કુમાર : કુમારોને જીવનર્દષ્ટિ આપતું ગુજરાતી માસિક. ‘ઊગતી પ્રજા – કુમારોને જીવનર્દષ્ટિ આપતી કશી જ સામગ્રી નથી એ ઊણપ પૂરવાનો આ પ્રયાસ છે.’ – એવી પ્રથમ અંકના તંત્રીલેખમાં આદ્યતંત્રી રવિશંકર રાવળે જાહેરાત કરીને જાન્યુઆરી 1924માં ‘કુમાર’ માસિકનો એમના અંગત સાહસ તરીકે અમદાવાદમાંથી આરંભ કરેલો. ‘વીસમી સદી’ની સચિત્રતાના ઢાંચા પર શરૂ થયેલું આ માસિક ઉત્તરોત્તર કાઠું કાઢતું ગયું અને કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, રમતગમત, સંગીત, આરોગ્ય અને અન્ય અનેક વિષયોને આવરી લઈ વિશ્વકોશીય સ્વરૂપ પામ્યું. 1943માં રવિશંકર રાવળે ‘કુમાર’ને સમેટી લેવાનો વિચાર કર્યો ત્યારે તેનું ‘કુમાર કાર્યાલય લિ.’માં રૂપાંતર થયું અને બચુભાઈ રાવત એના તંત્રી બન્યા. એમના નેજા નીચે મુદ્રણકળા અને રજૂઆતના અવનવા પ્રયોગો સાથે ‘કુમાર’નું પ્રકાશન વધુ સત્વશીલ બનતું ગયું. 1980માં એમના અવસાન બાદ ત્યારના સહતંત્રી બિહારીલાલ ટાંકે તેનું તંત્રીપદ સંભાળ્યું; પરંતુ આર્થિક કટોકટીને કારણે 1987ના જૂનનો અંક પ્રકટ કર્યા પછી તેનું પ્રકાશન સ્થગિત કરવું પડેલું, જે 1990ના ઑગસ્ટથી ધીરુ પરીખના તંત્રીપદે પુન:પ્રકાશિત થયું.

2002માં કંપની ધારાની નવી જોગવાઈઓના અનુસંધાને ‘કુમાર કાર્યાલય લિ.’ બંધ થતાં ‘કુમાર’નું પ્રકાશન 2003થી ‘કુમાર ટ્રસ્ટ’ દ્વારા હવે થતું રહ્યું છે. ‘કુમાર’ના 100મા અંકથી એક વિશેષ પરંપરા ઊભી થઈ કે પ્રત્યેક સોમો અંક વિશેષાંક રૂપે પ્રકટ કરવો. એ મુજબ 100મો, 200મો, 300મો, 400મો, 500મો, 600મો, 700મો, 800મો અને 900મો એમ વિશેષાંકો પ્રકટ થયા છે. આ વિશેષાંકો કોઈ ખાસ અભિગમથી પ્રકટ થયા છે; જેમાં વિષય તરીકે કલા, સાહિત્ય ઇત્યાદિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ વિષયોની શિષ્ટ સામગ્રી રૂપે ‘કુમાર’ પુસ્તકોનું પ્રકાશન પણ કરતું આવ્યું છે. આજ સુધીમાં લગભગ પચીસેક પ્રકાશનો કરવામાં આવ્યાં છે. એક નોંધપાત્ર ઘટના એ છે કે ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં સૌપ્રથમ ‘કુમારે’ 1924થી 2004 સુધીના અંક 1થી 924 સુધીના અંકોને, અનુક્રમણિકા સાથે 17 સીડી રૂપે પ્રકટ કર્યા છે. ‘કુમાર ટ્રસ્ટે’ બુધસભામાં આવતા કવિઓનું એક બૃહદ્ બુધ-કવિ-સંમેલન યોજ્યું હતું. આ કવિસંમેલનમાં અનુગાંધીયુગથી અત્યાર સુધીના નવીનતમ કવિઓએ કાવ્યપઠન કર્યું હતું. આ કાવ્યપઠનની પણ ‘કુમાર’ દ્વારા વીસીડી તૈયાર કરવામાં આવી છે. સુઘડ મુદ્રણ અને વિવિધલક્ષી સત્વશીલ સામગ્રીથી ગુજરાતી પરિવારના એ આકર્ષક માસિકે ગુજરાતની પ્રજામાં કલાના સંસ્કારોનાં સિંચન અને સંવર્ધનમાં મહત્વનો ફાળો આપ્યો છે. એનાં કાવ્યો અને જીવનચરિત્રોએ તે તે સાહિત્યસ્વરૂપમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કવિતાનું પાનું, છેલ્લું પાનું, માધુકરી, કંકાવટી, અડકોદડકો, સાહિત્યસંપર્ક, કલાવાર્તા, આરોગ્ય જેવા તેના વિવિધ વિભાગો પણ વાચકોમાં પ્રિય છે. લઘુકથા જેવા સાહિત્ય સ્વરૂપને વિકસાવવામાં પણ ‘કુમાર’નો અનન્ય ફાળો છે. પ્રતિવર્ષ ડબલ ક્રાઉન કદનાં આશરે 900 પૃષ્ઠની એ વાચનસામગ્રી પૂરી પાડે છે. એમાં પ્રત્યેક અંકે પ્રકટ થતું બહુરંગી ચિત્ર તથા પ્રત્યેક અંકનું અલગ સજાવટયુક્ત પૂઠું અદ્યાપિ અજોડ છે. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં ‘કુમાર’ માસિક એક સીમાસ્તંભરૂપ પ્રકાશન છે. ‘કુમાર’નું વિવિધ રૂપપ્રકારે અક્ષરાલેખન પણ ગુજરાતી પત્રકારત્વની અજોડ ઘટના છે. પ્રસ્તુત સામયિક દ્વારા અપાતા ‘કુમાર’-ચંદ્રકની તથા તેની સાથે સંલગ્ન બુધસભાની પણ ગુજરાતમાં સારી પ્રતિષ્ઠા છે. બુધસભા કવિતાના સર્જક અને ભાવકની રુચિ, સજ્જતા વગેરેના ઘડતરમાં મહત્વનું પ્રદાન કરતી રહી છે.

‘કુમાર’નાં આવરણ-પૃષ્ઠો

‘કુમાર’-ચંદ્રક 1944થી વર્ષભરના ‘કુમાર’માંના શ્રેષ્ઠ પ્રદાન માટે અપાતો આવે છે. 1983 પછી આ ચંદ્રક મુલતવી રખાયો હતો. પણ 2003થી તે પુન: શરૂ કરાયો છે. આરંભમાં તે રજતચંદ્રક હતો. 2003થી તે સુવર્ણચંદ્રક બન્યો છે. અત્યાર સુધીમાં 44 સર્જકોને ‘કુમાર’-ચંદ્રક એનાયત થયો છે, જેમાં ગુજરાતી સાહિત્યના આજના પ્રતિષ્ઠિત અનેક સર્જકોની નામાવલિ જોઈ શકાશે.

