કુશસ્થલી : પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે આનર્ત દેશની ઇક્ષ્વાકુ વંશની એક શાખા શાર્યાતોની અરબી સમુદ્રતટે આવેલી રાજનગરી. તે જ યાદવોની દ્વારવતી અને આજની દ્વારકા. રૈવત કકુદ્મી એનો સ્વામી હતો. તે નગરી રૈવતક(ગિરનાર)થી સુશોભિત હતી. પુણ્યજન રાક્ષસોએ તેનો વિનાશ કર્યો. પૌરાણિક વૃત્તાંત મુજબ શાર્યાત કુળના રાજા રૈવત કકુદ્મી, પુત્રી રેવતી માટે સુયોગ્ય વર અંગે સલાહ લેવા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માની સભામાં તે સમયે સંગીત ચાલતું હોવાથી રૈવતે સંગીત પૂરું થવાની રાહ જોઈ; સંગીત-સમાપ્તિ પછી બ્રહ્માએ રૈવતને જણાવ્યું કે બ્રહ્મલોકમાં એક મુહૂર્ત પસાર થયું, પરંતુ પૃથ્વી પર યુગો વીતી ગયા. તેમની રાજધાની કુશસ્થલીમાં યાદવોના વીર પુરુષ બલરામ સાથે રેવતીનાં લગ્ન કરવા બ્રહ્માએ કહ્યું.

કુશસ્થલીમાં યાદવોએ વસવાટ કર્યો તે અંગે મહાભારત જણાવે છે કે મગધ-સમ્રાટ જરાસંધનાં અનેક આક્રમણોથી રક્ષણ મેળવવા યાદવોએ પશ્ચિમ દિશા તરફ સ્થળાંતર કર્યું ને વેરાન થયેલી કુશસ્થલીમાં પુનર્વસવાટ શરૂ કર્યો. તે નગરીના જીર્ણ દુર્ગને સમરાવ્યો. પર્વતથી રક્ષિત તે અજેય દુર્ગમાં સ્ત્રીઓ પણ લડી શકતી. આમ શાર્યાતોની કુશસ્થલી યાદવોની દ્વારવતી તરીકે ઓળખાઈ. હરિવંશની અનુશ્રુતિ પ્રમાણે રુક્મિણી સ્વયંવરમાંથી મથુરાગમન કરતા ગરુડે કુશસ્થલી જોયેલી.

ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલી અને તીર્થ તરીકે મહિમા પામેલી આ નગરી આદ્ય શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠોમાંના પશ્ચિમી મઠનું સ્થાનક છે. આમ કૃષ્ણભક્તિ અને શિવભક્તિના ઉપાસકોનું આ સહિયારું સ્થાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે.

સુમના શાહ

રસેશ જમીનદાર