કુંભારિયાનાં જૈન મંદિરો : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ ઉપર પાંચ જૈન મંદિરોની શ્રેણી આવેલી છે. આ મંદિરો ભીમદેવ પહેલાના (ઈ.સ. 1022-1064) શાસન દરમિયાન તેના મંત્રી અને દંડનાયક વિમલ શાહે બંધાવેલાં કહેવાય છે. નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ અને સંભવનાથનાં આ મંદિરો છે. અહીં ગર્ભગૃહથી આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ અને શૃંગારચોકી છે. આ પાંચ અંગોને કારણે આ મંદિરો પંચાંગી કહેવાય છે. સંભવનાથ સિવાયનાં ચાર જૈન મંદિરોની ચારે બાજુએ આયાતકાર પ્રાસાદ આગળ સ્તંભોની હાર સહિત પરિસરમાં ચોવીસ દેરીઓની હારમાળા છે. આથી, આ મંદિરો ચોવીસી કે ચોવીસ કે ચતુર્વિશતિ જિનાલય તરીકે ઓળખાય છે.

બધાં મંદિરો પૈકી નેમિનાથનું મંદિર સૌથી મોટું અને વિશાળ છે. આ ઉત્તરાભિમુખ મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, દશ ચોકીઓનો ત્રિકમંડપ – સભામંડપ, શૃંગારચોકી અને ચોવીસ દેવકુલિકાઓ ધરાવે છે. મંદિરનું ઉન્નત શિખર તારંગાના અજિતનાથના મંદિરના શિખરને મળતું છે. મૂળ ગભારામાં નેમિનાથની મૂર્તિ છે. ગૂઢ મંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગ્ગિયા પ્રતિમા છે. અહીં છ ચોકીને બદલે બે હારમાં દશ ચોકી છે. ડાબા હાથ તરફની ચોકીના ગોખમાં નંદીશ્વરદીપની રચના છે, જ્યારે જમણા હાથ તરફની ચોકીના એક ગવાક્ષ(ખત્તક)માં અંબાજીની સુંદર મૂર્તિ છે. એવી જ રીતે સભામંડપની પરિકરયુક્ત ભવ્ય પાર્શ્વનાથની મૂર્તિ છે. મંદિરની પીઠમાં ગજથર, નરથર, યક્ષ-યક્ષિણીનાં ને દેવલીલાનાં ર્દશ્યો તથા મિથુનશિલ્પો છે. મંડોવર પણ કોતરણીવાળો છે. સ્તંભો અને વિતાનોના ઘાટ આબુનાં મંદિરોને મળતા છે. કુલ ચોરાણું સ્તંભો છે. એમાં દેવ-દેવીઓ અને વિધાધરીઓનાં રેખાંકનો છે. મંદિરનો રંગમંડપનો કરોટક સુંદર કોતરકામવાળો છે.

કુંભારિયાનાં જૈન મંદિરો

મહાવીર સ્વામીનું મંદિર : ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ અને શૃંગારચોકી તેમજ સોળ દેવકુલિકાઓનું બનેલું છે. બાકીની આઠ દેરીને બદલે ખત્તકોની રચના કરાઈ છે. ગર્ભગૃહમાં મહાવીરની એકતીર્થી પરિકરયુક્ત પ્રતિમા છે. મંદિરમાં શિલાલેખો છે.

પાર્શ્વનાથનું મંદિર : મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગારચોકીઓ અને બંને બાજુએ થઈને 24 દેરીઓ છે. આ છ અંગવાળું મંદિર છે.

શાંતિનાથનું મંદિર : તેની રચના મહાવીર સ્વામીના મંદિર જેવી છે. આ મંદિરમાં પણ પાર્શ્વનાથના મંદિર માફક ષડંગી રચના છે. જગતીસંલગ્ન પૂર્વ અને પશ્ચિમના પ્રવેશ ગૂઢમંડપનાં બંને દિશાનાં પ્રવેશદ્વારો સ્તંભોની હારયુક્ત પરિસરથી જોડાયેલાં છે.

સંભવનાથનું મંદિર : ગર્ભગૃહ અને મંડપની વચ્ચે અહીં અંતરાલની યોજના છે. મંડપની આગળ શૃંગારચોકી છે. આ ચાર અંગવાળું મંદિર છે.

કુંભારિયાનાં મંદિરો સ્થાપત્ય, બાંધણી, આકાર વગેરે બાબતોમાં આબુનાં મંદિરોને મળતાં છે. સ્તંભો, દ્વાર અને છતોમાં કરેલું કોતરકામ આબુ-દેલવાડાનાં મંદિરોને મળતું છે, પણ વારંવાર જીર્ણોદ્ધારના કારણે તેની પ્રાચીન કલા નષ્ટ થઈ છે. છતોમાં એની ઉત્કૃષ્ટતા દેખાઈ આવે છે.

વિમલવસતિ દંતકથા પ્રમાણે અંબાજીએ વિમલ શાહને આ મંદિરો બાંધવા પ્રેરણા આપી હતી. આવાં 105 મંદિરો હતાં, પણ તેના અભિમાનયુક્ત જવાબને કારણે પાંચ સિવાયનાં બીજાં મંદિરો નષ્ટ થયાં. નેમિનાથના મંદિરમાં વિ. સં. 1305નો લેખ છે. ઉપદેશ સપ્તતિ પ્રમાણે આરાસણના રહેવાસી ગોગા મંત્રીના પુત્ર પાસિલે નેમિનાથ ભગવાનનું મંદિર બનાવ્યું હતું અને દેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. અન્ય મંદિરોનાં પરિકરો, ગાદીઓ, દેરીઓ ઉપર વિ.સં. 1118થી 1134 સુધીના લેખો છે. વિ.સં. 1675માં મહા માસના શુક્લ પક્ષની ચોથના દિવસે જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં વિજયદેવસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી.

શિવપ્રસાદ રાજગોર