કુમ્માપુત્તચરિય (કુર્માપુત્રચરિત્ર) (ઈ. સ. 1613) : જિનમાણિક્ય અથવા તેમના શિષ્ય અનંતહંસકૃત 198 પ્રાકૃત પદ્યોમાં પૂરું થતું એક સુંદર લઘુ કથાકાવ્ય. તેની રચના ઉત્તર ગુજરાતમાં થઈ હતી. કવિએ પોતાના ગુરુનું નામ હેમતિલક આપ્યું છે. તપાગચ્છ પટ્ટાવલી પ્રમાણે સોળમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. ‘કુમ્માપુત્તચરિય’ની રચના ઈ. સ. 1613માં ઉત્તર ગુજરાતમાં થઈ હતી.
દાન, શીલ, તપ અને ભાવના એ ‘ચતુર્વિધ’ ધર્મમાં ભાવનાના આદર્શ માટે કુમ્માપુત્તનું ઉદાહરણ અપાયું છે. ધર્મઘોષના ઋષિમંડળ પરની શુભવર્ધનની ટીકાનો કવિએ આધાર લીધો છે. પૂર્વભવનો દુર્લભ નામે રાજપુત્ર બીજા ભવમાં રાજગૃહમાં કુમ્માપુત્ત નામે રાજકુમાર તરીકે જન્મ લે છે. પૂર્વભવનું સ્મરણ થતાં તે સંસારથી વિરક્ત બને છે, પણ માતાપિતા દુ:ખી ન થાય તે માટે દીક્ષા ન લેતાં તે ગૃહસ્થાશ્રમમાં રહે છે અને ભાવકેવળી થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ ધર્મકથાની ભાષા સરળ અને સુમધુર છે. સંપૂર્ણ કથા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે. પ્રાચીન જૈન કેવળીની આ કથા ધર્મકથા – સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
પ્રો. કે. વી. અભ્યંકર દ્વારા સંપાદિત તેનું પ્રકાશન 1933માં થયેલું છે.
કાનજીભાઈ પટેલ