કુશળલાભ : સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છના જૈન સાધુકવિ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના તે શિષ્ય હતા. આ કવિએ રચેલી રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે 662 કડીની, દુહા અને ચોપાઈમાં લખેલી ‘માધવાનલ-કામકંદલા ચોપાઈ’ (રચના ઈ. સ. 1560) નોંધપાત્ર છે. એમાં માધવાનલ અને કામકંદલાની જાણીતી પ્રેમકથાનું નિરૂપણ છે. ગણપતિની આ જ વિષય આલેખતી કૃતિની તુલનામાં અહીં શૃંગારનિરૂપણ આછું છે. પણ સમસ્યાઓ, ગૂઢોક્તિઓ તેમજ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી સુભાષિતોની પ્રચુરતામાં કવિની સજ્જતા દેખાય છે. એમની 400 કડીની ‘મારુ ઢોલા ચોપાઈ’ (રચના ઈ. સ. 1561) કૃતિ રાજસ્થાનમાં ખૂબ લોકપ્રિય એવી દુહારૂપે મળતી પ્રેમકથાના વિસ્તરણ સમી છે. કૃતિ ચોપાઈ, છંદ તેમજ ‘વાત’ નામે ગદ્યમાં રચાઈ છે. આ બે મહત્વની કૃતિઓ ઉપરાંત 89 કડીની ‘જિનરક્ષિતજિનપાલિત સંધિ’ (રચના ઈ. સ. 1565), તપપૂજાનો મહિમા પ્રગટાવતી 415 કડીની ‘તેજસાર ચોપાઈ’ (રચના ઈ. સ. 1566), 218 કડીની ‘અગડદત્ત ચોપાઈ’ (રચના ઈ. સ. 1569), ‘ભીમસેન રાજહંસરાજ ચોપાઈ’, 812 કડીની ‘શીલવતી ચતુષ્પદિકા’ અને ‘દુર્ગાસપ્તશતી’ જેવી આ કવિની અન્ય કથાત્મક રચનાઓ છે.

આ સિવાય આ કવિએ ગુરુ જિનચંદ્રસૂરિની પ્રશસ્તિ કરતું ‘પૂજ્યવાહણ-ગીત’ તેમજ તીર્થંકરોનાં સ્તવનો અને વિવિધ છંદોવાળી, ગુરુપરંપરાના નિર્દેશ વિનાની લઘુ રચનાઓ કરી છે.

કાન્તિલાલ શાહ