કુમાર’-ચંદ્રકધારકોની નામાવલિ

ક્રમ ઈસવીસન ચંદ્રકધારકનું નામ ચંદ્રકનું નિમિત્ત
1. 1944 ડૉ. હરિપ્રસાદ દેસાઈ ‘રસદર્શન’ લેખમાળા
2. 1945 પુષ્કર ચંદરવાકર ‘પિયરનો પડોશી’ નાટિકા
3. 1946 યશોધર મહેતા ‘રણછોડલાલ’ નાટિકા
4. 1947 રાજેન્દ્ર શાહ કાવ્યો
5. 1948 બાલમુકુન્દ દવે કાવ્યો
6. 1949 નિરંજન ભગત કાવ્યો
7. 1950 વાસુદેવ ભટ્ટ ‘આપણી રમતો’ની લેખમાળા*
8. 1951 બકુલ ત્રિપાઠી હળવા નિબંધો – નિર્બંધિકાઓ
9. 1952 શિવકુમાર જોષી નાટિકાઓ
10. 1953 અશોક હર્ષ ચરિત્રલેખો
11. 1954 ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી ‘કાયાની કરામત’ લેખમાળા
12. 1955 ઉમાકાંત પ્રે. શાહ સ્થાપત્યવિષયક લેખો
13. 1956 ‘સુકાની’ – ચંદ્રશંકર બૂચ ‘દેવો ધાધલ’ નવલકથા
14. 1957 જયન્ત પાઠક કાવ્યો
15. 1958 હેમન્ત દેસાઈ કાવ્યો
16. 1959 ‘ઉશનસ્’ – ન. કુ. પંડ્યા કાવ્યો
17. 1960 નવનીત પારેખ ‘અગસ્ત્યને પગલે પગલે’ લેખમાળા
18. 1961 સુનીલ કોઠારી કલાપરિચયો તથા વિવેચનો
19. 1962 લાભશંકર ઠાકર કાવ્યો
20. 1963 પ્રિયકાન્ત મણિયાર કાવ્યો
21. 1964 ચંદ્રકાન્ત શેઠ કાવ્યો
22. 1965 રઘુવીર ચૌધરી કાવ્યો
23. 1966 ફાધર વાલેસ ‘વ્યક્તિઘડતર’ની લેખમાળા
24. 1967 હરિકૃષ્ણ પાઠક કાવ્યો
25. 1968 ગુલાબદાસ બ્રોકર ‘નવા ગગનની નીચે’ લેખમાળા
26. 1969 ભાનુપ્રસાદ પંડ્યા કાવ્યો
27. 1970 રમેશ પારેખ કાવ્યો
28. 1971 ધીરુ પરીખ કાવ્યો તેમજ વિવેચન
29. 1972 મધુસૂદન પારેખ ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’
30. 1973 કનુભાઈ જાની ‘કસુંબલ રંગ’ લેખમાળા
31. 1974 મધુસૂદન ઢાંકી લેખો
32. 1975 ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી ‘પ્રાચીન સિક્કા’ની લેખમાળા
33. 1976 વિનોદ ભટ્ટ ‘વિનોદની નજરે’ લેખમાળા
34. 1977 ભગવતીકુમાર શર્મા કાવ્યો તેમજ ટૂંકી વાર્તાઓ
35. 1978 અશ્વિન દેસાઈ ટૂંકી વાર્તાઓ
36. 1979 શંકરદેવ વિદ્યાલંકાર ‘પુષ્પમાળા’ નામક લેખશ્રેણી
37. 1980 બહાદુરશાહ પંડિત ‘વિચારવિશેષ’ લેખમાળા
38. 1981 હસમુખ બારાડી ‘અંગારાની ફાંટ’ રેડિયો-નાટિકા
39. 1982 પ્રફુલ્લ રાવલ ‘અષ્ટ દિક્પાલો’ લેખમાળા
40. 1983 ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’ કાવ્યો
41. 2003 રજનીકુમાર પંડ્યા ‘ફિલ્માકાશ’ લેખમાળા
42. 2004 રામચન્દ્ર બ. પટેલ કાવ્યો
43. 2005 બહાદુરભાઈ વાંક ધ્યાનકથાઓ
44. 2006 પ્રીતિ સેનગુપ્તા પ્રવાસલેખો
   નોંધ : * 1950નો આ ચંદ્રક ‘બાંધ ગઠરિયાં’ માટે શ્રી ચંદ્રવદન મહેતાને આપવાનો

ઠરેલો પણ તેમણે ચંદ્રક સ્વીકારેલો નહિ.

ધીરુ પરીખ