કુસુમમાળા (1887) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિવેચક અને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ. પાલગ્રેવના ‘ગોલ્ડન ટ્રેઝરી’ ગ્રંથ ચારના સહૃદયી પરિશીલનથી ઉદભવેલા સંસ્કારો સંગ્રહમાંનાં કાવ્યોમાં ઝિલાયેલ છે. અંગ્રેજી ઊર્મિકવિતાની અસર નીચે ઘડાયેલી ગુજરાતી કવિતાનું પૂર્ણ અને નૂતન અર્વાચીન કળારૂપ સૌપ્રથમ ‘કુસુમમાળા’માં જોવા મળે છે. એ ર્દષ્ટિએ તે ગુજરાતી કવિતાના વિકાસમાં સીમાચિહનરૂપ ગણાય છે.
‘કુસુમમાળા’ના મુખ્ય વિષયો છે : પ્રકૃતિ, પ્રણય અને ચિંતન. સંગ્રહમાં કરેલી ગોઠવણ ચિન્તનાત્મક સંગીતકાવ્ય (meditative lyric), કરુણ સંગીતકાવ્ય (pathetic lyric) અને વર્ણનાત્મક કાવ્ય (descriptive poem) પ્રકારની છે. ‘સહસ્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ’, ‘કાળચક્ર’, ‘કર્તવ્ય અને વિલાસ’, ‘માનવ બુદબુદ’ વગેરે પ્રથમ પ્રકારનાં જ્યારે ‘નદનદીસંગમ’, ‘નદીકિનારે મેઘાડંબર’, ‘પ્રેમસિંધુ’, ‘દિવ્ય મંદિર અને લેખ’, ‘દિવ્ય ટહુકો’, ‘વિધવાનો વિલાપ’ અને ‘મેઘવૃષ્ટિવાળી એક સાંજ’ જેવાં બીજા પ્રકારનાં કાવ્યો છે. ત્રીજા પ્રકારમાં ‘શિયાળાનું સ્હવાર’, ‘વસંતની એક સાંજ’, ‘સિન્ધુ’, ‘ગિરિ’, ‘મેઘ’, ‘ઉનાળાના એક પરોડનું સ્મરણ’ વગેરેને ગણાવી શકાય.
અંગ્રેજ કવિ શેલીના ‘ડૉન’માંથી ‘પ્રભાત’નો વિકાસ થયો છે જ્યારે ‘મેઘ’ ‘ધ ક્લાઉડ’નું ભાષાંતર છે અને ‘ચંદા’ ‘મેઘ’ની નકલ છે.
કવિએ પ્રયોજેલા છંદો હરિગીત, વસન્તતિલકા, તોટક, શિખરિણી ઉપરાંત ઉધોર છંદ, મહીદીપ છંદ, સોરઠ ઝંપા, દિંડી અને રોળાવૃત્ત પણ છે. કેટલાંક કાવ્યોમાં ગરબીઓના ઢાળ કે ચાલનો પ્રયોગ કરેલો છે. ‘દિવ્ય’ અને ‘મીઠી’ જેવા શબ્દપ્રયોગનું પ્રાચુર્ય ખટકે છે.
‘કુસુમમાળા’ને અપવાદ અને આવકાર બંને મળેલાં. ‘સૂર્ય, ચંદ્ર અને તારાનો કવિ’ (ગો. ત્રિપાઠી) અને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં એક જ મીઠી વીરડી’ (ર. નીલકંઠ) જેવા પ્રશંસાત્મક ઉદગારો છતાં પાશ્ચાત્ય ઢબનાં કાવ્યકુસુમોમાં રસના પ્રાધાન્યની ઊણપ પ્રત્યે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ધ્યાન દોરેલું. જોકે તેમણે કવિત્વની ર્દષ્ટિએ આ સંગ્રહને આવકાર્યો હતો.
સુસ્મિતા મ્હેડ