કુઝનેટ્સ સાયમન (સ્મિથ)

January, 2008

કુઝનેટ્સ સાયમન (સ્મિથ) (જ. 30 એપ્રિલ 1901, ખાર્કોવ, યુક્રેન, અ. 8 જુલાઈ 1985, કેમ્બ્રિજ, અમેરિકા) : નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી તથા કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ અંગે મહત્ત્વનું સંશોધન કરનાર વિશ્વવિખ્યાત નિષ્ણાત. પિતાએ 1907માં તથા પુત્ર સાયમને 1922માં અમેરિકામાં સ્થળાંતર કર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. (1923), એમ.એ. (1924) તથા પીએચ.ડી.(1926)ની પદવીઓ મેળવ્યા પછી 1927માં ન્યૂયૉર્ક ખાતેના ‘નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનોમિક રિસર્ચ’ સંસ્થામાં વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. અમેરિકામાં રાષ્ટ્રીય આવકનાં વલણો, આર્થિક સમય-શ્રેણી વિશ્લેષણ અને તેના પાયા પર રાષ્ટ્રોના આર્થિક વિકાસ અંગે તેમણે હાથ ધરેલો અભ્યાસ  આ બધા અભ્યાસ આ સંસ્થા સાથેના તેમના ત્રીસ વર્ષ(1930-60)ના સંબંધનું પરિણામ ગણાય છે. 1930–54ના ગાળામાં પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં, 1954-60 દરમિયાન જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં અને તે પછી 1960-71 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય કર્યું. 1971માં ત્યાં જ સંમાન્ય અધ્યાપક (professor emeritus) નિમાયા અને તે જ વર્ષે તેમને અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું.

તેમનું મોટાભાગનું સંશોધન જનસંખ્યા અને માથાદીઠ આવકના આંતરસંબંધને સ્પર્શે છે. સ્થિર જનસંખ્યા ધરાવતા દેશો આર્થિક વૃદ્ધિનો ઊંચો દર હાંસલ કરવામાં કેમ સફળ થયા છે તે સમજાવવામાં તેમના સંશોધને અગત્યનો ભાગ ભજવ્યો છે. કુલ રાષ્ટ્રીય પેદાશ માપવા માટે રાષ્ટ્રીય આવકની આંકડાકીય પદ્ધતિ વિકસાવવામાં તેમણે મહત્ત્વની કામગીરી કરી છે. વસ્તીનું માળખું, શ્રમની ગુણવત્તા, ટૅક્નૉલૉજી, બજાર, વ્યાપાર, સરકારી માળખું જેવી અનેક બાબતોની અધિકૃત માહિતી અને તેની વિગતોને આધારે જ કોઈ પણ અર્થતંત્રનું વિશ્વસનીય મૉડલ તૈયાર કરવું ઇષ્ટ ગણાય તેવું તેમનું તારણ છે. આર્થિક વૃદ્ધિના દરોમાં થતી ચક્રાકાર ઊથલપાથલ અંગે ‘નૅશનલ પ્રૉડક્ટ સિન્સ 1869’ (1946) નામના તેમના ગ્રંથમાં કરેલું વિશ્લેષણ ‘કુઝનેટ્સ સાઇકલ’ તરીકે ઓળખાય છે.

કુઝનેટ્સ સાયમન (સ્મિથ)

ભારતની રાષ્ટ્રીય આવક સમિતિના સભ્ય, પ્રજાસત્તાક ચીનના આર્થિક સલાહકાર, સમાજવિદ્યાઓને લગતા આંતરરાષ્ટ્રીય વિશ્વકોશના સંપાદકમંડળના સલાહકાર જેવાં અનેક પદો તેમણે શોભાવ્યાં છે.

તેમનો ગ્રંથ ‘નૅશનલ ઇન્કમ ઍન્ડ ઇટ્સ કૉમ્પોઝિશન 1919-38’ (1941) શ્રેષ્ઠ કોટિનો ગણાય છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ઇન્કમ ઍન્ડ વેલ્થ ઇન ધ યુ. એસ. : ટ્રેન્ડ્સ ઍન્ડ સ્ટ્રક્ચર્સ’ (1952), ‘મૉડર્ન ઇકૉનોમિક ગ્રોથ’ (1966), ‘ઇકૉનોમિક ગ્રોથ ઑવ્ નેશન્સ’ (1971) તથા ‘ગ્રોથ, પૉપ્યુલેશન ઍન્ડ ઇન્કમ ડિસ્ટ્રિબ્યૂશન : સિલેક્ટેડ એસેઝ’ (1979) નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે