કુટિયોઝિક્કલ (1952) : મલયાલમ કવિ વૈલોટિયળ્ળિ શ્રીધર મેનન(1911–1985)રચિત ખંડકાવ્ય. શિક્ષિત મધ્યમ વર્ગની સમસ્યા આ કાવ્યમાં છે. આ કાવ્યનું વસ્તુ એક ગરીબ દારૂડિયો કવિની જમીન પચાવી પાડી તેની ઉપર ઝૂંપડું બાંધે છે તેને ત્યાંથી હટાવવાનો છે. કવિને આ માનવ સદૈવ ત્રાસરૂપ લાગે છે અને કવિ આનાથી લાચારી અનુભવે છે. કાવ્યનો સ્વપ્નદ્રષ્ટા નાયક કવિ દલિત-દરિદ્રોની ઉન્નતિ ઇચ્છે છે, પરંતુ સ્વાર્થ તેને મજદૂરો પ્રત્યે ઘૃણા કરવા પ્રેરે છે. આમ આદર્શ અને યથાર્થ વચ્ચે કવિના આધુનિક માનવહૃદયમાં ચાલતા અંતર્દ્વન્દ્વને તે આ કાવ્યમાં વાચા આપે છે. જીવનની બાહ્ય વાસ્તવિકતા પ્રતિ કવિના આંતર મનમાં પડતો પ્રત્યાઘાત જો મહાન કવિતા કહી શકાય તો ‘કુટિયોઝિક્કલ’ એક ઉચ્ચ કોટિનું કાવ્ય છે. તેનું વાચન ઉદાત્ત અને તાજગીભર્યો અનુભવ બનવા ઉપરાંત વાચકના અંતરને હચમચાવી મૂકે છે.

અક્કવુર નારાયણન્