કૂંપળનો કોહવારો : વનસ્પતિનો એક રોગ. તેને અગ્રકલિકાનો સડો (bud rot) પણ કહે છે.

રોગકારક : ફાયટોપ્થોરા પાલ્મીવોરા બટલર.

લક્ષણો : ટોચનાં કુંપળનાં પાન ચીમળાઈને કોહવાઈ જાય છે. દાંડી આગળથી મોટાં પાન પણ કોહવાઈને ભાંગી પડે છે. આવા રોગનાં લક્ષણો નાળિયેરી (Cocosnucifera L.) સોપારી (Areca nut) તેમજ તાડી પામ જેવી જાતોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર નાનાં ફળોમાં રોગ લાગતાં ફળો પણ ખરી પડે છે. રોગને કારણે પોચો સડો પેદા થતાં દુર્ગંધ ફેલાય છે.

રોગપ્રેરક બળો : ચોમાસાનું વાતાવરણ રોગને વ્યાપકતા આપે છે.

ઉપાયો : સામૂહિક ધોરણે રોગિષ્ઠ છોડોનો નાશ કરીને અથવા રોગિષ્ઠ ભાગને સાફ કરીને બોર્ડો પેસ્ટ ચોપડીને અગર મેટાલક્ષીલ દવાનું 0.25 %નું દ્રાવણ 1 %વાળું બોર્ડો મિશ્રણ છાંટીને રોગનો નાશ કરવામાં આવે છે.

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