કુંભા રાણા (જ. 1428; અ. 1488) : સિસોદિયા વંશના મેવાડના પ્રખ્યાત રાજવી અને વિદ્વાન. પિતા મોકલ અને માતા હંસાબાઈ. પિતાનું મૃત્યુ 1433માં થતાં ગાદી મળી. સગીર અવસ્થા દરમિયાન મોટા સાવકા ભાઈ ચુન્ડા તથા મામા રાઠોડ રણમલે કારભાર સંભાળ્યો હતો. મામા રણમલનું 1438માં ખૂન થયું હતું. પ્રારંભનાં સાત વરસ દરમિયાન મારવાડ અને માળવા સાથે સંઘર્ષમાં કુંભાજીની જીત થઈ હતી. માળવા ઉપર વિજય મેળવ્યા બાદ 1448માં તેમણે ચિતોડમાં કીર્તિસ્તંભ બંધાવ્યો હતો. નાગોરમાં ગાદી માટે તકરાર થતાં રાણાએ 1454માં હસ્તક્ષેપ કરી મુજાહિદખાનને તેની સાર્વભૌમ સત્તા સ્વીકારવાની શરતે મદદ કરી અને ગુજરાતની ફોજને હાર આપી. 1456માં ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને અગાઉની હારનું વેર લેવા કુંભલગઢ ઉપર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો. માળવાના સુલતાન મહમૂદશાહ ખિલજીએ 1457માં મેવાડ ઉપર ચડાઈ કરી. મારવાડનો ગાદીવારસ જોધાજી પણ તેમાં ભળ્યો. આમ, ચારેબાજુ દુશ્મનોથી ઘેરાઈ જતાં રાણાએ સંધિ કરી. કુંભલગઢ લેવામાં ગુજરાતના સુલતાનને સફળતા મળી ન હતી. કુંભાજીએ શિરોહી અને નાગોર જીતી લીધાં હતાં. કુંભાજીના જીવનનો બે તૃતીયાંશ ભાગ લડાઈમાં ગયો હતો, પણ છેલ્લાં દસ વરસો શાંતિમાં ગયાં હતાં.
રાણાએ મેવાડના 84 કિલ્લા પૈકી કુંભલગઢ સહિત 32 કિલ્લા, કુંભસ્વામી અને આદિવરાહનાં મંદિરો, તળાવો વગેરે બંધાવ્યાં હતાં. એકલિંગજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ચિતોડનો કીર્તિસ્તંભ તેનું જીવંત સ્મારક છે.
તે વિદ્વાન હતા અને તેમણે સંગીતના ત્રણ ગ્રંથો, ચંડીશતક, ગીતગોવિંદની ટીકા તથા ચાર નાટકો અને શિલ્પશાસ્ત્રના ગ્રંથો લખ્યા હતા. તેમની છેલ્લી અવસ્થામાં તે ગાંડા થઈ ગયા હતા અને તેમના પુત્રે તેમનો કટારથી ઘાત કર્યો હતો.
શિવપ્રસાદ રાજગોર