કુઝુલ કડફીસીસ (પહેલી સદી) : કુશાન વંશનો પ્રથમ રાજવી. તેના સિક્કા કાબુલ તેમજ વાયવ્ય પ્રદેશમાંથી મળી આવ્યા છે. તે પ્રદેશમાં તે રાજ્ય કરતો. એની પહેલાં કાબુલમાં યવનોની સત્તા હતી. હર્મિયસ નામે યવન એ પ્રદેશ પર રાજ્ય કરતો. તક્ષશિલા પર કુઝુલ કડફીસીસની સત્તા હતી. તેને કી-પીનનો સ્વામી કહેવામાં આવ્યો છે. આ કી-પીનને આજના વિદ્વાનો કાશ્મીર તરીકે ઓળખાવે છે. પશ્ર્ચિમમાં પાર્થિયન રાજ્ય સુધી અને પૂર્વમાં સિંધુ નદી સુધી તેની સત્તા હતી. તે બૌદ્ધધર્મી હતો. તેણે ‘દેવપુત્ર’ અને ‘ધ્રમથિદ’ (ધર્મસ્થિત) જેવાં બિરુદો ધારણ કર્યાં હતાં. તે 80 વર્ષ જીવ્યો. તે ઈ. સ. 35માં મૃત્યુ પામ્યો હોવાનું જણાય છે. બી. જી. ગોખલે તેનું મૃત્યુ ઈ. સ. 56માં, સ્મિથ ઈ. સ. 85માં અને વિદ્યાલંકાર ઈ. સ. 35માં થયું હોવાનું જણાવે છે.

જ. મ. શાહ