કુચિપુડી : ભારતની શાસ્ત્રીય પરંપરાની એક પ્રકારની નૃત્યનાટિકા. તેનાં બે સ્વરૂપો : નાટ્યમેળ અને નટુઅમેળ. બ્રાહ્મણો ભજવતા તે નૃત્યનાટિકા ‘નાટ્યમેળ’ કહેવાતી અને દેવદાસીઓની મંડળીઓ જે ભજવતી તે ‘નટુઅમેળ’ કહેવાતી, જે નૃત્યપ્રધાન હતી. તેનો ઉદભવ આંધ્રપ્રદેશમાં થયો હતો. દેવદાસી પરંપરામાં દાખલ થયેલ વિકૃતિઓ દૂર કરવા માટે નૃત્ય અને સંગીતના વિશારદોએ કરેલા પ્રયાસોમાંથી આ શૈલીનો ઉદભવ થયો હશે એમ મનાય છે. કુચિપુડી નૃત્યશૈલીનું નામ કુચિપુડી નામક ગામ પરથી પડેલું છે જે મસુલીપટમથી આશરે 23 કિમી. અંતરે આવેલું છે. કાકતીય રાજાઓના શાસનકાળ દરમિયાન, ખાસ કરીને ગણપતિદેવના અરસામાં કલાઓને ઘણું ઉત્તેજન મળ્યું હતું અને તેમના સમયમાં બંધાયેલાં રામય્યા અને હનુમકોંડ જેવાં મંદિરોનાં શિલ્પોમાં આ નૃત્યકલા કંડારાયેલી જોવા મળે છે.

આ નૃત્યશૈલીનો પ્રારંભ ક્યારે થયો તે કહેવું મુશ્કેલ છે. છતાં તેનો પહેલવહેલો ઉલ્લેખ સોળમી સદીના વિજયનગર સામ્રાજ્યના રાજા વીર નરસિંહરાયના શાસન દરમિયાનના સ્થાનિક દફતરમાં જોવા મળે છે. તેમના શાસનકાળ દરમિયાન કુચિપુડીની એક નૃત્યનાટક મંડળી વિજયનગર આવેલી. રાજાને તેની નૃત્યનાટિકા જોવાની ઇચ્છા થતાં રાજમહેલમાં તેનો એક પ્રયોગ રજૂ કરવામાં આવેલો, જેમાં તત્કાલીન સંસ્થાન અધિકારીના અંધેર શાસન તથા ગેરવહીવટ પર પ્રકાશ પાડવામાં આવેલો. રાજા આ નૃત્યનાટિકા જોઈને ખૂબ પ્રભાવિત થયા અને તરત જ તેમણે ગેરવહીવટ દૂર કરવાના ઉપાયો યોજ્યા હતા. આવી નૃત્યનાટક મંડળીઓ તે જમાનામાં પૌરાણિક કથાઓ પર આધારિત ધાર્મિક અને ભક્તિરસથી ઓતપ્રોત પ્રયોગો રજૂ કરતી હતી. શાસ્ત્રીય નૃત્યકલાના વિકાસ અને પ્રસારમાં તેમની નિષ્ઠા અને તેમના ઉત્સાહે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વિજયનગર સામ્રાજ્યની પડતી પછી તંજાવુરના નાયક શાસકોના સમયમાં અચ્યુતય્યા નાયકે (1561-1614) આ કલાકારોને આશ્રય આપ્યો હતો. કેટલાક કુચિપુડી કલાકારો તે પછી મેલાત્તુરમાં વસ્યા હતા અને તેલુગુ ભાષામાં યક્ષગાન રજૂ કરતા હતા જેને ભાગવતમેળા તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં કુચિપુડી એક મહત્વના સાંસ્કૃતિક કેન્દ્ર અને કલાના ધામ તરીકે વિકસ્યું હતું અને ત્યાં ક્ષેત્રજ્ઞ, તીર્થનારાયણ યતિ અને સિદ્ધેંદ્ર યોગી જેવા ઉચ્ચ કોટીના નૃત્ય અને સંગીતના વિશારદો પેદા થયા હતા. તેમણે રચેલી ‘તરંગ’ કૃતિઓ સૂક્ષ્મ લય અને તાલ માટે ખૂબ અનુકૂળ હતી અને ભાગવતમેળાના કલાકારોએ તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. આ તરંગનૃત્ય આજે પણ કુચિપુડી નૃત્યની આગવી લાક્ષણિકતા ગણાય છે. આ જ અરસામાં કુચિપુડીના સિદ્ધેંદ્ર યોગીએ ‘પારિજાતહરણ’ નામે નૃત્યશૈલીની રચના કરી જે એક ઉત્તમ રચના ગણાય છે. સિદ્ધેંદ્ર યોગીએ કુચિપુડીનાં કલાકાર-કુટુંબો પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે તે તેમના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એક વાર સત્યભામાનું પાત્ર ભજવશે. તે મુજબ ત્યાંનાં કુટુંબોએ આ પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને તેથી આ કલાસ્વરૂપની પરંપરા આજદિન સુધી ચાલુ રહી છે.

