થતા રોકાણ જેટલાં સાધન પણ કૃષિક્ષેત્રમાંથી મેળવાયાં નથી.

6. ભારતમાં રાજ્યને ખેતીના કરમાંથી મળતી આવક, ઉત્પાદકતા સુધરે છે, ભાવો વધે છે તેથી તેની સાથે ખેડૂતની આર્થિક સ્થિતિ સુધરે છે ત્યારે પણ ઉત્પાદકતા આપોઆપ વધતી નથી. ખેતી પરના કરવેરા નમનીયતા(flexibility)નો ગુણ ધરાવતા નથી.

7. ખેતી પરના પ્રત્યક્ષ કર ઓછા હોવાને કારણે માણસો પોતાની બીજા ક્ષેત્રની આવકનેય ખેતીની આવક ગણાવીને કરમાંથી છટકવા માટેનું આયોજન કરી શકે છે. કરચોરી અટકાવવા માટેય ખેતી પરના કરની સુધારણા જરૂરી છે.

કેટલાક નીતિવિષયક વિકલ્પો નીચે પ્રમાણે સૂચવવામાં આવે છે :

1. જમીન-મહેસૂલની વ્યવસ્થાને વધુ ન્યાયયુક્ત ને વર્ધમાન, નમનીય અને એકરૂપ બનાવી શકાય. જમીન-મહેસૂલના પાયા પર સરચાર્જ નાખીને, રોકડિયા પાક લેવામાં આવતા હોય તે જમીન પર વધારાનો કર નાખીને અને જમીન-મહેસૂલને વર્ધમાન બનાવીને (વધુ જમીન ધરાવનાર પાસે ઊંચા દરે જમીન-મહેસૂલ ઉઘરાવીને) આ કરની ન્યાયોચિતતા વધારી શકાય. તે જ રીતે ઉત્પાદકતા અને ભાવોનાં દીર્ઘકાલીન વલણો સાથે જમીન-મહેસૂલના દરને સાંકળી લઈને આ કરની નમનીયતા પણ વધારી શકાય. વિનોબા ભાવેએ જમીન-મહેસૂલને નાણાના રૂપમાં નહિ પણ પાકના ચોક્કસ ભાગના રૂપમાં ઉઘરાવવાનું સૂચન કર્યું છે તેની પાછળ પણ ભાવોની વધઘટની અસર દૂર કરવાનો વિચાર રહેલો છે.

2. રાજ્યોની ધારાસભાઓની સંમતિથી કે બંધારણ સુધારીને ખેતીની આવક પરનો આવકવેરો નાખવાની ને તેનો વહીવટ કરવાની સત્તા કેન્દ્ર સરકારે મેળવવી જોઈએ, એમ સૂચવાયું છે. તેમાંથી મળતી આવક કેન્દ્ર રાજ્ય સરકારોને વહેંચી આપી શકે અથવા ખેતીની આવકને વ્યક્તિની આવકમાં સામેલ કરી દઈને બધી જ આવકને એક આવકવેરા હેઠળ મૂકી શકાય. આ માટેય બંધારણીય સુધારો જરૂરી બને છે. આજે વ્યક્તિની આવક પરના આવકવેરાના દરને ઠરાવવા માટે તેની કૃષિક્ષેત્રીય આવક સહિતની તમામ આવકને લક્ષમાં લેવામાં આવે છે.

3. ઉપરના બેય વિકલ્પો અંગે પ્રા. કે. એન. રાજના પ્રમુખપદે નિમાયેલી કૃષિ-સંપત્તિ અને આવક અંગેની સમિતિએ વિચાર કર્યો હતો. તેમની મર્યાદાઓને કારણે આ સમિતિએ ખેડાણ ઘટક પરના કરનું સૂચન કર્યું છે. આ કર કેન્દ્ર સરકાર નાખી શકશે અને તબક્કાવાર તે જમીન-મહેસૂલનું સ્થાન લેશે એમ સમિતિએ વિચાર્યું છે. પતિ, પત્ની ને ત્રણ સગીર બાળકોના બનેલા કુટુંબ પાસેના ખેડાણ ઘટક(operational holding)ની કરપાત્ર કિંમત(rateable value)ના પાયા પર આ કર નાખવાનું સૂચન છે.

ખેડૂતોની રાજકીય વગને કારણે તથા કૃષિકરની સુધારણા વહીવટી ર્દષ્ટિએ ગૂંચવણ ભરી હોવાને કારણે ખેતી પરના પ્રત્યક્ષ કર વધારવાની દિશામાં ખાસ પ્રગતિ થઈ શકેલી નથી.

4. આ જ કારણોને લીધે, સરકાર દ્વારા અપાતી સેવાઓની કિંમતના (user charges) તેમજ વિકાસ-પ્રવૃત્તિને કારણે ખેડૂતને થતા લાભના ધોરણે કર (benefit taxes) નાખીને કૃષિકરની પૂર્તિ કરવાનાં સૂચનોનેય સરકાર અમલી બનાવી શકી નથી.

