કુમાર (મૂર્તિકલા) : દેવસેનાનો પતિ, અગ્નિ અને ગંગાનો પુત્ર. તે વિરાટપ્રાણ કે જીવનતત્વનું પ્રતીક છે. એની સંજ્ઞા સ્કંદ છે. કુમારને ‘ષણ્માતુર’ એટલે કે છ માતાઓનો પુત્ર કહ્યો છે. એના કલા-વિધાનમાં એને છ મસ્તક દેખાડવામાં આવે છે. એનું વાહન કૂકડો અને મયૂર છે અને આયુધશક્તિ (ભાલો) છે. સ્કંદ અને તારકાસુર વચ્ચેની પૌરાણિક આખ્યાયિકાનું આધ્યાત્મિક મૂલ્ય આ પ્રમાણે છે – ત્યાં કુમાર વિજ્ઞાનાત્મક દિવ્યતેજનું પ્રતીક છે અને તારકાસુર ઇન્દ્રિયાનુગામી મનનું સૂચક સ્વરૂપ છે. બંને વચ્ચેના સંઘર્ષમાં વિજ્ઞાનની જ જીત થાય છે. તારકનો અર્થ તારા અથવા ચંદ્રમા પણ થાય છે, જેની ઉત્પત્તિ નારાયણ-પુરુષના ‘मनसो जातः’ (ઋ. 10–90–13) મનાય છે. પુરુષની રચનામાં ત્રણ કુમાર રહેલા છે. કાલિદાસે આ રહસ્ય પ્રસ્ફુટ કરતાં ત્રણે રૂપોનાં વર્ણન કર્યાં છે. એક વિરાટકુમાર, જે સ્કંદ છે અને તે ‘કુમાર સંભવ’માં દિવ્ય જન્મ ધારણ કરે છે. બીજો કુમાર પ્રાણમય કુમાર છે, જેનો જન્મ પુરુરવા અને ઉર્વશીના પુત્ર રૂપે ‘વિક્રમોર્વશીય’માં થતો વર્ણવ્યો છે. અને ત્રીજો કુમાર પંચભૌમિક કુમાર છે, જેની સંજ્ઞા ‘ભરત’ છે જે શકુંતલા અને દુષ્યંતના પુત્ર રૂપે અવતરે છે.

પ્રવીણચંદ્ર પરીખ