કુચેલવૃત્તમ્ (અઢારમી સદી) : મલયાળમ કવિતા. આ કાવ્ય કુચેલ અથવા સુદામા વિશે અઢારમી સદીના કવિ રામપુરત વારિયારે રચ્યું છે. મલયાળમ કવિતામાં છંદ વંચિપ્પાટ્ટુ અથવા નૌકાગીતનો સૌપ્રથમ ઉપયોગ કર્યો છે. એમ કહેવાય છે કે કવિ ત્રિવેન્દ્રમના રાજાને મળવા જતા હતા ત્યારે એક જ રાતમાં માર્ગમાં આ કાવ્ય રચીને તેમણે તે રાજાને ભેટ આપેલું. આ સુંદર રચના કવિની કવિત્વશક્તિ, સરળ શૈલી અને ઊંડી પ્રભુભક્તિની સાક્ષી પૂરે છે. ગરીબ કુચેલ, તેની પત્ની અને ભગવાન કૃષ્ણનું એટલું જીવંત અને તેજસ્વી આલેખન થયું છે કે તે વાચકના મન પર હંમેશ માટે અંકિત થઈ જાય છે. આ કથાવસ્તુ વિશે તેમની પહેલાં અને પછી બીજા કવિઓએ પણ કાવ્યો લખ્યાં છે; છતાં વારિયારની આ કૃતિ તેમાં સર્વોપરિ છે, તે કારણે જ તે મલયાળમ સાહિત્યની શિષ્ટમાન્ય રચના ગણાય છે.
અક્કવુર નારાયણન્