બદરીપ્રસાદ મ. ભટ્ટ

કૃષિભૂગોળ

કૃષિવિષયક માનવ-પ્રવૃત્તિઓ ભૌગોલિક ધોરણે થતા અભ્યાસની વિશિષ્ટ શાખા. તેમાં વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં થતી કૃષિપેદાશોની તરેહ, કૃષિપેદાશોનું વિસ્તારદીઠ સ્થાનીયીકરણ (localisation), પ્રાકૃતિક કૃષિસાધનોની ફાળવણી, કૃષિઊપજનાં બજારોની વિશિષ્ટતાઓ વગેરે પર અસર કરતાં પરિબળોનું બયાન કરવામાં આવે છે. અમુક કૃષિપેદાશો અમુક વિસ્તારોમાં જ કેમ થાય છે, તે પેદાશોનાં પ્રાદેશિક લક્ષણો અને ગુણવત્તા કેવાં છે, તેની સાથે કઈ આનુષંગિક બાબતો સંકળાયેલી હોય છે, કૃષિપેદાશોની બાબતમાં કયા ભૌગોલિક પ્રદેશોને કઈ અને કેટલી તક ઉપલબ્ધ છે  આવા પ્રશ્નોના જવાબ કૃષિભૂગોળના અભ્યાસથી મેળવી શકાય છે. કેટલીક કૃષિપેદાશો સાર્વત્રિક કેમ હોતી નથી, કેટલીક કૃષિપેદાશો અમુક વિસ્તારોમાં કેમ કેન્દ્રિત થયેલી હોય છે, જે સ્થળે કૃષિપેદાશ થાય છે તે સ્થળે તેના પર કયાં ભૌગોલિક પરિબળો અસર કરે છે, આંતરપ્રાદેશિક, આંતરરાષ્ટ્રીય કે આંતરખંડીય કૃષિસંબંધોનું સ્વરૂપ કેવું હોય છે, વિવિધ પ્રાકૃતિક પરિબળોની તુલનાને આધારે કૃષિવ્યવસાયનું સૂક્ષ્મ (micro) તથા બૃહત્ (macro) વર્ગીકરણ કેવી રીતે થઈ શકે વગેરે બાબતો કૃષિભૂગોળના કાર્યક્ષેત્રમાં આવે છે.

કૃષિપેદાશોનું વિશિષ્ટીકરણ જે ભૌગોલિક પરિબળોને અધીન હોય છે અને જેનો કૃષિભૂગોળમાં અભ્યાસ કરવામાં આવે છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે : (1) આબોહવા : તેમાં વરસાદ, તાપમાન, પૃષ્ઠ-બાષ્પીભવન (surface evaporation), સૂર્યપ્રકાશની માત્રા, પાકની ઋતુની અવધિ, પવનની દિશા, ગતિ અને તીવ્રતા વગેરેનો સમાવેશ થાય છે; (2) જમીનનો પ્રકાર : તેમાં તેની ગુણવત્તા અને ફળદ્રૂપતા, સ્થળાકૃતિ અને સ્થાનવૃત્ત, જમીનનું માળખું અને તેની રચના તથા તેમાં રહેલાં રાસાયણિક તત્ત્વોનો સમાવેશ થાય છે. આબોહવાના ફેરફારોની તુલનાએ જમીનની ગુણવત્તામાં જોવા મળતા પ્રાદેશિક ફેરફારો વધુ વ્યાપક હોય છે;
(3) જૈવિક પરિબળો : તેના પર ઉત્પાદન-શક્યતાઓનો આધાર રહેલો હોય છે; (4) કૃષિપેદાશો માટેના નિવેશો (inputs) અને ઉપકરણો તથા ખેતીમાં ઉત્પન્ન થયેલ વેચાણપાત્ર ચીજવસ્તુઓની હેરફેર પર થતો ખર્ચ; (5) કૃષિપેદાશનું ટકાઉપણું કે તેની અલ્પજીવિતાની માત્રા; (6) સાધનો, ઉપકરણો તથા તૈયાર માલ પર કરવો પડતો વહનખર્ચ (handling charges); (7) ખેતપેદાશોની ભાવસપાટીના પ્રાદેશિક તફાવતો; તથા (8) કૃષિપેદાશોની માગની તરેહ અને લાક્ષણિકતાઓ.

કૃષિ અતિપ્રાચીન વ્યવસાય છે. વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ (176૦–184૦) થઈ ત્યાં સુધી લગભગ બધા જ દેશોના અર્થકારણમાં કૃષિવ્યવસાયનું સ્થાન સૌથી મોખરે હતું. આજે પણ દુનિયાના અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોના અર્થકારણમાં કૃષિવ્યવસાયનું સ્થાન અગત્યનું રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં કૃષિભૂગોળનો અભ્યાસ માનવજાતિની હવે પછીની પ્રગતિમાં પણ ઘણો મહત્વનો બની રહેશે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે