‘કુસુમાકર’ (જ. 8 જાન્યુઆરી 1893, જામનગર; અ. 23 ઑગસ્ટ 1962) : ગુજરાતી ભાષાના એક નોંધપાત્ર ઊર્મિકવિ. મૂળ નામ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા. પિતા છેલશંકર અને માતા મહાકુંવરના તત્વજ્ઞાન-ભક્તિના સંસ્કારો તેમને બાળપણથી મળ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં લીધું હતું. ગોંડલમાં હિંમતલાલ ગણેશજી અંજારિયા અને કવિ ‘લલિત’ પાસે અભ્યાસ કરવાનો મોકો મળ્યો. 1910માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1914માં પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ઑનર્સ થયા. જીવનભર શિક્ષણક્ષેત્રમાં કાર્ય કર્યું. નવસારીની મદરેસા શાળામાં ફ્રેન્ચ શિક્ષક તરીકે કામ કર્યા બાદ નડિયાદ હાઈસ્કૂલમાં સરકારી નોકરીમાં જોડાયા. સૂરત, ભરૂચ, ગોધરા, અમદાવાદ વગેરે સ્થળોની સરકારી શાળાઓમાં કામ કર્યા બાદ સૂરતની ટ્રેનિંગ કૉલેજના આચાર્યપદે નિયુક્ત થયા. 1948માં તે સ્થાનેથી નિવૃત્ત થયા બાદ અમદાવાદની કર્વે કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય અને માનસશાસ્ત્રના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1951થી 1962 સુધીના નિવૃત્તિકાળમાં અમદાવાદમાં રહ્યા અને અવિરત સાહિત્યોપાસના કરી, જેના પરિણામ રૂપે તેમણે સંખ્યાબંધ મૌલિક અને અનુવાદિત-રૂપાંતરિત ગ્રંથો રચ્યા.

તેમનાં કાવ્યો અને લેખો ‘વસંત’, ‘સાહિત્ય’ અને ‘ગુજરાત’ જેવાં લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થતાં. ફ્રેન્ચ નવલિકાઓનાં રૂપાંતરોનો સંગ્રહ ‘જીવનના જાદુ’ તેમની હયાતીમાં 1958માં પ્રગટ થયો હતો. તેમનાં મરણોત્તર પ્રકાશનોમાં કાવ્યસંગ્રહ, ‘સ્વપ્ન-વસંત’ (1963), ટાગોરના ‘ફૂટ ગેધરિંગ’નો ભાવાનુવાદ ‘વિશ્વાંજલિ’ (1964), બાળકોનો કાવ્યસંગ્રહ ‘બાલમુકુંદ’ (1967), ટાગોરના ‘ધ ક્રેસન્ટ મૂન’નું રૂપાંતર ‘ચંદ્રની હોડલી’ (1974), પ્રસિદ્ધ ‘ગીતાંજલિ’નો ભાવાનુવાદ (1984), આશ્રમ ભજનાવલિના શ્લોકો-સૂક્તો, અંગ્રેજી-મરાઠી પ્રાર્થનાઓના ભાવાનુવાદ અને ભક્તિકાવ્યો ‘દીપાંજલિ’-1 (1986), ‘દીપાંજલિ’-2 (1987), ‘દીપાંજલિ’-3 (1988), ટાગોરનું નાટ્યરૂપાંતર ‘ચિત્રા’ (1991), નર્મ-મર્મની નવલિકાઓનો સંગ્રહ ‘આરામખુરશી પરથી ઝૂલતાં ઝૂલતાં’ (1991), ‘રજત મહોત્સવ અને બીજી ટૂંકી વાર્તાઓ’(1992)નો સમાવેશ થાય છે. ‘વસંતની સૌન્દર્યશ્રી’ અને ‘મૌનનાં કૂજન’ અપ્રગટ છે. એમના બૃહદગ્રંથો ‘મહાત્માયન’, ‘ભારતાયન’, ‘જ્ઞાનદર્શન ગીતાઓ’, ‘સુરતાલહરી’, ‘રવીન્દ્રસૌરભ’ વગેરે પ્રકાશનની રાહ જોતા બેઠા છે. આ ઉપરાંત પણ ઘણાં નાનાંમોટાં પુસ્તકોની હસ્તપ્રતો પ્રકાશ્ય છે.

કવિ તરીકે ‘કુસુમાકર’ ન્હાનાલાલ અને ન્હાનાલાલ-શૈલીના અન્ય કવિઓની જેમ રોમેન્ટિક રીતિના કવિ છે. તે સ્વપ્નોના કવિ હતા. તેમનું ‘સ્વપ્ન વેચણહારી’ કાવ્ય ન્હાનાલાલને ખૂબ ગમેલું. 1933માં વલસાડ સાહિત્ય મંડળના ત્રીજા વાર્ષિકોત્સવ પ્રસંગે તેમણે એ કાવ્ય પ્રસ્તુત કરી એના રચયિતા કવિ કુસુમાકરની પ્રશંસા કરેલી. કુસુમાકરના કાવ્ય ‘મારાં દ્વાર’ને કેન્દ્રમાં રાખી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તેમના વિશે લેખ લખી ‘એક સાચા અને સારા કવિ’ તરીકે, બહુશ્રુત કવિ તરીકે તેમને ઓળખાવેલા અને એ સાથે જ એમની પ્રકૃતિની અને કાવ્યશૈલીની મર્યાદાઓ તરફ ધ્યાન દોરેલું. કાવ્યની એકતા અને અર્થવાહકતા પ્રત્યેની બેદરકારી, પદાવલિ પ્રત્યે મૃદુ, લચકીલા શબ્દો વાપરવાનો અને સદ્ય અનુરણનમાં સરી પડવાની વૃત્તિ અને ફાવટને કારણે તેમનાં ઘણાં કાવ્યો સુગ્રથિત થતાં અટકી જાય છે. તેમ છતાં તેમનાં ‘મારાં દ્વાર’, ‘નિર્વાણનું પદ્ય પરાગ ઢોળે’, ‘આત્માનાં આંસુ’, ‘જાગો વિરાટ જાગો’, ‘થનગનતું યૌવન’, ‘જાગો જાગો અંતરગાન’, ‘ખ્વાબી ખુશ્બો’, ‘દક્ષિણાનિલને’, ‘સ્વપ્ન આરામગાહે’ જેવાં કાવ્યો સહૃદયોને ચિરકાળ આહલાદ આપ્યાં કરે તેવાં છે.

રમણલાલ જોશી