કુટજારિષ્ટ (આયુર્વેદિક ઔષધ) : કાળી કડાછાલ  કિલો, અધકચરી દ્રાક્ષ 1.250 ગ્રામ, મહુડાનાં ફૂલ 400 ગ્રામ અને સીવણ(ગંભારી)ની છાલ 400 ગ્રામ લઈ, તેને અધકચરું ખાંડી, 20 લિટર પાણીમાં નાંખી ઉકાળાય છે. તે ઉકાળો ચોથા ભાગે રહે ત્યારે તે ઉતારી, ઠંડો પડે એટલે તે મસળીને કપડેથી ગાળી તેમાં 2 કિલો ગોળ તથા 500 ગ્રામ ધાવડીનાં ફૂલ (કચરીને) એક મોટા કાચના પાત્રમાં બધું ભરીને, તેનું મોં કપડપટ્ટીથી બંધ કરી 1 મહિનો રાખી, તેનો અરિષ્ટ પાકે ત્યારે ગાળીને કાચના બાટલામાં ભરી લેવાય છે. 10થી 25 મિલિ. દવા તેટલું જ પાણી મેળવી, દિનમાં 3થી 4 વાર દર્દીને પાવામાં આવે છે.

વૈદ્યો અને લોકોમાં ઝાડા તથા મરડા માટે ખૂબ જ પ્રસિદ્ધ અને લાભપ્રદ આ ઔષધિ પ્રાય: આયુર્વેદની દરેક મોટી ફાર્મસી બનાવે છે. આ અરિષ્ટ સ્વરૂપની પ્રવાહી દવા બધી જાતના ઝાડા, મરડો, સંગ્રહણી, રક્તાતિસાર (લોહીના ઝાડા), મંદાગ્નિ તથા તાવ માટે ખૂબ અકસીર ઔષધિ છે. આ અરિષ્ટ બાળકોના ઝાડા, સંગ્રહણી, લોહીના ઝાડા તથા તાવ માટે પણ એટલી જ હિતકર છે. આ ઔષધિ કફનો સ્રાવ કરનાર હોઈ તે જૂની ખાંસી, અને નાનાં બાળકોની નવી ખાંસીમાં કફસ્રાવક તરીકે અને ઇન્ફલુએન્ઝા તથા ન્યુમોનિયા તાવમાં અન્ય ઔષધિ દશમૂલારિષ્ટ કે વાસકાસવ સાથે આપવાથી લાભ થાય છે. ખાસ કરીને જંતુજન્ય સંગ્રહણી કે મરડાવાળા સંગ્રહણીરોગમાં અને પેટમાં ભયંકર ચૂંક (મરડાટ) સાથે લોહી પડે અને સાથે તાવ હોય ત્યારે આ ઔષધિ બહુ લાભકારી બને છે. એ જ રીતે આંતરડાની નબળાઈથી થતા વારંવાર ઝાડા કે રક્તાતિસાર અને ગુદભ્રંશ (Proleps of Anus)માં પણ આ ઔષધિ બહુ સારું કામ કરે છે. વળી આમદોષ સંચિત થવાથી આવતા તાવ, સંતત જ્વર, મંદાગ્નિ, અરુચિ અને સતત જ્વરમાં પણ આ ઔષધિ ખૂબ લાભપ્રદ અને નિર્દોષ (સલામત) છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા

 બળદેવપ્રસાદ પનારા