કુચિપુડી નૃત્ય

કુચિપુડી કલાકારો તથા મેલાત્તુર કલાકારો જે નૃત્યનાટિકાઓ રજૂ કરે છે તે નીચે મુજબ છે :

કુચિપુડી : (1) ભામાકલાપમ્, (2) ગોલ્લાકલાપમ્, (3) પ્રહલાદચરિત્રમ્, (4) ઉષાપરિણયમ્, (5) શશિરેખાપરિણયમ્, (6) મોહિની રુક્માંગદા (7) હરિશ્ચંદ્ર, (8) ગયોપાખ્યાનમ્, (9) રામનાટકમ્, (10) રુક્મિણીકલ્યાણમ્.

મેલાત્તુર : (1) પ્રહલાદચરિત્રમ્, (2) ઉષાપરિણયમ્, (3) રુક્માંગદા, (4) હરિશ્ચંદ્ર, (5) માર્કેંડેય, (6) સીતાકલ્યાણમ્, (7) રુક્મિણીકલ્યાણમ્, (8) ધ્રુવચરિત્રમ્, (9) કંસવધ, (10) ભસ્માસુરવધ, (11) શિવરાત્રિવૈભવમ્, (12) ગોલ્લા ભામા.

આ બધી નૃત્યનાટિકાઓ તેલુગુ ભાષામાં જ ભજવાય છે. આજે પણ મેલાત્તુરમાં પ્રતિવર્ષ વૈશાખ માસમાં આ રચનાઓ ભજવાય છે.

કુચિપુડીના ભ્રમણ કરતા બ્રાહ્મણ કલાકારો મંદિરો તથા સંસ્થાનોની દેવદાસીઓ અને રાજદાસીઓના સંપર્કમાં આવ્યા અને બંનેએ એકબીજાની કલાઓનો વિનિમય કર્યો. કુચિપુડી કલાકારોએ દેવદાસીઓની જે કલા અપનાવી તેને તે પોતાની આગવી શૈલીમાં ઢાળીને રજૂ કરતા.

કુચિપુડીના કલાકારોને સંસ્કૃત તથા તેલુગુ ભાષાની તાલીમ આપવામાં આવતી હતી. તેમને ભરતના ‘નાટ્યશાસ્ત્ર’, નંદિકેશ્વરના ‘અભિનયદર્પણ’ તથા ભાનુદત્ત મિશ્રના ‘રસમંજરી’ જેવા શાસ્ત્રીય ગ્રંથોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તેમને નૃત્ત, નૃત્ય અને અભિનયની ઊંડી તાલીમ આપવામાં આવતી. તેમને સંગીતશાસ્ત્રનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો.

નૃત્યનાટિકામાં નિષ્ણાત કુચિપુડી કલાકારોની શૈલી ઘણે અંશે મેલાત્તુરની ભાગવત મેલાની શૈલી સાથે સામ્ય ધરાવે છે. કુચિપુડી કલામંડળીઓ ભ્રમણ કરતી હોય છે અને તેમના પ્રયોગો ગામના મંદિર સામે કામચલાઉ મંડપોમાં ભજવાય છે. પ્રેક્ષકો ખુલ્લામાં બેસીને આખી રાત પ્રયોગો નિહાળે છે. કલાકાર પોતે જ પોતાની ઓળખ આપે છે. કલાકારની પાછળ સંગીતવૃંદ ઊભાં ઊભાં જ વાદ્યો વગાડે છે. સંગીતવૃંદમાં મૃદંગ અને વાંસળીનો ઉપયોગ થાય છે. મંડળીનો નાયક હાથમાં મંજીરા સાથે પ્રયોગનું સંચાલન કરે છે.

કુચિપુડીની પ્રખ્યાત નૃત્યનાટિકા ભામાકલાપમ્ છે. તે શૃંગારકાવ્ય છે. તેમાં નાટ્ય, સંગીત તથા તાલનો સુંદર સમન્વય થયેલો હોય છે.

કુચિપુડી શૈલીની એક બીજી ખાસિયત ‘પગતિવેશમ્’ છે, જે દિવસ દરમિયાન ભજવાય છે; તેમાં વિવિધ પ્રકારના ચિત્રવિચિત્ર પોશાકોનો ઉપયોગ થતો હોય છે અને તેની દ્વારા સામાજિક જીવનનાં વિવિધ પાસાંનું વ્યંગપૂર્ણ નિરૂપણ કરવામાં આવે છે.

મૃણાલિની સારાભાઈ

અનુ. ગોવર્ધન પંચાલ