કુમારકલ્યાણ ઘૃત : એક આયુર્વેદિક ઔષધિ. શંખાવળી, વજ, કઠ, બ્રાહ્મી, હરડે, બહેડાં, આમળાં, દ્રાક્ષ, સાકર, સૂંઠ, ડોડી (જીવંતી), જીવક, ખરેંટી (બલા), કચૂરો (ષટ્કચૂરો), ધમાસો, બીલાની છાલ, દાડમની છાલ, તુલસીનાં પાન, શાલવણ (શાલિપર્ણી), નાગરમોથ, પુષ્કર મૂળ, નાની એલચી, લીંડીપીપર, વાળો, ગોખરુ, અતિવિષ, કાળીપાટ, વાવડિંગ, દેવદાર, ચમેલીનાં ફૂલ, મહુડાનાં ફૂલ, ખજૂર, મીઠાં બોર અને વાંસકપૂર – આ 34 ઔષધિઓ 10-10 ગ્રામ લઈને, તેને ખાંડીને તેનો કલ્ક (ચટણી) બનાવાય છે. તેનાથી ચાર ગણું ગાયનું ઘી, એ ઘીથી ચાર ગણું ગાયનું દૂધ અને બેઠી (નાની) ભોરિંગણીના ક્વાથને મેળવી, પાત્ર મંદાગ્નિ પર મૂકી, ઘી સિદ્ધ કરી, ગાળીને ભરી લેવામાં આવે છે.

બાળકને તે 1થી 3 ગ્રામ જેટલું દિવસમાં બે વાર, તેમાં સાકર મેળવીને કે કોકરવરણા દૂધમાં મેળવીને પિવરાવાય છે. કફદોષ હોય તો મધ સાથે અપાય છે. આ ઘૃત (ઘી) 11થી 5 વર્ષની વયનાં બાળકો માટે ખૂબ લાભદાયક છે. આ ઘીના સેવનથી બાળકોને દાંત ફૂટતી વખતે પીડા કે ઉપદ્રવ થતાં નથી. આ ઘીના સેવનથી બાળકનાં બળ, વર્ણ, પુષ્ટિ, રુચિ, જઠરાગ્નિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને આયુષ્ય વધે છે. તે ઉપરાંત તે બાળગ્રહો તથા કૃમિ જેવા અન્ય તમામ બાળરોગો પણ મટાડે છે.

બાળકને જો યકૃત (લીવર) વધેલું હોય તો આ ઘીનું સેવન કરાવવું હિતાવહ નથી.

 બળદેવપ્રસાદ પનારા