કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી નીકળતો છોડ છે. પર્ણો યુગ્મ પિચ્છાકાર (paripinnate) સંયુક્ત પ્રકારના હોય છે અને ત્રણ જોડ પર્ણિકાઓ ધરાવે છે. પર્ણિકાઓ પ્રતિઅંડાકાર (obovate) હોય છે. સૌથી નીચેની પર્ણિકાની જોડ સૌથી નાની હોય છે અને તેમની વચ્ચે શંકુ આકારની ગ્રંથિ ધરાવે છે. પુષ્પવિન્યાસ કક્ષીય તોરા (corymb) પ્રકારનો હોય છે. પુષ્પો અનિયમિત, દ્વિલિંગી અને અધોજાયી (hypogyrous) તેઓ પીળાં કે પીળી રાતી છાંયવાળાં હોય છે. પુંકેસરો-10, જેમાંથી ત્રણ વંધ્ય હોય છે. શિંબી પ્રકારનાં ફળો 15 સેમી.થી 22.5 સેમી. લાંબાં અને 0.5 સેમી. વ્યાસવાળાં હોય છે; જે ઘેરા રંગનાં ચપટાં બીજ ધરાવે છે. પુષ્પો ઑગસ્ટથી નવેમ્બર સુધી અને ફળ ડિસેમ્બર સુધી રહે છે.

કૂંવાડિયો

તે પડતર-વેરાન જમીનમાં અપતૃણ તરીકે સમગ્ર ભારતમાં થાય છે. બીજમાં ગ્લાયકોસાઇડ અને આનંદદાયી સુગંધ આપતું સ્થાયી તેલ (5 %) હોય છે. તેના બીજનો ઉપયોગ કૉફીની અવેજીમાં થાય છે. તેઓ ગળીના રંગકામમાં પણ ઉપયોગી છે. તેનો ઢોરોના પ્રોટીન-સભર ચારા તરીકે ઉપયોગ થઈ શકે છે. ઢોર સામાન્ય રીતે તેનો લીલો ચારો ચરતાં નથી, પરંતુ 15-20 દિવસ સૂર્યના તાપમાં સૂકવીને આપતાં ઢોરો 15 દિવસમાં ખાય છે. તેના 50 % ભાગને બીજ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. તે અશુદ્ધ પ્રોટીન 21.12 %, ઈથર-નિષ્કર્ષ 7.75 %, અશુદ્ધ રેસો 13.16 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 51.34 %, કુલ ભસ્મ 6.63 % ધરાવે છે. તેનાં કૂણાં પાનની ભાજી ખાવાથી મળવિસર્જન દ્વારા રક્તશુદ્ધિ થાય છે. તેથી તેને રસાયણ-ઔષધિ જેવા ગુણધર્મોવાળી માનવામાં આવી છે.

આયુર્વેદ અનુસાર, તે મીઠો, રુક્ષ, લઘુ, કડવો, શીતળ અને ખારો ગણાય છે અને વાયુ, પિત્ત, દાદર, કફ, કોઢ, કૃમિ, દમ, મસ્તકશૂળ, વ્રણ, મેદરોગ, પ્રમેહ, ત્રિદોષ, અરુચિ, તાવ, મળમૂત્ર-સ્તંભ, મેહ તેમજ ઉધરસનો નાશ કરે છે. તેનાં બીજ ગ્રાહક, ઉષ્ણ અને તીખાં હોય છે અને કફ, કોઢ, દમ, ઉધરસ, કંડૂ, વિષ, દાદર, સોજો, ગુલ્મ અને વાતરક્તનો નાશ કરે છે. તેના પાલાની ભાજી લઘુ, પિત્તકર, ખાટી તેમજ ઉષ્ણ છે અને કફ, વાયુ, દરાજ, કોઢ, પ્રમેહ, કંડૂ, ઉધરસ તેમજ દમનો નાશ કરે છે.

મહર્ષિ ચરકે સિધ્મકૃષ્ટ જેવા ચામડીના રોગોમાં તેનો ઉપયોગ સૂચવ્યો છે. તેનાં બીજ લીંબુના રસમાં લઢીને દાદર, ખરજવું જેવા રોગોમાં લગાડવાની ભલામણ કરવામાં આવી છે. તળેલાં બીજના પાઉડરની કૉફી પીવાથી કફજ રોગો, દમ-શ્વાસ, કાસ જેવા રોગોમાં કફને પાતળો પાડી છૂટો પાડે છે અને બહાર ધકેલી દે છે.

કૂંવાડિયાનો ઉપયોગ કાળપુળી (પાઠા), જલપ્રદર (સોમરોગ), પુષ્ટતા, અંગમાં ગરમી થઈ લોહી રહેતું ન હોય તે ઉપર, આધાશીશી, વસામેહ, બદ ફૂટવા માટે, ઢોરોને થતા કરમિયા ઉપર અને શીતપિત્ત ઉપર થાય છે.

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